Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

સરકારી મહેમાન

વિદેશી પ્રવાસીને આકર્ષવા કેરાલાની જેમ ગુજરાતમાં પણ ‘ટ્રાવેલ માર્ટ’નો આઇડિયા

રાજ્યમાં 62 સેઝમાંથી ઘટીને 47 થયાં જે પૈકી માત્ર 20 કાર્યક્ષમ, 10 બિન કાર્યક્ષમ છે: શહેરોમાં ગમે ત્યારે વર્ષો જૂનાં વાહનો અદ્રશ્ય બની જશે, સરકાર ભંગારમાં ભાવમાં ખરીદશે: ગુજરાતમાં બાપ કરતાં બેટો સવાયો: બજેટની સરખામણીએ જાહેર દેવાનો આંકડો મોટો

ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે પરંતુ તેમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા ખૂબ ઓછી હોવાથી ગુજરાત સરકારનો પ્રવાસન વિભાગ ટ્રાવેલ માર્ટ ઉભું કરવાની યોજના બનાવી રહ્યો છે. મહત્વની બાબત એવી છે કે રાજ્યમાં છેલ્લા રિપોર્ટ પ્રમાણે 5.75 કરોડ પ્રવાસીઓ નોંધાયા છે જે પૈકી માત્ર બે થી ત્રણ ટકા વિદેશી પ્રવાસીઓ ગુજરાતમાં આવ્યા છે. વિદેશી પ્રવાસીઓની સાથે સાથે અન્ય રાજ્યના પ્રવાસીઓને આકર્ષવા માટે માર્ટ કેરાલાની તર્જ પર બનાવવાની યોજના છે. 2007માં કેરાલામાં ટ્રાવેલ માર્ટ બનાવ્યા પછી વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં 20.37 ટકાનો વધારો થયો છે. પ્રોજેક્ટ પછી કેરાલાના પ્રવાસનની આવક 11433 કરોડ રૂપિયા થઇ ચૂકી છે. કેરાલાને બ્રાન્ડ બનાવવા માટે ટ્રાવેલ માર્ટ પ્રભાવી રહ્યું છે. સૂત્રોએ કહ્યું હતું કે કેરાલાની જેમ ગુજરાતમાં પણ ટ્રાવેલ માર્ટ બનાવવામાં આવી શકે છે. માર્ટ માટે સરકારે ગાંધીનગરને પસંદ કર્યું છે. માર્ટ ગુજરાત બ્રાન્ડ આધારિત હશે કે જેમાં મનોરંજન, ભોજન, પારંપારિક સંગીત, નૃત્ય, પ્રદર્શન કક્ષ, હસ્તકલા ઉદ્યોગ, શિલ્પ ઉદ્યોગ સહિત અનેક ગતિવિધિઓ હશે. પ્રોજેક્ટમાં 251 કરોડ રૂપિયાનું રોકાણ અંદાજવામાં આવ્યું છે. જે પૈકી મિની ગુજરાત માટે 73 કરોડ, લેઝર ઝોન માટે 29 કરોડ, બિઝનેસ ઝોન માટે 100 કરોડ, સુવિધાઓ માટે 31.43 કરોડ અને જમીન વિકાસ માટે 17 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. પ્રોજેક્ટ જીઆઇડીબીના ડેસ્ક પર પ્રોજેક્ટ ઓપર્ચ્યુનિટી હેઠળ મૂકવામાં આવેલો છે. જો કે ટ્રાવેલ માર્ટ ક્યાં બનાવવું તે અંગે સરકારે હજી જગ્યા નિયત કરી નથી પરંતુ અધિકારીઓ કહે છે કે ગાંધીનગર પાસે અડાલજની વાવ પરફેક્ટ જગ્યા છે.

લ્યો, સરકારમાં બજેટ કરતાં જાહેર દેવું વધી ગયું છે...

ગુજરાત સરકારમાં હવે એવો સમય આવ્યો છે કે રાજ્યના બજેટ કદ કરતાં જાહેર દેવાંનો આંકડો વધી રહ્યો છે. રાજ્યનું 2019-20ના વર્ષનું સામાન્ય બજેટ 2.04 લાખ કરોડનું હતું જ્યારે જાહેર દેવાનો આંકડો 2,40,652 કરોડ થયો હતો. હવે જ્યારે ગુજરાત સરકાર 2020-21નું સામાન્ય બજેટ રજૂ કરવા જઇ રહી છે ત્યારે જાહેર દેવાનો આંકડો 2.60 લાખ કરોડ અંદાજવામાં આવ્યો છે જેની સામે નવા વર્ષના બજેટનું કદ 2.22 લાખ કરોડ થવાની સંભાવના છે. એટલે કે રાજ્યના કુલ બજેટની સરખામણીએ દેવાની રકમમાં 40,000 કરોડનો ચોંકાવનારો વધારો હશે. ગુજરાત સરકારના જાહેર દેવાના વધતા જતાં આંકડા જોતાં આવનારા એક વર્ષમાં એટલે કે 2021 સુધીમાં જાહેર દેવાની રકમ 3.00 લાખ કરોડને પાર હોવાની શક્યતા વધી ચૂકી છે. રાજ્ય સરકારને દેવાની ચૂકવણીમાં વિક્રમી વ્યાજ પણ ભરવું પડે છેકારણ કે મોટાભાગનું દેવું બજાર લોન પર અવલંબે છે. સરકારનું જાહેર દેવું માર્ચ 2014ના અંતે માત્ર 1,49,506 કરોડ રૂપિયા હતું તે માર્ચ 2015ના અંતે વધીને 1,63,451 કરોડ રૂપિયા થયું હતું. 2016માં જાહેર દેવાની રકમ 180743 કરોડ હતી જે રાજ્યના બજેટ કરતાં વધુ હતી. એવી જ રીતે 31મી માર્ચ 2017માં જાહેર દેવાની રકમ વધીને 1,99,338 કરોડ અને 31મી માર્ચ 2018ના અંતે વધીને 2,12,591 કરોડ થઇ હતી. એટલે કે છેલ્લા ચાર વર્ષથી જાહેર દેવાનો આંકડો બજેટના આંકડા કરતાં મોટો થતો ગયો છે.

 ગાંધીનગરની હોટલ સફેદ હાથી પુરવાર થશે...

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિર પાસે બની રહેલી ફાઇવસ્ટાર હોટલ સરકારનો સફેદ હાથી પુરવાર થાય તેવી સંભાવના વધી ગઇ છે. રાજ્યના એક પૂર્વ અધિકારીએ કહ્યું હતું કે શહેરમાં સેક્ટર-11માં જે ફાઇવસ્ટાર હોટલ આવેલી છે તેની દૈનિક ઓક્યુપન્સી માત્ર 25 ટકા છે ત્યારે સરકારની આ હોટલના સંચાલન માટે મુશ્કેલી વધી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના રેલવે સ્ટેશનના આધુનિકરણ અને હોટલના નિર્માણ માટેની ઇચ્છા વ્યક્ત કરી તે દિશામાં કામગીરી તો શરૂ કરી છે પરંતુ ધીમે ધીમે નિયત ખર્ચમાં વધારો થતો જાય છે. આ બન્ને પ્રોજેક્ટ માટે પહેલાં 243.58 કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો પરંતુ તેમાં 200 ટકાનો વધારો થયો છે અને હવે આ બન્ને પ્રોજેક્ટ સરકારને 721 કરોડ રૂપિયામાં પડી રહ્યાં છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત એવા આ બન્ને પ્રોજેક્ટનું કામ એકસાથે ચાલી રહ્યું છે અને 70 ટકા પૂર્ણ થવાના આરે છે. રેલવે સ્ટેશન પર બની રહેલી હોટલને સરકારે ફાઇવસ્ટાર બનાવવાનું નક્કી કરી 300 રૂમની સુવિધા કહી હોવાથી આ હોટલનો ખર્ચ વધી રહ્યો હોવાનો દાવો કરવામાં આવે છે. નવી સુવિધામાં અંડરબ્રીજ, માર્ગો અને અન્ય સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ ઉપરાંત મનોરંજન પાર્ક, શોપીંગ મોલ તેમજ મલ્ટીપ્લેક્સ પણ ઉભા કરવામાં આવી રહ્યાં છે. મહાત્મા મંદિરમાં જ્યારે વાયબ્રન્ટ સમિટ અને અન્ય ખાનગી કાર્યક્રમો થશે ત્યારે આ હોટલ ભરચક રહેશે પરંતુ એ દિવસોને બાદ કરતાં ફાઇવસ્ટાર હોટલ માટે કસ્ટમર્સ મળવા મુશ્કેલ છે, કારણ કે અહીં દારૂ મળશે નહીં અને નોનવેઝ પણ પિરસાવાનું નથી.

મધ્ય ગુજરાતમાં બાયો ફ્યુઅલની રિફાઇનરી સ્થપાશે...

ગુજરાતમાં બાયો ફ્યુઅલ પેદા કરવા માટે રિફાઇનરી સ્થાપવાનો નિર્ણય મધ્ય ગુજરાતના ખેડૂત આગેવાનોએ કર્યો છે. પેટલાદ સોજીત્રા સૌર ઉર્જા સહકારી મંડળી અને એફ્રો એશિયન એનર્જી ડેવલપમેન્ટ વચ્ચે આ રિફાઇનરી માટેના એમઓયુ સાઇન કરવામાં આવ્યા છે. મૂળ સોજીત્રાના વતની અને અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત વૈજ્ઞાનિક ડો. ભાસ્કર પટેલ અને પેટલાદ એપીએમસીના ચેરમેન તેજસ પટેલ વચ્ચે આ સમજૂતી કરાર થયા છે. ભાસ્કર પટેલે કહ્યું હતું કે કૃષિ કચરામાં વૈજ્ઞાનિક પેટર્ન અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને બાયો ફ્યુઅલ બનાવવામાં આવશે. પેટલાદની એપીએમસી આ રિફાઇનરી માટે 80 જેટલા ગામોમાં સહકારી માળખું ઉભું કરી કૃષિ કચરો એકત્ર કરશે. સામાન્ય રીતે ખેડૂતો દ્વારા આ કૃષિ કચરો બાળી દેવામાં આવતો હોવાથી ખેડૂતોને કોઇ ઉપજ થતી નથી અને પર્યાવરણને નુકશાન થાય છે. એપીએમસી દ્વારા અમૂલ મોડલના આધાર પર સહકારી સંસ્થાના માધ્યમથી સહકારી ધોરણે ખેડૂતો પાસેથી આ એગ્રો વેસ્ટ મેળવવામાં આવશે. એમઓયુમાં જણાવ્યા પ્રમાણે કૃષિ કચરાના પ્રતિ ટન 4500 રૂપિયા ખેડૂતોને ચૂકવવામાં આવશે. એટલે કે ખેડૂતોને કૃષિ કચરાની પ્રતિ કિલોએ 4.50 રૂપિયા જેટલી આવક થશે. એગ્રી વેસ્ટની ખરીદીથી ખેડૂતોને વર્ષે 25 કરોડ રૂપિયા ચૂકવાશે, એટલું જ નહીં બાયોમાસમાંથી ઉત્પન્ન થયેલા ફ્યુઅલના વેચાણથી થનારી આવકમાંથી પણ ખેડૂતોને બોનસ તરીતે તેમનો હિસ્સો ચૂકવાશે. આ પ્રોજેક્ટમાં પ્રતિ વર્ષ 55,000 મેટ્રીકટન કૃષિ કચરો એકત્ર કરવાનું આયોજન વિચારવામાં આવ્યું છે.

રાજ્યમાં સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન કેમ ઘટી રહ્યાં છે...

ગુજરાતમાં સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (સેઝ) ની સંખ્યા કેમ ઘટી ગઇ છે? એવા સવાલના જવાબમાં ઉદ્યોગ વિભાગ કહે છે કે રાજ્યમાં રોકાણ માટે આવતા ઉદ્યોગોને સેઝમાં રસ રહ્યો નથી. આ ઉદ્યોગ સંચાલકો અલગથી જમીન લઇને તેમની ઇન્ડસ્ટ્રીઝ સ્થાપવા માગે છે. રાજ્યના ઉદ્યોગ કમિશનરેટ વિભાગની વેબસાઇટ પર દર્શાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં જે સંચાલકોએ ઉત્પાદન શરૂ કર્યું છે તેવા સેઝ ઉત્પાદકોની સંખ્યા માત્ર 20 થવા જાય છે. રાજ્યમાં છેલ્લે જ્યારે નરેન્દ્ર મોદી શાસન કરતા હતા ત્યારે સેઝની કુલ સંખ્યા 62 દર્શાવવવામાં આવતી હતી પરંતુ અત્યારે રૂપાણીના શાસનમાં 47 સેઝ દર્શાવવામાં આવી રહ્યાં છે. બન્ને આંકડા વચ્ચેના તફાવતના 15 સેઝ ક્યાં ગયા તે ખુદ સરકારને ખબર નથી. રાજ્યમાં કડવી વાસ્તવિકતા એ છે કે સરકારે મંજૂર કરેલા 10 સેઝ નોન ફંક્શનલ બની ચૂક્યાં છે. સરકારે વધુ પાંચને માન્યતા આપી છે અને 12 સેઝ મંજૂરીના તબક્કે પડતર છે. જેમાં કોઇ ઉત્પાદન થતું નથી તેવા સેઝ પૈકી ત્રણ અમદાવાદ, બે ભરૂચ, બે ગાંધીનગર, બે કચ્છ અને એક વડોદરામાં આવેલા છે. મહત્વની બાબત એવી છે કે જ્યાં ઉત્પાદન થતું નથી તેવા સેઝમાં અદાણી જૂથ,એચબીએસ ફાર્મા, બાયોટેક સાવલી, શિવગંગા રિયલ એસ્ટેટ અને દીશમાન ફાર્મા જેવી કંપનીનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં 15 વર્ષ જૂનાં વાહનો અદ્રશ્ય થઇ જશે...

ગુજરાતના શહેરી વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે રાજ્ય સરકારે અનેક ઉપાયો શોધ્યાં છે કે જેમાં વાહનોની સંખ્યાને મર્યાદિત કરવી, હયાત માર્ગોને પહોળા કરવા, ટ્રાફિક સિગ્નલો પર ઓવરબ્રીજ કે અંડરબ્રીજ બનાવવા, માર્ગો પર વાહન પાર્કિંગ બંધ કરવું, વાહન રજીસ્ટ્રેશનના નિયમોને વધુ કડક બનાવવા અને પાર્કિંગની જગ્યા વિના નવું વાહન નહીં ખરીદવાનું ફરજીયાત બનાવવું જેવાં અનેક ઉપાયોનો સમાવેશ થાય છે. એક એવો ઉપાય શોધવામાં આવ્યો છે કે જેના કારણે માર્ગો પર ફરતાં જૂનાં અને ખખડી ગયેલા વાહનો અદ્રશ્ય બની જશે. રાજ્યના વાહનવ્યવહાર વિભાગના એક ઉચ્ચ અધિકારીએ એવો નિર્દેશ આપ્યો હતો કે સરકાર ટૂંકસમયમાં જૂના વાહનોને સ્ક્રેપમાં લઇ જવા અંગેની પોલિસી બનાવી રહી છે જેમાં 15 કે 18 વર્ષ જૂનાં વાહનોને સ્ક્રેપમાં લઇ જવાશે. આ પ્રકારની પોલિસી દિલ્હી, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને પશ્ચિમબંગાળમાં છે. આ અધિકારીએ કહ્યું હતું કે જો ગુજરાત આવી પોલિસી બનાવશે તો તે દેશમાં પાંચમું રાજ્ય હશે. પોલિસીમાં નક્કી થયા પ્રમાણે કોઇપણ વાહનચાલકનું વાહન જ્યારે સ્ક્રેપ કરવામાં આવે ત્યારે તેને ભંગારના ભાવમા દામ ચૂકવાશે. આ પોલિસીમાં માત્ર ખાનગી વાહનો જ નહીં પરંતુ સરકારી વાહનોનો પણ સમાવેશ કરવામાં આવનાર છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(9:01 am IST)