Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

સરકારી મહેમાન

ડેરી નિષ્ણાંતની કમાલ: દૂધની બનાવટો પછી નિકળતા પાણીમાંથી એનર્જી ડ્રીન્કનું ઉત્પાદન

ચાર વર્ષમાં 8000 જેટલી આદિવાસી મહિલાઓનું વિનામૂલ્યે નિદાન કરતા ડોક્ટર: બિયારણ, ખાતર પછી જંતુનાશકોમાં નકલીની બોલબાલા: ખેડૂતો જરા સંભાળજો : કેરીનો રસ બારેમહિના મળશે, આદિવાસી મહિલાઓ સંયુક્ત રીતે ઉત્પાદન કરે છે

દૂધમાંથી તેની બનાવટો જેવી કે પનીર, શ્રીખંડ, લસ્સી અને છાસ બનાવવામાં આવે છે ત્યારે વધતા પાણીને સામાન્ય રીતે ફેંકી દેવામાં આવે છે પરંતુ તેનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ અને પોષણયુક્ત પીણું બનાવવાનું કામ આણંદની ડેરીના એક વૈજ્ઞાનિકે કર્યું છે. આણંદ કૃષિ વિદ્યાલયના ડેરી ટેકનોલોજી વિભાગના પીન્કલ પટેલે છાસના નકામા પાણીમાં લીંબુ અને મરીમસાલા નાંખીને પીણું બનાવવા પ્રયાસ કર્યો છે. તેમણે કાર્બોનેટ લાઇમ વ્હે બેવરેજ બનાવવાની પધ્ધતિ વિકસાવી છે જેમાં ડી-ફેટેડ લેક્ટોઝહાઇડ્રોલિઝ્ડ વ્હેમાં 4.5 ટકા લાઇમ રસ તેમજ 10 ટકા ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે. ઘર કે ડેરીમાં જ્યારે પનીર, શ્રીખંડ, લસ્સી અને દહી બનાવવામાં આવે છે ત્યારે તેમાંથી નિકળતું પાણી ફેંકી દેવામાં આવે છે. આ વૈજ્ઞાનિક કહે છે કે દૂધના ઉત્પાદનો પછી નિકળતું પાણી એ ખૂબજ પૌષ્ટિક હોય છે. આ પીણું ખોરાકને પચાવવા, તાપમાનનું નિયમન કરવા, ડિહાઇડ્રેશન અટકાવવા, તરસ છીપાવવા અને માનસિક તનાવ દૂર કરવા માટે વાપરી શકાય છે. આ મૂલ્યવર્ધક પીણાંની બનાવટ આ વૈજ્ઞાનિકે વિકલાવી છે જે ભવિષ્યમાં લોકોને ઉપયોગી બનશે.

એક એવા ડોક્ટર જેમનો ધર્મ કેવળ સેવા છે...

ડોક્ટર એટલે રૂપિયા કમાવાનું મશીન એવું કહેવાય છે પરંતુ ગુજરાતમાં એવાં પણ ડોક્ટરો છે કે જેઓ મની માઇન્ડેડ નથી. ઝાલોદ તાલુકાના ગામડી ગામના સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. કલસિંગ ડામોર એવા સ્ત્રી રોગ નિષ્ણાંત છે કે જેમને પોતાની હોસ્પિટલમાં દર મહિને એકવાર એટલે કે પ્રતિ માસની 9મી તારીખે મહિલાઓનું વિનામૂલ્યે નિદાન કરી આપે છે. આ ડોક્ટરે દાહોદમાં અભ્યાસ કરી અમદાવાદની બીજે મેડીકલ કોલેજમાંથી સ્ત્રી રોગ તજજ્ઞની પદવી મેળવી છે. તેમણે પાંચ વર્ષ સુધી દાહોદની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવી હતી. સરકારી સેવામાં તેઓ આજે ઉચ્ચસ્થાને બિરાજમાન હોત પરંતુ તેમણે દાહોદ જિલ્લાની આદિવાસી સમાજની મહિલાઓની તંદુરસ્તી માટે કામ કરવાનું નક્કી કર્યું અને તેમણે સ્વતંત્ર હોસ્પિટલ શરૂ કરી હતી. છેલ્લા ચાર વર્ષમાં તેમણે 8000થી વધુ આદિવાસી મહિલાઓનું વિનામૂલ્યે નિદાન કર્યું છે અને જરૂર પડ્યે વિનામૂલ્યે સારવાર કરી છે. દર મહિનાની 9મી તારીખે આ હોસ્પિટલમાં સરેરાશ 200 મહિલાઓ સારવાર માટે આવતી હોય છે.

રાજ્યના ખેડૂતો સાથે વેપારીઓની છેતરપિંડી...

ગુજરાતમાં ભેળસેળ ક્યાં નથી તે શોધવું કપરૂં બની ગયું છે. કોરોના વાયરસને રોકવા માટે વપરાતા સેનેટાઇઝરમાં પણ ભેળસેળ થઇ રહી છે. ખેડૂતોના ખાતરમાં અને બીયારણમાં પણ ભેળસેળ થાય છે. હવે તો હદ ત્યારે થઇ છે જ્યારે જંતુનાશક દવાઓમાં પણ ભેળસેળ થવા લાગી છે. એટલે કે ઝેર પણ ઓરિજનલ મળતું નથી. કૃષિ પાક પર છાંટવામાં આવતી જંતુનાશક દવાઓમાં વ્યાપક પ્રમાણમાં ભેળસેળ થાય છે. પેસ્ટ્રીસાઇડમાં સૌથી વધુ ભેળસેળ ધરાવતા રાજ્યોમાં ગુજરાતનો ક્રમ ચોથો આવ્યો છે. જંતુનાશક દવાઓ બનાવતી ફેક્ટરીઓ બેકાબૂ બની છે. ખેડૂતોને પારાવાર નુકશાન કરાવે છે. કેન્દ્રીય અને પ્રાદેશિક લેબોરેટરીના આંકડા કહે છે કે દવાના 28 નમૂના પૈકી સાત નમૂના ફેઇલ થયાં છે. આવી દવાઓમાં ભેળસેળ થતી હોવાથી ખેતીના પાકને કોઇ અસર થતી નથી અને ખેડૂતોના રૂપિયા વેડફાઇ રહ્યાં છે. છેલ્લા એક વર્ષમાં પેસ્ટ્રીસાઇડની દુકાનોમાંથી 4011 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા જે પૈકી 174 નમૂના ફેઇલ રહ્યાં હતા. સમગ્ર દેશમાં 68250 પૈકી 1775 નમૂના ફેઇલ થયા હતા. ઉત્પાદકો અને વ્યાપારી બિન્દાસ નકલી દવાઓ ખેડૂતોને વેચી રહ્યાં છે.

ક્લોરપાયરીફોસથી જીવસૃષ્ટિને ખતરો છે...

ક્લોરપાયરીફોસ એ એક જીવ વિજ્ઞાન વિષયક જંતુનાશક છે અને તેનો ઉપયોગ કૃષિ પાક, પ્રાણીઓ પર અને ઘર રંગવાના રંગમાં ઇમારતો પર કરવામાં આવે છે. જંતુઓ અને કૃમિ સહિત અનેક જીવાતોને મારવા માટે તે વપરાય છે. વિશ્વના અનેક વૈજ્ઞાનિકોએ આ પ્રયોગ કરવા સામે ચેતવણી ઉચ્ચારી છે, કેમ કે તેનાથી જીવસૃષ્ટિનો ખતરો છે. ક્લોરપાયરીફોસનો ઉપયોગ કૃષિ અને બિન-કૃષિ બંને ક્ષેત્રમાં 1965થી જંતુનાશક તરીકે કરવામાં આવે છે. ક્લોરપાયરીફોસને 1966માં ડાઉ કેમિકલ કંપની દ્વારા પેટન્ટ આપવામાં આવ્યું હતું. મકાઇમાં તેનો સૌથી વધુ વપરાશ થાય છે. સોયાબીન, ફળ, અખરોટ, બ્રોકોલી અને કોબીજ જેવા તમામ પાકોમાં પણ થાય છે. બિન-કૃષિ ઉપયોગમાં ગોલ્ફ કોર્સ, ટર્ફ, ગ્રીન હાઉસ અને લાકડાની સારવાર માટે તે વપરાય છે. મચ્છર મારવા  અને બાળ પ્રતિરોધક પેકેજિંગમાં કીડી જેવા જંતુને આવતાં રોકવા વપરાય છે. તેનો પાઉડર અને પ્રવાહીમાં બજારમાં મળે છે. તેની અસરથી માનવ શરીરની નર્વસ સિસ્ટમ બગડે છે. સંશોધકો કહે છે કે તેની સૌથી વધુ અસર માછલી, પક્ષીઓ, મહિલાઓ અને બાળકોને થાય છે. એટલું જ નહીં તે જમીનમાં જાય ત્યારે વર્ષો સુધી તેની અસર હોવાને કારણે ભૂગર્ભજળમાં પણ જાય છે. સંશોધકો તેમજ વૈજ્ઞાનિકો કહે છે કે ક્લોરપાયરીફોસનો ઉપયોગ મર્યાદિત કરવો જોઇએ કે જેથી તેની ઘાતક અસરો ઓછી કરી શકાય.

કેરીનો રસ હવે બારેમાસ કાચની બોટલમાં...

ગુજરાતમાં ઉત્પાદિત થતી કેરીનો રસ હવે આપણને બારેમાસ ખાવા મળી શકે છે જેમાં ઓરિજનલ રસ હશે. રાજ્યની આદિવાસી મહિલાઓએ કેરીનો રસ કાઢીને બોટલમાં પેક કરીને વેચવાનું શરૂ કર્યું છે. દક્ષિણ ગુજરાતની આફુસ કેરી મુખ્યત્વે સ્થાનિક કે દેશના વિવિધ બજારોમાં વેચી દેવી પડે છે, કારણ કે પાકી કેરીનો સંગ્રહ થઇ શકતો નથી તેથી આ વિસ્તારની આદિવાસી મહિલાઓએ એક ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો છે. સિઝનમાં જ્યારે પાક બજારમાં આવશે ત્યારે આ મહિલાઓ કૃષિ વિકાસ કેન્દ્રની મદદથી કેરીના રસનું બોટલિંગ કરે છે. વલસાડની મહિલાઓ કેરીના ફળને ધોઇને તેનો રસ બોટલમાં ભરે છે. શરૂઆતમાં આ મહિલાઓએ નાનો બિઝનેસ શરૂ કર્યો હતો પરંતુ હવે ગુરૂકૃપા સ્વયં સહાય જૂથ નામની એક સંસ્થાની રચના કરવામાં આવી છે. આ જૂથની પ્રત્યેક મહિલા 20 હજારથી વધુની આવક આ કામગીરી કરીને મેળવે છે. આ જૂથના કુસુમબેન કાળીદાસ પટેલ માસ્ટર ટ્રેઇનર છે. તેઓ પોતે કેરીના પલ્પની 1000 બોટલો ભરીને તૈયાર કરે છે. કુસુમબેન વર્ષે 60 હજાર જેટલી આવક આ બોટલમાંથી કમાય છે. હવે તેઓ કાચની બોટલમાં કેરીના ટુકડા કરી ખાંડમાં બોળીને ભરવાની પદ્ધતિ પર કામ કરી રહ્યાં છે. ગુજરાતની 1.65 લાખ હેક્ટર જમીનમાં કેરીનો પાક થાય છે જે પૈકી વસલાડમાં 36 હજાર હેક્ટર તેમજ નવસારીમાં 33 હજાર હેક્ટર જમીનમાં આફુસ કેરી પાકે છે. આ મહિલાઓને સિઝનમાં એક મહત્વપૂર્ણ વ્યવસાય મળી રહ્યો છે.

માનવું પડશે કે છાણમાંથી પણ કાગળ બને છે...

ગાય કે ભેંસના છાણમાંથી કાગળ બનાવવાની ટેકનોલોજીનો વિકાસ કરવામાં આવે તો ગુજરાતના પશુધન માલિકોને વધારાની આવક થઇ શકે છે. આવી કાગળ બનાવતી મીલ પ્રત્યેક ગૌશાળા કે પાંજરાપોળમાં બનાવી શકાય છે. ટેકનોલોજી નિષ્ણાંત કહે છે કે છાણમાંથી 7 ટકા હિસ્સો કાગળ બનાવવા વપરાય છે જ્યારે બાકીનો મોટો ભાગ ખાતર તરીકે વપરાય છે. રાજ્યમાં 667 ગૌશાળા  અને 283 પાંજરાપોળ છે. કાગળના એક પ્લાન્ટનો ખર્ચ 15 લાખ રૂપિયા છે. દૂધની ડેરીઓ પ્રત્યેક ગામમાં એક પ્લાન્ટ બનાવે તો રાજ્યમાં 10 હજાર કરતાં વધુ પ્લાન્ટ ઉભા થઇ શકે છે. આપણે જ્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કર્યો છે ત્યારે છાણમાંથી બનેલા કાગળ બજારમાં ઉપલબ્ધ કરાવી શકાશે. ટેકનોલોજી નિષ્ણાંતે નોંધ્યું છે કે રાજ્યમાં એક પશુદીઠ રોજનું 10 કિલો છાણ મળે છે. રાજ્યના બે કરોડ પશુઓનું છાણ એકત્ર કરવામાં આવે તો રોજનું 20 કરોડ કિલોગ્રામ છાણ થાય. જેમાંથી સાત ટકા લેખે એટલે કે બે કરોડ કિલોગ્રામ સુકો કાગળ બની શકે છે. ખાદી અને ગ્રામોદ્યોગ કમિશનના એકમ કુમારપ્પા નેશનલ હેન્ડમેડ પેપર ઇન્સ્ટીટ્યુટ દ્વારા બે વર્ષ પહેલાં છાણમાંથી કાગળ બનાવવામાં આવ્યો હતો, ત્યારપછી જયપુરમાં ખાદી ગ્રામોદ્યોગ પંચે ગૌવંશના છાણમાંથી કાગળ બનાવવાનું શરૂ કર્યું છે. એક પ્લાન્ટથી એક મહિનામાં કાગળની એક લાખ થેલીઓનું ઉત્પાદન થઇ શકે છે. અમેરિકન કેમિકલ સોસાયટીએ નોંધ્યું છે કે છાણમાં કાગળના ઉત્પાદનો બનાવવા માટે જરૂરી સેલ્યુલોઝ સમૃદ્ધ માત્રામાં છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(9:00 am IST)
  • રાજકોટની કુલ ૧૪૯ સૂચિત સોસાયટીમાંથી ૫૩૩૭ દાવા મંજુરઃ હજુ ૭૩૯ના મંજુરીના હુકમો બાકી : રાજકોટના પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ અને તાલુકા મામલતદાર ક્ષેત્રમાં આવેલી કુલ ૧૪૯ સૂચિત સોસાયટીના બાંધકામો અંગે ૬૦૭૬ દાવા અરજી આવી હતીઃ જેમાંથી ૫૯૨૮ બાંધકામો રેગ્યુલાઈઝ કરવા અંગે સુનાવણી હાથ ધરાઈઃ તેમાં ૫૩૩૭ દાવા કલેકટર તંત્રે મંજુર કરી દીધાઃ હજુ ૭૩૯ દાવા અંગેના મંજુરી હુકમો બાકીઃ સૌથી વધુ રાજકોટ પૂર્વ ક્ષેત્રના ૩૬૧ હુકમો બાકીઃ દક્ષિણમાં ૨૫૩ અને તાલુકામાં ૧૧૬ દાવા અંગે હવે નિર્ણયઃ કલેકટરે તાજેતરમાં બોલાવેલ મીટીંગમાં આખરી સમીક્ષા કરાઈઃ ૧૫ દિ'માં પુરૂ કરવા આદેશો access_time 3:04 pm IST

  • આઈસીસીની એલીટ પેનલમાં સમાવેશ થનાર ભારતના યંગેસ્ટ અમ્પાયર નીતિન મેનન : ૩૬ વર્ષના નીતિન મેનનને ત્રણ ટેસ્ટ, ૨૪ વન-ડે અને ૧૬ ટી૨૦નો અનુભવ છે access_time 3:04 pm IST

  • પુત્રીના લગ્ન પાછળ ૬૦૦ લાખ પાઉન્ડ ખર્ચનાર અને અરબોપતિ એલ.એન. મીતલના નાનાભાઇએ દેવાળુ ફુંકયાનું જાહેર કર્યું access_time 3:53 pm IST