Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

વડોદરામાં ઝવેરચંદ મેઘાણીની તકતી અને મેઘાણી સાહિત્ય કોર્નરની સ્થાપના

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત, પિનાકી મેઘાણી એમ.કે.ટંડન સરોજકુમાર સહિતની ઉપસ્થિતિ

રાજકોટ,તા.૧૨: વડોદરા સ્થિત પ્રતાપનગર પોલીસ હેડ-કવાર્ટરમાં મેઘાણી તકતી અને મેઘાણી સાહિત્ય કોર્નરની સ્થાપના સુરક્ષા સેતુ સોસાયટી – વડોદરા શહેર પોલીસ તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેદ્યાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા થઈ. ઝવેરચંદ મેઘાણીનાં રેખા-ચિત્ર, હસ્તાક્ષર, વડોદરા સાથેનાં સંભારણાંને આલેખતી 4x3 ફૂટની કાળા ગ્રેનાઈટની કલાત્મક તકતી તેમજ ઝવેરચંદ મેદ્યાણી લિખિત કવિતા, નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઈતિહાસ, પ્રવાસ-વર્ણન, સંશોધિત-સંપાદિત લોકસાહિત્ય સંશોધન-વિવેચન, લોકગીતો, લોકકથાઓ એવાં વિવિધ વિષયોનાં 75 જેટલાં પ્રાપ્ય પુસ્તકો 6x3x1 ફૂટનાં આકર્ષક કાચનાં કબાટમાં રીઝર્વ પોલીસ ઈન્સપેકટરની કચેરીમાં મૂકાયાં છે. પોલીસ-લાઈન અને પોલીસ-પરિવારમાં જન્મેલા ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિમાં મેદ્યાણી તકતીની સ્થાપના એમના વિવિધ સ્મૃતિ-સ્થળો  : અમદાવાદ મધ્યસ્થ જેલ – સાબરમતી જેલ (આઝાદીની લડત સમયે જે ખોલીમાં રખાયા હતા), રાજકોટ (પ્રધુનનગર પોલીસ સ્ટેશન જયાં તે સમયની પોલીસ-લાઈનમાં બાળપણમાં રહેતા હતા), ચોટીલા (ઐતિહાસિક જન્મસ્થળ પાસે આવેલ નવનિર્મિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પોલીસ ભવન), બોટાદ (સ્માર્ટ પોલીસ સ્ટેશન) અને રાણપુર (પોલીસ સ્ટેશન) ખાતે પણ પોલીસ વિભાગ દ્વારા થઈ છે.કારેલીબાગ વિસ્તારમાં આવેલ મહિલા પોલીસ સ્ટેશનમાં પણ મેદ્યાણી-સાહિત્ય કોર્નરની સ્થાપના થઈ. અમદાવાદ તથા રાજકોટ સ્થિત મહિલા પોલીસ સ્ટેશન ખાતે મેઘાણી સાહિત્ય કોર્નરની સ્થાપના અગાઉ થઈ ચૂકી છે. વડોદરા શહેરના સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત (આઈપીએસ), ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેદ્યાણી, નિવૃત્ત એડીજીપી એમ. કે. ટંડન (આઈપીએસ), ડીસીપી સરોજ કુમારી (આઈપીએસ), ડીસીપી એન્દ્રુ મેકવાન, એસીપી વી.પી. ગામિત, આરપીઆઈ પી.આઈ. સૈંદાણે, મહિલા પીઆઈ જે.આર. સોલંકી અને પીએસઆઈ એચ.ડી. વ્યાસ, નિવૃત્ત્। પોલીસ અધિકારીઓ ભરતસિંહ સરવૈયા અને પી.પી. કાનાણી, ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર)ના ચેરમેન ગોવિંદસંગ ડાભી, મનુભાઈ નિર્મલ, વાલજીભાઈ મિસ્ત્રી સહિત મોટી સંખ્યામાં સાહિત્ય-પ્રેમીઓ અને મેઘાણી-ચાહકો ઉપસ્થિત રહ્યાં હતાં. પોલીસ-પરિવારમાંથી પણ કોઈ વિરલ વ્યકિત ઝવેરચંદ મેઘાણી જેવી વિશ્વવ્યાપી ખ્યાતિ અને લોકચાહના પ્રાપ્ત કરશે તેવી શ્રધ્ધા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતે વ્યકત કરી હતી. પિનાકી મેદ્યાણી અને ગોવિંદસંગ ડાભી દ્વારા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતનું શાલ અર્પણ કરીને ભાવભર્યું અભિવાદન કરાયું હતું.   વડોદરા શહેરના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત (આઈપીએસ) અને સમસ્ત વડોદરા શહેર પોલીસનો લાગણીભર્યો સહયોગ રહ્યો છે. કાચનાં કબાટનું નિર્માણ-કાર્ય તથા તકતીનું ફિટીંગ વાલજીભાઈ પિત્રોડા – વિશ્વકર્મા ફર્નીચર (રાજકોટ) દ્વારા થયું છે. તકતીનું નિર્માણ ધર્મેન્દ્ર શર્મા – ગીતા મૂર્તિ ભંડાર (અમદાવાદ) દ્વારા થયું છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિને જીવંત રાખવા અને એમનાં જીવન, કાર્ય અને સાહિત્યના પ્રચાર-પ્રસારની વિવિધલક્ષી પ્રવૃત્ત્િ।ઓને વેગ આપવા તથા નવી પેઢીમાં દેશભકિતની ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન થાય તે પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન સવિશેષ પ્રયત્નશીલ અને કાર્યરત છે.

આલેખન  પિનાકી નાનકભાઈ મેઘાણી  ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન  (મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(3:33 pm IST)