Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન અને અમદાવાદ સાબરમતી વાલ્મીકિ સમાજ દ્વારા 'શહિદ વંદના'

જેલની કોટડીની સફાઇ કરતા વયોવૃધ્ધ સફાઇ કામદારભાઇના હાથની બનેલી રોટલી ખાવાની અંતિમ ઇચ્છા શહીદ ભગતસિંહે વ્યકત કરી હતી

અમદાવાદ તા. ૨૩ : આઝાદીની લડતના અમર ક્રાંતિવીર ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરૂને ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ અંગ્રેજ સરકાર દ્વારા નિર્દયતાપૂર્વક ફાંસી અપાઈ, તેની વેદનામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ હ્ર દયસ્પર્શી કાવ્ય 'ફૂલમાળ' રચેલું. ફાંસીને દિવસે જેલની કોટડીની સફાઈ કરતા વાલ્મીકિ સમાજના વયોવૃધ્ધ સફાઈ કામદારભાઈની હાથની બનેલી 'રોટી'ખાવાની અંતિમ ઈચ્છા શહીદ ભગતસિંહે વ્યકત કરેલી.

આથી પ્રેરાઈને ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન અને અમદાવાદ-સાબરમતી વાલ્મીકિ સમાજ દ્વારા, સતત સાતમા વર્ષે, 'શહીદ વંદના'નું આયોજન થયું હતું. 

પિનાકી મેઘાણી અને તેમના માતા કુસુમબેન મેઘાણી, વાલ્મીકિ સમાજના અગ્રણીઓ જયંતીભાઈ સોલંકી, રમેશભાઈ સોલંકી, ધનજીભાઈ વાઘેલા, જગદીશ વાઘેલા, કિશોર સોલંકી, ચંદ્રકાંત સોલંકી, હિતેષ સોલંકી, ગંગારામ વાઘેલા, કે. સી. વાઘેલા, ગિરીશ વાઘેલા, સુરેશ વાઘેલા, નીતિન વાઘેલા, દેવેન્દ્ર વાઘેલા, ગૌતમ સોલંકી, નયન વાઘેલા, ભાવેશ વાઘેલા, બાબુભાઈ ચૌહાણ, જૈન સમાજમાંથી દેવેનભાઈ બદાણી અને જતીનભાઈ ઘીયા, શીખ સમુદાયમાંથી મલકિતસિંહએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. યુવા પેઢીની ઉપસ્થિતિ રહી.

વાલ્મીકિ સમાજમાંથી આવતા લોકકલાકારો ગંગારામ વાઘેલા અને ચંદ્રકાંત સોલંકીએ મેઘાણી-ગીતો થકી અનોખી સ્વરાંજલિ અર્પણ કરી હતી. ઝવેરચંદ મેઘાણી રચિત અમર કાવ્ય 'વીરા મારા ! પંચ રે સિંધુને સમશાન, રોપાણાં ત્રણ રૂખડાં હો જી'થી કાર્યક્ર્મનો શુભારંભ કરીને ગંગારામ વાઘેલાએ શહીદ-વીરોને અંજલિ આપી. ગંગારામ વાઘેલા અને ચંદ્રકાંત સોલંકીએ ઝવેરચંદ મેઘાણી સંપાદિત 'સોરઠી સંતવાણી'માંથી પ્રાચીન ભજનો 'ગુરુ, તારો પાર ન પાયો', 'વાગે ભડાકા ભારી ભજનના', 'સાધુ તેરો સંગડો', 'મેરૂ તો ડગે', 'વીજળીને ચમકારે', મેં તો સધ રે જાણીને તમને સેવિયા'ની રમઝટ બોલાવીને સહુને ડોલાવી દીધા. ઝવેરચંદ મેઘાણી રચિત અતિ લોકપ્રિય ગીત 'કસુંબીનો રંગ'રજૂ કરીને કાર્યક્ર્મને વિરામ આપ્યો. વાદ્ય-વૃંદ ધીરેન સોલંકી (તબલા), મોહિત વાઘેલા – મોન્ટુ મકવાણા (મંજીરા)એ પણ બખુબી સાથ આપ્યો હતો. સહુ કલાકારોએ લાગણીથી પ્રેરાઈને સેવા આપી હતી. સાઉન્ડ માટે સુરેશભાઈ મહીડા – સાઈબાબા સાઉન્ડે સેવા આપી હતી. એક દિવસ અગાઉ અવસાન પામેલા વાલ્મીકિ સમાજના અગ્રણી મોહનભાઈ ઘેલાભાઈ વાઘેલાને  શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.        

મેઘાણી-સાહિત્યમાં આલેખિત વાલ્મીકિ સમાજનાં શૌર્ય, શીલ, સ્વાર્પણની ગૌરવગાથાઓની હ્રદયસ્પર્શી રજૂઆત પિનાકી મેઘાણીએ કરી હતી. અંતિમ સમયે શહીદ ભગતસિંહે ખાધેલી વાલ્મીકિ સમાજની 'રોટી'નું ઋણ અને મૂલ્ય કયારેય વીસરાશે નહિ તેમ પિનાકી મેઘાણીએ લાગણીભેર જણાવ્યું હતું. આવો સાત્વિક અને નિર્મલ કાર્યક્ર્મ સહુને સ્પર્શી ગયો હતો. નવી પેઢીમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભાવનાનું સંસ્કાર-સિંચન તથા ગુજરાતની ગૌરવવંતી સંસ્કૃતિ, સાહિત્ય તેમ જ માતૃભાષાને જીવંત રાખવા માટે પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન પ્રયત્નશીલ છે.

(3:50 pm IST)