Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

કવિવર રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિઃ ઝવેરચંદ મેઘાણી સાથેના સંભારણા

રાજકોટ તા. ૭ : કલકત્તા ખાતે સ્થાયી થયેલ મોટા ભાઈ લાલચંદ મેઘાણીની બીમારીને કારણે ૧૯૧૮ના મે માસમાં ઝવેરચંદ મેઘાણીને ઓચિંતાનું કલકતા જવાનું થયું. કલકત્તા-રોકાણ લંબાયું ને ૧૯૧૮માં જીવણલાલ એન્ડ કંપની નામના એલ્યુમિનિયમનાં વાસણો બનાવતા કારખાનામાં જોડાયા. બજારમાં ફરતાં 'સાઈનબોર્ડ' વાંચીને બંગાળી ભાષા શીખ્યા. ફરજ બજાવતા બચે તે અંગત સમય દરમિયાન બંગાળી ભાષા-સાહિત્ય અને સંસ્કૃતિ સાથે પરિચય કેળવતા જઈ તેનો આસ્વાદ માણવા માંડ્યો. પરિણામે કવિવર રવીન્દ્રનાથ ટાગોર અને તેમના સાહિત્ય પ્રત્યે સવિશેષ આદરભાવ કેળવાયો.

ટાગોરનું અતિ લોકપ્રિય કાવ્ય 'નવવર્ષા' કવિવરના જ સ્વમુખે ઝવેરચંદ મેઘાણીએ ૧૯૨૦માં કલકત્ત્।ા ખાતે સાંભળ્યું ને ખૂબ સ્પર્શી ગયું. હૃદયમાં સતત ઘૂંટાયા કર્યું. ૧૯૪૧માં ટાગોરના નિધન પછી છેક ૧૯૪૪માં, આ કાવ્યના અનુસર્જનરૂપે, આજે પણ લોકમુખે રમતું રહેલું અતિ લોકપ્રિય અને ઝમકદાર ગીત 'મોર બની થનગાટ કરે' ('નવી વર્ષા') પ્રગટ થયું.

૧૯૩૩ના અંતમાં મુંબઈ આવેલા કવિવર રવીન્દ્રનાથ ટાગોરને ઝવેરચંદ મેઘાણીને મળીને ગુજરાતના લોકસાહિત્યનો આસ્વાદ માણવા ખાસ ભલામણ કરનાર હતા — અગાઉ એમને સાંભળી ચૂકેલા એમના અંતરંગ સાથી અને ખ્યાતનામ ચિત્રકાર નંદલાલ બોઝ. એ પ્રમાણે ટાગોરના ગુજરાતી શિષ્યો બચુભાઈ શુકલ અને પિનાકીન ત્રિવેદી સાથે ઝવેરચંદ મેઘાણી પૂર્વ-આયોજિત મુલાકાતના દિવસે નિર્ધારિત સમયે, સવારના ૭-૩૦ના ટકોરે, ટાગોરના ઉતારે – સર દોરાબજી તાતા પેલેસ પહોંચી ગયા. મુલાકાત માટે અડધા કલાકનો સમય ફાળવાયેલો હતો. શૌર્ય-શૃંગાર રસે છલકતા ગુજરાતના લોકસાહિત્યની રસપ્રદ વાતો ઉપરાંત લોકગીતો ઝવેરચંદ મેઘાણી પાસેથી સાંભળીને ટાગોરના મુખ પર પ્રસન્નતા છવાઈ. ગુજરાતનાં અને બંગાળનાં લોકગીતોના ઝવેરચંદ મેઘાણીએ રજૂ કરેલ તુલનાત્મક સમન્વયથી ટાગોર ઝૂમી ઊઠ્યા. નિર્ધારિત સમય તો કયાંય રહ્યો — તેનાથી ત્રણ ગણો સમય ટાગોરે ઝવેરચંદ મેઘાણીને માણતાં ખુશી ખુશી સાથે વિતાવ્યો !  'ના છડિયાં હથિયાર'ગાયું ત્યારે ટાગોર અને નંદલાલ બોઝ બન્નેએ કહ્યું કે, અમારે ત્યાં આવું નથી ! ' સાહિત્યના બેઉ મર્મી વચ્ચેનો રસસંવાદ સોળે કળાએ ખીલેલો હતો તે જ વખતે બરાબર મુલાકાત-ખંડમાં ત્રાટકયું એક વાવાઝોડું — સરોજિની નાયડુ. સાક્ષાત આકાશની વીજળી સમા એ કવયિત્રીની ટાગોર સાથે નવ વાગે મુલાકાત અગાઉથી ગોઠવાયેલી હતી !  પરિસ્થિતિને પામી જતાં એમને, જો કે, વાર ન લાગી.  'આવી રસભરી ગોઠડીમાં ભંગ પાડતાં મારો જીવ નથી ચાલતો. મારો સમય હું મેઘાણીને ફાળવું છું.' મહાત્મા ગાંધીએ જેમને 'રાષ્ટ્રીય શાયર'ના બિરૂદથી નવાજયા છે તેવા ઝવેરચંદ મેઘાણીનાં રાષ્ટ્રીય-ગીતો પણ સાંભળવા ગુરૂદેવને ગમશે, એટલી છેલ્લી ભલામણ કરીને કવયિત્રી પાછાં વળી ગયાં. છૂટા પડતી વેળાએ ટાગોરે હૃદય ખોલ્યું : 'કાઠિયાવાડ ફરી આવવા દિલ તો બહુ છે; પણ હવે તો કોણ જાણે ...  પણ એમ કર : તું જ શાંતિનિકેતન આવ. આપણે બેઉ ગુજરાતી અને બંગાળી લોકગીતોની મેળવણી કરીશું ને ચૂંટીને અંગ્રેજી અનુવાદ સાથે પ્રગટ કરીશું. જરૂર આવ તું. પણ, હા, શિયાળામાં આવજે. ઉનાળો અમારે ત્યાં બહુ આકરો.' આ મુલાકાત પછી ટાગોરે નંદલાલ બોઝ મારફત ઝવેરચંદ મેઘાણીને શાંતિનિકેતન આવવાનું વિધિસરનું નિમંત્રણ મોકલ્યું હતું.

સંકલન : પિનાકી નાનકભાઈ મેઘાણી ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

www.jhaverchandmeghani.com

મોબાઈલ : ૯૮૨૫૦ ૨૧૨૭૯

ઈ-મેઈલઃpinakimeghani@yahoo.com

(3:22 pm IST)