Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

સરકારી મહેમાન

ગુજરાતની સ્‍થાનિક સંસ્‍થામાં ચૂંટાયેલા એક સભ્‍ય પર ૪૮૫ લોકોની જવાબદારી હોય છે

ધોલેરાની મંદ ગતિ સામે મહારાષ્ટ્રના ‘વોક-ટૂ-વર્ક' સ્‍માર્ટ ઇન્‍ડસ્‍ટ્રિયલ ઓરિક સિટીમાં ધમધમાટ : ગુજરાતના સાત આઇપીએસ અધિકારી ૨૦૨૧માં નિવૃત્ત, હવે યંગ ઓફિસરો સ્‍થાન લઇ રહ્યાં છે : સરકારમાં હવે ગમે ત્‍યાંથી ખરીદી નહીં થાય, તમામ કચેરી અને સંસ્‍થાઓ માટે ‘ગવર્મેન્‍ટ ઇ-માર્કેટપ્‍લેસ'

કહેવાય છે કે સ્‍થાનિક સંસ્‍થાઓની ચૂંટણી શહેરી તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારની સુખાકારી માટે મહત્‍વની હોય છે. આ ચૂંટણી ગ્રામ્‍ય અને શહેરી વિસ્‍તારમાં થાય છે. ગુજરાતમાં ૮ મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાં ૬૬૪ અને ૧૬૨ મ્‍યુનિસિપાલિટીમાં ૪૭૮૫ બેઠકોની સંખ્‍યા છે જે શહેરી વિસ્‍તારનું પ્રભુત્‍વ ધરાવે છે. એ ઉપરાંત ૩૩ જિલ્લા પંચાયતમાં ૧૦૮૪, ૨૪૭ તાલુકા પંચાયતમાં ૫૧૬૨ અને ૧૪૦૨૦ ગ્રામ પંચાયતમાં સરપંચ સહિત ૧૨૧૪૨૦ જેટલી બેઠકો છે, જે ગ્રામ્‍ય વિસ્‍તારનું સંચાલન કરે છે. આ તમામ લોકલ બોડી ઇલેક્‍શનમાં કુલ ૧૩૩૧૧૫ સભ્‍યો મોજૂદ હોય છે, એટલે કે રાજયમાં ચૂંટાયેલી સંસ્‍થાઓમાં પ્રતિ ૪૮૫ વ્‍યક્‍તિએ એક પ્રતિનિધિની વ્‍યવસ્‍થા કરવામાં આવેલી છે. અત્‍યારે ફેબ્રુઆરી ૨૦૨૧જ્રાક્રત્‍ન સ્‍થાનિક ચૂંટણીનો જંગ શરૂ થયો છે. આ જંગમાં ભાજપનો સીધો મુકાબલો કોંગ્રેસ સાથે છે. સામાન્‍ય રીતે આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારો પણ મોટી સંખ્‍યામાં વિજેતા થતાં હોય છે પરંતુ તેઓ વિજયી બન્‍યા પછી જે પાર્ટી સત્તાની નજીક હોય છે ત્‍યાં સરકી જતા જોવા મળ્‍યા છે. રાજયમાં ૧૯૯૦ પછી ભાજપે શહેરી વિસ્‍તારમાં મતદારો પર પક્કડ વધુ મજબૂત બનાવી છે જયારે ગ્રામ્‍ય વિસ્‍તારમાં આજેપણ કોંગ્રેસનું વર્ચસ્‍વ જળવાઇ રહ્યું છે. હવે બદલાયેલી પરિસ્‍થિતિમાં હાઇકમાન્‍ડના આદેશથી ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ વધારે આક્રમક બન્‍યાં છે અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં કબજો જમાવવા મહેનત કરી રહ્યાં છે. તેમણે સ્‍થાનિક ચૂંટણીમાં યુવા અને મહિલાઓને વધારે તક આપી છે. બીજી તરફ કોંગ્રેસ પણ ઉમેદવાર પસંદગીમાં પરિવર્તન કરી રહી છે, કારણ કે તેના અસ્‍તિત્‍વનો સવાલ છે. રાજયમાં હાલ ૮ પૈકી ૬ મ્‍યુનિસિપલ કોર્પોરેશન, ૧૬૨ પૈકી ૫૫ નગરપાલિકા, ૩૩ પૈકી ૩૧ જિલ્લા પંચાયત તેમજ ૨૪૭ પૈકી ૨૩૧ તાલુકા પંચાયતની ચૂંટણી થવાની છે.

 સાવધાન ગુજરાતની પોલીસ યંગ બની રહી છે

ગુજરાતના વહીવટી તંત્રમાં સિનિયર મોસ્‍ટ આઇએએસ અધિકારીઓ વયનિવૃત્ત થયાં છે તેમ ગુજરાત પોલીસમાં પણ સિનિયર આઇપીએસ ઓફિસરો પ્રતિવર્ષ નિવૃત્ત થઇ રહ્યાં હોવાથી યંગ ટીમે વર્ચસ્‍વ જમાવી દીધું છે. રાજયમાં આઇપીએસ ઓફિસરોની ઓથોરાઇઝ્‍ડ સ્‍ટ્રેન્‍થ ૨૦૮ છે જે પૈકી ૧૪૫થી વધુ પોસ્‍ટ ભરી દેવામાં આવેલી છે. રાજયમાં ૧૧૪ સિનિયર ડ્‍યુટી પોસ્‍ટ છે. સેન્‍ટ્રલ ડેપ્‍યુટેશન પર ૪૦ ટકાથી વધુ ઓફિસરોને મોકલી શકાતા નથી. સામાન્‍ય રીતે આઇપીએસ ઓફિસરોના સ્‍કેલ જૂનિયરના ૧.૭૭ લાખ થી ૨.૨૫ લાખ રૂપિયા પ્રતિમાસ નિયત કરવામાં આવેલા છે. ગુજરાતના પોલીસ ચીફ એટલે કે રાજય પોલીસ વડા તરીકે આશિષ ભાટીયા કાર્યરત છે જેઓ મે ૨૦૨૨માં વયનિવૃત્ત થઇ રહ્યાં છે. તેમની સાથે સિનિયર મોસ્‍ટ આઇપીએસ ટીએસ બિસ્‍ટ પણ જૂન ૨૦૨૨માં નિવૃત્ત થશે. જો કે ૨૦૨૧માં આઇપીએસ ઓફિસરો પૈકી કેશવકુમાર અને વિનોદ મલ્લ એપ્રિલમાં, રાકેશ અસ્‍થાના, હરિક્રિશ્ના પટેલ અને ડો. એસકે ગઢવી જુલાઇમાં, એચઆર મુલિયાણા ઓગષ્ટમાં તેમજ એમકે નાયક ઓક્‍ટોબરમાં વયનિવૃત્ત થવાના છે. ૨૦૨૧ના વર્ષમાં જાન્‍યુઆરીમાં અરૂણકુમાર શર્મા નિવૃત્ત થયાં છે, જયારે આખા વર્ષમાં માત્ર સાત આઇપીએસ ઓફિસરો નિવૃત્ત થવાના છે, જે સંખ્‍યા અગાઉના વર્ષો કરતાં ઓછી થઇ રહી છે. આઇપીએસમાં વયનિવૃત્ત થનારા ઓફિસરોની સંખ્‍યા ધીમે ધીમે ધટતી જાય છે, એટલે કે વાયબ્રન્‍ટ ગુજરાતના પોલીસ વિભાગમાં વધુને વધુ યંગ અને જૂનિયર આઇપીએસ ઓફિસરો ફરજ બજાવી રહ્યાં છે.

 ખરીદી માટે ગવર્મેન્‍ટ ઇ-માર્કેટપ્‍લેસ ફરજીયાત...

ગુજરાત સરકારના વહીવટી વિભાગો, ખાતાના વડા તેમજ જિલ્લા-તાલુકા કચેરીઓ, જિલ્લા તેમજ તાલુકા પંચાયત અને સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓ જેવી કે પાલિકા અને મહાનગરપાલિકા દ્વારા ખરીદ કરવામાં આવતી ચીજવસ્‍તુઓ અને સેવાઓની ખરીદી ગવર્મેન્‍ટ ઇ-માર્કેટપ્‍લેસ (જીઇએમ) પોર્ટલ મારફતે કરવાની સૂચનાઓ રાજયના ઉદ્યોગ વિભાગે આપી છે. આ પોર્ટલ ભારત સરકારના વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા સ્‍થાપિત કરવામાં આવેલું છે જેમાં ઓનલાઇન ખરીદી થાય છે. વિભાગે એવી પણ સૂચના આપી છે કે જીઇએમ પર ઉપલબ્‍ધ ન હોય તેવી ચીજવસ્‍તુઓ તેની પર ઉપલબ્‍ધ થાય તે માટે ખરીદકર્તા કચેરીએ રિક્‍વેસ્‍ટ કરવાની રહેશે. આ સાથે એવું પણ કહેવામાં આવ્‍યું છે કે ૨૫૦૦૦ રૂપિયા સુધીની ચીજવસ્‍તુઓ જીઇએમ પર ઉપલબ્‍ધ નથી તે અન્‍યત્રથી ખરીદી કરી શકાશે પરંતુ ૨૫૦૦૦ રૂપિયાથી વધુની કિંમતની ખરીદી કરવાની થાય તો ઉદ્યોગ કમિશનરને દરખાસ્‍ત કરવાની રહેશે. જીઇએમ પર ઉપલ્‍બધ ન હોય તેવા સંજોગોમાં સરકારના કોઇપણ વિભાગે, વડાએ કે સ્‍થાનિક સંસ્‍થાએ ૨૫૦૦૦ થી એક કરોડ સુધીની ખરીદી કરવી હોય તો ઉદ્યોગ કમિશનર અથવા ઉદ્યોગ વિભાગ તેમજ એક કરોડથી વધુની ખરીદી કરવાની હોય તો ઉદ્યોગ વિભાગના અધિક મુખ્‍ય સચિવની પૂર્વ મંજૂરી લેવાની રહેશે.

કારીગર બનવું છે તો તાલીમની ઉત્તમ તક છે

રાજયમાં રોજગારીની તકોના સર્જન માટે ઉદ્યોગ વિભાગે કારીગરોની તાલીમ યોજના શરૂ કરી છે જેમાં ઇકો ફ્રેન્‍ડલી બેગ, ટ્રેડિશનલ લેધર આર્ટીકલ્‍સ, રેકઝીન બેગ, સોફટ ટોયઝ, વાંસકામ, કડિયાકામ અને પ્‍લમ્‍બિંગ, કુદરતી રેસા આર્ટીકલ, નાળિયેર રેસા, મડવર્ક, સીસીટીવી કેમેરા, મોબાઇલ ફોન રિપેરીંગ, માટીકામ કૌશલ્‍ય અને સોલાર પીવી ઇન્‍સ્‍ટોલેશન જેવા કોર્સનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. ઉદ્યોગ વિભાગના સૂત્રોએ જણાવ્‍યું છે કે ૨૦૨૧ના વર્ષમાં ૧૨૦૦૦થી વધુ યુવાનોને તૈયાર કરવામાં આવશે. આ તાલીમનો સમય ૩૦ થી ૬૦ દિવસનો રાખવામાં આવ્‍યો છે. તાલીમાર્થીની ઉંમગ ૧૮ થી ૪૫ વયની નક્કી કરવામાં આવી છે. તાલીમની પસંદગી જયાં કરવામાં આવે ત્‍યાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં માસિક ૩૦૦૦, શહેરી વિસ્‍તારમાં ૪૦૦૦ અને મહાનગરોમાં ૫૦૦૦ રૂપિયાનું ભાડું નક્કી કરવામાં આવ્‍યું છે. જે વ્‍યક્‍તિ તાલીમ આપે તેને પ્રતિ માસ ૧૨૦૦૦ અને તેના આસીસ્‍ટન્‍ટને ૯૦૦૦ રૂપિયાનો પગાર આપવામાં આવશે. તાલીમાર્થીઓને પ્રતિ માસ ૨૫૦૦ રૂપિયાનું સ્‍ટાઇપેન્‍ડ પણ મળશે. કાચા માલ માટે તાલીમના ટ્રેડ પ્રમાણે ૫૦૦૦ થી ૧૦૦૦૦ રૂપિયા સુધીની સહાય અપાશે. આ કોર્સ ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્‍થા દ્વારા શરૂ કરવામાં આવ્‍યા છે. તાલીમ પછી જે યુવાન કે યુવતીઓએ તાલીમ લીધી હશે તેમને પ્રમાણપત્ર પણ અપાશે.

 ધોલેરાની વાતો અને ‘ઓરિક'ની હકીકત સામે છે

ગુજરાતમાં ધોલેરાને સ્‍માર્ટ સિટી બનાવવાની જાહેરાત પાંચ વર્ષ પહેલાં કરવામાં આવી હતી તેમ છતાં અત્‍યારે આ સિટીના ડેવલપમેન્‍ટમાં આઠ થી દસ કંપનીઓએ કામ શરૂ કર્યું છે પરંતુ મહારાષ્ટ્ર સરકારે ઔરંગાબાદને ઓરિક સિટી તરીકે વિકાસ કરવાની જાહેરાત કર્યા પછી આ સિટી ધોલેરા કરતાં ૨૦ ગણી ઝડપે વિકાસ પામી રહ્યું છે. ઓરિક સિટીમાં ગુજરાતની ૧૦૦ જેટલી કંપનીઓએ રસ દાખવ્‍યો છે પરંતુ ધોલેરામાં મહારાષ્ટ્રની એકપણ કંપની નથી. ઓરિકમાં ૫૨ કંપનીઓએ રોકાણ કર્યું છે. આ ગ્રીનફિલ્‍ડ સ્‍માર્ટ ઇન્‍ડસ્‍ટ્રીયલ સિટી છે જેને દિલ્‍હી-મુંબઈ ઇન્‍ડસ્‍ટ્રિયલ કોરિડોર (ડીએમઆઇસી)ના ભાગરૂપે મહારાષ્ટ્રમાં ૧૦,૦૦૦ એકર ક્ષેત્રફળમાં વિકસાવવામાં આવ્‍યું છે. માર્ગો, સીઇટીપી-એસટીપી, ફાયર, વોટર લાઇન વગેરે સહિત માળખાગત સુવિધા ઉભી કરવામાં આવી છે. ઓરિકના રોકાણકારોમાં સાઉથ કોરિયાનું અગ્રણી ઔદ્યોગિક ગૃહ, દુનિયાનું સૌથી મોટું સ્‍પેન્‍ડેક્‍સ ઉત્‍પાદક જૂથ હીઓસંગ કોર્પોરેશન અને કેટરપિલર ગ્રૂપ કંપની પર્કિન્‍સ સામેલ છે. એ ઉપરાંત અમેરિકા, યુરોપ, રશિયા, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયાની કેટલીક આંતરરાષ્ટ્રીય કંપનીઓ પણ ઓરિકમાં રોકાણ કરી રહી છે. ઓરિક ભારતનું પ્રથમ શ્નઉટઙ્ગ-ટૂ-વર્ક' સ્‍માર્ટ ઇન્‍ડસ્‍ટ્રિયલ સિટી છે. ‘વોક ટૂ વર્ક'ની વિભાવના હાઉસિંગ વિકલ્‍પો, વર્કપ્‍લેસ અને શોપિંગ સેન્‍ટર્સને પ્રેરિત કરે છે. ઓરિક ઔરંગાબાદ ઇન્‍ટરનેશનલ એરપોર્ટથી ફક્‍ત ૧૫ મિનિટ દૂર છે તથા મુંબઇ, દિલ્‍હી અને ભારતના અન્‍ય મેટ્રો શહેરો સાથે જોડતી ફલાઇટનું સીધું જોડાણ પ્રદાન કરશે.

 ગુલાટી કે રાજગોપાલ - જર્કના ચેરમેન કોણ બનશે?

ગુજરાત ઇલેક્‍ટ્રિસિટી રેગ્‍યુલેટર કમિશન એટલે કે જીઇઆરસીના નવા ચેરપર્સન તરીકે બે નામોની વિચારણા ચાલી રહી છે જેમાં પૂર્વ આઇએએસ સુજીત ગુલાટી અને રાજગોપાલના નામ સામે આવ્‍યા છે. આ કમિશનના હાલના ચેરપર્સન એક મહિના પછી નિવૃત્ત થઇ રહ્યાં છે. જીઇઆરસીના હાલના ચેરપર્સન આનંદકુમાર છે અને તેઓ માર્ચ મહિનામાં નિવૃત્ત થવાના છે. રાજય સરકારમાં ફરજ બજાવી ચૂકેલા અને વયનિવૃત્ત થયેલા બે સિનિયર નિવૃત્ત આઇએએસ ઓફિસર સુજીત ગુલાટી અને રાજગોપાલના નામ હાલ સચિવાલયમાં ચર્ચાઇ રહ્યાં છે. હાલના ચેરપર્સન આનંદકુમાર ૨૦૧૬માં જીઇઆરસીમાં નિયુક્‍ત થયા હતા. તેમણે પાંચમી એપ્રિલ ૨૦૧૬માં પદગ્રહણ કર્યું હતું અને ગુજરાતમાં સેવા આપ્‍યાં પહેલાં તેઓ મેઘાલય અને ઉત્તરાખંડમાં પણ ફરજ બજાવી ચૂક્‍યાં છે. ઉત્તરાખંડમાં તેઓ ઇલેક્‍ટ્રિસિટી રેગ્‍યુલેટર કમિશનમાં રહ્યાં હતા અને મેઘાલયમાં પણ તેઓ ચેરપર્સન બન્‍યાં હતા. તેમની પાસે આઇઆઇટી રૂરકીની ઇલેક્‍ટિકલ એન્‍જીિનયરીંગની ડીગ્રી છે. તેમની પાસે પાવર સેક્‍ટરનો ૩૬ વર્ષનો અનુભવ છે. ગુજરાતમાં એનર્જી વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે ફરજ બજાવી ચૂકેલા અને વયનિવૃત્ત થયેલા સુજીત ગુલાટી અને પૂર્વ એડિશનલ ચીફ સેક્રેટરી રાજગોપાલ પૈકી કોઇપણ એક ઓફિસર ગુજરાતના આ કમિશનમાં ચેરપર્સન બની શકે છે. સુજીત ગુલાટી જીએસએફસીના મેનેજીંગ ડિરેક્‍ટર પણ રહી ચૂક્‍યાં છે. બીજી તરફ રાજગોપાલ ગુજરાત ઉર્જા વિકાસ નિગમમાં પણ મેનેજીંગ ડિરેક્‍ટર રહી ચૂક્‍યાં છે.

-: આલેખન :-

ગૌતમ

પુરોહીત

gpurohit09@gmail.com

 

(12:20 pm IST)