વિવિધ વિભાગ
News of Monday, 18th September 2017

સરકારી મહેમાન

નર્મદા યોજના તો પૂર્ણ થઇ, હવે કલ્પસરની કલ્પના સાકાર કરવાનો ભાજપને પડકાર છે

નર્મદા યોજનામાં તો આંખે પાણી આવી ગયા છે, ‘કલ્પસર’ તો દૂરની વાત છે : યોજનાના સ્વપ્નદ્રષ્ટા ડો. અનિલ કાણે ને તો ગુજરાત સરકારે દૂર કરી દીધા છે : 37 વર્ષ પછી પ્રોજેક્ટમાં ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવાની વાતો થાય છે

ગુજરાતનો નર્મદા ડેમ 57 વર્ષે પૂર્ણ થયો છે. ડેમના બાંધકામ તેમજ નહેરોના નેટવર્ક પાછળ 57000 કરોડથી વધુ નાણાં ખર્ચાયા છે. એટલે કે એક વર્ષમાં 1000 કરોડ રૂપિયા ખર્ચાઇ ચૂક્યાં છે. પાંચમી એપ્રિલ 1961ના રોજ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ બંધનું ખાતમૂહુર્ત કર્યું હતું અને તેનું ઉદ્દધાટન 2017માં નરેન્દ્ર મોદીના હસ્તે તેમના જન્મદિને થયું છે. ગુજરાતમાં 2017માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્રની મહત્વકાંક્ષી એવી કલ્પસર યોજનાને ભાજપ તેના ચૂંટણી મેનિફેસ્ટોમાં ફરીથી દાખલ કરવા જઇ રહ્યું છે. અગાઉ 2012ના ચૂંટણી મેનિફેસ્ટોમાં કલ્પસર યોજનાને શરૂ કરવાના વચનો આપી ચૂકાયા છે તેમ છતાં ફરીથી યોજના માટેના વચનો આવી શકે છે.

ગુજરાત સરકાર માટે કલ્પસર યોજના હાલ તો એક કલ્પના છે. ગલ્ફ ઓફ ખંભાતમાં બનનારી સૂચિત યોજના માટે નાણાં ફાળવણી સહિતના અનેક પડકારો છે. હાલ તેનો ફિઝિબિલિટી સ્ટડી ચાલી રહ્યો છે. સરકાર જો યોજનાનું ખાતમૂહુર્ત કરે તો 20 વર્ષે યોજના સાકાર થઇ શકે તેમ છે. 1998માં કરાવેલા સર્વે પ્રમાણે યોજનાનો ખર્ચ 53000 કરોડ નક્કી થયો હતો પરંતુ અસરકારક કાર્યવાહી થતાં 2015-16ના અનુમાન પ્રમાણે યોજના પાછળ 90,000 કરોડના ખર્ચનો અંદાજ હતો, પરંતુ હાલની સ્થિતિએ યોજનાનો ખર્ચ એક લાખ કરોડને ક્રોસ કરી ગયો છે. ગુજરાત સરકારે યોજનાના વિવિધ પ્રકારના સ્ટડી માટે અત્યાર સુધીમાં 250 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. હજી કલ્પસરમાં સ્ટડી કરવાના બાકી છે. કુલ 43 પૈકી 21 સ્ટડી પૂર્ણ કરવામાં આવ્યા છે. સરકારે યોજનાની ઓરિજનલ ડિઝાઇન પણ બદલી નાંખી છે. ટાઇડલ વીજ પ્રોજક્ટ રદ કરીને વિન્ડ અને સોલાર એનર્જીનો પ્રોજેક્ટ બનાવ્યો છે.

1969માં ગુજરાત રાજ્ય ગેઝેટમાં નદીઓના પાણીને સમુદ્દમાં જતા અટકાવવા અને તેનો ઉપયોગ કરવા ખંભાતના અખાતમાં 25 માઇલ લાંબો માટીનો પાળો કરવાનો ઉલ્લેખ છે. જો કે ડો. અનિલ કાણે કે જેઓ પ્રોજેક્ટના સ્વપ્નદ્રષ્ટા હતા તેમના દ્વારા પ્રોજેક્ટને સંભવિત પ્રોજેક્ટ તરીકે 1980માં વિકસાવવામાં આવ્યો હતો. યોજનાને આગળ ધપાવવા માટે 1999માં ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ ધાર્યું નિશાન પાર પાડી શક્યા હતા.

પહેલાં કલ્પસરમાં સમુદ્રમાં 64 કિલોમીટરનો આડબંધ બાંધવાનો થતો હતો પરંતુ સરકારે તે અંતર ધટાડીને 30 કિલોમીટર કર્યું છે. બંધમાં 10,000 મિલિયન ધનમીટર પાણી પૈકી 6568 મિલિયન ધનમીટર મીઠું પાણી સંગ્રહી શકાશે, જ્યારે આટલો લાંબો બ્રીજ બનતાં ભાવનગર થી સુરત વચ્ચેના અંતરમાં 200 કિલોમીટરનો ઘટાડો થશે. બંધના મથાળે 10 માર્ગિય રસ્તાઓ અને રેલ્વે માર્ગનું આયોજન છે. સરકારે કહ્યું છે કે કલ્પસર સાકાર થતાં બંધ પરના રોડ નિર્માણથી સુરત થી અમેરેલીનું 9 કલાકનું અંતર ઘટીને માત્ર ત્રણ કલાક થશે. ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, જામનગર, રાજકોટ અને મોરબીની 1054500 હેક્ટર જમીનને સિંચાઇનો લાભ મળશે. 5880 મેગાવોટની વીજળી ઉત્પન્ન કરાશે.

 કલ્પસર બંધમાં ગુજરાતની મહી, નર્મદા, સાબરમતી સહિતની કુલ 12 નદીઓના પાણી ઠલવાશે. નર્મદાની સૌરાષ્ટ્રની નહેર કરતાં દોઢ ગણી વધારે ક્ષમતા ધરાવતી 660 કિલોમીટરની લાંબા કલ્પસર નહેર બનશે. કલ્પસર યોજનાનો મોટો ફાયદો છે કે યોજનામાં ઇન્ટરનેશનલ વિવાદ નથી. ખાનગી જમીન ડૂબમાં જતી નથી અને અસ્વૈચ્છિક માનવ સ્થળાંતર નથી. ભાડભૂત યોજનાએ કલ્પસરનો ભાગ છે. યોજનામાં નર્મદા નદીના પાણીને ભાડભૂત બેરેજ નહેર વાટે મીઠા સરોવરમાં દાખલ કરવામાં આવતા નદીનો કાંપ સરોવરમાં આવશે નહીં, પરિણામે સરોવરનું આયુષ્ય 500 વર્ષનું આંકવામાં આવ્યું છે. બીજી તરફ નહેર ખોદીને મેળવેલી માટીના જથ્થાને આડબંધ બનાવવામાં ઉપયોગ લેવાશે. સિંચાઇના પાણીના ઉદ્દવહન માટે પવન અને સૌર ઉર્જાનો ઉપયોગ કરવાનો છે.

કલ્પસર વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે કલ્પસરનો ડીપીઆર તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી માટેના ટેન્ડર પેપર્સ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. સરકારી 1123 હેક્ટર, ખાનગી 1038 હેક્ટર અને વન વિભાગની 187 હેક્ટર જમીન સંપાદન કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.

કલ્પસર યોજનાની ખાસિયત...

·         ડેમની લંબાઈ – 30 KM

·         પહોળાઈ – 100 મીટર, જેના પર 10 માર્ગીય રસ્તો અને એક રેલવે ટ્રેક બનશે

·         જળાશયનો વિસ્તાર – 2000 ચોરસ કિમી

·         પાણીનો સંગ્રહ – 1000 કરોડ .મી.

·         સિંચાઈ માટે પાણી ફાળવાશે : 6500 કરોડ .મી.

·         વિદ્યુત ઉત્પાદન – 5880 MW

·         સિંચાઈ – 10.54 લાખ હૅક્ટર વિસ્તાર અને 60 ડેમ કાયમી ધોરણે ભરી શકાશે

·         લગભગ 400 થી 500 વર્ષ સુધી યોજનાનો લાભ મળી શકશે

·         દહેજ અને ભાવનગર સિવાય નવા પોર્ટ પણ વિકાસ પામશે

કલ્પસર યોજનાના મુખ્ય ફાયદા...

·         દુનિયાનું સૌથી મોટું ચોખ્ખા પાણીનું કૃત્રિમ સરોવર

·         સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને મળશે પીવા તથા સિંચાઈ માટે પાણી

·         નર્મદા નદી પરના સરદાર સરદાર સરોવર કરતા બે ગણું પાણી સંગ્રહ કરી શકાશે

·         રાજ્યના 60 જેટલા ડેમ હંમેશને માટે ભરી દેવાશે

·         સૌરાષ્ટ્રની નદીઓને પુનઃ વહેતી કરાશે

·         પવન ઊર્જા અને સૂર્ય ઊર્જાનું ઉત્પાદન કરાશે

·         ભાવનગર બંદરને પુનઃ જીવંત કરાશે જે ગુજરાતના વિકાસમાં સહભાગી થશે

·         ભાવનગરથી સુરતના અંતરમાં ઘટાડો થવાથી સમય અને ઈંધણની બચત

·         સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભૂગર્ભ જળ જે ખારું છે તે મીઠું બનશે

·         જમીન વધારે ફળદ્રુપ બનશે અને ખેત ઉત્પાદન વધશે.

·         મત્સ્ય ઉદ્યોગને વેગ મળશે.

·         દહેજ અને ધોલેરા જેવા ઔદ્યોગિક વિસ્તારોને પણ લાભ મળશે.

કલ્પસર પ્રોજેક્ટના તજજ્ઞ ડો. અનિલ કાણે કહ્યું હતું કે- “માત્ર ભાવનગર નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારને નર્મદા યોજનાથી બહુ બહુ તો પીવાનું પાણી મળી શકશે બાકી જો કૃષિ માટે સિંચાઇનું પાણી જોતું હોય તો કલ્પસર પ્રોજેક્ટ તારણહાર બની શકે તેમ છે. વળી યોજનામાં કોઇની વ્યક્તિગત જમીન સંપાદન કે કોઇને સ્થળાંતર કરવું પડે તેમ નથી. ખોટા માણસો જેને આપણે ફાઇલ પુશર કહીએ છીએ તેવા લોકો આવી જતા પ્રોજેક્ટ 2004 પછી આગળ વધ્યો નથી. યોજના સર્વે કરતા આગળ વધી શકી નથી. તે દુ:ખદ બાબત છે. બાકી પ્રોજેક્ટથી કોઇને નુકશાન નથી. તેજોદ્વેષના કારણે મને હવે પ્રોજેક્ટથી અળગો કરી દેવામાં આવ્યો છે. બાકી હું પ્રોજેક્ટ એક પણ રૂપિયો લીધા વગર પૂર્ણ કરી દેખાડવા સક્ષમ છું.”

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:44 am IST)