વિવિધ વિભાગ
News of Tuesday, 20th August 2019

શ્રાવણ સત્સંગ

ભારતીય સંસ્કૃતીની વિશિષ્ટતા

સર્પ એટલે કે સાપ પ્રત્યે માનવીએ કરેલી દૈવી શ્રધ્ધા એટલે નાગપંચમી.

રાષ્ટ્રની ધર્મપ્રિય પ્રજા પ્રત્યેક જીવમાં શિવ સમજીને આરાધના કરે છે. વૃક્ષોમાં પીપળો દેવ મનાયો. પક્ષીઓમાં કાકભુસંડી અને શુકને (પોપટ) દેવસ્વરૂપ અપાયું. પશુઓમાં ગાયને માતા મનાય છે. એવી જ રીતે જંતુ નાગદેવને અગ્રસ્થાન અપાયું છે. નાગ પાંચમને દિને બહેનો સામુહીક રીતે નાગદેવતાનું પુજન કરે છે.

દક્ષિણ ભારતમાં શ્રાવણ વદ પાંચમની તીથીને નાગપંચમી કહેવાય છે. જયારે ગુજરાતમાં નાગપંચમીના દિને બહેનો ઘેર-ઘેર પાણીયારાની દિવાલ પર નાગનું ચિત્ર દોરીને તેના ઉપર રૂનો હાર બનાવે છે. જેને નાગલા કહે છે તે હાર તેમજ ચુંદડી, અક્ષીત, કંકુ, અબીલ ગુલાલ અને પુષ્પોથી ચિત્રનું પુજન કરે છે તથા નૈવૈધ્યમાં તલવટ, કુલેર બાજરાનો લોટ ઘી તથા ગોળ મેળવીને ધરે છે. જે પ્રસાદ ખાવાથી મીઠો લાગે છે આ છે આપણી મહિલાઓની નાગપુજાની વિધી.

નાગ આપણા જીવનમાં પુરાણોમાં મહત્વનું સ્થાન ભોગવે છે. કહે છે કે બાળકૃષ્ણએ કાળીનાગને હરાવ્યો...નાથ્યો...તે દિવસ શ્રાવણવદ પાંચમનો હતો. નાગજાતીની કથા મહાભારતમાં આપવામાં આવી છે.

તે અનુસાર વાસુકી, તક્ષક કાળીનાગ શેષનાગ એ નાગના નવ કુળ છે. તેનો નિવાસ પાતાળમાં છે. પરીક્ષીત રાજાને તક્ષક નાગે કરડીને માર્યા હતા. તેથી તેના પુત્ર જન્મજયે જે યજ્ઞ કર્યો તે નાગયજ્ઞ કહેવાયો. નાગયજ્ઞમાં ઋષીઓના મંત્રો દ્વારા સપેડી હોમાવા લાગ્યા. તે વખતે વાસુકી નાગના ભાણેજ જગદાકરૂલ ઋષીનો પુત્ર આસ્તીક જન્મજય રાજા પાસે યજ્ઞમાં ગયો.

બ્રહ્મતેજ, વિદ્વતાના પ્રભાવે જન્મજય રાજા પાસે સર્પ યજ્ઞ બંધ કરાવીને નાગજાતીને બચાવી લીધી.

સર્પની પુજા ભયથી થાય છે ઘરમાં સર્પ નીકળે તો ઉંઘ હરામ થઇ જાય. જયાં સર્પ નીકળે ત્યાં ઘીનો દીવો કરીને તેના મુળ સ્થાને જવાની મનોમન પ્રાર્થના કરવામાં આવે છે.

એક તરફ સર્પનો ભય આપણને સતાવે છે તોતેની બીજી તરફ આપણે તેને દેવસ્થાન આપીને પુજા કરીએ છીએ. ભારતીય સંસ્કૃતિની આ તો વિશિષ્ટતા છે.

શ્રાવણ માસની વદ પાંચમને દિવસે આ પ્રસંગ બન્યોહતોતેથી નાગપાંચમ તીથી ધન્ય પ્રિય પવિત્ર અને સંપુર્ણ પાપનો નાશ કરનારી સિધ્ધી થઇ. આ તીથીમાં ખોટા ભોજન ત્યજીને નાગની મુર્તિને દુધથી સ્નાન કરાવે છે તેને સર્પદંશનોભય રહેતો નથી એવો ઉલ્લેખ શાસ્ત્રોએ કર્યો છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:00 am IST)