Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

સરકારી મહેમાન

પૌષ્ટીકતાથી ભરપૂર એવી મગફળીના દાણા માત્ર પાંચ રૂપિયામાં લીટર દૂધ બનાવી શકે

મેઇડ ઇન ચાઇના--કોરોના વાયરસ સામે તકેદારી રાખવા આયુર્વેદમાં ઉપચાર પદ્ધતિ મોજૂદ છે : ડાંગરની 25 થી વધુ આડપેદાશો જો રાજ્યના ખેડૂતોને ખબર પડે તો તેઓ લખપતિ બની શકે : વહીવટી તંત્રની શિથિલતા દૂર કરવા CM વિજય રૂપાણીએ 'કોર્પોરેટ સ્ટાઇલ' અપનાવવી પડશે

દૂધાળાં પશુઓના દૂધની કિંમત આજે 50 રૂપિયા કરતાં વધી ચૂકી છે પરંતુ તમને જો પાંચ રૂપિયામાં એક લીટર દૂધ મળે તો કેટલું સસ્તું કહેવાય... અચરજ પમાડે તેવું આ સંશોધન છે. જૂનાગઢના નાબાર્ડના પૂર્વ અધિકારીના પત્નીએ મગફળીને પ્રોસેસ કરી તેમાંથી પૌષ્ટીક દૂધ બનાવ્યું હતું. જો કે આ સંશોધનને આગળ લઇ જવામાં આવ્યું નથી તેથી લોકોને ખબર નથી કે મગફળી આરોગ્ય વર્ધક એવું દૂધ અને તેની બનાવટો આપી શકે છે. પારૂલદેવી રાવલનું આ સંશોધન હતું. તેમનો આ પ્રયાસ ગરીબી રેખાની નીચે જીવતા લોકોને પૌષ્ટીક આહાર આપી શકે છે. મગફળીના દૂધની બનાવટ એટલી સરળ છે કે લોકો જાતે ઘરમાં બનાવી શકે છે. તેમના મતે 100 ગ્રામ મગફળીના દાણાં ઉકાળતા ગરમ પાણીમાં નાંખવાના હોય છે. થોડાં સમય પછી દાણાં ગરમ થતાં ફોતરાં કાઢી શકાશે. આ દાણાને મિક્સરમાં ક્રશ કરતાં પેસ્ટ બનતી જશે. આ પેસ્ટમાં પાણી નાંખીને ત્રણેક વાર ક્રશ કરવું પડે. છેલ્લે પેસ્ટમાં પાણી ઉમેરીને ગાળી દેવાથી એક લિટર દૂધ તૈયાર થશે. તૈયાર થયેલા દૂધને ગેસ પર મૂકવાથી સામાન્ય દૂધની જેમ ઉભરો પણ આવશે. મગફળી એ તેલિબિયાં હોવાથી દૂધમાં તેલની આવતી વાસને દૂર કરવા દૂધમાં ઇલાયચી અને મસાલા નાંખી શકાય છે. આ દૂધમાંથી દહી, છાસ, માખણ, આઇસ્ક્રીમ અને કઢી પણ બને છે. મગફળીના માત્ર 100 ગ્રામ દાણામાંથી એક લીટર દૂધ બનાવી શકાય છે. આ દૂધમાં 25 ટકા પ્રોટીન અને 40 ટકા ચરબી હોય છે તેથી પોષણભૂખને સંતોષી શકે છે. જો આ સંશોધનને આગળ ધપાવવામાં આવે તો રાજ્યના આરોગ્ય અને કૃષિ વિભાગ માટે મગફળીનું દૂધ અમૃત સમાન બની શકે છે.

સરકારમાં કોર્પોરેટ કલ્ચર આવે તો ઝડપ વધે...

ગુજરાત સરકારમાં કોર્પોરેટ કલ્ચરનો પ્રવેશ ત્યારે થયો હતો જ્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતનું શાસન સંભાળ્યું હતું. એ સમયે સચિવાલયના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઘડિયાળના કાંટે નહીં, સરકારની ઇચ્છાશક્તિ પ્રમાણે કામ કરતા હતા. મોદીના શાસનમાં ત્રણ ઇમારત--મહાત્મા મંદિર, સ્વર્ણિમ સંકુલ અને ગિફ્ટ સિટી-- એટલી ઝડપથી બનાવવામાં આવી છે કે આજે આવી કોઇ ઇમારત આટલી ઝડપથી બનતી નથી. ગુજરાતમાં અમદાવાદ મેટ્રોરેલના પ્રોજેક્ટમાં અસહ્ય વિલંબ થયો છે. 2007ની યોજના 13 વર્ષ પછી પણ પૂર્ણ થઇ નથી. કલ્પસર યોજના તો કલ્પના જ રહી છે. હાલની સરકારમાં કોર્પોરેટ કલ્ચરનો અભાવ છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં 4610 દિવસનું શાસન કર્યું છે પરંતુ કામની ઝડપ અને ઇચ્છાશક્તિ ગજબની જોવા મળી હતી. રાજ્ય સરકારના એક સિનિયર અધિકારી કે જેમણે મોદી સરકારમાં મહત્વનો રોલ અદા કર્યો છે તેમણે કહ્યું હતું કે સાતમા પગાર પંચ પછી અધિકારીઓ તેમજ કર્મચારીઓના પગારમાં અનેકગણો વધારો થયો છે પરંતુ કામની ઝડપ ઓછી થઇ છે. રાજ્યની જનતાના કામોમાં અસહ્ય વિલંબ થઇ રહ્યો છે. નિર્ણયશક્તિનો અભાવ જણાય છે. હવે તો ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ કહે છે કે-- "અમે મંત્રી છીએ તો પણ અમારે કામ કરાવવા માટે વહીવટી તંત્રની પાછળ પડવું પડે છે. ફોલોઅપ કરવું પડે છે. અધિકારીઓ પાસે ઉઘરાણી કરવી પડે છે. કામ માટે સાત કોઠા પાર કરવાના હોય છે" અહીં એક સવાલ એવો થાય છે કે સરકારે કામ કે ફાઇલના નિકાલ માટેનું ટાઇમટેબલ બનાવ્યું છે પરંતુ તે માત્ર આદેશ છે, વહીવટી તંત્રને તેની ફરજ પાડવામાં આવતી નથી.

કોરોના વાયરસથી બચવા શું કરવું જોઇએ...

મેઇડ ઇન ચાઇના એવા કોરોના વાયરસથી ગભરાવાની જરૂર નથી, માત્ર થોડી સાવધાની રાખવી જરૂરી છે તેવું ગાંધીનગરના આયુર્વેદ નિષ્ણાંત અને પૂર્વ આયુર્વેદા અધિકારી ડો. દિનેશ પંડ્યાનું કહેવું છે. તેમણે જે ફોર્મ્યુલા આપી છે તેનો અમલ કરવામાં આવે તો આપણે તેનાથી બચી શકીએ છીએ. તેમના કહેવા પ્રમાણે નસ્ય કર્મ બેસ્ટ છે. ગાયના ઘીના બે ટીપાં દિવસમાં બે વખત નાકમાં નાંખવા જોઇએ. લસણ, પિપ્પલી અને સુવાના ધુમાડાને નાકમાંથી લઇને મોંઢાથી છોડવો જોઇએ. ઘરમાં લીમડો, ગુગળ અને કપૂરનો ધુપ કરવો જોઇએ. ભોજનમાં દહી, લસ્સી, આઇસક્રીમ, કેળાં અને કોલ્ડડ્રીન્ક્સ લેવું ન જોઇએ. દિવસ દરમ્યાન પાણીમાં સૂંઠનો પાવડર મિલાવી ઉકાળીને પીવું જોઇએ. ત્રિકુટ ચૂર્ણ (સુંઠ, મરી અને પીપર) ઉત્તમ ઇલાજ છે. તુલસી અને અરડુસીનો રસ મધની સાથે મિલાવીને પીવો જોઇએ. દિનેશ પંડ્યાના કહેવા પ્રમાણે કોરોના વાયરસના લક્ષણો આયુર્વેદ શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણેના કફવાત જવર સમાન છે. જો આટલા પ્રિકોશન લેવામાં આવે તો કોરોના વાયરસના ચેપથી બચી શકાય છે.

ડાયાબિટીસ અને ટીબીની અકસીર દવા...

દૂધથી નહાવાથી ચામડી સુંદર થાય છે અને ચહેરા પર નિખાર આવે છે તેવું ક્લીઓપેટ્રા માને છે પરંતુ દૂધની મદદથી ટીબી અને ડાયાબિટીસ જેવા રોગ કન્ટ્રોલમાં આવે છે તેવું સંશોધન રાજસ્થાનના બિકાનેરમાં કેમલ મિલ્કની એક સંશોધન શાળા નેશનલ કેમલ રીસર્ચ સેન્ટરનું છે. આ સેન્ટરની મુલાકાતે ગયેલા વિદેશી પર્યટકોએ કેમલ મિલ્કનો ઉપયોગ કરીને ઇન્સ્યુલીનના ઇન્જેક્શન બંધ કર્યા હોવાના દાખલા નોંધાયા છે. કેમલ રીસર્ચ સંસ્થાના ડાયરેક્ટર કહે છે કે અમે આ સેન્ટરમાં બિકાનેરી, જેસલમેરી અને કચ્છી ઊંટની નસલને સુધારવાનું કામ કરીએ છીએ. આ સંસ્થાના ચાર સંશોધકોએ ડાયાબિટીક વિદેશી પેશન્ટોને ઊંટડીનું દૂધ પિવડાવીને ડાયાબિટીસ કન્ટ્રોલ કરવામાં સફળતા મેળવી છે. આ સંશોધનમાં 92 ટકા પેશન્ટો કે જેઓ ઇન્સ્યુલીનના ઇન્જેક્શન લેતાં હતા તે બંધ કર્યા છે. તેમનો ડાયાબિટીસ કાબૂમાં આવ્યો છે. જ્યારે ટીબીના દર્દીઓમાં પણ ચમત્કારીક પરિણામ મળ્યાં છે. ફાસ્ટીંગ બ્લડશ્યુગરમાં સુધારો થયો છે અને ટીબીના દર્દીઓના ફેફસા મજબૂત બન્યાં છે. સંશોધકોના મતે કેમલ મિલ્કમાં 40 ટકા કોલેસ્ટ્રોલ ઓછું છે. તેમાં ખનીજ તત્વો જેવાં કે સોડીયમ, પોટેશ્યમ, મેગ્નેશ્યમ અને આયોડીનનું પ્રમાણ ઉંચું છે. વિટામીન-સી તેમજ પ્રોટીન ગાયના દૂધ કરતાં કેમલ મિલ્કમાં વધારે જોવા મળ્યું છે. આ દૂધ પીવામાં ખારૂં લાગે છે. તે પાતળું અને સફેદ છે. આ દૂધને 10 દિવસ સુધી ઉકાળવામાં ના આવે તો પણ તે બગડતું નથી. એક ઊંટડી દિવસમાં 10 લીટર દૂધ આપતી હોય છે જેમાં 88 ટકા પાણીનો હિસ્સો છે.

ડાંગરની આડપેદાશ લખપતિ બનાવી શકે છે...

ગુજરાતના લોકોનો મુખ્ય ખોરાક દાળ-ભાત અને ખીચડી છે. ભાત વિનાની રસોઇ અધુરી ગણાય છે. ભાત એટલે ડાંગર-ચોખા. આ ડાંગરના પાકની આડપેદાશ રાજ્યના ખેડૂતોને લખપતિ બનાવી શકે છે. વિદેશોમાં આ સંશોધન થયું છે પરંતુ ગુજરાતના ખેડૂતો ડાંગરની આડપેદાશોથી અજ્ઞાન છે. ગુજરાત કૃષિ યુનિવર્સિટીના ખેડા જિલ્લાના નવાગામમાં આવેલા ચોખા સંશોધન કેન્દ્રમાં થયેલા સંશોધન પ્રમાણે ડાંગરના પિલાણ પછી મીલમાંથી નીકળતી ચોખા સિવાયની ઘણી બધી આડપેદાશોને વિવિધ ઉદ્યોગોમાં ફેરવવામાં આવે તો દેશનું આર્થિક પાસું બદલી શકાય છે. ડાંગરનો એક છોડ 25 થી 30 આડપેદાશ આપે છે. ડાંગરમાંથી ચોખા, મમરા, પૌંઆ, દારૂ, સ્ટાર્ચ, પાપડી બને છે. કુશકીમાંથી તેલ, ખોળ, મીણ, ટાર અને વેસ્ટ બને છે. ફોતરીમાંથી સિમેન્ટ, બોર્ડ, કરફ્યુરલ, સિલિકા, ઇંટ માટેની રાખ અને પરાળમાંથી સ્ટ્રો-બોર્ડ, કાગળ, સ્ટ્રો-બેગ, કુટીર પેદાશ અને શેમ્પુ બને છે. દક્ષિણ પૂર્વ એશિયાના દેશો જેવાં કે દક્ષિણ કોરિયા, જાપાન અને ભારતમાં ચોખામાંથી દારૂ બનાવવામાં આવે છે. સેન્ટ્રલ બિલ્ડીંગ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ, રૂરકીએ ડાંગરની ફોતરીમાંથી સિમેન્ટ બનાવ્યો છે. ફરફ્યુરલ એક એવું રસાયણ છે કે જે પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગમાં ઉદ્દીપક તરીકે વપરાય છે. આ પ્રકારનો પ્લાન્ટ પંજાબમાં સ્થપાયેલો છે. ઇન્ડોનેશિયામાં વાળ માટેનું શેમ્પુ ડાંગરની પરાળમાંથી બનાવવામાં આવે છે.  ડાંગરની ફોતરીમાં 15 ટકા સિલિકા હોય છે. કુશકીમાંથી મળતા તેલના ઉપયોગ ધ્યાને લેવામાં આવે તો ખેડૂતો લખપતિ બની શકે છે. જાપાનમાં આ તેલમાં બટાટાની ચિપ્સ અને સેવ તળાય છે. તાઇવાનના લોકો રાંધવામાં આ તેલ વાપરે છે. જાપાનમાં થયેલા સંશોધન પ્રમાણે આ તેલમાં કોલેસ્ટ્રોલ હોતું નથી તેથી તંદુરસ્તી માટે ઉત્તમ ગણાય છે. આ તેલમાંથી પાલમિટીક, માયસ્ટ્રીક, સ્ટીરિક, ઓલિક, લિનોલિક અને લિનોલેનિક એસિડ મળે છે. ડાંગનો એક છોડ બહુમૂલ્ય પેદાશોનો ભંડાર છે તે બાબત ગુજરાતના કૃષિ વિભાગના અધિકારીઓને ગળે ઉતરવી જોઇએ.

મહેસૂલનો ભ્રષ્ટાચાર હવે ખાણ-ખનીજમાં ઘૂસ્યો...

ગુજરાતમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર મહેસૂલ વિભાગમાં થતો હતો પરંતુ હવે આ વિભાગને બદનામીથી ઉગારવાના પ્રયાસ થતાં હવે ભ્રષ્ટાચારે દિશા બદલી છે. છૂપી રીતે આ ભ્રષ્ટાચાર ખાણ-ખનીજ વિભાગમાં પ્રવેશી ચૂક્યો છે. રાજયમાં મહેસૂલ, ગૃહ અને શહેરી વિકાસ વિભાગમાં ભ્રષ્ટાચાર થાય છે તેવા વિપક્ષી આક્ષેપો અવાર નવાર થતાં હોય છે પરંતુ વિપક્ષના નેતાઓએ ખાણ અને ખનીજ વિભાગ તરફ નજર કરવાની જરૂર છે. હવે જ્યારે મુખ્યમંત્રી કચેરી અને ઉદ્યોગ વિભાગનું ધ્યાન ખાણ અને ખનીજ વિભાગ તરફ ગયું છે ત્યારે વિભાગના ઉચ્ચ અધિકારીઓને સરકારે આદેશ કર્યો છે કે વિભાગનો ભ્રષ્ટાચાર શોધી કાઢો. રાજ્યમાં રેતીમાં સૌથી મોટી રોયલ્ટી ચોરી થાય છે. એ ઉપરાંત બીજા ખનીજોમાં પણ ચોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ભ્રષ્ટ્રાચારના મૂળમાં ખાણ-ખનીજ માફિયાઓની બનાવેલી એક રીંગ કામ કરે છે જેનું સંચાલન અમદાવાદમાંથી થાય છે. આ રીંગમાં વિભાગના કર્મચારીઓ તેમજ અધિકારીઓ પણ સંડોવાયેલા છે. ખાણ-ખનીજ વિભાગમાં વર્ષોથી ભ્રષ્ટાચાર થાય છે પરંતુ છેલ્લા એક વર્ષમાં અગાઉના વર્ષો કરતાં ત્રણ ગણો ભ્રષ્ટાચાર થયો છે. બદનામ થઇ રહેલા આ વિભાગમાં ખાણ-ખનીજના ઉત્ખનન સ્થળોએ ડ્રોનની મદદથી ચેકીંગ થતું હતું પરંતુ ડ્રોન ઉડાવનારા પ્રામાણિક અધિકારીઓને સરકારે જ બદલી નાંખ્યા પછી આ વિભાગમાં રોયલ્ટી ચોરીનું એક મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. છેલ્લા બે મહિનામાં ભૂસ્તર અને વિજ્ઞાનની ટીમોએ રાજ્યના 335 સ્થળોએ ઓચિંતા દરોડા પાડ્યા હતા જેમાં 114 કરોડ રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવી છે. ચોંકાવનારી બાબત એવી છે કે રાજ્યમાં રેતીની ચોરી હંમેશા રાત્રે જ થતી હોવા છતાં વિભાગની ફ્લાઇંગ સ્ક્વોર્ડ રાત્રી ચેકીંગ કરવાનું ટાળી રહી છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

(8:52 am IST)
  • સ્પેને ચીનથી કોરોના ટેસ્ટની ૬,૪૦,૦૦૦ ટેસ્ટીંગ કીટ ચીનથી મંગાવી access_time 6:06 pm IST

  • કોરોના સામે વિશ્વ યુદ્ધની જેવી તૈયારી : કેન્દ્ર સરકારે કેબિનેટ મંત્રીઓને અલગ અલગ રાજ્યોની જવાબદારી સોપી : કેન્દ્ર સરકાર અને પીએમ મોદી કોરોના વાઈરસ સાથેની લડાઇમાં કોઈ કસર છોડશે નહીં : કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સારા સંકલનની સાથે પરિસ્થિતી પર કેબિનેટ મંત્રીઓ સારી રીતે ધ્યાન રાખશે. access_time 8:59 pm IST

  • ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો બંધ કરી : ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉનને નજર સમક્ષ રાખી ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો બંધ રાખવાના હુકમો કર્યા છે access_time 10:16 pm IST