વિવિધ વિભાગ
News of Monday, 19th August 2019

સરકારી મહેમાન

‘પ્લાસ્ટીક ફ્રી નેશન’: ગુજરાતે અમલ કર્યો પણ લોકોએ સ્વિકાર્યો નહીં, હવે PM મોદીએ કહ્યું છે!

ગુજરાતમાં ભાજપ પાસે 1.65 કરોડ કરતાં વધુની સભ્યસંખ્યા છે; સાચા-ખોટા રામ જાણે: પીળાં કેળાં જોઇને બજારમાંથી ખરીદી લાવીએ છીએ પરંતુ જાણો તેમાં ક્યા કેમિકલ છે: ભારતને મળેલા બે રત્નોમાં સામ્યતા: એક હતા ઇન્દિરા ગાંધી અને બીજા છે નરેન્દ્ર મોદી

ગુજરાત દિવસના રૂપાળા અવસરે 1લી મે 2016ના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતને પ્લાસ્ટીક ફ્રી સ્ટેટ બનાવવાનો સંકલ્પ કર્યો હતો. તેમણે આ સંકલ્પ કર્યા પછી સાત દિવસ સુધી રાજ્યભરમાં પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરવા માટે ડ્રાઇવ શરૂ થઇ હતી પરંતુ તે માત્ર સંકલ્પને આધિન હતી. આજે સચિવાલયની બહાર શાકભાજી વેચતી લારીઓમાં બિન્દાસપણે પ્લાસ્ટીગની બેગનો ઉપયોગ થઇ રહ્યો છે. રાજ્યમાં વેપારીઓ ખુલ્લેઆમ કોથળીમાં ચીજવસ્તુઓ વેચી રહ્યાં છે. સંકલ્પ નિષ્ફળ જવાનું કારણ એ છે કે-- આટલા મોટા અભિયાન માટે સરકાર પાસે આવશ્યક સ્ટાફ નથી પરિણામે મુખ્યમંત્રીનો સંકલ્પ લોકો સુધી પહોંચી શક્યો નથી. વેપારીઓને તો તેમની ચીજવસ્તુ વેચવી છે. ગ્રાહકોને ઘરે થી થેલી લાવતા શરમ આવે છે. સરકારની આ યોજના ત્યારે જ સફળ બનશે જ્યારે ખુદ ગ્રાહકો પ્લાસ્ટીકની બેગ લેવાનો ઇન્કાર કરશે. હવે આ અભિયાન માટે આશાનું કિરણ નરેન્દ્ર મોદી બન્યા છે. તેઓ ગુજરાતની જનતા માટે બ્રાન્ડ એમ્બેસેડર છે. દિલ્હીના લાલ કિલ્લા પરથી તેમણે કહ્યું કે— દેશની જનતાએ સ્વેચ્છાએ પ્લાસ્ટીકનો વપરાશ બંધ કરવો જોઇએ. એવું લાગી રહ્યું છે કે ગુજરાતની જનતા હવે આ અભિયાનને સ્વેચ્છાએ ઉપાડી લેશે.

દેશનો ચાઇલ્ડ મેરેજ એક્ટ બદલવો પડશે...

પ્રોહિબિશન ઓફ ચાઇલ્ડ મેરેજ એક્ટ પ્રમાણે ભારતમાં 18 વર્ષથી નાની છોકરી અને 21 વર્ષથી ઓછી ઉંમરનો છોકરો લગ્ન કરી શકતા નથી અને જો તે કરે તો બાળલગ્નનો ગુનો બને છે. હવે તો બાળલગ્ન જ નહીં યુવાલગ્ન પણ થતાં નથી. એક રસપ્રદ શંશોધન એવું થયું છે કે ભારતમાં ડિજીટલ યુગની સાથે લગ્નની વય 28 વર્ષ સુધી પહોંચી છે. સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે ભારતમાં એવરેજ મેરેજ એજ 24.1 જોવા મળી છે, જે સ્પેનમાં 33.4 વર્ષે પહોંચી છે. જ્યારે ઇટાલીમાં 32.8 વર્ષ, જર્મનીમાં 32.2 વર્ષ અને યુકેમાં 31.6 વર્ષ છે. જાપાનમાં લોકો સરેરાશ 29.7 વર્ષે, યુએસમાં 28 વર્ષે અને રશિયામાં 26.2 વર્ષે લગ્ન કરે છે. ભારતમાં બાળલગ્નોનું પ્રમાણ તો ઘટ્યું છે પરંતુ સાથે સાથે મેરેજ એજ પણ વધતી જાય છે. આમ થવાનું કારણ ઉચ્ચ અભ્યાસ અને કારકિર્દી છે. સમજુ યુવક કે યુવતિ જ્યાં સુધી ઉચ્ચ ડીગ્રી મેળવ્યા પછી કેરિયરમાં સેટ ન થાય ત્યાં સુધી લગ્નનો વિચાર પણ કરતા નથી. વસતી ગણતરીના એક અધિકારીએ હસતાં હસતાં કહ્યું કે દેશના ચાઇલ્ડ મેરેજ એક્ટમાં લગ્ન કરવાની વયને બદલવી પડે તેવી સ્થિતિ છે.

કોંગ્રેસ માટે ગુજરાત ખાલી થઇ રહ્યું છે...

ગુજરાત કોંગ્રેસ માટે માઠા સમાચાર એવા છે કે રાજ્યમાં કોંગ્રેસમાં જોડાવા માટે કોઇપણ સમાજના અગ્રણી કે પ્રોફેશનલ બાકી બચ્યાં નથી. ગુજરાતમાં કોંગ્રેસની મુસ્લિમ વોટબેન્ક પણ ધીમે ધીમે ખતમ થઇ ચૂકી છે. ભાજપમાં જોડાનારા સમૂહોમાં મુખ્યત્વે પાટીદારો, ઠાકોર સમાજ, ઓબીસી, એસટી અને એસસી ઉપરાંત સવર્ણોમાં બ્રાહ્મણ, જૈન અને ક્ષત્રિયનો સમાવેશ થાય છે. સચિવાલયમાં પર્સનલ કામ અર્થે આવેલા કોંગ્રેસના એક ધારાસભ્યએ કહ્યું હતું કે અમારી વોટબેન્ક ઘસાઇને શૂન્ય લેવલ સુધી આવી જશે પછી અમારા સિનિયર નેતાઓ મેમ્બરશીપ ડ્રાઇવ શરૂ કરશે. ભાજપે છલ્લે ગુજરાતી ફિલ્મ કલાકારો, સંગીતકારો અને ગાયકોને પાર્ટીમાં સામેલ કર્યા છે. ગુજરાતની જનતા ભાજપને નહીં મોદીને પ્રેમ કરે છે. સમાજમાં ઉચ્ચકોટીનો વર્ગ કહેવાતા 41 ખ્યાતનામ ડોક્ટરોએ પણ ભાજપનો કેસરી ખેસ ધારણ કર્યો છે. લોકસભાની ચૂંટણી પહેલાં અને પછી ભાજપે તેનું સંગઠન વધારે મજબૂત બનાવવા માટે સભ્યપદ નોંધણી ઝૂંબેશ શરૂ કરીને તેનો 50 લાખનો ટારગેટ પૂર્ણ કર્યો છે. ભાજપનો દાવો છે કે તેમની પાસે 1.65 કરોડ સભ્યો છે—સાચા-ખોટા રામ જાણે... કહેવાય છે કે પાર્ટી પાસે રાજ્યના 3 કરોડ કરતાં વધુ લોકોનો ડેટા મોજૂદ છે.

ગુજરાતના કેદારનાથ પ્લાસ્ટીક ખાઇ રહ્યાં છે...

એક કેદારનાથ મહાદેવ ઉત્તરાખંડમાં છે અને બીજા કેદારનાથ મહાદેવ ગુજરાતમાં છે. બહું ઓછા લોકો જાણે છે કે બનાસકાંઠા જિલ્લાની હદમાં આવેલા જેસોર વન્ય અભ્યારણ્યમાં કેદારનાથ મહાદેવ આવેલા છે. ખૂબજ પવિત્ર એવી આ નયનરમ્ય જગ્યામાં પ્રવાસીઓ આવે છે અને પ્લાસ્ટીકનો કચરો અભ્યારણ્યમાં ઠાલવતા જાય છે. ચોમાસાની સિઝનમાં વહેતા ઝરણાંઓ સાથે કેદારનાથ પર્વત લીલોતરી અને પાણી વચ્ચે શોભી ઉઠે છે પરંતુ જ્યાં જુઓ ત્યાં પ્લાસ્કીટનો કચરો નજરે પડે છે. અભ્યારણ્યમાં પ્લાસ્ટીક પર પ્રતિબંધ છે તેવા સાઇન બોર્ડ લગાવ્યા છે ત્યાં પ્લાસ્ટીકનો કચરો ભેગો થાય છે. વહેતા ઝરણામાં પ્લાસ્ટીકની થેલીઓ અને પડીકાં વહી રહ્યાં છે. રીંછ અને દિપડાની આ સેન્ચ્યુરીમાં જંગલી પ્રાણીઓ પણ પ્લાસ્ટીકના પ્રદૂષણના કારણે તેમનો મૂળ વિસ્તાર બદલી રહ્યાં છે. શ્રાવણ માસ હોવાથી પ્રવાસીઓનો આ જગ્યાએ ધસારો જોવા મળે છે પરંતુ વન્ય વિભાગના કર્મચારીઓ ફરજ પર નહીં હોવાથી પ્લાસ્ટીકનો કચરો આ પર્વતો પર જમા થઇ રહ્યો છે. મહાદેવના મંદિરમાં પણ પ્લાસ્ટીકનું પ્રદૂષણ ભયજનક હદ સુધી વધી રહ્યું છે.

ગુજરાતમાં આટલું બધું દૂધ ક્યાંથી આવે છે...

પશુપાલન સાથે સંકળાયેલા ભાજપની સરકારની એક પૂર્વ મંત્રીએ આશ્ચર્ય સાથે કહ્યું છે કે— ગુજરાતમાં જેટલું દૂધ ઉત્પાદન થઇ રહ્યું છે તેટલું પશુધન ગુજરાત પાસે નથી તેમ છતાં આપણે ગૌરવ અનુભવી રહ્યાં છીએ. હકીકતમાં સફેદ દૂધનો કાળો કારોબાર ગુજરાતમાં ચાલી રહ્યો છે. નકલી દૂધ બનાવતા નરબંકાઓ ઉત્તરપ્રદેશ અને બિહારની જેમ ગુજરાતમાં પણ પેદા થયા છે. નકલી દૂધનો કાળો કારોબાર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરીને 4000 કરોડનો બિઝનેસ કમાવી આપે છે. માત્ર 15 રૂપિયામાં તૈયાર થતું નકલી દૂધ માફિયાઓ બજારમાં વેચીને રોજની 10 કરોડની આવક પેદા કરી રહ્યાં છે. એટલું જ નહીં વધુ દૂધ ઉત્પાદન કરવા માટે પશુપાલકો તેમના પશુઓને પ્રતિબંધિત ઓક્સિટોસીનના ઇંજેક્શન આપી રહ્યાં છે. નકલી દૂધમાં યુરિયા, કપડાં ધોવાનો પાઉડર, શેમ્પુ, પામોલિન તેલ, મમરા સહિતની અનેક ચીજવસ્તુઓ વાપરવામાં આવે છે. આશ્ચર્ય સાથે અમૂલ ડેરી વર્ષે પાંચ લાખ લિટર દૂધ રિજેક્ટ કરે છે. રાજ્યમાં 68 લાખ ગાયો છે અને 53 લાખ ભેંસો છે. સરકારી આંકડા પ્રમાણે ગુજરાત 135,69,000 ટન દૂધ ઉત્પાદન કરે છે. આટલા પશુધન સામે દૂધ ઉત્પાદનના આંકડાનું ગણિત માંડવામાં આવે તો ખબર પડશે કે હયાત પશુઓ સામે દૂધ ઉત્પાદનના આંકડા માન્યામાં આવે તેમ નથી. રાજ્યમાં એકપણ પશુપાલક એવો નથી કે જે તેમના પશુઓને સાત્વિક અને આરોગ્યપ્રદ ખોરાક ખવડાવતો હોય.

એક હતા ઇન્દિરા અને એક છે મોદી...

રાજનીતિનો ઇતિહાસ બે મહાનુભાવોને હંમેશા યાદ કરશે. આ બન્ને મહાનુભાવોની કાર્યપદ્ધતિમાં ઘણી સામ્યતા છે. એક મહાનુભાવ કોંગ્રેસમાં હતા અને તેમને દુનિયા ઇન્ડિયાના નામથી ઓળખતી હતી. આજે ભાજપમાં એવા મહાનુભાવ છે કે જેમને દુનિયા ઇન્ડિયાના નામથી ઓળખે છે. કોંગ્રેસના ઇન્દિરા ગાંધીના શાસનમાં એવું કહેવાતું હતું કે ઇન્ડિયા એટલે ઇન્દિરા. આજે છેલ્લા સાડા પાંચ વર્ષથી કહેવાય છે કે ઇન્ડિયા એટલે મોદી. આ બન્ને નેતાઓએ રાજકીય ઇતિહાસ લખ્યો છે. બન્ને પાર્ટીની વિચારધારા અલગ છે પરંતુ બન્ને નેતાઓની કાર્યશૈલી અને કારકિર્દીમાં ઘણું મોટું સામ્ય છે. ઇન્દિરા ગાંધીની બ્યુરોક્રેસી પર પક્કડ વધારે મજબૂત હતી. બ્યુરોક્રેસીમાં તેમના માનિતા ઓફિસરોને પ્રાઇમ પોસ્ટીંગ હતા. તેણીને જ્યારે પીએમ પદ માટે પ્રોજેક્ટ કરવામાં આવ્યા ત્યારે પાર્ટીમાં તોફાઇ શરૂ થઇ ગયું હતું. ખરા સમયે સિક્સર મારવાની તેમની આદત હતી. કોઠાસુઝથી દેશનું શાસન ચલાવ્યું હતું. ઇન્દિરા ગાંધીના પ્રસંશકો કરોડોની સંખ્યામાં હતા. ઇન્દિરાના દુશ્મનો સૌથી વધારે હતા, વિરોધીઓ તેણીના વહીવટને હિટલરશાહી તેમજ આપખુદશાહી માનતા હતા. ઇન્દિરાએ પાર્ટીની ઉપરવટ જઇને અનેક ફેસલા આપ્યા હતા. સાશન દરમ્યાન પાર્ટીના વિરોધીઓનો સામનો કર્યો હતો. લોકોને ગમે કે ના ગમે— નિર્ણયશક્તિમાં અડગ રહ્યાં હતા. ઇન્દિરા ગાંધી દેશના રાજ્યોમાં મુખ્યમંત્રીઓને પ્રિય હતા. આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ આવું જ કહેવામાં આવે છે...

કેળાં ખાવા સારા, પણ પકાવટ જોખમી...

શ્રાવણના તહેવારોની સાથે બજારમાં મળતાં કેળાં ઉપરથી પીળાં દેખાય છે પરંતુ અંદરથી બેસ્વાદ અને કાચા હોય છે. સામાન્ય રીતે બજારમાં મળતાં કેળાં ઘરે લાવ્યા પછી બીજા કે ત્રીજા દિવસે બગડી જાય છે કારણ કે આ કેળાં કેમિકલથી પકવવામાં આવે છે. કાચા કેળાંને કેમિકલના દ્વાવણમાં ડૂબાડીને સૂકવી દેવામાં આવે છે. રાજ્યમાં ઝેરીલા કેળાંનો કારોબાર 1000 કરોડ રૂપિયાનો છે. ફળ અને શાકભાજીને પકવવા માટે પ્રતિબંધિત ઓક્સિટોસીન, હિટ કુલાન, અનુગોર, રોગોર, મિલકુલાન બ્લૂમ, રેગાપેન તેમજ રનટેક્સનો ઉપયોગ થાય છે. ભારત સરકારનો કાનૂન હોવા છતાં વેપારીઓ ખુલ્લેઆમ પ્રતિબંધિક કેમિકલ્સ ફળ અને શાકભાજીમાં વાપરી રહ્યાં છે. ગુજરાતમાં વર્ષોથી કેળાંને પકવવા માટે કેમિકલનો ઉપયોગ થઇ રહ્યો છે છતાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકીંગ કરવામાં આવતું નથી. આ વિભાગના અધિકારીઓ માત્ર બગડેલા ફ્રુટનો નિકાલ કરે છે પરંતુ લેબોરેટરીમાં ચેકીંગ કરાવતા નથી. આપણને 12 કલાકમાં પીળાં થઇ જતાં કેળાં સારા લાગે છે. કેમિકલ યુક્ત ફળો ખાવાથી કેન્સર, મગજના રોગો, ચામડીના રોગ, બ્લડપ્રેશર અને સ્યુગરની બિમારી થાય છે તેવી ચેતવણી છતાં લોકો આરામથી કેળાં ખાય છે. કેરળ રાજ્યમાં મળતાં લવિંગ કેળાં એકમાત્ર ખાવા યોગ્ય હોય છે કારણ કે તે બે થી ત્રણ દિવસમાં આપોઆપ પાકી જાય છે અને અંદરથી ખરાબ નિકળતા નથી. યાદ રાખવા જેવું છે કે— ફળ કે શાકભાજી ખેડૂત નહીં વેપારીઓ દૂષિત કરી રહ્યાં છે. ગુજરાત એ કેળાના ઉત્પાદનમાં તામિલનાડુ પછી બીજાક્રમે આવે છે. ગુજરાતમાં 4532.49 મેટ્રીક ટન કેળાનું ઉત્પાદન થાય છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(10:09 am IST)