વિવિધ વિભાગ
News of Monday, 15th June 2020

સરકારી મહેમાન

ભ્રષ્ટાચાર વિરોધી નેતા અને આધુનિક ગાંધી અન્ના હઝારે BJP અને AAP થી છેતરાયા હતા

ફુલોની દુકાનમાં 40 રૂપિયામાં નોકરી કરતા હતા, ભારત-ચીન યુદ્ધ બાદ લશ્કરમાં ભરતી થયા : જનલોકપાલ માટે 2011માં દિલ્હીમાં કરેલા અનશનનો મોટો લાભ ભાજપ અને કેજરીવાલે લીધો : છેલ્લે જાન્યુઆરીમાં નિર્ભયાના દોષિતોને ફાંસી અપાવવા અનશન કર્યા, આજે 83મો જન્મદિન

કિસન બાપટ બાબુરાવ હઝારે એટલે આજના અન્ના હઝારેના નામથી જાણીતા થયેલા પ્રખર આંદોલનકારી નેતા આજે શાંત છે. એક સમયે યુપીએ સરકારના કૌભાંડો તેમજ જન લોકપાલ બીલના મુદ્દે સમગ્ર દેશમાં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનની મુહિમ ચલાવનારા અન્ના જ્યારથી કેન્દ્રમાં એનડીએ સરકાર આવી છે ત્યારથી ચૂપ થઇ ગયા છે. છેલ્લે જાન્યુઆરી 2020માં તેમણે નિર્ભયાના દોષિતોને ફાંસીની સજા અપાવવા માટે 34 દિવસનું મૌન વ્રત શરૂ કર્યું હતું, ત્યારપછી તેઓ દેખાયા નથી. અન્ના હઝારેનો આજે જન્મદિન છે. 15મી જૂન 1937માં સૈનિક પૌત્ર અને મજૂર પુત્ર અન્ના મહારાષ્ટ્રના રાલેગણ સિદ્ધિ નામના નાનકડા ગામમાં રહે છે. આ ગામ ઓગષ્ટ 2011માં જગપ્રસિદ્ધ બન્યું હતું જ્યારે અન્નાએ નવી દિલ્હીના રામલીલા મેદાનમાં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન શરૂ કર્યું હતું. દેશભરમાં અન્ના ટોપીનો ક્રેઝ શરૂ થયો હતો. મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લાના પારનેલા તાલુકાના આ ગામમાં ગરીબ પરિવારમાં અન્નાનો જન્મ થયો હતો.

ફુલોની દુકાનમાં કામ કર્યું અને દુકાન શરૂ કરી...

અન્નાના પિતાનું મ બાબુરાવ અને માતા લક્ષ્મીબાઇ હતા. તેમનું બાળપણ ગરીબીમાં ઉછર્યું છે. પિતા મજદૂર હતા અને દાદા લશ્કરમાં હતા. દાદાના અવસાનના સાત વર્ષ પછી અન્ના પરિવાર રાલેગણ સિદ્ધિ રહેવા આવી ગયા હતા. અન્નાને છ ભાઇ છે. પરિવારમાં આર્થિક તંગીની સ્થિતિ જોઇને તેમની બુઆ તેમને મુંબઇ લઇ ગઇ હતી, જ્યાં અન્નાએ સાતમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. પરિવાર પર કષ્ટ જોઇને અન્ના દાદર સ્ટેશન પર ફૂલોની દુકાનમાં પ્રતિ માસ 40 રૂપિયાના પગારથી નોકરી કરતા હતા, જો કે તે પછી તેમણે ખુદની ફૂલોની દુકાન શરૂ કરી હતી. એ સમયે તેમણે તેમના બે ભાઇને ગામમાંથી મુંબઇ બોલાવી લીધા હતા.

ચીન સાથેના યુદ્ધ પછી અન્ના લશ્કરમાં જોડાયા...

1962માં જ્યારે ભારત અને ચીન વચ્ચે શરૂ થયેલું યુદ્ધ પૂર્ણ થયું ત્યારે ભારત સરકારે યુવાનોને લશ્કરમાં જોડાવાનું આહવાહન કર્યું હતું જેનાથી પ્રેરાઇને અન્ના લશ્કરમાં ભરતી થયાં હતા. અભ્યાસ ઓછો હોવાથી તેમને લશ્કરમાં ડ્રાઇવરની નોકરી મળી હતી. તેમની પહેલી નિમણૂક પંજાબમાં થઇ હતી. 1964માં ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ સમયે અન્ના ખેમકરણ સરહદ પર ફરજ બજાવતા હતા. 12મી નવેમ્બર 1964માં ચોકી પર પાકિસ્તાનના હવાઇ હુમલામાં તમામ સૈનિકો શહીદ થયા હતા. આ ઘટનાએ અન્નાનું જીવન બદલી નાંખ્યું હતું. આ ઘટના પછી અન્નાએ લશ્કરમાં 13 વર્ષ સુધી કામ કર્યું. તેમણે મુંબઇ અને કાશ્મીરમાં પણ ફરજ બજાવી હતી. 1975માં જમ્મૂમાં ફરજ દરમ્યાન સેવાના 15 વર્ષ પૂર્ણ થતાં તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ લીધી હતી. લશ્કરની નોકરી છોડીને તેઓ રાલેગણ સિદ્ધિમાં રહેવા લાગ્યા અને આ ગામને તેમણે તેમનું સામાજીક કર્મસ્થળ બનાવી દીધું હતું અને સમાજ સેવાના કાર્યમાં લાગી ગયા હતા.

વતનના ગામને નંદનવન બનાવી દીધું છે...

યુદ્ધમાં મોતના સાક્ષાત્કાર પછી નવી દિલ્હીના રેલવે સ્ટેશન પર તેમણે સ્વામી વિવેકાનંદના એક પુસ્તક કોલ ટુ ધિ યુથ ફોર નેશન ને ખરીદી લીધું. તેને વાંચીને મનમાં તેમના જીવનને સમાજ સમર્પિત કરવાની ઇચ્છા વ્યક્ત કરી. તેમણે મહાત્મા ગાંધી અને વિનોબા ભાવેના પુસ્તકો પણ વાંચ્યા છે. 1970માં આજીવન અવિવાહિત કહેવાનું નક્કી કરીને તેમણે સામાજીક કાર્યોમાં તેમનું જીવન ખર્ચી નાંખ્યું. આ તેમનો સંકલ્પ હતો. મુંબઇ પદસ્થાપન દરમ્યાન તેઓ તેમના ગામ રાલેગણમાં આવતા-જતા હતા. ગામમાં એક પથ્થર પર બેસીને તેઓ ગામને સુધારવાની વાતો વિચારતા હતા. 1978માં સ્વૈચ્છિક નિવૃત્તિ પછી તેમણે ગામમાં જઇને તેમના સામાજીક કાર્યનો પ્રારંભ કરી દીધો હતો. આ ગામમાં વીજળી અને પાણીની મુશ્કેલી હતી તેથી અન્નાએ ગામ કોને નહેર બનાવીને વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે પ્રેરિત કર્યા હતા. તેમના કહેવાથી ગામમાં બઘી જગ્યાએ વૃક્ષો વાવવાનું શરૂ કરવામાં આવ્યું અને ગામમાં સોલાર તેમજ ગોબર ગેસની વીજળી શરૂ કરાવી. અન્નાએ તેમની જમીન બાળકોની હોસ્ટેલ માટે દાનમાં આપી દીધી અને પેન્શનના તમામ રૂપિયા ગામના વિકાસ માટે સમર્પિત કર્યા. તેઓ ગામના મંદિરમાં રહેતા હતા અને બાળકોની હોસ્ટેલમાં જમતા હતા. આજે ગામનો પ્રત્યેક નાગરિક આત્મનિર્ભર છે.

શિવસેના અને ભાજપને પણ છોડ્યાં નહીં...

1991માં અન્ના હઝારેએ મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપની સરકારના ત્રણ ભ્રષ્ટ મંત્રીઓ – શશીકાન્ત સુતર, મહાદેવ શિવાંકર અને બબન ઘોલાપ ને હટાવવાની માગણી સાથે ભૂખ હડતાલ શરૂ કરી હતી. અન્નાએ તેમની ઉપર આવક કરતાં વધુ સંપત્તિ હોવાનો આરોપ મૂક્યો હતો. સરકારે તેમને મનાવવાનો ખૂબ પ્રયાસ કર્યો પરંતુ છેવટે દાગી મંત્રીઓને હટાવવા પડ્યાં. ઘોલાપે અન્ના સામે માનહાનિનો દાવો દાખલ કર્યો હતો તેથી તેમની તરફેણમાં કોઇ સાક્ષી નહીં હોવાથી અન્નાને ત્રણ મહિનાની જેલની સજા થઇ હતી, જો કે તત્કાલિન મુખ્યમંત્રી મનોહર જોષીએ એક દિવસની હિરાસત પછી છોડી દીધા હતા. એક તપાસ ટીમે શશીકાન્ત સુતર અને મનોહર શિવાંકરને નિર્દોશ દર્શાવ્યા છતાં અન્ના હઝારેએ મહારાષ્ટ્ર સરકાર પર ભ્રષ્ટાચારના આરોપ ચાલુ રાખ્યા હતા.

રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ અન્નાને આભારી છે...

1997માં અન્ના હઝારેએ સૂચના અધિકાર અધિનિયમના સમર્થનમાં મુંબઇના આઝાદ મેદાનમાં તેમનું અભિયાન શરૂ કર્યું હતું. 1લી ઓગષ્ટ 2003ના રોજ તેઓ આ મેદાનમાં જ આમરણ આંદોલન શરૂ કર્યું. 12 દિવસ સુધી ચાલેલા આ આંદોલન દરમ્યાન અન્નાના આ આંદોલનને દેશવ્યાપી સમર્થન મળ્યું હતું. છેવટે 2003માં મહારાષ્ટ્ર સરકારને સૂચના અધિકાર અધિનિયમ પસાર કરવો પડ્યો હતો. આ નિર્ણય પછી આંદોલન દેશવ્યાપી શરૂ થયું હતું જેના કારણે 12મી ઓક્ટોબર 2005માં ભારતીય સંસદમાં સૂચના અધિકારી અધનિયમ લાગુ કર્યો હતો. જો કે ઓગષ્ટ 2006માં સૂચના અધિકાર અધિનિયમમાં સંશોધન પ્રસ્તાવ સામે તેમણે 11 દિવસ સુધી આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા. આ ઉપવાસના કારણે ભારત સરકારને સંશોધન બીલ પડતું મૂકવું પડ્યું હતું. 2003માં અન્નાએ કોંગ્રેસ અને એનસીપીની સરકારના ચાર મંત્રીઓ—સુરેશ દાદા જૈન, નવાબ મલિક, વિજય કુમાર ગાવિત અને પદ્મસિંહ પાટિલને ભ્રષ્ટાચારી કહીને તેમની સામે મુહિમ શરૂ કરી હતી. અન્ના તેમને હટાવવા માટે ભૂખ હડતાલ પર બેસી ગયા હતા. અન્નાના ડરથી મહારાષ્ટ્ર સરકારને એક તપાસ સમિતિની રચના કરવી પડી અને નવાબ મલિકને હટાવવા પડ્યા જ્યારે આયોગમાં સુરેશ જૈન સામે આરોપ સાબિત થતાં તેમને પણ રાજીનામું આપવું પડ્યું હતું. એ સમયમાં અન્નાનો પાવર આવો હતો.

જનલોકપાલ માટે અન્નાએ દેશને જાગૃત કર્યો હતો...

અન્નાનું કદ દેશમાં વધી રહ્યું હતું. કેન્દ્રમાં યુપીએની સરકાર હતી. આ સરકારમાં ભ્રષ્ટાચાર ચરમસિમાએ હતો. જન લોકપાલની માગણી સાથે અન્ના હજારે 1મી એપ્રિલ 2011માં દિલ્હીના જંતરમંતર પર ઉપવાસ પર બેસી ગયા. આ આંદોલનમાં મેગ્સેસે એવોર્ડ વિજેતા અરવિંદ કેજરીવાલ, ભારતની પ્રથમ મહિલા પ્રશાસનિક અધિકારી કિરણ બેદી અને પ્રસિદ્ધ લોકધર્મી વકીલ પ્રશાંત ભૂષણનો અન્નાને સાથ મળ્યો હતો. આ આંદોલન તેજીથી દેશભરમાં પ્રસરી રહ્યું હતું ત્યારે લોકપ્રિયતા મેળવવા માટે બાબા રામદેવ પણ ઉપવાસ આંદોલનમાં જોડાયા હતા. બીજી તરફ ભાજપ લોકસભા 2014ની તૈયારી કરી રહ્યો હતો. અન્નાના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનને કારણે ભાજપને ખૂબ મોટો ફાયદો થયો હતો. અન્નાએ જન લોકપાલ બીલના મુદ્દે કેન્દ્રની યુપીએ સરકારને લાચાર બનાવી દીધી હતી. તેમણે તેમની માગણી પ્રમાણેનો લોકપાલ બીલનો મુસદ્દો પણ તૈયાર કરાવ્યો હતો પરંતુ મનમોહનસિંહની સરકારે નકારાત્મક પ્રતિક્રિયા આપી હતી તેથી અન્નાનું આંદોલન વધારે તીવ્ર બની ગયું હતું, છેવટે સરકારને એક સમિતિ બનાવવાની ફરજ પડી હતી અને 16મી ઓગષ્ટે જન લોકપાલ બીલ પાર્લામેન્ટમાં પસાર તો કરાવ્યું પરંતુ તે કમજોર હતું તેથી અન્નાએ ફરીથી 16મી ઓગષ્ટે ઉપવાસ આંદોલન શરૂ કરવાની ધમકી આપી હતી. આ દિવસે જ્યારે તેઓ ઉપવાસની તૈયારી કરતા હતા ત્યારે સવારે દિલ્હી પોલીસે તેમની ઘરમાંથી ધરપકડ કરી લીધી હતી.

ભૂખ હડતાલની જીદમાં જેલમાં જવું પડ્યું છે...

આ ઘટના પછી ઉપસ્થિત આંદોલનકારીઓ સડકો પર ઉતરી આવ્યા હતા. બાબા રામદેવ સહિતના આંદોલન કારીઓને પોલીસે દોડાવ્યા હતા. દિલ્હી પોલીસે અન્નાને મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા. સરકાર અને પોલીસે તેમની ત્રણ દિવસના ઉપવાસની માગણી ઠુકરાવી અને સાત દિવસ માટે ન્યાયિક હિરાસતમાં તેમને તિહાડ જેલમાં લઇ જવામાં આવ્યા હતા પરંતુ દેશભરમાં વિરોધ પ્રદર્શન જોઇને સરકારને તેનું પગલું પાછું લેવાની ફરજ પડી. દિલ્હી પોલીસે અન્નાને શરતી મુક્તિ માટે કહ્યું પરંતુ અન્ના ઉપવાસ કરવાની જીદ પકડીને બેઠાં હતા. 17મી ઓગષ્ટ સુધી દેશમાં અન્નાના સમર્થનમાં પ્રદર્શનો થતાં રહ્યાં. લોકો તિહાડ જેલમાં પણ  પહોંચી ગયા હતા. છેવટે સરકારના કહેવાથી દિલ્હી પોલીસને અન્નાને રામલીલા મેદાનમાં સાત દિવસોના ઉપવાસ કરવાની અનુમતિ આપવી પડી હતી. જો કે અન્નાએ 30 દિવસ માગ્યા હતા પરંતુ તે નહીં મળતાં તેમણે જેલમાં ઉપવાસ શરૂ કરી દીધા હતા. આમ છતાં વિરોધ પ્રદર્શન જોઇને અન્નાને 15 દિવસની છૂટ આપવામાં આવી. અન્નાના 10 દિવસના ઉપવાસ પછી પણ સરકાર તેમની માગણીઓ સંતોષી શકી ન હતી. સમાધાનના ભાગરૂપે અન્નાએ-- તમામ સરકારી કર્મચારીઓને લોકપાલ હેઠળ લાવવામાં આવે, સરકારી કચેરીઓમાં નાગરિક ચાર્ટર લાવવામાં આવે તેમજ તમામ રાજ્યોમાં લોકાયુક્ત બનાવવામાં આવે.—એવી ત્રણ માગણીઓ રજૂ કરી હતી. અન્નાએ કહ્યું હતું કે લોકપાલ વિધેયક પર સંસદ ચર્ચા કરતી હોય અને આ ત્રણ માગણીઓ સ્વિકારે તો તેઓ તેમના ઉપવાસ આંદોલનને સમાપ્ત કરશે. જો કે મનમોહનસિંહે બીલ પર વિચાર કરવાનું કહીને સ્થાયી સમિતિને મુદ્દો સોંપવાનો નિર્ણય લીધો હતો જેનાથી નાખૂશ અન્ના હજારે એ લોકપાલ બીલ તેમજ વિસલ બ્લોઅર બીલના સંદર્ભમાં 25મી મે 2012ના રોજ જંતરમંતર પર ફરીથી એક દિવસના સાંકેતિક ઉપવાસ કર્યા હતા.

ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનથી બે પાર્ટી તરી ગઇ...

અન્નાના જીવનમાં ગાંધીજીના વિચારોનો પ્રભાવ હતો. માથા પર ગાંધી ટોપી અને શરીર પર ખાદી પહેરે છે. આંખો પર મોટા ચશ્મા હોવા છતાં તેઓ દૂરનું જોઇ શકે છે. તેમનો ઇરાદો ફોલાદી અને અટલ હોય છે. મહાત્મા ગાંધી પછી અન્ના હજારે એવા વ્યક્તિ છે કે જેમણે ભૂખ હડતાલ અને આમરણ ઉપવાસનું શસ્ત્ર સૌથી વધુ ઉગામ્યું છે. તેમને લોકો આધુનિક યુગના ગાંધી તરીકે પણ ઓળખે છે. તેઓ માને છે કે ભારતને શક્તિશાળી બનાવવું હોય તો ગામડાંને આત્મનિર્ભર બનાવવા પડશે. વિકાસના લાભમાં ગામડાને કેન્દ્રસ્થાને રાખવા જોઇએ. અન્નાએ 2011માં શરૂ કરેલા ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનમાં જોડાયેલા અરવિંદ કેજરીવાલે પણ ભાજપની જેમ આ આંદોલનને રાજકીય લાભ લઇ લીધો અને દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સ્થાપના કરી સત્તા હાંસલ કરી છે. આંદોલનનો રાજકીય લાભ લેનારા ભાજપ અને અરવિંદ કેજરીવાલથી અન્ના હઝારે એક તબક્કે ખફા થયા હતા અને તેમનો ઉપયોગ થઇ ગયો તેવો વસવસો વ્યક્ત કર્યો હતો.

કોંગ્રેસના શાસનમાં તેમને એવોર્ડ મળેલા છે...

82 વર્ષના અન્ના હજારે અત્યારે તેમના ગામમાં આરામ ફરમાવી રહ્યાં છે. આંદોલન કરવાનો હવે તેમનામાં એટલો જુસ્સો પણ રહ્યો નથી છતાં આજની સ્થિતિએ તેઓ સમાજસેવાના કાર્યોને ભૂલતાં નથી. અન્નાને સમાજ સેવા માટે વિશ્વબેન્કનો જિટગિલ મેમોરિયલ એવોર્ડ મળ્યો છે. ભારત સરકારે પદ્મશ્રી અને પદ્મભૂષણ એવોર્ડ આપેલો છે. મહારાષ્ટ્ર સરકારે કૃષિ ભૂષણ તેમજ રાજીવ ગાંધીએ તેમને ઇન્દિરા ગાંધી પ્રયદર્શિની ખિતાબ પણ આપેલો છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:42 am IST)