વિવિધ વિભાગ
News of Monday, 6th November 2017

સરકારી મહેમાન

અપક્ષનો ઢંઢેરો: રાઇટ ટુ રિકોલ માટે મતદાન થશે તો વિના વિલંબે ધારાસભ્ય પદનો ત્યાગ

વિધાનસભાની ચૂંટણી લડતા અપક્ષ ઉમેદવારનો ચૂંટણી ઢંઢેરો, જે ઉમેદવાર અમલ કરશે તેનો બેડો પાર: પાંચ વર્ષ સુધી જે નેતા મતવિસ્તારને સાચવશે તે અજેય હશે

ભારતની રાજકીય પાર્ટીઓ ચૂંટણી ઢંઢેરો તો બનાવે છે પરંતુ તેનો મલતલ સમજતી નથી પરિણામે બીજી ચૂંટણીમાં તે ધોવાઇ જાય છે. રાજ્યની જનતાને વચનો આપવામાં પાછી પાની નહીં કરતા રાજકારણીઓ જો ઢંઢેરા પ્રમાણે પાંચ વર્ષ સુધી શાસન ચલાવે તો અસલી રામરાજ્યનો અમલ થઇ શકે, પરંતુ તેમના ચાવવાના અન બતાવવાના જુદા હોય છે. આ સંજોગોમાં રાજ્યમાં અપક્ષ ઉમેદવારી કરનારા વ્યક્તિઓ જો પોતાનો સ્વતંત્ર ઢંઢેરો બનાવે તો તે વધુ અસરકારક બને છે, કેમ કે તે વ્યક્તિ લોકો સાથે સતત જોડાયેલો રહે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હંમેશા મુખ્ય બે પાર્ટીઓની સરખામણીએ અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટે છે. 1995ની ચૂંટણીમાં સૌથી વધુ કુલ 2545 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા જેમાં સૌથી વધુ અપક્ષ હતા. અપક્ષ ધારાસભ્યોને પણ તક મળતી હોય છે. સૌરાષ્ટ્રના ખંભાળિયાની બેઠક પર હેમંત માડમ એકમાત્ર એવા નેતા હતા કે જેઓએ સતત ચાર ટર્મ સુધી એટલે કે 20 વર્ષ સુધી અપક્ષ ધારાસભ્ય પદ ભોગવ્યું છે. આટલો મોટો સમયગાળો કોઇ અપક્ષને સાંપડ્યો નથી. તેમની રાજનિતી પર નજર કરીએ તો તેમનો સૌથી મોટો ગુણ મતવિસ્તારની જનતાને પડખે ઉભા રહેવાનો હતો. તેમની મતદારો સાથેની એટલી બઘી આત્મિયતા હતી કે લોકો તેમને જનસેવક તરીકે પૂજતા હતા.

ચૂંટણી પ્રચાર સમય દરમ્યાન રાજકીય પાર્ટીઓ તેમનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડતી હોય છે અને જો સત્તામાં આવે તો મરજી પ્રમાણેનો અમલ કરતા હોય છે, પરંતુ જો અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડે તો તેનો કોઇ ચૂંટણી ઢંઢેરો હોતો નથી. તે માત્ર તેના વિસ્તારની લોકપ્રિયતાને કારણે ચૂંટણી મેદાનમાં ઉભા રહે છે. અપક્ષો માટેનો એક ચૂંટણી ઢંઢેરો અહીં આપ્યો છે, જે અપક્ષ ઉમેદવારને આ ઢંઢેરો સ્વિકારવો હોય તો છૂટ છે. તેઓ આ મુદ્દાઓનો ઉપયોગ કરી શકે છે.

આ ઢંઢેરાની પહેલી પ્રતિજ્ઞા એવી છે કે- વિધાનસભામાં ચૂટાઇને ધારાસભ્ય બને અને લોકોને તેનું કામ પસંદ ન આવે તો ફરીથી તેના મતવિસ્તારમાં બેલેટ મતદાન કરે અને જો તેમાં બહુમત હોય તો તે પળભરનો ય વિલંબ કર્યા વિના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દે...

અપક્ષનો ચૂંટણી ઢંઢેરો..

Ø      હું પ્રજાનો સેવક છું. મારા વિસ્તારની જનતા કહેશે તે કરવા બંધાયેલો છું.

Ø      લાંચ-રૂશ્વત કે ભ્રષ્ટાચારને નિયંત્રણમાં લાવવા સતત પ્રયત્નશીલ રહીશ.

Ø      સરકારના વહીવટમાંથી ભ્રષ્ટ ઓફિસરોને દૂર કરવાનું અભિયાન ચલાવીશ.

Ø      મારા વિસ્તારના નાગરિકોના તમામ દુખ અને સુખના પ્રસંગોમાં હાજરી આપીશ.

Ø      પ્રાઇવેટ વાહન પર ક્યારેય ધારાસભ્યની તકતી ચોંટાડીશ નહીં.

Ø      રાઇટ ટુ રિકોલનું હું પાલન કરીશ અને બીજીવાર ક્યારેય ચૂંટણી લડીશ નહીં.

Ø      મારી ઓફિસ સવારે 7 થી સાંજના 7 સુધી ચાલુ રાખી ફરિયાદો સ્વિકારીશ.

 

મારા વિસ્તારના યુવાનો માટે...

Ø      મારા વિસ્તારના યુવાનો માટે હું નોકરીની તલાશ કરીશ.

Ø      સ્કિલ પ્રમાણે શિક્ષિત ઉમેદવારને કામ મળે તે મારો પ્રયાસ રહેશે.

Ø      શિક્ષણમાંથી કોઇપણ બાળક વંચિત રહે નહીં તેનું ધ્યાન રાખીશ.

Ø      ટ્યુશનપ્રથાની જગ્યાએ વિનામૂલ્યે શિક્ષણ આપતા શિક્ષકોને પ્રોત્સાહિત કરીશ.

Ø      અભ્યાસ પ્રમાણે વિદ્યાર્થીને જોબ મળે તેવો મારો પ્રયાસ રહેશે.

Ø      બેરોજગાર યુવાનોને જોબ મળે તે માટે હું તેની સાથે કંપનીઓમાં જઇશ.

Ø      બાળકોને સ્કૂલ કે કોલેજ જવામાં અગવડતા પડે તે મુસિબતો સામે લડીશ.

 

વિસ્તારના ખેડૂત ભાઇઓ માટે...

Ø      મારા ખેડૂત ભાઇઓને ખાતર, બિયારણ અને પાણી માટે તે માટે ઝઝૂમીશ.

Ø      ખેતીના ભોગે ઉદ્યોગોને વીજળી આપવા દઇશ નહીં, જરૂર પડ્યે આંદોલન કરીશ.

Ø      ખેડૂતોને પોષણક્ષણ ભાવ મળે તે માટે જાહેર મંડી ઉભી કરાવીશ.

Ø      મારા વિસ્તારનો કોઇપણ ખેડૂત આત્મહત્યા ન કરે તેનું માર્ગદર્શન અપાવીશ.

Ø      ખેડૂતોને સસ્તી લોન અપાવીશ. જમીનનો એક ટુકડો પણ વેચાવા નહીં દઉં.

Ø      ખેડૂત પરિવારમાંથી એક વ્યક્તિને સ્વરોજગાર મળે તેવો પ્રયાસ કરીશ.

Ø      ખેડૂતોને છેતરતા વેપારીઓ સામે સતત ઝૂંબેશ ચલાવીશ.

 

મારા વિસ્તારની મહિલાઓ માટે...

Ø      મહિલાઓને સ્થાનિક ચૂંટણીમાં 50 ટકા બેઠકો મળે તેવો આગ્રહ રાખીશ.

Ø      મહિલાઓના શોષણ અને અત્યાચાર સામે અવાજ ઉઠાવીશ.

Ø      દિકરી કે બહેનની છેડતી થતી અટકાવવા તેમને મજબૂત બનાવીશ.

Ø      મહિલાઓને સ્વરોજગાર મળે તે માટે સરકારી સહાયનો મહત્તમ લાભ અપાવીશ.

Ø      સરકારમાં કે પ્રાઇવેટ જોબમાં મહિલાને પ્રાધાન્ય મળે તે માટે લડત ચલાવીશ.

Ø      પ્રત્યેક દિકરીને ભણવાનો અધિકાર છે અને તેમને ભણાવવા માટે પ્રોત્સાહન આપીશ.

Ø      મહિલાઓ સામેના ગુના અટકાવી તેમના કેસોનો ઝડપી નિકાલ થાય તે પ્રયાસ કરીશ.

તમામને આરોગ્ય સુવિધા માટે....

Ø      પ્રત્યેક નાગરિકને સસ્તાદરે આરોગ્યની સુવિધા આપવા પ્રયત્નશીલ રહીશ.

Ø      આરોગ્ય સુવિધાના અભાવે કોઇને તકલીફ ન પડે તે માટે 18 કલાક કામ કરીશ.

Ø      સરકારી આરોગ્ય સુવિધાઓ અંગે લોકોને જાગૃત બનાવી હક્ક માટે લડીશ.

Ø      આરોગ્ય કેન્દ્રોમાં સ્ટાફની અછત સર્જાશે તો સચિવાલય પટાંગણમાં ઘરણાં કરીશ.

Ø      ખોરાકમાં ભેળસેળ હશે તો તે વેપારી સામે કેસ ચાલે તેવો મારો પહેલો આગ્રહ હશે.

Ø      લોકોને શુદ્ધ પાણી અને હવા મળે તે માટે સતત અભિયાન ચલાવતો રહીશ.

Ø      પર્યાવરણના ભોગે મારા વિસ્તારમાં પ્રદૂષિત ઉદ્યોગોને પ્રવેશવા નહીં દઉં.

ગરીબો અને વંચિતોના વિકાસ માટે....

Ø      ગરીબ પરિવારને ઘરનું ઘર મળે તે માટે સરકાર સામે લડત ચલાવીશ.

Ø      સસ્તા અનાજની દુકાનોએથી નિયમિત અનાજ અને ચીજવસ્તુ મળવી જોઇએ.

Ø      ગરીબ અને વંચિતો માટે સરકારની તમામ યોજનાના લાભોનું વિતરણ કરાવીશ.

Ø      મારા વિસ્તારમાં એકપણ ઝૂંપડું હોવું ન જોઇએ. બઘાંને પાણી અને વીજળી મળવી જોઇએ.

Ø      ગરીબ પરિવાર પૈકી એકને નોકરી અને એકને સ્વરોજગાર અપાવવા પ્રયાસ કરીશ.

Ø      રોટી, કપડાં અને મકાન માટે પ્રજાના પ્રતિનિધિ તરીકેની ફરજો અદા કરીશ.

Ø      ગરીબો અને વંચિતો માટેના પાકા આવાસો એ મારૂં પ્રથમ મિશન હશે.

મારા વેપારી બંધુઓ માટે...

Ø      વિસ્તારના તમામ વેપારીઓ માટે મારા ઘર અને ઓફિસના દરવાજા ખુલ્લા છે.

Ø      વેપારીઓ પાસેથી હપ્તા ઉઘરાવતા ઓફિસરોને ખુલ્લા પાડીશ.

Ø      વેપાર કરવામાં સરકારી અડચણ આવશે તો તેનો ખુલ્લો મૂકાબલો કરીશ.

Ø      વેપારીઓને પોલીસની કનડગત ન થાય તેનું 24 કલાક ધ્યાન રાખીશ.

Ø      ઉઘાડી લૂંટ ચલાવતા કે ભેળસેળ કરતા વેપારીને બજારમાં ખુલ્લા શરીરે ફેરવીશ.

Ø      અન્યાય સામે મારી લડત ન્યાય અપાવવાની હશે, સંગઠનોને સાથે રાખીશ.

Ø      વેપારી મંડળોની વખતોવખતની માગણીઓને સરકારમાં વાચા આપીશ.

જાહેર સુખાકારી માટેના પ્રયાસો...

Ø      બાલોદ્યાન અને સાયકલ ટ્રેક, મનોરંજનના સાધનો મૂકાશે.

Ø      પરિવારના વડીલો માટે વિસ્તારમાં વોક-વે અને બેઠકની વ્યવસ્થા

Ø      ગ્રામ્ય વિસ્તારમાં નાનકડું શોપિંગ સેન્ટર અને શાક માર્કેટ

Ø      વાઇફાઇ ગામ સાથે બીલો ભરવા જાહેરમાં ઇન્ટરનેટ કિયોસ્ક મૂકાશે.

Ø      પ્રત્યેક ગામમાં તળાવ અને તેની ફરતે શુશોભિત ફુલપ્લાન્ટની રોપણી.

Ø      ગામમાં મજબૂત રસ્તા, મફત પાણીની પરબ અને સૌચાલયની સુવિધા.

Ø      સ્કૂલ, આરોગ્ય સંસ્થા, હેલ્પસેન્ટર, જીમ અને ક્લબહાઉસ.

શહેરના પ્રશ્નોના નિકાલ માટેની વ્યવસ્થા...

Ø      શહેરોમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે પાર્કિંગ પ્લોટનો અમલ કરાવીશ.

Ø      એફોર્ડેબલ હાઉસિંગ માટે બિલ્ડરોને ફરજ પાડી તેમની સામે લડત ચલાવીશ.

Ø      કાયદો અને વ્યવસ્થાનું પાલન થાય તેવા પ્રામાણિક ઓફિસરો માટે ભલામણ કરીશ.

Ø      શહેરી વિસ્તારમાં કોઇ પરિવાર ભૂખ્યું ન સૂવે તે માટે અભિયાન ચાલશે.

Ø      રોડ, પાણી, રેલ્વે, ગટરલાઇન સહિતના પ્રશ્નોની યાદી બનાવી રજૂઆત કરીશ.

Ø      મારો આદર્શ મતવિસ્તારનામની તકતી વિના વિસ્તારને આદર્શ બનાવીશ.

Ø      સ્થાનિક સંસ્થાઓમાં જે લોકો ભ્રષ્ટાચારી હશે તેમના નામ પબ્લિકમાં જાહેર કરીશ.

સરકાર વિરૂદ્ધની લડતમાં હું પહેલો...

Ø      સરકાર સામે લડત ચલાવતી વખતે હું સૌથી પહેલો હોઇશ. મારી આગેવાની હશે.

Ø      વિધાનસભામાં મતવિસ્તારના પ્રશ્નો સિવાય કોઇ અંગત પ્રશ્ન કદાપી પૂછીશ નહીં.

Ø      જે કોઇ ધારાસભ્ય ઉદ્યોગોને ફાયદારૂપ પ્રશ્ન પૂછશે તો તેની પોલ ઉઘાડી પાડીશ.

Ø      સ્વચ્છ રાજનિતી માટે આદર્શ ધારાસભ્ય તરીકે વિધાનસભામાં પ્રજાની પડખે હોઇશ.

Ø      સરકારી વિભાગોમાં જ્યાં પણ કરપ્શન હશે ત્યાં કર્મચારીને જાહેરમાં ખુલ્લો પાડીશ.

Ø      મોંઘવારી અને બેકારી સામે મારૂં આંદોલન 365 દિવસનું હશે.

Ø      85 ટકા સ્થાનિક નોકરીને પ્રાધાન્ય નહીં આપતી કંપનીઓ બંધ કરાવીશ.

ધારાસભ્ય તરીકેની મારી પ્રતિજ્ઞા...

Ø      ધારાસભ્ય તરીકેનો પગાર અને ભથ્થાં હું કદી લેવાનો નથી. પેન્શન તો હરગીજ નહીં.

Ø      હું સરકીટ હાઉસમાં રોકાણ કરીશ તો તેનું કોમર્શિયલ ભાડું જે થતું હોય તે ચૂકવીશ.

Ø      વિધાનસભા જેટલા દિવસ ચાલે તેટલા દિવસ નિયમિત હાજરી આપીશ.

Ø      મને મળતા સરકારી મકાન અને આરોગ્ય સુવિધાને કાયમી તિલાંજલી આપીશ.

Ø      સરકારી મિટીંગમાં કોઇ ભથ્થાં લઇશ નહીં, પ્રવાસ ખર્ચ પણ લેવાનો નથી.

Ø      સામાન્ય નાગરિકોની જેમ હું બસ અને ટ્રેનમાં મુસાફરી કરવાનો પ્રયાસ કરીશ.

Ø      મારા મતવિસ્તારની ઓફિસમાં નોટીસ બોર્ડ પર મારો કાર્યક્રમ જાહેર કરીશ.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

 

(8:46 am IST)