Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

સરકારી મહેમાન

વિશ્વમાં 1930માં આવેલી મહામંદી પર પુસ્તકો લખાયા, ફિલ્મો પણ બની હતી

જોન સ્ટીનબેક એ લખેલા “The Grapes of Wrath” પુસ્તકને સાહિત્યનો નોબલ પુરસ્કાર મળ્યો હતો : વિશ્વમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 45 ટકા અને આવાસ નિર્માણના દરમાં 80 ટકાનો ઘટાડો થયો હતો : 11000 બેન્કોનું દેવાળું નિકળ્યું હતું, બેન્કોમાં જમા રકમનો વીમો નહીં હોવાથી લોકોની મૂડી સમાપ્ત

કોઇ અર્થશાસ્ત્રીએ કહ્યું છે કે— “પ્રત્યેક વિનાશની પાછળ નવા જીવનની સંભાવના છૂપાયેલી હોય છે અને તેનાથી બહેતર જીવનનો આધાર મળે છે. જો ગહન દ્રષ્ટીથી વિચાર કરવામાં આવે તો મંદીને પણ આવો રચનાત્મક વિનાશ માનવામાં આવે છે જે બજાર અર્થવ્યવસ્થા માટે પ્રેરક બળનું કામ કરે છે.

કોઇપણ મંદીમાંથી ઉગરવા માટે ત્રણ સ્તરના પ્રયાસ થતાં હોય છે. પહેલો પ્રયાસ સરકારના સ્તરે હોય છે. બીજો પ્રયાસ કેન્દ્રીય બેન્ક ના સ્તરે હોય છે જ્યારે ત્રીજો પ્રયાસ ઉદ્યોગ-વ્યવસાયના સ્તરે હોય છે. કહેવાય છે કે વ્યવસાય ચક્ર એટલે કે બિઝનેસ સાયકલ ચાર સ્થિતિમાંથી પસાર થાય છે જેમાં (1) મંદી-રિસેશન (2) મહામંદી-ડિપ્રેશન (3) રિકવરી અને (4) તેજી-બૂમ... જ્યારે જીડીપી અને રોજગારમાં ઘટાડો થાય છે ત્યારે તેને અર્થવ્યવસ્થાને મંદી કહેવાય છે અને તે વધુ પ્રભાવી થાય ત્યારે તે મહામંદીમાં તબદીલ થઇ જાય છે.

મોદી સરકારની અગ્નિપરીક્ષા...

આર્થિક મંદી એટલે શું જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તર પર વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં ઘટાડો થાય અને ઘરેલું ઉત્પાદન ત્રણ મહિના સુધી ડાઉન ગ્રોથમાં હોય ત્યારે તે સ્થિતિ ને વિશ્વ આર્થિક મંદી કહે છે. 2019માં મંદી વિશ્વના દરવાજે દસ્તક આપી રહી છે અને તેની અસરમાં ભારત આવી ગયું છે. અમેરિકા અને ચાઇના વચ્ચેના ટ્રેડવોરના કારણે ભારતની નિકાસને અસર થઇ છે. ભારતમાં ઓટો સેક્ટર, ટેક્સટાઇલ અને ડાયમન્ડ સેક્ટરમાં ઉત્પાદન ઘટી રહ્યું છે અને લોકોની રોજગારી છીનવાઇ રહી છે. તેવા સંજોગોમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામન કેટલાક પેકેજ લઇને આવ્યા છે પરંતુ વૈશ્વિક મંદી સામે કેન્દ્ર સરકારના પેકેજ વામણાં સાબિત થઇ રહ્યાં છે. મોદી સરકારનીપહેલી અગ્નિપરીક્ષા છે.

આર્થિક મંદીના કારણો...

ભારતમાં આર્થિક મંદીના ચાર મુખ્ય કારણોમાં (1) કાચા તેલની વધતી જતી કિંમત (2) ડોલરની સામે રૂપિયાની ઘટતી કિંમત (3) રાજકોષીય ઘટ અને (4) આયાતની સામે નિકાસમાં ઘટાડાથી વિદેશી મુદ્રા કોષમાં ઘટાડો... ઓટો સેક્ટરમાં છેલ્લા ચાર મહિનામાં 3.50 લાખ લોકોને છૂટા કરવામાં આવ્યા છે અને 10 લાખ નોકરીઓ ખતરામાં છે. અમેરિકા અને ચીન વચ્ચેના વ્યાપાર યુદ્ધના કારણે ભારતમાં પણ આર્થિક મંદીનો ખતરો વધી રહ્યો છે. ઓટોમોબાઇલ પછી ટેક્સટાઇલ સેક્ટરમાં પણ મંદી ફરી વળી છે. સુરતનો ડાયમન્ડ ઉદ્યોગ પણ બાકાત નથી.

1922થી શરૂઆત થઇ ચૂકી હતી...

1922માં અમેરિકાએ ફોર્ડન મેક ક્યૂમ્બર ટેરિફ દ્વારા બહારની વસ્તુઓ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. પ્રતિબંધના કારણે યુરોપિય દેશોના બજાર ઠપ્પ થઇ ગયા હતા. અન્ય દેશોએ પણ બદલાની ભાવનાથી અમેરિકાના માલ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. 1929માં ગોલ્ડના ભંડારનો એક મોટો હિસ્સો અમેરિકા પાસે જતો રહ્યો હતો. અમેરિકામાં 13.7 મિલિયન, જર્મનીમાં 5.6 મિલિયન અને બ્રિટનમાં 2.8 મિલિયન બેરોજગાર બન્યા હતા. મંદીમાંથી વિશ્વને ઉગારવા માટે 1933માં લંડનમાં એક સંમેલન થયું હતું પરંતુ તે નિષ્ફળ રહ્યું હતું. 1932માં બ્રિટને આયાત એક્ટ બનાવ્યો હતો. સંપૂર્ણ યુરોપમાં આર્થિક વ્યવસ્થા મજબૂત કરવામાં આવી.

રાષ્ટ્રપતિ હર્બટ હુવરે શું કર્યું હતું...

ભૂતકાળ જોઇએ તો 1930માં પણ વૈશ્વિક મંદી દરમિયાન અમેરિકાએ આવા ટ્રેડ વૉરની શરૂઆત કરી હતી. વખતે તત્કાલિન રાષ્ટ્રપતિ હર્બટ હુવરે પણ 20 હજારથી વધારે ચીજવસ્તુઓ ઉપર ટેક્સ વધારી દીધો હતો. પરિણામ આવ્યું કે વૈશ્વિક મંદી વધારે ઘેરી બની. આમ તો 2008ની વૈશ્વિક મંદી બાદ તમામ મોટા દેશોના નેતા આંતરરાષ્ટ્રીય વેપારમાં સંરક્ષણવાદી નીતિઓને ટાળતા રહ્યાં છે. એનું કારણ કે દુનિયાભરના દેશોના અર્થતંત્રોએ 1930ના દશકમાં થયેલા ટ્રેડ વૉરનો બોધપાઠ લીધો છે. કહેવાય છે કે વ્યાપાર યુદ્ધના કારણે 1929થી 1941 સુધી વ્યાપેલી વૈશ્વિક આર્થિક મંદીનો જન્મ થયો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પ શું માને છે...

જોકે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી તેમણે અમેરિકા ફર્સ્ટની નીતિ અપનાવી છે જે સંરક્ષણવાદ તરફ દોરી જાય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માને છે કે-- જો અમેરિકાને કોઇ બીજા દેશ સાથેના વ્યાપારમાં ખોટ જતી હોય તો ટ્રેડ વૉર શરૂ કરવામાં કશું ખોટું નથી. ટ્રેડવોરના કારણે ભારતમાં પણ સ્લોડાઉન શરૂ થયું છે. વિશ્વના દેશોને અમેરિકાની નીતિ સૌથી વધુ સ્પર્શે છે.

ભારત દેશ પણ બાકાત હતો...

1930માં સમગ્ર વિશ્વ મહામંદીમાં સપડાયું હતું જેમાં ભારત પણ બાકાત હતું. મંદીમાં ઉત્પાદનના આંકડા તળીયે આવે છે અને બેરોજગારીના આંકડા ઉંચા આવે છે. અમેરિકાથી શરૂ થયેલું આર્થિક સંકટ 89 વર્ષ પહેલાંની મંદીને યાદ આપે તેવી છે. અમેરિકાથી શરૂ થયેલી મંદીએ દુનિયાના દેશોને ચપેટમાં લીધા હતા. 1923માં અમેરિકાના શેરબજારે છલાંગ લગાવી હતી પરંતુ 1929નું વર્ષ આવતાં સુધીમાં અસ્થિરતાના સંકેત મળ્યા હતા. આખરે 24મી ઓક્ટોબરે ગુબ્બારો ફૂટ્યો.

શેરધારકોના 40 અબજ ડોલર સાફ...

એક દિવસમાં પાંચ અબજ ડોલરનો સફાયો થઇ ગયો હતો. 29મી ઓક્ટોબરે અમેરિકાનું શેરબજાર ફરીથી તળિયે આવ્યું અને લાખો લોકોની બચત હવા બની ગઇ હતી. દિવસે રોકાણકારોને 14 અબજ ડોલરનું નુકશાન થયું હતું જેને બ્લેક ટ્યુઝડે ના નામથી જાણવામાં આવે છે. જુલાઇ 2023 સુધી મંદીના ઓછાયા રહ્યાં હતા. 2030ની મંદીનું કોઇ કારણ હતું પરંતુ બેન્કો નિષ્ફળ ગઇ હતી અને શેરબજાર તળિયે આવ્યું હતું. શેરધારકોના 40 અબજ ડોલર સાફ થઇ ગયા હતા. 1930ની મંદીની શરૂઆત 1929થી શરૂ થઇ હતી અને તેનો અંત 1940માં આવ્યો હતો. તેણે આખા દુનિયામાં કહેર મચાવ્યો હતો. ફાંસીવાદ વધ્યો હતો અને અંતે બીજા વિશ્વયુદ્ધની નોબત આવી હતી. રાશનની દુકાનોમાં અન્નના એક દાણા માટે લોકો તરસી રહ્યાં હતા. અમેરિકામાં દુકાળ પડ્યો હતો જેણે મહામંદીની આગમાં ઘી હોમવાનું કામ કર્યું હતું.

લોકોની મૂડી ખત્મ થઇ ગઇ હતી...

મંદીની આંધીમાં 11000 બેન્કોનું દેવાળું નિકળી ગયું હતું. બેન્કોમાં જમા રકમનો વીમો નહીં હોવાથી લોકોની મૂડી ખત્મ થઇ ગઇ હતી. જે બેન્કો બચી હતી તેમણે લેવડ-દેવડ બંધ કરી દીધી હતી. લોકોએ શેર ખરીદવાના બંધ કરતાં કંપનીઓ બંધ થઇ હતી અને લોકોને નોકરીઓ ખોવાનો વારો આવ્યો હતો. આર્થિક મંદીના વાતાવરણ વચ્ચે અમેરિકાની સરકારે તેની કંપનીઓને રક્ષણ આપવાનું શરૂ કર્યું હતું. મંદીની સૌથી ઘેરી અસર ઓસ્ટ્રેલિયા પર થઇ હતી. કેનેડામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 58 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ફ્રાન્સ આત્મનિર્ભર હોવાથી મંદીની અસર દેશમાં ઓછી જોવા મળી હતી. જર્મની પર મંદીની મોટી અસર થઇ હતી, કારણ કે અમેરિકાએ સહાય આપવાનું બંધ કર્યું હતું. મહામંદીના પ્રભાવના કારણે 1.80 કરોડ લોકો બેકાર બન્યા હતા. 1929 થી 1932 દરમ્યાન ઔદ્યોગિક ઉત્પાદનમાં 45 ટકાનો ઘટાડો થયો હતો. સમયગાળામાં આવાસ નિર્માણના દરોમાં 80 ટકાનો ઘટાડો હતો.

પુસ્તકો લખાયા અને ફિલ્મો પણ બની...

મહામંદી ઉપર કેટલાક પુસ્તકો લખાયા હતા જે પૈકી જોન સ્ટીનબેક લખેલા ધ ગ્રેપ્સ ઓફ વર્થ (The Grapes of Wrath) પુસ્તક, જે 1939માં પ્રકાશિત થયું હતું અને તેને સાહિત્યનો નોબલ પુરસ્કાર મળ્યો હતો. એ ઉપરાંત નેશનલ બુક એવોર્ડ અનને પુલિત્ઝર પ્રાઇઝ મળ્યું હતું. આ પુસ્તક સૌથી વધુ પોપ્યુલર બન્યું હતું. આ સમયમાં ધ ગ્રેટ ડિપ્રેશન (અલોન બર્શેડર), ઓફ માઇસ એન્ડ મેન (જોન સ્ટીનબેક) અને ટુ કીલ અ મોકિંગબર્ડ (હાર્પર લી) જેવા પુસ્તકો પણ લખાયા હતા જે મહામંદીની તસવીર અલગ અલગ રૂપોમાં પ્રકાશિત કરે છે. આ વિષય પર માર્ગેટ એટવુડના ઉપન્યાસ ધ બ્લાઇંડ એસેસિન ને 2000માં બુકર પુરસ્કાર મળ્યો હતો. ડેવિડ પોટ્સ એ પણ ધ મિથ ઓફ ધ ગ્રેટ ડિપ્રેશન પુસ્તક લખ્યું હતું. મહામંદી ઉપર હાર્ડ ટાઇમ્સ, ગોલ્ડ ડિગર્સ ઓફ 1933, ઇટ ઇઝ વંડરફુલ લાઇફ, ક્રેડલ વિલ રોક, બ્રધર, વ્હેર આર યૂ અને પર્પલ રોજ ઓફ કાઇરો જેવી અંગ્રેજી ફિલ્મો બની હતી. 1930ની મહામંદીએ લાખો લોકોની જીંદગીને નર્ક બનાવી દીધી હતી.

બીજી મંદી 2008માં આવી હતી...

2007માં સંયુક્ત રાષ્ટ્ર અમેરિકામાં લિક્વિડિટીના અભાવથી આર્થિક સંકટ પેદા થયું હતું. મોટી નાણાંકીય સંસ્થાઓ ધરાશયી બની ચૂકી હતી. સમયે પણ શેરબજાર તૂટ્યું હતું. હાઉસિંગ માર્કેટમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અર્થશાસ્ત્રીઓ માને છે કે 1930 ની મહામંદી પછી 2008માં આવેલી મંદી નાણાંકીય કટોકટીનું સૌથી મોટું ઉદાહરણ છે. 2008ની શરૂઆતમાં જીડીપીના નકારાત્મક આંકડાઓથી અમેરિકાની અર્થવ્યવસ્થા તૂટી ગઇ હતી. અમેરિકામાં હોમ લોન તેમજ મોર્ગેજ લોન નહીં ચૂકવનારાઓની સંખ્યા તેજીથી વધતી રહી હતી. અમેરિકાના બેલઆઉટ પેકેજ પણ કામ કરી શક્યા હતા અને અમેરિકાની 63 બેન્કોને તાળાં લાગી ગયા હતા. અમેરિકાની અસર આખા દુનિયામાં થઇ હતી, જો કે માર્ચ 2009થી અમેરિકાની અર્થવ્યવસ્થામાં રિકવરી જોવામાં આવી હતી.

ભારતમાં સેન્સેક્સ ડાઉન થયો હતો...

મંદીની અસર ભારતમાં શેરબજાર, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, આઉસસોર્સિંગ બિઝનેસ પર વધુ જોવામાં આવી હતી. એક સમયે 21000 સુધી પહોંચી ચૂકેલો સેન્સેક્સ 2009 સુધીમાં 8000 ના સ્તર પર આવી ગયો હતો. ડોલરના મુકાબલે રૂપિયો નબળો પડ્યો હતો. મંદીના કારણે પ્રમુખ વ્યવસાયો નિષ્ફળ ગયા હતા. 2008ની મંદીમાં 88 લાખ લોકોએ નોકરીઓ ગૂમાવી હતી. યુએસની કુલ નેટવર્થ 19 ટ્રિલિયન ડોલર કરતાં પણ વધુ ઘટી ગઇ હતી અને બેઘર પરિવારોની સંખ્યામાં ચોંકાવનારો વધારો થયો હતો.

મંદીનું સચોટ કારણ મળતું નથી...

મંદી કેમ આવે છે તેના વિવિધ કારણો અર્થશાસ્ત્રીઓ કરતા હોય છે પરંતુ સચોટ જવાબ શોધી શક્યા નથી. અલગ અલગ નિષ્ણાંતોએ અલગ અલગ કારણો આપ્યાં છે પરંતુ એક બાબત પર તમામ અર્થશાસ્ત્રીઓ સહમત છે કે મંદી એક એવી સ્થિતિ છે જેનાથી બચી શકાતું નથી. બીજા શબ્દોમાં કહીએ તો કોઇપણ અર્થવ્યવસ્થાને મંદીની સ્થિતિમાંથી પસાર થવું પડે છે. મંદીના મુખ્ય કારણોમાં વ્યાપાર ચક્ર, વ્યાજદરોમાં લગાતાર વૃદ્ધિ, ચીજવસ્તુની માંગમાં ઘટાડો, શેરબજારમાં ઘટાડો, મુદ્રાની આપૂર્તિ પર નિયંત્રણો, સરકારની ખરાબ નીતીઓ, ઉદ્યોગોની મૂલ્ય નિતીમાં પરિવર્તન, પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, કાયદો અને વ્યવસ્થાની ખરાબ સ્થિતિ, યુદ્ધ, અન્ય દેશોની મંદીની અસર અને ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો મુખ્ય ગણાય છે.

કેવી રીતે ખબર પડે મંદી આવી...

મંદીની શરૂઆત કેવી રીતે ખબર પડે છે-- (1) શેરબજારમાં સતત ગિરાવટ (2) બેરોજગારીમાં ઉત્તરોત્તર વધારો (3) વ્યવસાયિક લાભમાં સતત ઘટાડો (4) ઉત્પાદનમાં ઘટાડો (5) પ્રમુખ આર્થિક સૂચકાંકમાં ઘટાડો (6) જમીન અને મકાનની કિંમતોમાં ઘટાડો (7) લોનની ચૂકવણીમાં ઘટાડો (8) અનિવાર્ય વસ્તુઓના ભાવમાં વધારો (9) કંપનીઓ દ્વારા ભરતી પ્રક્રિયામાં પ્રતિબંધ (10) લોકોની ખરીદશક્તિમાં ઘટાડો એટલે કે માંગમાં ઘટાડો.

રઘુરામ રાજન શું કહે છે...

ભારતીય રીઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને મંદીને દૂર કરવા માટે મહત્વના સૂચનો કર્યા છે. તેમણે આર્થિક મંદીને ચિંતાજનક ગણાવતાં કહ્યું છે કે સરકારે નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ અને એનર્જી સેક્ટરની સમસ્યાઓને દૂર કરવા માટે તાત્કાલિક ધોરણે પગલાં ભરવા જોઈએ. ઈકોનોમીમાં તેજી લાવવા માટે ખાનગી ક્ષેત્રના રોકાણને પ્રોત્સાહિત કરવાના પ્રયત્નો કરવા જોઈએ. લોન સામે બેન્કોના વ્યાજદરમાં ધરખમ ઘટાડો કરવો જોઇએ.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

 

 

(9:03 am IST)