Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

આચાર્ય રજનીશ સાનિધ્યમાં કેટલીક જ્યોતિર્મય ક્ષણ

એક અપરિચિત વ્યકિત આવેલ છે. તેમણે કેટલાંક ફૂલ આચાર્યશ્રીને ભેટ આપ્યાં. ફૂલ સુંદર છે. આચાર્યશ્રીએ કહ્યું, ''ફૂલ કેટલાં સુંદર છે ! પણ મિત્ર ! તમે એને તોડીને સુંદર કામ નથી કર્યું. સૌન્દર્યને ચાહનાર કદી ફૂલને છોડથી અલગ નહીં કરે. તોડવાથી જીવિત ફૂલ મૃત થયાં. જીવિતને મૃત કરવા જેવું અસુંદર કામ બીજું શું હોઇ શકે ? હિંસા એ મોટી કદરૂપતા છે. અને અહિંસા એ શ્રેષ્ઠ સૌન્દર્ય.''

કોઇએ પૂછયું. ''અમે ફૂલોને ચાહીએ છીએ એટલે જ તોડીએ છીએ.''

તેમણે કહ્યું, ''પ્રેમ અને ફૂલને તોડવાની ક્રિયામાં વિરોધ છે. ફૂલો માટે પ્રેમ હોય તો તેમને કોઇ કેવી રીતે તોડી શકે? તેમને તોડવાં એ પ્રેમનું નહીં પણ ક્રુરતાનું પ્રતિક છે. આપણા અધિકારની લીપ્સા છે. જે આપણને સુંદર અધિકાર મેળવતાં તે નષ્ટ થઇ જાય ! ફૂલો માટે જ આ વાત નથી. બલ્કે આપણા સમગ્ર જીવન વ્યવહારમાં પણ આ વસ્તુ સાચી છે. માનવ-સંબંધમાં પણ આપણે આમ જ કરીએ છીએ. જેને આપણે ચાહીએ છીએ, તેની સાથે પણ આપણે આવો જ ક્રુર વ્યવહાર રાખીએ છીએ. ત્યાં પણ અધિકારની લીપ્સા રહેછે. અધિકારનો દાવો કરીએ છીએ. ત્યાં ફૂલ તોડી લઇએ છીએ અને જીવન-છોડ આવી કસમયની ઝપટમાં આવીને નાશ પામે છે.''

તોડી વાર શાન્ત રહી ફરી બોલ્યા, ''જ્યાં પ્રેમ છે ત્યાં અધિકાર અને બંધન નથી. તોડવું પ્રેમ નહિ, ઉગાડવું પ્રેમ છે. પ્રેમ મારતો નથી, જિવાડે છે પ્રેમ બાંધતો નથી. મુકત કરે છે. ફુલ માટે પ્રેમ હોય, તો ફુલમય થાઓ, પણ ફૂલ તોડીને તેના માલિક ન બનો ! પ્રેમ કેવળ આપી જ જાણે છે. માગવાની ભાષાનો તેને પરિચય નથી, તો ઝૂંટવાની ભાષાનો તો સવાલ જ કયાં રહ્યો ? વળી યાદ રાખો કે આ હું સમગ્ર જીવન માટે કહું છું. જેઓ આ સત્ય નથી જાણતા, તેઓ પ્રેમને નામે પોતાની  ક્રુરતા અને હિંસાને પોષે છે. તેમના કહેવાતા પ્રેમમાં તેમની ધૃણા જ છુપાયેલી હોય છે. અને તેમના સૌન્દર્ય-જ્ઞાનમાંઊંડી કુરૂપતા ભરેલી હોય છે.''

આ સાંભળી અમે વિચારમાં પડી ગયા. તેમણે અમારા અંતરના ઊંડા ઘાવોને સ્પર્શ્યા હતા.

તેઓ હસ્યા અને કહ્યું:-'' વિચારો નહીં, જુઓ ! વિચારવાથી માણસ સત્યથી વેગળો થઇ જાય છે.ે તે પોતાથી જ દૂર થઇ જાય છે. વળીએ પોતાની દૂર જવાની તેમ જ બચવાની યુકિત છે. હું જે કહું છું તે સત્યને તમે તમારી અંદર ખોજો એ જ સારૃં છે. તમારો પ્રેમ પ્રકાશો; અને જુઓ કે મેં કહ્યું તે સાચું છે.?''

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:44 am IST)