Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

સરકારી મહેમાન

ગુજરાતને નવેમ્બરના અંતે નવા ચીફ સેક્રેટરી મળશે, સર્વોચ્ચ સ્થાન માટે પાંચ IAS દાવેદાર

ગુજરાતના મુખ્યસચિવ જેએન સિંહના એક્સટેન્શનનો કાર્યકાળ નવેમ્બરના અંતે પૂર્ણ થઇ રહ્યો છે ત્યારે રાજ્યના નવા મુખ્યસચિવ કોણ બનશે તેની ચર્ચાએ સ્વર્ણિમ સંકુલ અને સચિવાલયમાં ઉત્તેજના ફેલાવી છે. જેએન સિંહ 2019ના મે મહિનામાં વયનિવૃત્ત થયા છે પરંતુ તેમને કેન્દ્ર સરકારે છ મહિનાનું એક્સટેન્શન આપેલું હતું તેથી તેમણે જૂન થી નવેમ્બર સુધીનો કાર્યકાળ સંભાળ્યો છે. રાજ્યની વહીવટી કામગીરીમાં 60 ટકાનો વિક્રમી ફાળો મુખ્યસચિવનો રહ્યો છે, કેમ કે તેઓ ઇઝી અવેલેબલ છે અને બઘાંની સાથે સાનુકૂળ સબંધો રાખીને કામગીરી કરી રહ્યાં છે. મુખ્યસચિવ પદના નામોમાં સૌથી ટોચક્રમે 1984 બેચના અને હાલના નાણા વિભાગના અધિક મુખ્યસચિવ અરવિંદ અગ્રવાલ આવે છે. તેઓ એપ્રિલ 2020માં વયનિવૃત્ત થવાના છે. તેમના પછી કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર ગયેલા અનિલ મુકીમનું નામ આવે છે અને તેઓ ઓગષ્ટ 2020માં નિવૃત્ત થાય છે, જો કે તેઓ ગુજરાત પાછા આવે તેવી કોઇ શક્યતા જણાતી નથી. રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ અને 1985 બેચના સંગીતાસિંઘનું નામ પણ આ સર્વોચ્ચ પદે ચર્ચાઇ રહ્યું છે. તેઓ ઓક્ટોબર 2020માં નિવૃત્ત થઇ રહ્યાં છે. આ પદ માટે 1986 બેચના પંકજકુમાર અને ડો રાજીવકુમાર ગુપ્તાના નામ પણ સચિવાલયમાં ચર્ચાય છે. સિનિયર ઓફિસર તરીકે હાલ તો અરવિંદ અગ્રવાલનું નામ ટોચ પર છે છતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આ પદ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પરામર્શમાં રહીને નવેમ્બરના અંત સુધીમાં નિર્ણય કરે તેવી શક્યતા રહેલી છે. એક ચર્ચા એવી પણ છે કે ખાસ કિસ્સામાં જેએન સિંહ ને વધુ એક એક્સટેન્શન આપવામાં આવે, જો કે રાજ્યના સિનિયર અધિકારીઓ તે વાત સાથે સહમત થતાં નથી.

રાજ્યના વધુ બે ઓફિસરો ડેપ્યુટેશન પર જશે...

ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓમાં ડેપ્યુટેશન પર દિલ્હી જવા માટેની અરજીઓ આવતી હોય છે તેમાં વધુ બે ઓફિસરોને ડેપ્યુટેશન પર દિલ્હી મોકલવામાં આવે તેવી સંભાવના છે. સચિવાલયના સૂત્રોએ કહ્યું છે કે રાજ્યના કૃષિ તેમજ કિસાન કલ્યાણ વિભાગના સચિવ મનીશ ભારદ્વાજ અને તેમના પત્ની કે જેઓ ગુજરાત રાજ્ય એસટી કોર્પોરેશનના ઉપાધ્યક્ષ અને એમડી છે તેમની કેન્દ્રીય પ્રતિનિયુક્તિ થવાની છે. આ નામોની સાથે બીજા છ ઓફિસરોએ પણ ડેપ્યુટેશન માગેલું છે પરંતુ કોને ક્યારે મોકલવા તેનો નિર્ણય હજી સુધી થયો નથી. મનીશ ભારદ્વાજના કેસમાં કેન્દ્ર સરકારની મંજૂરી મળી ચૂકી છે જ્યારે તેમના પત્ની સોનલ મિશ્રાને પણ કેન્દ્રની મંજૂરી મળે તેવી સંભાવના છે. અત્યારની સ્થિતિ પ્રમાણે ડેપ્યુટેશન પર ગુજરાત બહાર ગયેલા આઇએએસ અધિકારીઓની સંખ્યા બે ડઝન થઇ ચૂકી છે. સામાન્ય વહીવટ વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આઇએએસ ઓફિસરોની નિયુક્તિની સ્ટ્રેન્થ 313 છે જે પૈકી હાલ 65 જેટલા ઓફિસરોની ઘટ છે તેમ છતાં ડેપ્યુટેશન પર મોકલવાનો નિયમ હોવાથી ગુજરાતના ઓફિસરોને રાજ્ય બહાર ફરજ બજાવવા મોકલવામાં આવતા હોય છે.

મહેસૂલનો ભ્રષ્ટાચાર અટકાવવા પગલાં...

રાજ્યનો મહેસૂલ વિભાગ ભ્રષ્ટાચારની ફરિયાદોમાં અગ્રસ્થાને હોવાના અહેવાલ પછી મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૂચના પ્રમાણે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે તેમના વિભાગમાં તેમજ જિલ્લા સ્તરે થતાં ભ્રષ્ટાચારને નિયંત્રણમાં લેવા માટેના પગલાં શરૂ કર્યા છે. જિલ્લાકક્ષાએથી મંજૂરી અર્થે આવતી મહેસૂલ વિભાગની ફાઇલોની તપાસ શરૂ કરવાની મહત્વકાંક્ષી યોજના તેઓ શરૂ કરી રહ્યાં હોવાનું સચિવાલયના સૂત્રો કહી રહ્યાં છે. એક તરફ મહેસૂલ વિભાગને પારદર્શી બનાવવા માટે રાજ્ય સરકારે એનએ સહિત વિભાગની સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન કરી દીધી છે ત્યારે બીજીબાજુ પંકજકુમારે જિલ્લાસ્તરની ફાઇલોમાં તપાસ શરૂ કરી છે. વિભાગને જિલ્લાકક્ષાએ ભ્રષ્ટાચાર થયાની ફરિયાદ મળતાં જ તેની તપાસ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વિભાગના વચેટીયા તત્વોને પણ દૂર કરવાની સૂચના જિલ્લા કલેક્ટરોને આપવામાં આવી છે. પંકજકુમારની આ ફોર્મ્યુલા જો અસરકારક રહી તો ભ્રષ્ટાચાર નિર્મૂલન માટેનું સૌથી મોટું કામ થઇ શકશે. ઉલ્લેખનીય છે કે પંકજકુમારે રાજ્યના 33 જિલ્લા કલેક્ટરો સહિતના ટોચના અધિકારીઓના ટ્વિટર એકાઉન્ટ ખોલાવી લોકોની ફરિયાદોનો સીધો નિકાલ કરવાની સૂચના આપ્યા પછી મહેસૂલ વિભાગના પ્રજાકીય કામોમાં ઝડપ આવી છે. કોઇપણ જિલ્લા કલેક્ટરના ટ્વિટર એકાઉન્ટ પર આવેલો ફરિયાદનો મેસેજ પળવારમાં ઉકલી જાય છે.

ખેડૂતો વાવાઝોડાં સામે ટક્કર લઇ રહ્યાં છે...

ગુજરાત એક જ સિઝનમાં ચાર જેટલા મોટા વાવાઝોડાંનો ભાર ખમી રહ્યું છે. શરૂઆતમાં વિલંબથી શરૂ થયેલા ચોમાસા પહેલાં વાયુ નામના વાવાઝોડાંએ રાજ્યમાં કમોસમી વરસાદ શરૂ કર્યો હતો જેના કારણે ચોમાસાનું આગમન પાછળ ઠેલાયું હતું. આ વાવાઝોડું દરિયામાં સમાઇ જાય તે પહેલાં ચોમાસાના મધ્યભાગમાં હીકા નામનું વાવાઝોડું આવ્યું હતું. ચોમાસાની વિદાય થાય તે પહેલાં રાજ્યમાં ક્યાર નામનું વાવાઝોડું આવ્યું હતું જે હજી પણ ઓમાનના દરિયા કિનારે વિખરાવાની સ્થિતિ છે. દરમ્યાન ગુજરાતમાં વધુ એક મહા નામનું વાવાઝોડું ત્રાટકવાની તૈયારી કરી રહ્યું છે જો કે તેનું લેન્ડફોલ ગુજરાતમાં થશે કે સરહદ બહાર તે 4થી નવેમ્બરે ખ્યાલ આવશે. મૂળભૂત ચોમાસુ અને ચાર વાવાઝોડાના માર સામે ગુજરાતના ખેડૂતો તેમના પાકને બચાવવાના પ્રયાસ કરી રહ્યાં છે. રાજ્યના કૃષિ વિભાગના અધિક મુખ્ચ સચિવ પીકે પરમારે કહ્યું હતું કે ભારે અને કમોસમી વરસાદના કારણે ખરીફ સિઝનને કેટલું નુકશાન થયું છે તેનો સર્વે ચાલી રહ્યો છે. રાજ્ય સરકારે 18 જિલ્લાના 44 તાલુકાઓ કે જ્યાં એક ઇંચથી વધારે વરસાદથી ખેડૂતોના પાકને નુકશાન કર્યું છે તેનું સર્વેક્ષણ ચાલી રહ્યું છે. આ સર્વેક્ષણ ખેડૂતોને વળતર સહાય આપવા માટે થઇ રહ્યું છે. જો કે કિસાન આગેવાનોના મતે ખરીફ સિઝનની વાવણી પછી આવેલા વાવાઝોડાં અને ભારે વરસાદને કારણે રાજ્યના કૃષિ ઉત્પાદનમાં 10 થી 15 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે.

79 ટકા પ્લાસ્ટીક જમીન, સમુદ્રમાં ફેલાયેલું છે...

ભારતમાં દૈનિક જીવનમાં પ્લાસ્ટીકનું એવું આક્રમણ થયું છે કે તે દૂર કરવા માટે નવો જનમ લેવો પડે તેમ છે. કેન્દ્ર કે રાજ્ય સરકારની સાથે કંપનીઓ અને લોકોની રહેણીકરણીને બદલવી પડે તેમ છે જે 130 કરોડની આબાદીવાળા ભારતમાં શક્ય નથી. 1950માં વિશ્વમાં પ્લાસ્ટીકનું ઉત્પાદન માત્ર 1.5 મિલિયન ટન હતું જે 2018માં વધીને 350 મિલિયન ટન થઇ ચૂક્યું છે. પ્લાસ્ટીકનો વપરાશ પ્રતિવર્ષ 8.6 ટકાના દરે વધી રહ્યો છે. પ્લાસ્ટીકનો સૌથી વધુ કચરો નદી અને સમુદ્રમાં ઠલવાય છે. એવું કહેવાય છે કે આપણે એક એવા પ્લાસ્ટીકમય ભવિષ્યની તરફ આગળ વધી રહ્યાં છીએ કે જ્યાં ધરતી પર વિખરાયેલા પ્લાસ્ટીકના ઢગલામાં આપણે દફન થઇ જઇશું. વર્લ્ડબેન્કના રિપોર્ટના આધારે પ્રતિવર્ષ 8 મિલિયન ટન પ્લાસ્ટીકનો કચરો જમીનમાંથી સમુદ્રમાં જઇ રહ્યો છે, જેમાં સૌથી વધુ માઇક્રો પ્લાસ્ટીક છે. આંકડા કહે છે કે આપણે જે પ્લાસ્ટીક વાપરીએ છીએ તેમાં 50 ટકા પ્લાસ્ટીકનો માત્ર એક જ વાર ઉપયોગ થાય છે અને તે સૌથી વધુ ખતરનાક છે. પ્રત્યેક મિનિટે વિશ્વમાં 10 લાખ પ્લાસ્ટીકની બોટલોની ખરીદી થાય છે. ભારતની સમુદ્રરેખા 7500 કિલોમીટર જેટલી છે અને દેશની વસતીનો એક મોટો હિસ્સો સમુદ્દી ઇલાકામાં રહે છે. સાયન્સ એડવાન્સિસ રિપોર્ટ પ્રમાણે માત્ર 9 ટકા પ્લાસ્ટીક રિસાયકલ થાય છે, 12 ટકા પ્લાસ્ટીકને સળગાવી દેવામાં આવે છે જે હવાને ઝેરીલી બનાવે છે જ્યારે 79 ટકા પ્લાસ્ટીક જમીન, પાણીના સ્ત્રોત અને સમુદ્રમાં ફેલાયેલું છે. આશ્ચર્યની બાબત એવી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્લાસ્ટીક ફ્રી ઇન્ડિયાનું ગુજરાતમાં જ પાલન થઇ શકતું નથી.

ગુજરાતમાં હોર્ટિકલ્ચરની સ્થિતિમાં સુધારો...

ગુજરાતમાં હોર્ટિકલ્ચરનો વાવેતર વિસ્તાર 15,84,000 હેક્ટર થયો છે અને તેનું ઉત્પાદન વધીને 2,27,85,000 મેટ્રીક ટન થયું છે. રાજ્યમાં 1995માં હોર્ટિકલ્ચરનો વાવેતર વિસ્તાર માત્ર 4,80,000 હેક્ટર હતો અને ઉત્પાદન માત્ર 43,06,000 મેટ્રીક ટન હતું. આંકડા દર્શાવે છે કે હોર્ટિકલ્ચરમાં ગુજરાતની ખેતી સમૃદ્ધ થતી જાય છે. હોર્ટિકલ્ચર મુખ્યત્વે ચાર ભાગમાં વહેંચાયેલું હોય છે. પહેલા ભાગમાં ફળના પાકો આવે છે, જેમાં ગુજરાતનું ઉત્પાદન છેલ્લા 24 વર્ષમાં 23,46,000 મેટ્રીક ટન થી વધીને 92,26,000 મેટ્રીક ટન થયું છે. એવી રીતે શાકભાજીનું ઉત્પાદન અરસામાં 17,26,000 મેટ્રીક ટનથી વધીને 1,25,40,000 મેટ્રીક ટન થયું છે. મસાલા પાકોમાં ઉત્પાદન 2,55,000 મેટ્રીક ટન થી વધીને 8,24,000 થયું છે. ગુજરાતમાં ચોંકાવનારી બાબત એવી સામે આવી છે કે 2002 સુધી ફુલોનું ઉત્પાદન શૂન્ય હતું. રાજ્યમાં વાવેતર વિસ્તાર પણ નહિવત હતો. 2003માં ફુલોનો વાવેતર વિસ્તાર 5,000 હેક્ટર થયો હતો અને ઉત્પાદન 29,040 મેટ્રીક ટન થયું હતું. આજે સ્થિતિ બદલાઇ છે. ફુલોનો વાવેતર વિસ્તાર 20,000 હેક્ટર થયો છે અને ઉત્પાદન વધીને 1,96,000 મેટ્રીક ટન થયું છે. રાજ્યમાં બે દસકામાં હોર્ટિક્લચરની સ્થિતિમાં મોટો સુધારો થયો છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

 

(8:53 am IST)