વિવિધ વિભાગ
News of Tuesday, 29th August 2017

ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ નિમિતે ગુંજ્યા મેઘાણી ગીતો

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી અને તેમના માતા કુસુમબેન મેઘાણી, પોલીસ કમિશ્નર અનુપસિંહ ગહલૌત, રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં ઉપાધ્યક્ષ રાજુભાઇ ધ્રુવ, પૂર્વ નાણા મંત્રી બાબુભાઇ મેઘજી શાહની વિશેષ ઉપસ્થિતિ : અભેસિંહ રાઠોડ, ધીરૂભાઇ સરવૈયા, રાધાબેન વ્યાસ અને નીલેશ પંડ્યાની રમઝટ

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૧મી જન્મજયંતીની પૂર્વ-સંધ્યાએ એમની 'બાલ્યાવસ્થાની લીલાભૂમિ' રાજકોટ ખાતે 'મેઘાણી વંદના (કસુંબલ લોકડાયરો)' યોજાયો. નવી પેઢી આપણા સાહિત્ય-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તે માટે સુરક્ષા સેતુ સોસાયટી - રાજકોટ શહેર પોલીસ તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક આયોજન થયું હતું. ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલાની પોલીસ-લાઈનમાં થયો હોવાથી ગુજરાત પોલીસ એમનું 'લાઈન-બોય' તરીક સવિશેષ ગૌરવ અનુભવે છે.

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી અને તેમના માતા કુસુમબેન મેઘાણી, રાજકોટ શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત (આઈપીએસ) અને તેમના ધર્મપત્ની સાધનાસિંહ ગહલૌત, ગુજરાત રાજય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવ, પૂર્વ નાણા મંત્રી બાબુભાઈ મેઘજી શાહ, ઝવેરચંદ મેઘાણીના ભાણેજ દિનેશભાઈ પારેખ અને ભત્રીજા મહેન્દ્રભાઈ વૃજલાલ મેઘાણી, તંત્રી દેવેન્દ્રસિંહ પાંજરોલિયા, રાષ્ટ્રીયશાળાના ધીરૂભાઈ ડોબરીયા, નાટ્યવિદ્ ભરતભાઈ રેણુબેન યાજ્ઞિક, રાજકોટ પીપલ્સ કો.ઓ. બેન્કના ચેરમેન શામજીભાઈ ખૂંટ, માર્ગ અને મકાન વિભાગના ઉપસચિવ અજિતભાઈ નંદાણી, નિવૃત્ત્જિલ્લા શિક્ષણાધિકારી મુનાફભાઈ નાગાણી, શિક્ષણવિદ્ એચ. કે. દવે (સુરેન્દ્રનગર), નિવૃત્ત્ડીવાયએસપી જે. એચ. જલુ, આકાશવાણીના ભરતભાઈ ચતવાણી, દાઉદભાઈ ઈસ્માઈલભાઈ વાલેરા, ઉદ્યોગપતિ ભરતભાઈ કારાણી (દુબઈ), નેશનલ યુથ પ્રોજેકટના રાજેશભાઈ ભાતેલિયા, ભરતભાઈ કોટક (સાહિત્યધારા), વાલજીભાઈ પિત્રોડા, શાંતિભાઈ ચાનપુરા, જયેશભાઈ ખંધાર (મુંબઈ) સહિત મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ, સાહિત્ય-પ્રેમીઓ અને મેઘાણી-ચાહકો ઉપસ્થિત રહ્યાં હતાં. યુવાનોની સવિશેષ ઉપસ્થિતિ રહી હતી.

ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ અને નીલેશ પંડ્યાએ ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવી હતી. સુપ્રસિધ્ધ લોકકલાકાર-હાસ્યકાર ધીરૂભાઈ સરવૈયાએ, પોતાની આગવી શૈલીમાં, ઝવેરચંદ મેઘાણીનાં જીવન-કવન વિશે રસપ્રદ અને માહિતીસભર વાતો કરી હતી. દુહા-છંદની રમઝટ બોલાવીને અભેસિંહભાઈએ કાર્યક્રમનો આરંભ કર્યો. 'મોર બની થનગાટ કરે', 'ચારણ-કન્યા', 'દરિયો ડોલે માઝમ રાતનો', 'ત્રાજવડાંની ત્રોફણહારી' જેવાં અમર મેઘાણી-ગીતોની ઝમકદાર રજૂઆત કરીને અભેસિંહભાઈએ સહુની દાદ મેળવી. 'દાદા હો દિકરી', 'ના છડિયાં હથિયાર' અને 'હાલાજી તારા હાથ' કથાગીતોની પણ જુસ્સાભેર રજૂઆત કરી. નીલશભાઈએ 'રઢિયાળી રાત'માંથી સદાબહાર લોકગીતો 'વા વાયા ને વાદળ', 'ચાંદો ઊગ્યો ચોકમાં', જયારે રાધાબેને 'કાન તારી મોરલી', 'સવા બશેરનું મારું દાતરડું'રજૂ કર્યાં. આજે પણ લોકમુખે રમતું અતિ જાણીતું ગીત 'કસુંબીનો રંગ'સહુ કલાકારોએ રજૂ કરીને કાર્યક્ર્મને વિરામ આપ્યો હતો. વાદ્ય-વૃંદ હિતેષ પરમાર (તબલા), ગૌતમ પરમાર (ઢોલક), હેમુ પરમાર (બેન્જો), ચંદુ પરમાર (મંજીરા)એ બખુબી સાથ આપ્યો.

વિશ્વભરમાં વસતાં ૨૩૦૦૦થી વધુ ભાવિકોએ આ ભાવાંજલિ કાર્યક્રમને ઈન્ટરનેટ પર પણ માણ્યો હતો. eevents.tv અને ઈન્ટેલીમિડીયાની યુવા ટીમના જોય શાહ, મયુર કળથિયા અને સાથીઓ જહેમત ઉઠાવી હતી.

કાર્યક્ર્મ માટે રાજકોટ શહેરના સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી પોલીસ કમિ'ર અનુપમસિંહ ગહલૌત (આઈપીએસ) તથા રાજકોટ શહેર પોલીસનો લાગણીભર્યો સહયોગ પ્રાપ્ત થયો હતો. પિનાકી મેઘાણી સાથે નીલેશ પંડ્યા (લોકગાયક), મુનાફભાઈ નાગાણી (નિવૃત્ત્જિલ્લા શિક્ષણ અધિકારી), રાજેશ ભાતેલિયા (નેશનલ યુથ પ્રોજેકટ), વાલજીભાઈ પિત્રોડા, ભરત કોટક (સાહિત્યધારા)એ કાર્યક્ર્મ માટે લાગણીથી જહેમત ઉઠાવી હતી. સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિનો પણ સહકાર પ્રાપ્ત થયો હતો. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિને જીવંત રાખવા અને એમનાં જીવન, કાર્ય અને સાહિત્યના પ્રચાર-પ્રસારની વિવિધલક્ષી પ્રવૃત્ત્િઓને વેગ આપવા તથા નવી પેઢીમાં દેશભકિતની ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન થાય તે પિનાકી મેઘાણી, ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન સવિશેષ પ્રયત્નશીલ-કાર્યરત છે.

સંકલન : પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

www.jhaverchandmeghani.com

મોબાઈલ : ૯૮૨૫૦ ૨૧૨૭૯

ઈ-મેઈલઃpinakimeghani@gmail.com

(4:22 pm IST)