Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

સરકારી મહેમાન

જે આવે છે તે જાય છે, કોઇ ‘અમર’ નથી, કોરોના પણ નહીં; અસહ્ય પીડા આપ્યાં પછી વિદાય લેશે

કોરોનાએ ખેડૂતોની તમાકુ છીનવી, અત્યાર સુધીના વર્ષોમાં માત્ર 55 હેક્ટર વિસ્તારમાં વાવેતર : કામદારોના અભાવે સરકારના પ્રોજેક્ટ્સ ઠપ્પ, વિલંબ થતાં પ્રોજેક્ટ કોસ્ટમાં પણ વધારો થશે : મોદીના કોંગ્રેસ મુક્ત ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓનો હાથ, ભાજપને તૈયાર ભાણું પિરસાય છે

કુદરતનો નિયમ છે-- જેનો જન્મ, એનો અંત નિશ્ચિત છે.” પૃથ્વી પર જે આવે છે તે જાય છે. કોઇ અમર નથી. કોરોના વાયરસ પણ અસહ્ય પીડા આપ્યાં પછી ચોક્કસ વિદાય લેશે. અગાઉ પણ વિશ્વના દેશોમાં અનેક વાયરસ અને ટીબી જેવા જટીલ રોગ આવી ગયા પરંતુ બઘાંનું સોલ્યુશન શોધાયું છે. કોરોના વાયરસ એ ઘાતક વધારે છે પરંતુ તેની દવા પણ શોધાઇ જશે, આપણે માત્ર આ ખરાબ સમય પસાર કરવાનો છે. કોરોના સંક્રમણે આપણને જીંદગી બદલતાં શિખવ્યું છે. જે લોકો હાથ સાફ કરતાં ન હતા તેઓ નિયમિત હાથ સાફ કરતાં થયાં છે. ચોંકાવનારી બાબત તો એવી સામે આવી છે કે સંક્રમણના સમયમાં કોરોનાએ વેપારીઓના ધંધા-રોજગાર બદલાવી નાંખ્યાં છે. ભારત સહિત વિશ્વના વિકાસશીલ દેશોએ કોરોના સામે લડતી વેક્સિન શોધવાનું શરૂ કર્યું છે, આજે નહીં તો કાલે વેક્સિન માનવ શરીરમાં અસર કરશે એટલે કોરોનાની વિદાય નિશ્ચિત છે. વિશ્વની ફાર્મા કંપનીઓએ સ્પર્ધા શરૂ કરી છે એટલે ઝડપથી વેક્સિન શોધાઇ જશે અને માનવીના સફળ ટ્રાયલ પછી બજારમાં મૂકાશે. કોરોનાની ખરાબ અસર બાળકોના શિક્ષણ પર થઇ છે. તેમનું આખું વર્ષ બગડ્યું છે. સરકાર અને લોકોના બજેટ ખોરવાયાં છે. 45 ટકા મધ્યમ વર્ગ આર્થિક રીતે પિડાઇ રહ્યો છે. ધનિકોની આવકમાં ચોંકાવનારો ઘટાડો થયો છે. આ મહામારીની આડઅસરની પીડા ખરેખર હવે શરૂ થવાની છે જે આપણને ઓછામાં ઓછાં ચાર વર્ષ પાછળ ધકેલી દેશે. 2020નું વર્ષ તો બદબાદ થઇ ચૂક્યું છે જેની અસર 2021માં આપણને દેખાઇ શકે છે.

ખેડૂતોને પાક વાવેતરમાં કોરોના સંક્રમણ નડ્યું નહીં...

કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે રાજ્યના કૃષિ વિભાગના આંકડા દર્શાવે છે કે ગયા વર્ષ કરતાં ઉનાળું વાવેતરનો વિસ્તાર વધ્યો છે તેથી પાક ઉત્પાદન પણ બમ્પર થાય તેવી સંભાવના છે. ગુજરાતમાં 5737951 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. ખરીફ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 67.58 ટકા વાવેતર થયું છે. રાજ્યમાં ધાન્ય પાકોનું વાવેતર 551728 હેક્ટર વિસ્તારમાં થયું છે જે 40.79 ટકા છે. કઠોળ પાકોનું વાવેતર 231350 હેક્ટરમાં એટલે કે 49.06 ટકા, તેલીબીયાં પાકોમાં 2200967 હેક્ટર એટલે કે 92.02 ટકા અને અન્ય પાકોમાં 2753906 હેક્ટર એટલે કે 64.44 ટકા વિસ્તારમાં થયું છે. રાજ્યમાં આ વર્ષે મગફળીના વાવેતર વિસ્તારે 127.94 ટકાનો વિક્રમ સર્જી દીધો છે. રાજ્યના ખેડૂતોએ 1970399 હેક્ટર વિસ્તારમાં મગફળી વાવી છે, જે ગયા વર્ષની સરખામણીએ વધારે છે, જ્યારે કપાસનું વાવેતર 2033487 હેક્ટર વિસ્તારમાં થયું છે જે 76.05 ટકા છે. આ પાકમાં હજી વાવેતર વિસ્તાર વધવાની સંભાવના છે, કારણ કે ગયા વર્ષે ખરીફ સિઝનમાં કપાસનું વાવેતર 2673892 હેક્ટર વિસ્તારમાં થયું હતું. ચોંકાવનારી બાબત એવી સામે આવી છે કે ખેડૂતોએ કપાસનું વાવેતર ઘટાડી દીધું છે. ગયા વર્ષે 55231 હેક્ટરમાં તમાકુનું વાવેતર થયું હતું જે ચાલુ વર્ષે માત્ર 55 હેક્ટર વિસ્તારમાં જોવા મળે છે. રાજ્યમાં નોર્મલ વાવેતર વિસ્તાર એટલે કે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ 8490070 હેક્ટરની રહી છે. ગયા વર્ષે આ સમયમાં એટલે કે 13મી જુલાઇ સુધીમાં 4879785 હેક્ટર વિસ્તારમાં વાવેતર કર્યું હતું જે આ વર્ષે વધીને 5737951 હેક્ટર વિસ્તારમાં થયું છે.

સરકાર પાસે કોરોના સિવાય કોઇ કામ નથી...

ગુજરાત સરકારની વાત કરીએ તો કામના આઠ થી દસ કલાક પૈકી ચાર કલાક કોરોના સંક્રમણની ચિંતા અને વ્યવસ્થામાં જાય છે. ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી ચાર કલાક સુધી કોરોના સંક્રમણના આંકડાની માયાઝાળમાં ફસાઇ રહ્યાં છે. આરોગ્ય વિભાગ પાસે માનવજીવનના બીજા રોગોની સમીક્ષા કરવાનો સમય રહ્યો નથી. કેટલા લોકો કેન્સરથી પિડાઇ રહ્યાં છે,.. કેટલા લોકોને કિડનીના દર્દ છે... હોસ્પિટલોમાં કોરોના સિવાયના કેટલા પેશન્ટ દાખલ છે... બીજી બિમારીના દર્દીઓને હોસ્પિટલોમાં જગ્યા મળે છે કે નહીં... આ સવાલોની ચિંતા સરકાર કરતી નથી, કારણ કે બીજા રોગીઓને પણ સારવાર પહેલાં કોરોના ટેસ્ટ અચૂક કરાવવામાં આવતો હોય છે. લોકડાઉન અને સંક્રમણના સમયમાં સરકારના વિવિધ પ્રોજેક્ટના કામો ઠપ્પ થઇ ગયાં છે અથવા તો ધીમી ગતિએ ચાલે છે. ગુજરાતના મહત્વના પ્રોજેક્ટ્સ પૈકી અમદાવાદની મેટ્રોરેલ, ગાંધીનગરનું આધુનિક રેલવે સ્ટેશન કમ ફાઇવસ્ટાર હોટલ તેમજ બીજા શહેરોના રિવરફ્રન્ટ તેમજ મેટ્રોરેલના પ્રોજેક્ટના કામો શરૂ કરી શકાયા નથી. માર્ગ-મકાન અને સિંચાઇના કામો કામદારો અને મજૂરો વિના સૂનાં પડ્યાં છે. પરપ્રાંતિય મજૂરો પાછા આવે તે પછી અટકેલાં કામો શરૂ થઇ શકશે તેવું કહેવામાં આવે છે. એવું લાગી રહ્યું છે કે સરકારે મજૂરોને વતન મોકલવા ટ્રેનો શરૂ કરી હતી તેવી રીતે વતનમાંથી પાછા બોલાવવા માટે પણ સ્પેશ્યલ ટ્રેનો શરૂ કરવી પડશે.

કોંગ્રેસ મુક્ત ગુજરાતમાં કોંગ્રેસનો સપોર્ટ છે...

ગુજરાતમાં નરેન્દ્ર મોદીની વાપસી તો 1998થી થઇ ગઇ હતી પરંતુ 2001માં સત્તાના સિંહાસને બેઠાં પછી ભાજપના લોકસભા અને વિધાનસભાના ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા મોદીના કહેવાથી થઇ છે. તેઓ 2007ની વિધાનસભાની ચૂંટણીમાં એટલા પાવરફુલ બની ચૂક્યાં હતા કે તેમને પૂછ્યા વિના હાઇકમાન્ડ ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ કે વિધાનસભાના ઉમેદવારો પસંદ કરી શકતું ન હતું. 2002ના વિક્રમી વિજય પછી મોદીને અઢી વર્ષ સુધી કેશુભાઇ પટેલ અને તેમના સમર્થકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો પરંતુ વિધાનસભાની 2007 અને 2012 ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં મોદી કેન્દ્રસ્થાને રહ્યાં છે અને તેમણે પાર્ટીને પરિણામ પણ બતાવ્યું છે. આ સમયગાળામાં એકપણ ધારાસભ્ય બળવાની હિંમત કરી શક્યો નથી. બીજી તરફ કોંગ્રેસના એક પછી એક નેતાઓ અને ધારાસભ્યોએ ભાજપમાં જોડાઇને કોંગ્રેસમુક્ત ગુજરાતના મોદીના સૂત્રને સાર્થક બનાવી દીધું છે. ગુજરાતની કોઇપણ ચૂંટણી પહેલાં હંમેશા કોંગ્રેસના મજબૂત ઉમેદવારોને મોદીએ તેમની અનોખી સ્ટાઇલથી ભાજપમાં ભેળવી દીધા છે. મોદી પછી જ્યારે અમિત શાહનો યુગ આવ્યો ત્યારે તેમણે તો ભાજપના વર્તમાન ધારાસભ્યોને રાજીનામાં અપાવીને ભાજપમાં જોડવાના શરૂ કરી દીધા હતા. આજે સ્થિતિ એવી છે કે કોંગ્રેસ વિપક્ષમાં ઠેરની ઠેર આવીને ઉભી છે. કોંગ્રેસને ચૂંટણીમાં માત્ર વિજય મળવો જરૂરી નથી પણ એથી આગળ વધીને ચૂંટાયેલા સભ્યોને સાચવવાની વિશેષ જરૂર છે, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ થી વિધાનસભા સુધી કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો સત્તા ખાતર વેચાઇ જાય છે. ભાજપે ગુજરાતમાં કોંગ્રેસની બહુમતીથી રચાયેલી જિલ્લા, તાલુકા, પાલિકા અને મહાનગરોની સત્તા છીનવી છે. કોંગ્રેસ મુક્ત નારાને કોંગ્રેસના નેતાઓ જ સમર્થન આપી રહ્યાં હોય તેવો ગુજરાતમાં માહોલ સર્જાયેલો છે.

કોંગ્રેસ શહેરી વોટર્સમાં હાર્દિકનો ઉપયોગ કરે...

પાટીદાર અનામત આંદોલનના ફાયરબ્રાન્ડ નેતા અને ગુજરાત કોંગ્રેસના વર્કિંગ પ્રેસિડેન્ટ હાર્દિક પટેલનો આજે જન્મદિન છે. આ દિવસે તેણે અહિંસક આંદોનનો માર્ગ છોડીને કોંગ્રેસને મજબૂત કરવાના કાર્યમાં લાગી જવું જોઇએ. તેની પાસે ગુજરાતનું યુથ સંકળાયેલું છે ત્યારે કોંગ્રેસના પ્રદેશ નેતાઓએ તે યુથનો વિધાનસભાની પેટાચૂંટણી તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઉપયોગ કરવો જોઇએ. કોંગ્રેસના નેતાઓ જો મતભેદો તેમજ જૂથવાદ ભૂલીને એકસંપથી ચૂંટણી કાર્ય કરશે તો તેમને રિઝલ્ટ મળશે. સ્થાનિક સ્વરાજ્યમાં હજી કોંગ્રેસ પાસે ગ્રામ્ય વિસ્તારમાં જનાધાર છે પરંતુ શહેરી વિસ્તારમાં જનાધાર ગુમાવેલો છે તે પાછો લેવો હોય તો પાર્ટીએ હાર્દિકને આગળ કરીને શહેરી વિસ્તારના મતદારો પર પ્રભુત્વ વધારવું પડશે, કે જેથી પાલિકા અને મહાનગરની ચૂંટણીમાં કોંગ્રેસે ઇચ્છિત પરિણામ મેળવી શકે. હાર્દિકનો એક પ્લસપોઇન્ટ એવો છે કે તે તેની ફાયરબ્રાન્ડ છાપથી યુથને એકત્ર કરી શકે તેમ છે. તેના ભાષણો મુદ્દાસર અને લોકોના દિમાગમાં સીધા ઉતરી જાય તેવા હોય છે. પાટીદાર અનામત આંદોલનની બ્લેકસાઇડને બાજુએ રાખીએ તો સવર્ણો માટેની અનામત જાહેર થઇ છે તે હાર્દિક પટેલને આભારી છે તે સૌ કોઇ જાણે છે, તેથી હાર્દિક પટેલે હવે શાંત અને અહિંસક રીતે તેના કાર્યક્રમો પાર્ટીના હિતમાં આગળ વધારવા જોઇએ તેવું તેના યુવા સમર્થકો ઇચ્છી રહ્યાં છે.

કોરોનામાં ઋતુચક્ર ફેઇલ, વેક્સિન એકમાત્ર ઉપાય...

વિશ્વના 213 દેશોમાં ફેલાયેલું કોરોના સંક્રમણ વધુ ફેલાતું જાય છે. ઠંડી, ગરમી કે વરસાદ જેવી ઋતુ પણ કોરોનાનું કંઇ બગાડી શકતી નથી ત્યારે હવે માત્ર વેક્સિન પર જ આધાર રાખવો પડે તેમ છે. વિશ્વમાં કોરોના સંક્રમણના કુલ 1.50 કરોડ કેસ સામે આવ્યા છે જે પૈકી 87 લાખ કેસોમાં રિકવરી આવી છે અને 6.10 લાખ લોકોના મૃત્યુ થયાં છે. સમગ્ર વિશ્વમાં અત્યારે 52 લાખ કેસ એક્ટિવ છે. ભારત એ અમેરિકા અને બ્રાઝિલ પછી વિશ્વનો ત્રીજો સૌથી વધુ સંક્રમિત દેશ છે. અમેરિકામાં 39 લાખ, બ્રાઝિલમાં 21 લાખ અને ભારતમાં 11 લાખ કેસ સામે આવેલા છે. સૌથી વધુ 1.43 લાખ મોત અમેરિકામાં થયાં છે. આશ્ચર્યની બાબત એવી છે કે હવે રશિયા, મેક્સિકો, સ્પેન અને યુકેમાં કેસ ઘટતાં જાય છે. કોરોના જ્યાંથી શરૂ થયો હતો તે ચીન હવે 26મા ક્રમે ધકેલાયું છે અને ત્યાં કેસોની સંખ્યા 83 હજાર પર અટકેલી છે. કોરોના સંક્રમણમાં સૌથી સારી કામગીરી 1553 કેસ સાથે ન્યૂઝિલેન્ડમાં થઇ છે, જેનો ક્રમ 129મો છે. ભારતમાં કુલ કેસોની સરખામણીએ મૃત્યુઆંક 2.5 ટકા છે, જ્યારે રિકવરી રેટ 62.9 ટકાએ પહોંચ્યો છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

(8:58 am IST)