વિવિધ વિભાગ
News of Monday, 9th September 2019

સરકારી મહેમાન

મોટર વાહન એક્ટમાં 120 ગુનાઓ છે છતાં પોલીસની વોચ માત્ર હેલ્મેટ અને સીટબેલ્ટ

સલામતી રક્ષકોને સલામ: જેમણે પોરબંદર થી દિલ્હીની સાયકલ યાત્રા શરૂ કરી: કલેક્ટર-ડીડીઓને એવોર્ડ અપાય છે તો વિભાગના અધિકારી કે મંત્રીને કેમ નહીં : વન વિભાગ ફોર કે સીક્સ લેન માર્ગની વચ્ચે લીમડા વાવે તો વધુ વરસાદ આવે

હેલ્મેટ પહેર્યા વિના અને સીટબેલ્ટ બાંધ્યા વિના વાહન ચલાવતા ચાલકો સામે ટ્રાફિક પોલીસ ભૂખ્યા વરૂની જેમ તૂટી પડે છે, પરંતુ સિવાયના ઘણાં ગુનાઓ એવાં છે કે જે જોખમોથી ભરેલા છે. ટુ-વ્હિલર્સને હેલ્મેટ નહીં પહેરવા બદલ કે સીટબેલ્ટ નહીં બાંધેલા કાર ચાલકને પાવતી ફાડીને દંડ વસૂલ કરાય છે અથવા તો -મેમો આપવામાં આવે છે પરંતુ કાળા કાચની ફિલ્મ ધરાવતી કાર, નંબરપ્લેટ વિનાની કાર અને કાળો ધુમાડો કાઢતા વાહનો પોલીસની નજરમાં તો ઠીક, માર્ગો પર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થતાં નથી. ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવી ગંભીર ગુનાહિત કૃત્ય છે. ટ્રાફિક નિયમનનું પાલન કરવામાં આવે તો તમામ પાસાનું ટ્રાફિક પોલીસે ધ્યાન રાખવાનું હોય છે. ગુજરાતમાં સૌથી મોટો ગુનો ગાડી પર લાલ અક્ષરમાં હોદ્દા લખવાનો છે. પ્રેસના નામે, પોલીસના નામે, સરકારી ઓફિસ કે પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દા લખાવતા થઇ ગયા છે. આવા હોદ્દા હવે તો ગ્રામ પંચાયતના સદસ્ય પણ લખાવે છે. ટ્રાફિક પોલીસ કોઇપણ વાહન ચાલકને એક કે બે નહીં, ટ્રાફિક ભંગના 120 થી વધુ ગુનામાં પકડી શકે છે. ગુનાઓ પૈકી ડોક્યુમેટ્સ (7), ડ્રાઇવિંગ (48), ટોઇંગ (3), પોલ્યુશન (7), મોટર વ્હિકલ્સ (16), કોમર્શિયલ વાહનો (18) તેમજ પાર્કિંગ સબંધિત (15) છે તેમ છતાં ગુજરાતની ટ્રાફિક પોલીસ તેને મહત્વ આપતી નથી.

બીએસએફની 1300 KM ની સાયકલ યાત્રા...

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજ્યંતિ નિમિત્તે પોરબંદર થી નવી દિલ્હી સુધીની સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સીમા સુરક્ષા બળ (બીએસએફ)ની દેખરેખમાં તમામ કેન્દ્રીય અર્ધસૈનિક દળો અને આસામ રાયફલના જવાનો યાત્રામાં જોડાશે. યાત્રાનો મુખ્ય ઉદ્દેશ અહિંસા, સ્વચ્છતા અને નશીલી દવાઓ સામે જાગૃતિનો સંદેશ ફેલાવવાનો છે. સાયકલ યાત્રા રવિવારે પોરબંદરના ચોપાટી મેદાનમાંથી નિકળી છે અને 2જી ઓગષ્ટે નવી દિલ્હીના રાજઘાટ પર પહોંચશે. કુલ 500 સાયકલ યાત્રીઓમાં બીએસએફના 100 જવાનો સામેલ હશે. યાત્રીઓ પોરબંદર થી નવી દિલ્હી સુધીનું 1300 કિલોમીટરનું અંતર કાપશે જે પૈકી પોરબંદર થી બાડમેર સુધીના 752 કિલોમીટરની સાયકલ યાત્રાની દેખરેખ ગુજરાત સ્થિત બીએસએફ ફ્રન્ટીયર કરશે. યાત્રા પોરબંદર થી રાજકોટ, મોરબી, કચ્છ, પાટણ, બનાસકાંઠા અને જાલોર થઇને બાડમેર પહોંચશે. યાત્રાના 11મા દિવસે એટલે કે 17મી સપ્ટેમ્બરે સાયકલ યાત્રાનું સંચાલન બીએસએફનું રાજસ્થાન ફ્રન્ટીયર સંભાળશે.

4 રાજ્યોની ચૂંટણીમાં આર્ટિકલ 370નો દમ... 

ભારતમાં હવે ચાર રાજ્યોની ચૂંટણી વર્ષના અંત સમયમાં આવી રહી છે. ભાજપે તો ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે પરંતુ કોંગ્રેસના નેતાઓ હજી રાજ્યોમાં પરિવર્તન કરી શક્યા નથી. લોકસભાની ચૂંટણીમાં ભાજપને સર્જીકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇકનો મોટો લાભ મળ્યો હતો. મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી સ્પેશ્યલ સ્ટેટસ દૂર કર્યું છે અને આર્ટિકલ 35- દૂર કરી અન્ય રાજ્યોના લોકો જમીન ખરીદી શકતા હતા તેના પર પૂર્ણવિરામ મૂક્યું છે. મોદીના પગલાંથી દેશની જનતા ખુશ છે. દેશમાં ભલે વૈશ્વિક આર્થિક મંદીની અસર હોય, લોકો જમ્મુ-કાશ્મીરના નિર્ણયથી પ્રભાવિત છે તેથી કોંગ્રેસને ચાર રાજ્યોની ચૂંટણી જીતવી ખૂબજ કપરી બની ચૂકી છે. ચાર રાજ્યોમાં હરિયાણા (90), મહારાષ્ટ્ર (288), ઝારખંડ (81) અને દિલ્હી (70) નો સમાવેશ થાય છે. ચારેય રાજ્યોની ચૂંટણીનો સમયગાળો ઓક્ટોબર થી ડિસેમ્બરનો છે. સમયમાં ગુજરાતની ખાલી પડેલી સાત બેઠકોની વિધાનસભાની પેટા ચૂંટણી આવે છે. કોંગ્રેસ લોકસભાની નિષ્ફળતામાંથી બહાર આવી નથી ત્યારે ભાજપે અત્યારથી ચાર રાજ્યો અને ગુજરાતની પેટા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

દેશનું સમૃદ્ધ અને રિચેસ્ટ સ્ટેટ મહારાષ્ટ્ર છે...

ભારતનું સમૃદ્ધ અને રિચેસ્ટ સ્ટેટ ક્યું છે તેવો સવાલ કોઇ કરે તો સામે પક્ષે જવાબ મળે કે મહારાષ્ટ્રમાં બન્ને ગુણ છે. મહારાષ્ટ્ર રાજ્ય સમગ્ર દેશમાં ટોચ પર છે. રાજ્યમાં જીડીપી 27.96 લાખ કરોડ થાય છે તેવું એક સર્વેક્ષણમાં બહાર આવ્યું છે. દેશના ટોપટેન સિટીમાં બીજાક્રમે 15.96 લાખ કરોડ સાથે તામિલનાડુ આવે છે. ત્રીજા ક્રમે 14.96 લાખ કરોડ સાથે ગુજરાતનો ક્રમ ત્રીજો આવે છે. ચોથા ક્રમે 14.89 લાખ કરોડ સાથે ઉત્તર પ્રદેશ, પાંચમા ક્રમે 14.8 લાખ કરોડ સાથે કર્ણાટક, છઠ્ઠા ક્રમે 10.49 લાખ કરોડ સાથે પશ્ચિમ બંગાળ, સાતમા ક્રમે 8.70 લાખ કરોડ સાથે આંધ્રપ્રદેશ, આઠમા ક્રમે 8.43 લાખ કરોડ સાથે તેલંગાણા, નવમા ક્રમે 8.26 લાખ કરોડ સાથે મધ્યપ્રદેશ અને દસમા ક્રમે 7.73 લાખ કરોડ સાથે કેરાલા રાજ્ય આવે છે. મહારાષ્ટ્રની ખાસિયત એવી છે કે કોઇપણ વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ કર્યા વિના તેણે પહેલો ક્રમ જાળવી રાખ્યો છે.

વહીવટી તંત્ર માટે માત્ર ઓફિસરો દોષિત નથી...

ગુજરાતમાં નરેન્દ્ર મોદીનું શાસન હતું ત્યારે ઓફિસરોની સાથે કેબિનેટના સાથી સભ્યોનું પરફોર્મન્સ પણ જોવાતું હતું પરંતુ વિજય રૂપાણીની સરકારમાં માત્ર ઓફિસરોનું પરફોર્મન્સ જોવાય છે. રાજ્યના મુખ્યમંત્રીએ તેમના કેબિનેટના સાથી સભ્યો પાસેથી પણ હિસાબ-કિતાબ લેવો જોઇએ. હાલ કેબિનેટના સભ્યોને શાંતિ છે, કેમ કે તેમના વિભાગનું પરફોર્મન્સ જોવાતું નથી. મુખ્યમંત્રી આખા વહીવટી તંત્રનું સંચાલન કરે છે ત્યારે તેમણે તેમના સાથી સભ્યોની કામગીરીની સમીક્ષા કરવાનો સમય આવી ગયો છે. મોદીના શાસનમાં જે કોઇ મંત્રી તેના વિભાગના હિસાબમાં ઉણો ઉતરે તો તેને ઠપકો મળતો હતો, પરંતુ રૂપાણી સરકારમાં સભ્યો પાસેથી હિસાબ લેવાની સિસ્ટમ લાગુ કરવામાં આવી નથી. અત્યારે મુખ્યમંત્રી સમક્ષ જે પ્રેઝન્ટેશન થાય છે તેમાં વિભાગના ઓફિસરને જવાબદાર માનવામાં આવે છે. એક સનદી અધિકારીએ કહ્યું હતું કે, સરકાર અમારા કામનો હિસાબ માગે છે તો કેબિનેટના સભ્યોનો કેમ માગતી નથી. સરકારમાં શું નવું કરવું છે તેનું ફિડબેક મંત્રીઓ પાસેથી મળતું નથી, ઇનિશિયેટીવ તો ઓફિસરે જાતે લેવું પડે છે.

કલેક્ટર-ડીડીઓને એવોર્ડ તો વિભાગને કેમ નહીં...

ગુજરાત સરકાર શ્રેષ્ઠ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને એવોર્ડ આપે છે પરંતુ રાજ્યના 22 વિભાગોમાં ખંત અને મહેનતથી કામ કરતાં સિનિયર અધિકારીઓને કેમ એવોર્ડ આપતી નથી તેવી ચર્ચાએ સચિવાલયમાં જોર પકડ્યું છે. આ સાથે સરકારે સૌથી વધુ કામ કરતાં મંત્રીને પણ એવોર્ડ આપવો જોઇએ. રાજ્યના સિનિયર આઇએએસ અધિકારીએ કહ્યું હતું કે, સામાન્ય રીતે જે ઓફિસરને વિભાગનો હવાલો આપવામાં આવે છે અથવા તો જે મંત્રીને વિભાગની જવાબદારી સોંપવામાં આવે છે તેનું મૂલ્યાંકન થવું જોઇએ. વિભાગના મૂલ્યાંકનમાં શ્રેષ્ઠતાને સરપાવ મળવો જોઇએ. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને મારી અરજ છે કે સચિવાલયના વિભાગોમાં ઉત્કૃષ્ઠ કામગીરી બજાવતા સનદી અધિકારી અથવા વિભાગના વડાને એક થી દસના રેન્ક આપવા જોઇએ, જેની સાથે વિભાગના મંત્રીએ પણ સહકાર આપ્યો હોય તો તેમને પણ આ રેન્કમાં સમાવવા જોઇએ કે જેથી બીજા અધિકારી અને મંત્રીને ખંતથી કામ કરવાનો જુસ્સો મળી શકે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:47 am IST)