Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

સરકારી મહેમાન

માત્ર અમેરિકા નહીં, વિશ્વના 190 દેશો પૈકી 129 દેશોમાં એક કરોડ ગુજરાતીઓ વસે છે

ડોલાન્ડ ટ્રમ્પને ગુજરાતની જનતા 24 ફેબ્રુઆરીએ ‘કેમ છો મિસ્ટર પ્રેસિડેન્ટ’ કહેશે: વિશ્વના વિવિધ દેશોમાં વસતા ભારતીયોમાં સૌથી વધુ 33 ટકા ગુજરાતીઓ છે : અમેરિકામાં સૌથી વધુ બોલાતી ભારતીય ભાષાઓમાં બીજા ક્રમે ગુજરાતી આવે છે

પશ્ચિમ ભારતમાં આવેલું ગુજરાત રાજ્ય જે વ્યક્તિઓની માતૃભૂમિ છે, તેવા લોકોને ગુજરાતી કહેવામાં આવે છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો જે લોકો ગુજરાતી ભાષા બોલે છે, તેમને ગુજરાતી કહેવામાં આવે છે. ગુજરાતી લોકો પોતાની રહેણી કરણી, ભાષા, ખોરાક, રીત-રિવાજો, વગેરેને કારણે અલગ તરી આવે છે. ગુજરાતીઓ સામાન્ય રીતે મળતાવડા અને પોતાની સંસ્કૃતિને વળગી રહેનારા લોકો છે, અને તેમનો ખોરાક તેઓ ક્યારેય બદલી શકતા ન હોવાથી, પ્રચલિત ઉક્તિ છે કે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.

અરદેશર ખબરદાર લખે છે કે

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!

પ્રસિદ્ધ ગુજરાતીઓમાં સરદાર વલ્લભભાઈ પટેલ, મોહનદાસ ગાંધી, શ્યામજી કૃષ્ણ વર્મા, ધીરૂભાઇ અંબાણી, સ્વામી દયાનંદ સરસ્વતી, વિક્રમ સારાભાઈ, સુનીતા વિલિયમ્સ તથા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં વસતા 94 ટકા લોકો હિન્દુ છે...

ગુજરાતી લોકો ભારતીય ઉપખંડનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં રહે છે. ઘણા ગુજરાતીઓ ભારતનાં અન્ય રાજ્યો જેવાકે રાજસ્થાન, મહારાષ્ટ્ર, અને મધ્યપ્રદેશ તેમજ રાજધાની દિલ્હી ઉપરાન્ત કેન્દ્ર શાસિત દમણ અને દીવ, દાદરા નગર હવેલીમાં પણ વસવાટ કરે છે. વધુમાં ગુજરાતી ભાષા કચ્છી પ્રજા દ્વારા તેમજ પારસી લોકો - જેમણે સમગ્ર ભારતમાં ગુજરાતને પોતાનું વતન બનાવ્યું છે - દ્વારા પણ બોલવામાં આવે છે. અમદાવાદને ગુજરાતનું આર્થિક પાટનગર, જ્યારે વડોદરાને ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર કહેવામાં આવે છે. ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર છે. ગુજરાતના લોકો મુખ્યત્વે હિંદુ (હિંદુ, શીખ, જૈન, બુદ્ધ - 94%) ધર્મ પાળે છે. ભારતનાં બીજા શહેરોમાં પણ ઘણા પ્રમાણમાં ગુજરાતીઓ રહે છે.

ગુજરાતીઓ ક્યાં નથી, અત્ર-તત્ર-સર્વત્ર...

હિજરતી ગુજરાતી પ્રજા નોંધપાત્ર રીતે સમગ્ર વિશ્વમાં વસે છે. યુ.કે.માં "અંગ્રેજી પૂર્વ આફ્રિકી એશિયાઇ" કોમ એ દેશનિકાલ થયેલી સૌથી મોટી ગુજરાતી વસ્તી છે. અન્ય ગુજરાતીઓની મોટી વસ્તી દક્ષિણ અને પૂર્વ આફ્રિકા માં રહે છે (ખાસ કરીને કેન્યા, ટાન્ઝાનિયા, યુગાન્ડા, દક્ષિણ આફ્રિકા, મડાગાસ્કર, મોઝામ્બીક- આ ભૂતપૂર્વ પોર્ટુગીઝ શાષિત કોલોનીની આઝાદી પછી ગુજરાતીઓ નોંધપાત્ર સંખ્યામાં પોર્ટુગલ સ્થાયી થયાં.) અને દક્ષિણ-પૂર્વ એશિયા (મ્યાનમાર, મલેશિયા). ઘણા ગુજરાતીઓ યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડા પણ રહે છે. યુએસ સેન્સસ બ્યૂરોના જણાવ્યા પ્રમાણે આશરે 20 ટકા ભારતીય અમેરિકનો ગુજરાતી છે. આંકડાઓ દર્શાવે છે કે અંદાજે 2,50,000 લોકો કેનેડામાં ગુજરાતી બોલે છે. તેમાંના મોટા ભાગના લોકો ગ્રેટર ટૉરન્ટો વિસ્તારમાં રહે છે, જે ટોરોન્ટોને ઉત્તર અમેરિકામાં આવેલું સૌથી વધુ ગુજરાતી વસ્તીવાળુ શહેર છે. બ્રિટનના લંડન અને લિસેસ્ટરમાં બહોળા પ્રમાણમાં ગુજરાતીઓ વસે છે.

ગુજરાતી ખોરાક દુનિયાભરમાં મશહૂર છે...

ખાસ કરીને બહુમતી ધરાવતા હિંદુ અને જૈન ગુજરાતીઓ શાકાહારી છે. ગુજરાતીઓ પણ પારંપરીક ભારતીય ભોજન-શૈલીને અનુસરે છે. તેમાં ભાત, દાળ, રોટલી, શાક, છાસ અને મિઠાઇનો સમાવેશ થાય છે. ગુજરાતીઓ દ્વારા રોટલી વિવિધ પ્રકારથી બનાવવામાં આવે છે. જેમ કે રોટલી, ચપાતી, ભાખરી, પુરી, થેપલા, ઢેબરા, માલપુડા, પુરણ-પોળી, ઘારી, ખાખરા, વગેરે. પણ ગુજરાતી ભોજનમાં ફરસાણનું પણ ખૂબજ મહત્વ છે. જેમાં ખમણ, ઢોકળાં, પાણીપુરી, ઢોકળી, દાળ-ઢોકળી, ઊંધીયુ, ફાફડા, ચેવડો, સમોસા, પાપડી, મુઠીયા, ગાંઠીયા, ભજીયા, બટાકાવડા, પાતરા, ભુસું, સેવ-મમરા વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાતી ખોરાક એ દુનિયાભરમાં મશહૂર છે, એવી રીતે ગુજરાતીઓનો પહેરવેશ પણ મશહૂર છે. ઘરેણા જેવા કે મંગળસુત્ર, હાર, નથ, કાનનાં ઝુમ્મર, બંગડીઓ તથા વિંટી, વિંટલા, કંદોરો જેવા તમામ ધરેણાઓ ગુજરાતીઓ પહેરે છે. લગ્ન દરમ્યાન એક ગુજરાતી દુલ્હન ઘણાં બધા ઘરેણાં પહેરતી હોય છે, જે સામાન્ય હિંદુ લગ્નમાં આમ વાત છે. પુરૂષો ચેઇન અને વિંટી પહેરતા હોય છે. વર્ષો પહેલા પરણિત ગુજરાતી સ્ત્રી માથે લાલ કંકુનો ચાંદલો કરતી પણ આધુનિક સમયમાં તે ફેશનમાં ન હોવાથી તેનો પ્રસંગો સિવાય કયારેક ઉપયોગ થતો નથી, આજે સ્ટીકર બિંદીનો ઉપયોગ થાય છે જે અલગ અલગ આકાર અને રંગોમાં મળે છે. ગુજરાતનું એક પ્રસિધ્ધ પહેરવેશ ધોતી ગાંધીજી દ્વારા પ્રસિધ્ધ થયેલું છે.

ગુર્જરદેશ અને ગુર્જરત્તા નામ પણ મળ્યાં હતા...

ગુજરાત પર જમીન તથા દરિયાઈ માર્ગે અનેક પ્રજાઓ આવીને ચઢાઇ કરી અને વસી છે, જેમાં શક, હૂણ, આરબ, મુગલ, પારસી, વલંદા, બ્રિટીશ વગેરેનો સમાવેશ થાય છે. આ બધી જ પ્રજાઓની અસર ગુજરાતી ભાષાના વિકાસ દરમ્યાન જોવા મળે છે. ઇતિહાસકારોના જણાવ્યા મુજબ, ઇ.સ પૂર્વે 640મી સદીમાં ચાઈનીઝ પ્રવાસી હયુ-એન-સેંગ ના પ્રવાસ વર્ણનમાં ગુજરાતને ગુર્જરદેશ તરીકે ઓળખ્યો હતો. રાજા ભોજ ના સરસ્વતી કંઠાભરણમમાં ગુજરત્તા એવો શબ્દ પ્રયોગ થયેલો છે. 1લી મે 1960માં દ્વિભાષી મુંબઇ (મહારાષ્ટ્ર) ના ભાગલા થયાં ત્યારે ગુજરાત અગલ પડ્યું હતું ત્યારે ગુજરાતી ભાષાને રાજ્યની ઓફિશિયલ લેંગ્વેજ તરીકે દરજ્જો આપવામાં આવ્યો હતો. ગુજરાતી ભાષાને પોતાની લિપિ છે જે ગુજરાતી તરીકે ઓળખાય છે અને તે દેવનાગરી પરથી ઉતરી આવેલ છે. ગુજરાતી ભાષાના મૂળાક્ષરો ખૂબજ પદ્ધતિસર ગોઠવાયેલા છે. જેમાં 33 વ્યંજનો અને 8 સ્વરો છે. વૈદિક કાળમાં ગુજરાતને આનર્ત દેશ તરીકે ઓળખવામાં આવતો હતો. સોમનાથ મંદિર, ગિરનાર પર્વતનો પૌરાણિક વાર્તાઓમાં ઘણો ઉલ્લેખ જોવા મળે છે. તે સમયે સરસ્વતી નદી પણ કદાચ ગુજરાત સુધી વહેતી હશે. મહાભારત દરિમયાન કૃષ્ણએ ગુજરાતના પશ્ચિમ કિનારા પર દ્વારિકા નગરી વસાવી હતી. પાંડવો જે વિરાટ નગરીમાં અજ્ઞાતવાસમાં રહેલા તે વિરાટ નગરી પણ આજના કચ્છ પ્રદેશમાં આવી હશે તેવું મનાય છે. યાજ્ઞવલ્કય ઋષિ નર્મદાના કિનારાના પ્રદેશમાં રહેતા હતા. 15મી સદી જેવા પ્રારંભિક યુરોપિયન પ્રવાસી લ્યુડોવિકો દી વર્થેમાએ ગુજરાતનો પ્રવાસ કરી લખ્યું હતું કે એવા કેટલાક લોકો દુનિયામાં છે કે જેમાં લોહી હોય તેવું કશું જ તેઓ ખાતા નથી, ક્યારેય કોઇ જીવિત વસ્તુને મારતા નથી.

ભારતની આઝાદી પછીનું ગુજરાત...

1947માં ભારતને આઝાદી મળી અને ભારતના ભાગલા પછી ભારત સરકારે ગુજરાતના રજવાડાંઓનું ત્રણ ભાગમાં વિભાજન કર્યું. કચ્છ, સૌરાષ્ટ્ર અને બૃહદ મુંબઇ રાજ્ય. સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડ દ્વીપકલ્પના તમામ રજવાડાંઓને ભેગા કરવામાં આવ્યા હતાં, જ્યારે મુંબઇ રાજમાં મોટાભાગના પશ્ચિમી અને મધ્ય ભારતનો સમાવેશ થયો હતો. સ્વતંત્રતા પછી ઇ.સ. 1948માં મહાગુજરાત સંમેલન થયું જેમાં ગુજરાતી બોલનાર વસ્તી ધરાવતા વિસ્તારે પોતાના અલગ રાજ્યની માંગ કરી હતી. 1956માં મુંબઇ રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્ર નો, તથા હૈદરાબાદ અને મધ્ય પ્રદેશ રાજ્યોના કેટલાક ભાગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નવા મુંબઇ રાજ્યના ઉત્તર ભાગમાં લોકો ગુજરાતી બોલતા હતા, જ્યારે બાકીના ભાગની ભાષા મરાઠી હતી. અંતે 1લી મે 1960માં અલગ ગુજરાતની રચના કરવામાં આવી હતી.

વિશ્વના 129 દેશોમાં ગુજરાતીઓ વસે છે...

વિદેશમાં ગુજરાતીઓની વસ્તી વધી રહી છે, સંયુક્ત રાષ્ટ્રમાં નોંધાયેલા 190 દેશોમાંથી 129 દેશોમાં ગુજરાતી પ્રજા રહે છે. વિદેશમાં વસતાં ત્રણ કરોડ ભારતીયોમાં 98 લાખ ગુજરાતીઓ સૌથી આગળ છે. વિશ્વ ગુજરાતી સમાજે જાહેર કર્યું છે કે, વિદેશમાં વસતા ભારતીયોમાં સૌથી વધુ 33 ટકા ગુજરાતની પ્રજા છે. ગુજરાતીઓએ વિદેશ ખેડવાનો પ્રારંભ આફ્રિકાથી કર્યો હતો. વિદેશી ગુજરાતીઓ પાસે 75 લાખ કરોડ રૂપિયાથી વધુ ધન છે તથા ભારતના અબજોપતિઓની યાદીમાં સૌથી વધુ એટલે કે 58 ગુજરાતી છે. દુનિયાભરના દેશોમાં ગુજરાતના ‘પટેલ’ ફેલાયેલા છે. સમગ્ર વિશ્વમાં 5 લાખ જેટલા પટેલ જુદા-જુદા દેશોમાં વસે છે. યુએસ-યુકેમાં ગુજરાતીઓની સંખ્યા 2.92 લાખ છે. આ દેશોમાં સૌથી પોપ્યુલર સરનેમમાં 140 ક્રમે પટેલ છે. પટેલ અટક ધરાવતા સૌથી વધુ 1.50 લાખ લોકો અમેરિકામાં અને એટલા જ બ્રિટનમાં રહે છે. ભારતની કુલ વસ્તીમાં ગુજરાતીઓનું પ્રમાણ 6% છે, અમેરિકાના કુલ ભારતીયોમાં 20% ગુજરાતી છે. અમેરિકામાં 9.27 લાખ ગુજરાતીઓ વસે છે. અમેરિકામાં છેલ્લા દસ વર્ષમાં ગુજરાતી બોલનારા લોકોની સંખ્યામાં 26% નો વધારો થયો છે. ગૌરવની બાબત એવી છે કે અમેરિકામાં સૌથી વધુ બોલાતી ભારતીય ભાષાઓમાં બીજા ક્રમે ગુજરાતી છે.

અમેરિકાના ગુજરાતી પાસે 17000 મોટલ છે...

આંકડા સ્પષ્ટ છે કે આખા અમેરિકામાં ગુજરાતીઓની વસતી 15 લાખ કરતાં વધારે છે જે પૈકી 3.50 લાખ લોકો પ્રથમ લેંગ્વેજ તરીકે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરે છે. અમેરિકામાં 17000 મોટેલ અને 12000 દવાની દુકાનો ગુજરાતીઓની માલિકીની છે. 1940માં અમેરિકામાં મૂળ દક્ષિણ ગુજરાતના કાનજી પટેલે મોટેલ શરૂ કરી હતી. 40 ટકા મોટેલ ગુજરાતીઓની છે. 1972માં યુગાન્ડામાંથી ખાલી હાથ અમેરિકા ગયા અને ત્યાં સમૃદ્ધ બન્યાં હતા. ન્યૂયોર્ક ટાઇમ્સના એક લેખ મુજબ 1910 પછી મોટી સંખ્યામાં ભારતીયોએ અમેરિકા આવવાનું શરૂ કર્યું હતું. રાજકારણ, વેપાર-ઉદ્યોગથી લઈને કળા-સાહિત્ય સુધીના વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતીઓનો ડંકો છે. દુનિયામાં પ્રવાસીઓ દ્વારા પોતાના દેશમાં ધન મોકલવાના મામલામાં ભારતીયો સૌથી આગળ છે. 2018માં પ્રવાસી ભારતીયો દ્વારા ભારતમાં કુલ 79 અબજ ડોલર મોકલવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે વિશ્વના દેશોમાં વસતો દર ત્રીજો ભારતીય ગુજરાતી છે.

અમેરિકાના પહેલા પ્રેસિડેન્ટ ગુજરાત આવે છે...

ડોનાલ્ડ ટ્રમ્પ એક એવા અમેરિકન પ્રેસિડેન્ટ છે કે જેઓ સૌ પ્રથમવાર ગુજરાત આવે છે. અત્યાર સુધીના અમેરિકાના તમામ પ્રેસિડેન્ટ પૈકી એકપણ પ્રેસિડેન્ટ ગુજરાત આવ્યા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24મી ફેબ્રુઆરીએ અમેરિકન પ્રેસિડેન્ટ અને ફર્સ્ટ લેડી ઓફ અમેરિકાને ગુજરાતના અમદાવાદમાં સત્કાર કરશે. મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ માટે વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડીયમમાં ‘કેમ છો ટ્રમ્પ’ નામનો કાર્યક્રમ આયોજીત કર્યો છે જેમાં 1.25 લાખ લોકો અમેરિકન પ્રેસિડેન્ટનું સ્વાગત કરશે. તેઓ અમેરિકાના પહેલા પ્રેસિડેન્ટ હશે કે જેઓ મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમમાં ઉપસ્થિત રહેશે. રાજકીય તજજ્ઞો કહે છે કે ટ્રમ્પની ભારતયાત્રા તેમને અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણીમાં ભવ્ય વિજયી બનાવશે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

(8:38 am IST)