વિવિધ વિભાગ
News of Monday, 11th January 2021

સરકારી મહેમાન

શાસ્ત્રીજીને સલામ : શાસકોએ જોવું જોઇએ કે લોકો પ્રશાસન માટે કેવી પ્રતિક્રિયા આપે છે

દેશના કૃષિ ઉત્‍પાદનમાં આત્‍મનિર્ભરતા માટે ‘જય જવાન જય કિસાન' નો નારો પ્રસિદ્ધ કર્યો : યુદ્ધ દરમ્‍યાન ભૂખમરામાં પગાર લેવાનો બંધ કર્યો, સપ્તાહમાં એક ઉપવાસની અપીલ કરી : ઘરમાં બઘાં ‘નન્‍હે' કહેતા, પગે ચાલીને સ્‍કૂલે જતા, કાશીમાં સ્‍નાતક બાદ શાષાી નામ મળ્‍યું

વિરલ વ્‍યક્‍તિત્‍વ અને સાદાઇના માલિકા એવા લાલ બહાદુર શાષાી જેવા વડાપ્રધાન ભારતને ફરી મળી શકે તેમ નથી, કારણ કે આ રાજકીય નેતા ડાઉન ટુ અર્થ હતા. અત્‍યારે કિસાન આંદોલન ચાલી રહ્યું છે ત્‍યારે ખરા અર્થમાં કિસાનોના હમદર્દ અને સંકટમોચન એવા શાષાીજીનો જન્‍મ બીજી ઓક્‍ટોબર ૧૯૦૪માં ઉત્તરપ્રદેશના વારાણસીથી સાત માઇલ દૂર એવા એક નાનકડા રેલવે ટાઉન મુગલસરાયમાં થયો હતો. તેમના પિતા એક સ્‍કૂલ શિક્ષક હતા. લાલ બહાદુર જયારે દોઢ વર્ષના હતા ત્‍યારે તેમના પિતાનું નિધન થયું હતું. તેમની માતા ત્રણ સંતાનો સાથે પોતાના પિતાના ઘરે જઇને વસ્‍યા હતા. નાના શહેરમાં તેમની સ્‍કૂલની શિક્ષા ખાસ રહી ન હતી.

દહેજમાં ચરખો અને થોડું કાપડ લીધું હતું

ગરીબીનો માર પડવા છતાં બાળપણ આનંદરૂપ હતું. તેઓ પગે ચાલીને સ્‍કૂલે જતા હતા. ઘરમાં બઘાં તેમને નન્‍હે કહીને બોલાવતા હતા. વારાણસીમં કાકાના ઘરે રહેવા મોકલ્‍યા પછી તેમણે ઉચ્‍ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. ૧૧ વર્ષની ઉંમરે લાલ બહાદુર શાસ્ત્રીજી વિદેશી ગુલામીમાંથી આઝાદી માટે દેશના સંઘર્ષમાં વધારે રસ દાખવતા થયા હતા. ૧૯૨૦માં તેઓ આઝાદીની પહેલી લડાઇમાં જોડાઇ ગયા હતા. સ્‍વાધિનતા સંગ્રામમાં તેમની ભૂમિકા મહત્‍વની રહી હતી. ૧૯૨૭માં તેમના લગ્ન મિરઝાપુરના લલિતા દેવી સાથે થયા હતા. તેમના લગ્ન બઘી રીતે પારંપરિક હતા પરંતુ દહેજમાં માત્ર એક ચરખો અને હાથથી વલેણું થોડું કાપડ હતું. તેઓ બીજું કંઇ ઇચ્‍છતા ન હતા. તેમને સંતાનમાં છ બાળકો હતા. ૧૯૩૦માં મહાત્‍મા ગાંધીએ મીઠાનો કાયદો તોડીને જયારે દાંડીયાત્રા કરી ત્‍યારે તેઓ જોશભેર સ્‍વતંત્રતાના સંઘર્ષમાં સામેલ થયા હતા.

ઉત્તરપ્રદેશથી રાજકીય સફર શરૂ કરી હતી

લાલ બહાદુર શાસ્ત્રીજી કાશી વિદ્યાપીઠમાં જોડાયા હતા. વિદ્યાપીઠ દ્વારા તેમને આપવામાં આવેલી સ્‍નાતકની ડીગ્રી બાદ તેમને શાસ્ત્રી નામ મળ્‍યું હતું. મહાત્‍મા ગાંધી સાથે આંદોલનમાં ભાગ લેવાના કારણે તેઓ સાત વર્ષ બ્રિટીશ જેલોમાં રહ્યાં હતા. ૧૯૪૬માં જયારે કોંગ્રેસ સરકારનું ગઠન થયું ત્‍યારે આ નાના કાર્યકરને દેશના શાસનમાં રચનાત્‍મક ભુમિકા નિભાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. શરૂઆતમાં તેમને પોતાના ગૃહરાજય ઉત્તરપ્રદેશના સંસદીય સચિવ તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા હતા અને ઝડપથી તેઓ કેન્‍દ્રના ગૃહમંત્રી સુધી પહોંચી ગયા હતા. દેશને સ્‍વતંત્રતા પ્રાપ્ત થયા પશ્ચાત શાસ્ત્રીજીને ઉત્તર પ્રદેશ રાજયના સંસદીય સચિવ તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા હતા. ત્‍યારબાદ તેઓ ગોવિંદ વલ્લભ પંતના મુખ્‍યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પ્રહરી તેમજ યાતાયાત મંત્રી બન્‍યા હતા.

રેલવે મંત્રાલયમાંથી રાજીનામું અદ્દભૂત કિસ્‍સો

યાતાયાત મંત્રી તરીકેના સમય દરમિયાન તેમણે પ્રથમ વાર મહિલાને બસ-સંવાહક (બસ-કંડક્‍ટર) તરીકેના પદ પર નિયુક્‍ત કરી નવો ચીલો ચાતર્યો હતો. પ્રહરી વિભાગના મંત્રી થયા બાદ એમણે ભીડને નિયંત્રણમાં રાખવા માટે લાઠી પ્રહારને બદલે પાણી છાંટવાનો પ્રયોગ શરૂ કરાવ્‍યો હતો. ૧૯૫૧ના વર્ષમાં, પંડિત જવાહરલાલ નહેરૂના નેતૃત્‍વમાં તેમને અખિલ ભારત કોંગ્રેસ કમિટીના મહાસચિવ તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા હતા. આઝાદી પછી તેઓ ૧૯૫૧માં દિલ્‍હી ગયા હતા અને કેન્‍દ્રીય મંત્રીમંડળના ઘણાં વિભાગોનો હવાલો તેમણે સંભાળ્‍યો હતો. તેમણે રેલવે, પરિવહન અને સંચાર વિભાગ, વાણિજય અને ઉદ્યોગના વિભાગ તેમજ ગૃહ મંત્રાલયનો હવાલો સંભાળ્‍યો હતો. તે સમયે વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ જયારે બિમાર પડ્‍યા હતા ત્‍યારે તેઓ મંત્રાલય વિના મંત્રી રહ્યાં હતા. એક રેલવે દુર્ઘટના સમયે ઘણાં લોકો માર્યા ગયા ત્‍યારે સંવેદના સભર તેમણે પોતાને જવાબદાર ગણીને મંત્રીપદેથી રાજીનામું આપી દીધું હતું. દેશ અને સંસદે તેમની આ અભૂતપૂર્વ પહેલને બિરદાવી હતી.

વસ્‍તુને નજીકથી પારખવાની અપાર શક્‍તિ

રેલવે દુર્ઘટના પછી મંત્રાલયના હોદ્દામાંથી રાજીનામું આપવાની ઘટના અંગે તે સમયે વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ સંસદમાં શાત્રીજીની ઇમાનદારી અને ઉચ્‍ચ આદર્શોની ખૂબ પ્રસંશા કરી હતી. તેમણે કહ્યું હતું કે  લાલ બહાદુર શાસ્ત્રીજીનું રાજીનામું એટલા માટે સ્‍વિકાર્ય નથી કે જે કંઇ પણ થયું છે તેમના માટે તેઓ જવાબદાર નથી પરંતુ એટલા માટે સ્‍વિકાર્યું છે કે તેનાથી બંધારણીય મર્યાદામાં એક દાખલો બેસશે. રેલવે દુર્ઘટના પર લાંબી ચર્ચાનો જવાબ આપતા લાલ બહાદુરજી શાસ્ત્રીજીએ કહ્યું હતું કે ‘કદાચ હું લંબાઇમાં ટૂંકો હોવાથી તેમજ નમ્ર હોવાને કારણે લોકોને લાગે છે કે હું બહું દ્રઢ નથી થઇ શકતો. જોકે શારીરિક રીતે હું મજબૂત નથી પરંતુ મને લાગે છે કે આંતરિક રીતે હું એટલો પણ કમજોર નથી.' તેઓ પોતાના મંત્રાલયના કામકાજ દરમિયાન પણ તેઓ કોંગ્રેસ પાર્ટી સંબંધિત બાબતોનું ધ્‍યાન રાખતા હતા. ૧૯૫૨,૧૯૫૭ તેમજ ૧૯૬૨દ્ગક સામાન્‍ય ચૂંટણીઓમાં પાર્ટીની નિર્ણાયક તેમજ જબરદસ્‍ત સફળતામાં તેમની સંગઠનની પ્રતિભા તેમજ વસ્‍તુને નજીકને પારખવાની અદભુત ક્ષમતાનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના દેહાવસાન પછી તેમણે ૯મી જૂન ૧૯૬૪ના રોજ વડાપ્રધાન તરીકેનો પદભાર ગ્રહણ કર્યો હતો.

ભૂખમરામાં સપ્તાહમાં એક ઉપવાસની અપીલ...

૧૯૬૪માં જયારે તેઓ વડાપ્રધાન બન્‍યાં ત્‍યારે શાસનકાળ દરમ્‍યાન ૧૯૬૫માં ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે યુદ્ધ થયું હતું. તે સમયે દેશમાં ભયાનક દુકાળ પડ્‍યો હતો અને ખાદ્યચીજોની અછત વર્તાઇ હતી. આ સંકટને ટાળવા માટે તેમણે પ્રત્‍યેક દેશવાસીને સપ્તાહમાં એક દિવસ ઉપવાસ કરવાની સલાહ આપી હતી. તેઓ કહેતા હતા કે સખત મહેનત એ પ્રાર્થના કરવા સમાન છે. શાસન કરનારા લોકોએ જોવું જોઇએ કે લોકો પ્રશાસન માટે કેવી પ્રતિક્રિયા આપે છે. યુદ્ધ દરમ્‍યાન દેશ જયારે કપરા સમયમાંથી પસાર થઇ રહ્યો હતો ત્‍યારે શાસ્ત્રીજીએ પગાર લેવાનો બંધ કર્યો હતો. તેમના ઘરમાં કામ કરવા આવનારી મહિલાને કામે આવવાની ના પાડી દીધી હતી અને ઘરના કામ તેઓ જાતે કરતા હતા. દેશ અનાજની અછતથી પિડાઇ રહ્યો હતો. અમેરિકાએ ભારતમાં નિકાસને રોકી દેવાની ધમકી આપી હતી. સપ્તાહમાં એક દિવસ ઉપવાસ કરવાની તેમની અપીલની એટલી ધારદાર અસર થઇ કે કેટલાય દિવસો સુધી રેસ્‍ટોરન્‍ટ અને હોટલોએ પણ પાલન કરવાનું શરૂ કર્યું હતું.

વડાપ્રધાન પદે તેઓ દિવસ સુધી રહ્યાં

૩૦થી વધુ વર્ષો સુધી પોતાની સમર્પિત સેવા દરમિયાન લાલ બહાદુર શાષાી પોતાની નિષ્ઠા તેમજ ક્ષમતા માટે લોકોમાં ખૂબ પ્રસિદ્ધ થયાં હતા. વિનમ્ર, દ્રઢ, સહિષ્‍ણુ તેમજ આંતરિક શક્‍તિવાળા શાષાીજી લોકો વચ્‍ચે એવા વ્‍યક્‍તિ બનીને ઉભર્યા હતા કે જેઓ લોકોની ભાવનાને સમજતા હતા. તેઓ ભારતન દેશની ત્રીજી લોકસભાના બીજા સ્‍થાયી વડાપ્રધાન હતા. તેઓ ૯મી જૂન ૧૯૬૪ થી ૧૧મી જાન્‍યુઆરી ૧૯૬૬ દરમ્‍યાન દેશના વડાપ્રધાન તરીકે રહ્યાં હતા. તેમણે એક વર્ષ અને ૧૨૬ દિવસ શાસન કર્યું હતું. ૧૦મી જાન્‍યુઆરી ૧૯૬૬ના રોજ પાકિસ્‍તાન સાથે શાંતિ અંગેના કરાર કર્યાના માત્ર ૧૨ કલાક પછી ૧૧મી જાન્‍યુઆરીએ શાસ્ત્રીજીએ તાશકંદમાં અંતિમ શ્વાસ લીધા હતા. આજે પણ તેમનું નિધન એક રહસ્‍ય છે. તેમના શાસન સમયે પાકિસ્‍તાનમાં ભારતના હાઇકમિશનર તરીકે રહી ચૂકેલા શંકર વાજપેયી કહેતા કે - પ્રમુખ અયૂબ એવું વિચારવા લાગ્‍યા હતા કે હિન્‍દુસ્‍તાન નબળો દેશ છે અને રાજકીય નેતૃત્‍વ પણ કમજોર છે. ભારત-પાકિસ્‍તાન યુદ્ધ પૂર્ણ થયા બાદ તેઓ પાકિસ્‍તાન ગયા હતા.

પુત્રના કહેવાથી બેન્‍ક લોનથી કાર ખરીદી હતી...

શાસ્ત્રીજી જયારે વડાપ્રધાન બન્‍યાં ત્‍યાં સુધી તેમની પાસે પોતાનું ઘર તો દૂરની વાત છે પરંતુ નાની કાર ન હતી. એક વખત શાસ્ત્રીજીના બાળકોએ ફરિયાદ કરી કે તમે વડાપ્રધાન છો હવે આપણી પાસે એક કાર હોવી જોઇએ. એ જમાનામાં ફિયાટ કાર ૧૨૦૦૦ રૂપિયામાં આવતી હતી. તેમણે સચિવને કહ્યું કે, જરા જુઓ તો બેન્‍કના ખાતામાં કેટલા રૂપિયા છે. જોયું તો માત્ર ૭૦૦૦ રૂપિયા હતા. છેવટે તેમણે પંજાબ નેશનલ બેન્‍કમાંથી ૫૦૦૦ રૂપિયાની લોન લઇને કાર ખરીદી હતી. જો કે એક વર્ષ બાદ લોનની ચૂકવણી પહેલાં તેમનું નિધન થયું હતું એટલે ઇન્‍દિરા ગાંધીએ સરકાર તરફથી લોન માફ કરવાની રજૂઆત કરી હતી પરંતુ તેમના પત્‍ની લલિતા શાસ્ત્રીજીએ તેનો અસ્‍વિકાર કર્યો અને શાસ્ત્રીજીના નિધનના ચાર વર્ષ સુધી પેન્‍શનની રકમથી લોન ચૂકવી હતી. આ કાર હજી પણ દિલ્‍હી સ્‍થિત તેમના મેમોરિયલમાં રાખવામાં આવી છે. ‘જય જવાન, જય કિસાન' એ તેમનો નારો હતો. ખરા અર્થમાં તેઓ જવાન અને કિસાનોના નેતા બની રહ્યાં હતા.

-: આલેખન :-

ગૌતમ પુરોહીત

gpurohit09@gmail.com

(10:33 am IST)