Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

રવિવારે ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ પૂર્વે ડીસામાં મેઘાણી ગીતોની રમઝટ બોલશે

રાજકોટ તા. ૧૦ : મહાત્મા ગાંધી જેમને 'રાષ્ટ્રીય શાયર'ના ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજેલા તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યનાં સંશોધક, સ્વાતંત્ર્ય-સેનાની, પત્રકાર ઝવેરચંદ મેઘાણીની આગામી ૨૮ ઓગસ્ટે ૧૨૨મી જન્મજયંતી છે. આ પૂર્વ — ૧૨ ઓગસ્ટને રવિવારે બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર પાસે આવેલ ડીસા (કે. બી. અગ્રવાલ હાઈસ્કૂલ, પ્રાર્થના હોલ, રેલ્વે સ્ટેશન રોડ) ખાતે એમના જીવન-કવન અને ગીતોનાં વિશેષ કાર્યક્ર્મનું આયોજન કરાયું છે. નવી પેઢી આપણાં ગૌરવવંતા સાહિત્ય-લોકસાહિત્ય-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત અને પ્રેરિત થાય એ આશયથી ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિમાં ઉત્તર ગુજરાતમાં સહુપ્રથમ વખત આવો પ્રેરક કાર્યક્ર્મ યોજાઈ રહ્યો છે જે ખાસ ઉલ્લેખનીય છે. આપણી ગરવી માતૃભાષા ગુજરાતીને જીવંત રાખવાનો પણ આ સબળ પ્રયાસ છે. આ કાર્યક્ર્મનું આયોજન ડીસાની અગ્રગણ્ય સંસ્થાઓ કરૂણા ભકિત પરિવાર, સહયોગ સેવા ટ્રસ્ટ અને હરિઓમ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા થયું છે, જયારે સંયોજન ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનનું છે. સવારે ૯.૩૦ કલાકે — પ્રથમ સત્રમાં — લોકગાયક અભેસિંહ રાઠોડ (ભરૂચ), ઈતિહાસકાર-સંશોધક-લેખક ડો. પ્રદ્યુમ્ન ખાચર (જૂનાગઢ), પત્રકાર-સંશોધક-લેખક લલિત ખંભાયતા (અમદાવાદ) અને ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી (અમદાવાદ) ઝવેરચંદ મેઘાણીના જીવન-કવન વિશે રસપ્રદ અને માહિતીસભર વાતો કરશે.    બપોરે ૨.૩૦ કલાકે — દ્વિતીય સત્રમાં – મેઘાણીગીતોના મેધાવી લોકગાયક અભેસિંહ રાઠોડ સાથે રાધાબેન વ્યાસ અને ઋષભ આહીર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત-સંશોધિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવશે. કસુંબીનો રંગ, મોર બની થનગાટ કરે, કોઈનો લાડકવાયો, શિવાજીનું હાલરડું, ચારણ-કન્યા, ભેટ્યે ઝૂલે છે તલવાર, ઓતરાદા વાયરા ઊઠો ઊઠો, આષાઢી સાંજનાં અંબર ગાજે  જેવી ઝવેરચંદ મેઘાણીની અમર રચનાઓ રજૂ થશે. ચાંદો ઊગ્યો ચોકમાં,  જોડે રહેજો રાજ, દાદા હો દીકરી, મહેંદી તે વાવી, સવા બશેરનું મારૃં દાતરડું, સોના વાટકડી રે,  કાન તારી મોરલી, આભમાં ઝીણી ઝબૂકે વીજળી, આવી રૂડી અંજવાળી રાત, માડી હું બાર બાર વરસે આવિયો, ના છડિયાં હથિયાર જેવાં સદાબહાર લોકગીતો પણ તેમના સંગ્રહ 'રઢિયાળી રાત'માંથી રજૂ થશે. જે હજી છાપખાનામાં હતી ત્યારે ઝવેરચંદ મેઘાણી આ દુનિયા છોડી ગયા હતા તેવી તેમની અંતિમ કૃતિ 'સોરઠી સંતવાણી'માંથી ગંગા સતી,  જેસલ-તોરલની પ્રાચીન અમરવાણી આ પ્રસંગે ખાસ આસ્વાદ-રૂપે રજૂ થશે.

૧૯૮૮-૮૯માં અરૂણાચલથી ઓખા સુધીની ૯૦૦૦ કિ.મી.ની ઐતિહાસિક 'ભારત જોડો' સાયકલ-યાત્રાના સાયકલ-વીર રાજેશ ભાતેલીયા (રાજકોટ) સંસ્મરણો અને રાષ્ટ્ર-ભાવનાની પ્રેરક વાતો કહેશે. નવી પેઢી ગુજરાતી સાહિત્ય-લોકસાહિત્યનાં વાંચન માટે પ્રેરિત થાય તે માટે મેઘાણી-સાહિત્ય પુસ્તક પ્રદર્શન તથા વિશેષ વળતરથી વેચાણનું આયોજન પણ કરાયું છે. મોટી સંખ્યામાં સાહિત્ય-પ્રેમીઓ, મેઘાણી-ચાહકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓ આ ભાવાંજલિ કાર્યક્ર્મને ઘર બેઠા નિહાળી શકે તે માટે તેનું ઈન્ટરનેટ પર જીવંત પ્રસારણ (વેબકાસ્ટ) www.eevents.tv/meghani પર થશે.

વધુ વિગત માટે ભરતભાઈ ઠક્કર-ભાગ્યશાળી (૯૯૨૫૩૧૦૫૪૦), પિનાકી મેઘાણી (૯૮૨૫૦૨૧૨૭૯)નો સંપર્ક કરી શકાશે. વિવિધ સેવાકીય કાર્યોમાં કાર્યરત કરૂણા ભકિત પરિવારના સ્થાપક ભરતભાઈ ઠક્કર-ભાગ્યશાળી અને સાથીઓએ ૫૦ જેટલી શાળા-કોલેજની મુલાકાત લઈને ૨૦૦૦૦ જેટલાં વિદ્યાર્થીઓને આ કાર્યક્ર્મ વિશે જાણકારી આપી છે.

૯ માર્ચ ૧૯૪૭ના રોજ માત્ર ૫૦ વર્ષની વયે આ દુનિયા છોડી ગયેલા ઝવેરચંદ મેઘાણી વધુ જીવ્યા હોત તો ઉત્ત્।ર ગુજરાતમાં પરિભ્રમણ, સંશોધન કરીને તેનાં મૂલ્યવાન લોકસાહિત્ય-લોકસંસ્કૃતિને સવિશેષ ઉજાગર કર્યાં હોત તેવી લોકલાગણી છે.

સંકલન : પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

www.jhaverchandmeghani.com

મોબાઈલ : ૯૮૨૫૦ ૨૧૨૭૯

ઈ-મેઈલઃpinakimeghani@gmail.com

(10:21 am IST)