Gujarati News

Gujarati News

News of Monday, 20th April 2020

સરકારી મહેમાન

ખેડૂતો કોરોનાથી ભયમુક્ત: સમર સિઝનમાં 8.91 લાખ હેક્ટર વિસ્તારમાં ક્રોપનું વાવેતર

વિશ્વમાં કોરોના અને સૂર્યગ્રહણ: 26મી ડિસેમ્બરે ઉદય થયો અને 21 જૂને ધીમે ધીમે અસ્ત થશે: શાકભાજીમાં એક એવી વનસ્પતિ કે જેના પ્રત્યેક અંગ ઉપયોગી છે, 300 જેટલા રોગ મટે છે : ડાયાબિટીસના પેશન્ટને રાહત મળે અને સ્યુગર નોર્મલ રહે તેવો એક ઘરગથ્થું સફળ પ્રયોગ

કોરોના વાયરસના સંક્રમણ સમયમાં રાજ્યના કૃષિ વિભાગના આંકડા દર્શાવે છે કે ગયા વર્ષ કરતાં ઉનાળું વાવેતરનો વિસ્તાર વધ્યો છે તેથી પાક ઉત્પાદન પણ બમ્પર થાય તેવી સંભાવના છે. 13મી એપ્રિલની સ્થિતિએ ગુજરાતમાં 8,91,482 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે જે સામાન્ય એવરેજના 117.51 ટકા છે. ગયા વર્ષે ઉનાળું પાક 6,62,669 હેક્ટર વિસ્તારમાં લેવામાં આવ્યા હતા, જ્યારે નોર્મલ વાવેતર વિસ્તાર 7,58,669 હેક્ટર છે. એટલે કે નોર્મલ વાવેતર વિસ્તાર કરતાં આ વર્ષે વાવેતર વિસ્તાર વધ્યો છે. રાજ્યમાં અનાજનું વાવેતર 3,12,228 હેક્ટર વિસ્તારમાં થયું છે જે 104.59 ટકાનો વિસ્તાર દર્શાવે છે. ઉનાળું વાવેતરના અનાજમાં જુવાર, બાજરી અને મકાઇનો સમાવેશ થાય છે. ખેડૂતોએ બાજરીનું વાવેતર 2,51,743 હેક્ટર વિસ્તારમાં કર્યું છે. કઠોળનું વાવેતર 55285 હેક્ટર વિસ્તારમાં છે જે ગયા વર્ષે માત્ર 25,686 હેક્ટર વિસ્તારમાં હતું. ગુજરાતના ખેડૂતોએ કઠોળમાં મગ અને અડદનો પાક લીધો છે. ઓઇલસીડ્સમાં મગફળીનું ઉનાળું વાવેતર 57,271 હેક્ટરમાં જોવા મળ્યું છે જે ગયા વર્ષની સરખામણીએ 114.46 ટકાનો વધારો છે. જો કે ઓઇલસીડ્સમાં કુલ વાવેતર વિસ્તાર 1,13,772 હેક્ટર થયો છે જે નોર્મલ વાવેતર કરતાં 165.40 ટકા વિસ્તાર આવરી લે છે. આ ઉપરાંત અન્ય પાકો પૈકી ડુંગળીનું વાવેતર 7610 હેક્ટરમાં થયું છે જે ગયા વર્ષે માત્ર 1811 હેક્ટરમાં હતું. શેરડીના વાવેતરમાં કોઇ ફરક નથી. આ વર્ષે પણ 4327 હેક્ટર વિસ્તારમાં વાવણી થયેલી છે. શાકભાજીના પાકોમાં 103.55 ટકાનો વધારો છે. આ વર્ષે 84,600 હેક્ટરમાં શાકભાજીની વાવણી થયેલી છે. ઘાસનું વાવેતર 3,08,641 હેક્ટર વિસ્તારમાં થયું છે, જે ગયા વર્ષે 2,56,066 હેક્ટર વિસ્તારમાં હતું. ગુવારગમનો વિસ્તાર ઘટ્યો છે. ગયા વર્ષે 3094 હેક્ટર વિસ્તારમાં પાક થયો હતો જ્યારે આ વર્ષે 1686 હેક્ટરમાં થવાનો અંદાજ છે. અન્ય ક્રોપમાં વાવેતર વિસ્તાર 3333 હેક્ટર છે.

કોરોનાનો ઉદ્દભવ અને અસ્ત સૂર્યગ્રહણ છે...

વિશ્વના દેશોમાં દેશોમાં ચીન પછી ફેલાયેલા કોરોના વાયરસના સંક્રમણે લોકોની નિંદર હરામ કરી દીધી છે. ચારેબાજુ ભયનો માહોલ છે. આ મહામારી પર કાબૂ લેવા માટે વિશ્વભરના મેડીકલ તજજ્ઞો અને વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યાં છે, પરંતુ જે દેશ દવા કે રસી શોધશે તે “માલામાલ” ચોક્કસ થઇ જશે, કારણ કે તેની દવા કે રસીની માંગ વિશ્વના તમામ દેશોમાં રહેવાની છે. કોરોનાથી વિશ્વને છૂટકારો ક્યારે મળશે. આપણને ક્યારે નોર્મલ લાઇફ જીવવા મળશે. લોકો પોતાના ધંધા-રોજગાર ક્યારે શરૂ કરી શકશે. અટકેલા પ્રવાસના આયોજનો ક્યારથી શરૂ કરી શકાશે. બાળકો સ્કૂલમાં ક્યારથી જઇ શકશે. આવા અનેક સવાલો લોકોના મનમાં ઘૂમરાયા કરે છે. અમરેલીના ખગોળવેત્તા જયપ્રકાશ માઢક કહે છે કે – વિશ્વની સાથે ભારતમાં કોરોનાના કેસો 4થી મે પછી ઓછા થવાનું શરૂ થશે અને 21મી જૂન પછી કેસોમાં રાહત થશે. તેમણે કહ્યું હતું કે 26મી ડિસેમ્બર 2019ના સૂર્યગ્રહણ પછી ચીનમાં મહામારી શરૂ થઇ હતી પરંતુ હવે 2020માં આવી રહેલી 21મી જૂનના સૂર્યગ્રહણ પછી લોકોને હળવાશ થઇ શકે છે. આ સમયગાળા દરમ્યાન કોરોના વિરૂદ્ધની રસી કે દવાની શોધ પણ શક્ય છે. 21મી જૂને ગુરૂ અને શનિ મકર રાશિથી છૂટા પડે છે તેનો પણ ફાયદો થઇ શકે છે, જો કે ચીનમાં કુદરતી આપત્તિ કે મહામારી દિવાળી સુધી ચાલી રહે તેવી શક્યતા છે. એ ઉપરાંત 4થી મે થી શનિ અને મંગળનો અંગારક યોગ પૂર્ણ થાય છે અને 11મી મે થી 15મી મે દરમ્યાન શનિ, શુક્ર અને ગુરૂ વક્રી થવાના છે તેથી મહામારી ધીમી પડે તેવી આશા છે.

ભલે દવા ન હોય, રોગ પ્રકિકાત્મક શક્તિ વધારો...

કોરોનાની મહામારીના સમયમાં એલોપથી સાથે આયુર્વેદ અને હોમિયોપથી દવાઓનું સેવન કરવાથી ફાયદો થાય છે તેવું ભારત સરકાર માને છે. સરકાર એવો દાવો કરતી નથી કે આ બન્ને પદ્ધતિથી કોરોના પોઝિટીવ દર્દીઓમાં ફાયદો થશે પરંતુ રિપોર્ટ પોઝિટીવ ન આવે તે માટે શરીરની રોગ પ્રતિકાત્મક શક્તિ વધારવા તે પ્રયોગ કરવા જરૂર છે. ભારત સરકારના આયુષ મંત્રાલયના આદેશ પછી ગુજરાતમાં આયુર્વેદ અને હોમિયોપથી દવાઓને રોગ પ્રતિકાત્મક શક્તિ માટે માન્યતા આપવામાં આવી છે. કોઇપણ તંદુરસ્ત વ્યક્તિ આ દવાઓ લઇ શકે છે. રાજ્યમાં અત્યાર સુધી 568 સરકારી આયુર્વેદ દવાખાના અને 38 હોસ્પિટલમાંથી અમૃત પેયનું વિતરણ 80 લાખ લોકોને કરવામાં આવ્યું છે. એવી જ રીતે 272 જેટલા હોમિયોપથી દવાખાનામાંથી આર્સેનિકમ આલ્બમ-30નું 45 લાખ લોકોને વિતરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં જે વ્યક્તિ ક્વોરેન્ટાઇન થયેલી છે તેઓ પણ રોગ પ્રતિકાત્મક શક્તિ વધારવાનો ઉપાય કરી શકે છે. આયુર્વેદમાં કહ્યું છે કે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અને રોગ પ્રતિકાત્મક શક્તિ વધારવા સંશમની વટીની બે- બે ગોળી દિવસમાં બે વાર સાત દિવસ સુધી લેવાની હોય છે. દશમૂલ કવાથ, પથ્યાદિ ક્વાથ (40 એમએલ) અને ત્રિકુટ ચૂર્ણ બે ગ્રામ દિવસમાં બે વાર સાત દિવસ સુધી લેવાનું હોય છે, જ્યારે આસ્રેનિકમ આલ્બમ-30 પોટેન્સી ચાર ગોળી દિવસમાં બે વાર ચાર દિવસ સુધી લેવાની હોય છે.

કોરોનામાં પ્લાઝમા થેરાપી આશાનું એક કિરણ...

કોરોનાથી સાજા થયેલા કોઇપણ પેશન્ટના લોહીના પ્લાઝમા દાખલ થયેલા પેશન્ટને આપવામાં આવે તો તેની તબિયતમાં સુધારો જણાય છે. પ્લાઝમા થેરાપી વર્ષો જૂની છે પરંતુ તેને અત્યારે ફરીથી પ્રયોગમાં લેવામાં આવી છે. ચીન, અમેરિકા અને બ્રિટન પછી ભારતના કેરાલા અને મહારાષ્ટ્રની સરકારોએ પ્લાઝમા થેરાપીથી કોરોના પેશન્ટની ટ્રીટમેન્ટ શરૂ કરી છે. હવે ગુજરાત પણ તે દિશામાં આગળ વધ્યું છે. કોન્વાલેસેન્ટ પ્લાઝમા થેરાપીમાં જે દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. તેમના લોહીમાં રહેલા પ્લાઝમાને અલગ તારવીને કોરોનાથી પીડાતા દર્દીમાં ઈન્જેક્ટ કરવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે, જે પ્લાઝમાના કારણે ભૂતકાળમાં જે દર્દી સાજો થયો તેની જ મદદથી વર્તમાન દર્દીના પ્લાઝમા જોડાઈ જાય અને રોગપ્રતિકારક શક્તિ ઝડપી વધી જાય. આ રીતે કોરોનાનું ઈન્ફેક્શન વધતું અટકાવી શકાય અને અન્ય દર્દી પણ સાજા થઈ જાય. એન્ટિબોડીઝ કે રોગપ્રતિકારક તત્ત્વો કે જે લોહીમાં રહેલા પ્રોટીન છે તેઓ બેક્ટેરિયા અને વાઈરસ સામે લડતા હોય છે. કોરોના જેવા સંજોગોમાં જ્યાં સારવાર માટે રસી શોધાઈ નથી ત્યારે ડોક્ટર્સ અને સાયન્ટિસ્ટ દ્વારા કોન્વાલેસેન્ટ પ્લાઝમા થેરાપીને યોગ્ય માનવામાં આવી રહી છે. પેરિસથી પાછી આવેલી અમદાવાદની સ્મૃતિ ઠક્કર કોરોનાની પેશન્ટ હતી અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં તેણીએ 17 દિવસની સારવાર પછી સ્વસ્થ થઇ હતી. સ્મૃતિ ઠક્કર એ ગુજરાતની પ્રથમ પ્લાઝમા ડોનર બની છે. તેણીના એન્ટી કોરોના સેલ બીજા બે થી ત્રણ દર્દીમાં ઇમ્પાન્ટ કરવામાં આવશે અને પરિણામ જોવાશે.

સ્યુગરના પેશન્ટ માટે ઉત્તમ આયુર્વેદિક પ્રયોગ...

ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા 10 કરોડથી વધારે છે જ્યારે ગુજરાતમાં તે આંકડો 50 લાખ સુધી પહોંચી ગયો છે. ખાનપાન અને રહેણીકરણીમાં ફેરફાર ઉપરાંત ટેન્શનયુક્ત જીવનના કારણે સ્યુગરના દર્દીઓની વધી રહ્યાં છે. તબીબી આંકલન પ્રમાણે ડાયાબિટીસના એક દર્દી પાછળ મહિને 1500 રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. એકલા ગુજરાતમાં સ્યુગરની દવાનું બજાર 4000 કરોડ રૂપિયાનું છે ત્યારે આ સમયે કેટલાક આયુર્વેદિક નુસખા દર્દીને કામ લાગે છે. ભલે ડાયાબિટીસ મટે નહીં પરંતુ સ્યુગરનું સેવલ સમતોલ કરે છે. રાજ્યના આરોગ્ય વિભાગના પૂર્વ અધિક મુખ્યસચિવ ડો. એસકે નંદા કહે છે કે – સ્યુગરને કન્ટ્રોલ કરતી એવી તમામ વનસ્પતિ લેવામાં કંઇ ખોટું નથી. આયુર્વેદાચાર્યની સલાહ પ્રમાણે તમાલપત્ર, મેથી, બીલીપત્ર અને આમળાનો પાવડર (પ્રત્યેક 100 ગ્રામ), 50 ગ્રામ હળદર અને 150 ગ્રામ જાંબુના પાવડરનું મિશ્રણ દરરોજ સવારે ભૂખ્યા પેટે એક ચમચી પાણી સાથે લેવાથી ચોક્કસ ફાયદો થાય છે. આપણાં ઔષધ ઘરમાં જ પડ્યાં હોય છે પરંતુ તેનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવતો નથી તેથી રોગ ધરાવતા દર્દી પાછળ આપણે વર્ષે દહાડે હજારો રૂપિયા ખર્ચી કાઢીએ છીએ અને એલોપથીની વિવિધ દવાઓની આડઅસરનો ભોગ બનીએ છીએ. આયુર્વેદના આ પ્રયોગનો ફાયદો રાજ્યના અસંખ્ય દર્દીઓને થયો છે.

એક એવી વનસ્પતિ જેના બઘાં અંગો કામના છે...

આયુર્વેદમાં સરગવાના ઉપયોગથી એક નહીં 300 રોગ સામે ફાયદા હોવાનું નોંધાયું છે. દક્ષિણ આફ્રિકાના ઘણાં દેશોમાં કુપોષણથી પિડાતા લોકોને સરગવાની શીંગ આપવામાં આવે છે. આ એક એવી વનસ્પતિ છે કે જેની છાલ, પાંદડા, ફુલ, જડ અને શીંગો એમ બઘું કામ લાગે છે. આ વનસ્પતિમાં ઓલિક એસીડ ભરપૂર છે. એ ઉપરાંત વિટામીન-સી, કેલ્શિયમ, પ્રોટીન, વિટામીન-એ, ફાઇટોકેમિકલ કમ્પાઉન્ડ, મેંગેનીઝ, મેગ્નેશિયમ, ફાઇબર્સ, એલ્કેનોયડ, જિંક અને આયર્ન પ્રચૂર માત્રામાં છે. સરગવાના સેવનતી હાડકાં મજબૂત થાય છે. સ્પર્મનું પ્રમાણ વધારે છે. વજન ઉતારવામાં ગુણકારી છે. રોગ પ્રતિકારક શક્તિ આપે છે. શરીરના સાંધાના તમામ દુખાવા દૂર કરે છે. પ્રસૂતા પછીની નબળાઇ દૂર કરે છે. બ્લડસ્યુગર લેવલ અને કોલેસ્ટ્રોલ કન્ટ્રોલ કરે છે. કેન્સર પ્રતિરોધક છે. પથરીના રોગમાં રાહત આપે છે. થાઇરોઇડનો સ્ત્રાવ ઓછો કરે છે. હેર ટોનિક છે. ત્વચા રોગ પણ મટે છે. શરીરની કોષિકાઓ માટે ગુણકારી છે. આયુર્વેદ કહે છે કે સરગવાના નવા ફુટેલા લાઇટ ગ્રીન પાન સૌથી વધુ ફાયદારૂપ છે. પાનમાંથી સૌથી વધુ હિમોગ્લોબિન મળે છે.

આજથી ગુજરાત ત્રણ ઝોનમાં વહેંચાઇ જશે...

ગુજરાતમાં કોરોના પોઝિટીવના આંકડા વધી રહ્યાં છે. ગુજરાત હવે 1000 પ્લસની ક્લબમાં આવી ચૂક્યું છે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે ગુજરાતમાં હવે હોટસ્પોટ વિસ્તારોમાં એટલે કે મુખ્ય શહેરોમાં મોટાભાગના વિસ્તારો રેડ ઝોનમાં આવી ગયા છે, જ્યાં લોકડાઉનનો સજ્જડ અમલ ચાલુ રહેશે. રાજ્યમાં બીજો ઝોન ઓરેન્જ છે. આ વિસ્તારોમાં લોકડાઉનમાં થોડી છૂટછાટ આપવામાં આવેલી છે, જ્યારે ત્રીજો ગ્રીન ઝોન છે કે જે વિસ્તારોમાં કોરોના પોઝિટીવના આંકડા સ્થિર છે અથવા તો કોરોના પોઝિટીવના દર્દીઓ નથી ત્યાં ઉદ્યોગ અને વાણિજ્યિક છૂટછાટ આપવામાં આવેલી છે. જો કે ઓરેન્જ અને ગ્રીન ઝોનના વિસ્તારો રેડ ઝોનમાં ફેરવાઇ જાય નહીં તે માટે પોલીસની તકેદારી રાખવાની સલાહ પણ આપવામાં આવેલી છે. ઝોનનો અમલ રાજ્યમાં 20મી એપ્રિલથી શરૂ થશે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

 

 

 

(8:35 am IST)