Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

કોરોના ભૂલાયો... ફરવા જવા માટે સહેલાણીઓ ઉતાવળા

દિવાળીની રજાઓ દરમ્યાન રાજસ્થાન, ગોવા, ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ડેસ્ટીનેશન્સ ઉપર નજર દોડાવતા ફરવાના શોખીનો : સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાસણગીર, જૂનાગઢ (રોપ-વે) તથા દ્વારકા તરફ પણ પ્રવાસીઓનો ઝોકઃ દ્વારકામાં તો અમેરિકન ચેઇન 'હેવથોન બાય વિન્ધમ' ફાઇવસ્ટાર હોટલ શરૂ થઇ : દિવાળી દરમ્યાન પેક : અબ્રોડ ડેસ્ટીનેશન્સમાં આ વખતે દુબઇ જઇ શકાય છે પરંતુ ત્યાંના લોકલ નિયંત્રણોને કારણે લોકો હજુ

રાજકોટ તા. ર : ભારત સહિત સમગ્ર વિશ્વમાં છેલ્લા નવેક મહિનાથી હાહાકાર મચાવનાર અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરાયેલ કોરોના (COVID 19) એ લોકોની લાઇફસ્ટાઇલમાં આમૂલ પરીવર્તન લાવી દીધું છે.દરેક માણસને કંઇને કંઇક નવો અનુભવ થઇ રહ્યો છે . સમાજના મોટાભાગના તમામ ક્ષેત્રો ઉપર કોરોનાએ અસર કરી છે. ભારતના GDP માં મહત્વનો ફાળો આપનાર પ્રવાસન ઉદ્યોગ પણ મરણ પથારીએ ચાલ્યો ગયો હતો. વર્ષમાં બે-ત્રણ વખત ફરવા જતા સહેલાણીઓ પણ કોરોના, લોકડાઉન, અનલોક વિગેરે દરમ્યાન અકળાઇ ઉઠયા હતા.

હવે અનલોકની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસીજર દરમ્યાન સરકાર દ્વારા ઉતરોતર છુટછાટો આપવામાં આવી રહી છે અને બસ,ટ્રેન, ટ્રાવેલ્સ, પ્લેન સહિતના આવાગમનના સાધનો ભારતમાં શરૂ થઇ રહ્યા છે  ત્યારે ટુરીઝમ ઇન્ડસ્ટ્રીઝ પણ ધીમે-ધીમે ગતિ પકડી રહી  છે.

આગામી પંદર દિવસોમાં દિવાળીની રજાઓ અને તહેવારો આવી રહ્યા છે ત્યારે કોરોનાને ભૂલીને સહેલાણીઓ ફરવા જવા માટે ઉતાવળા થયા હોવાનું અને છેલ્લા પાંચેક દિવસથી પ્રમાણમાં નજીક આવેલ ફરવાના સ્થળોનું  બુકીંગ તથા ઇન્કવાયરી શરૂ થયું હોવાનું રાજકોટના અગ્રણી ટ્રાવેલ એજન્ટસ દિલીપભાઇ મસરાણી, દિપકભાઇ કારીયા, જીતુભાઇ વ્યાસ, સમીરભાઇ કારીયા વિગેરે જણાવી રહ્યા છે.

રાજસ્થાનમાં આવેલ ઉદયપુર, કુંબલગઢ તથા માઉન્ટઆબુ જેવા ડેસ્ટીનેશન્સ માટે હાલમાં ઘણી ઇન્કવાયરી છે. ઉપરાંત ત્યાંના  બુકીંગ પણ થઇ રહ્યા  છે. ઉદયપુરના બે રાત્રી ત્રણ દિવસના થ્રી સ્ટારથી ફાઇવસ્ટાર હોટલના કપલ પેકેજ (બ્રેકફાસ્ટ-ડીનર સાથે) ૧૦ હજારથી ૩પ હજાર સુધીના હોવાનું જાણવા મળે છે. એ જ રીતે કુંબલગઢના બે રાત્રી ત્રણ દિવસના હોટલની કેટેગરીને અનુરૂપ પેકેજ (બ્રેકફાસ્ટ-ડીનર સાથે) ૧૧ હજારથી રપ હજાર સુધી બોલાઇ રહ્યા છે. માઉન્ટ આબુમાં પણ દિવાળી દરમ્યાન ઘણો ટ્રાફીક રહેવાની ધારણા છે. જો કે અમદાવાદ, બરોડા, સુરત જેવા સેન્ટર્સ ઉપરથી તો રાજસ્થાન નજીક પડતું હોવાને કારણે તથા સેલ્ફ ડ્રાઇવિંગથી જઇ શકાતુ હોવાથી રાજસ્થાન છેલ્લા દોઢ-બે મહિનાથી લોકો જઇ રહ્યા છે. રાજસ્થાનના જોધપુર અને જેસલમેર માટે પ્રમાણમાં ઓછી ઇન્કવાયરી અને બુકીંગ થઇ રહ્યાનું સૂત્રો જણાવી રહ્યા છે.

રાજસ્થાનમાં તો વર્ષોથી ફ્રાન્સ, જર્મની, ઇટાલી, ઇઝરાયલ, સ્પેન, એમેરિકા, બ્રિટન વિગેરે દેશોમાંથી અવિરત પ્રવાસીઓ આવી રહ્યા છે. ભારતના મહારાષ્ટ્ર, પંજાબ, ગુજરાત, પશ્ચિમ બંગાળ વિગેરે રાજયોમાંથી પણ પુષ્કળ પ્રવાસીઓ દર વર્ષે રાજસ્થાન ફરવા માટે આવે છે. જો કે આ વર્ષે કોરોનાને કારણે પ્રવાસીઓની સંખ્યા ઘટી છે. પરંતુ ઓગસ્ટ-સપ્ટેમ્બર, ર૦ર૦ થી ધીમે-ધીમે પ્રવાસીઓની સંખ્યા રાજસ્થાનના બિકાનેર સહિતના સ્થળો ઉપર વધી રહી હોવાનું પ્રવાસન અધિકારી પુષ્પેન્દ્રસિંહ રાઠોડ કહી રહ્યા છે. બિકાનેર ખાતે ઓગસ્ટ ર૦ર૦માં ર૪ વિદેશી સહિત ર૩૧૬ તથા સપ્ટેમ્બર ર૦ર૦ માં ૧૪ ફોરેનર્સ સહિત ૪રપ૪ સહેલાણીઓ આવ્યા હતા. કોર્પોરેટર ગ્રુપ પણ રાજસ્થાનના બિકાનેર સહિતના સ્થળોની મુલાકાત લઇ રહ્યા છે. હજુ આગામી ડીસેમ્બર - જાન્યુઆરી મહિનામાં રાજસ્થાનના ટુરીઝમને ઘણો વધારે વેગ મળવતાની (પીકટાઇમ) આશા છે. શ્રીનાથદ્વારા  (શ્રીનાથજી) જઇને શ્રીજી બાવાના આશીર્વાદ લેવા માટે પણ લોકો ઉત્સુક છે. મંદિર કયારે ખૂલે તે ઉપર પરિબળો નિર્ભર છે.

દિવાળીની રજાઓ દરમ્યાન હાલમાં ગોવા માટે પણ સારી એવી ઇન્કવાયરી તથા બુકીંગ આવી રહ્યાનું ટ્રાવેલ એજન્ટસ કહી રહ્યા છે. ગોવાની ઘણી બધી હોટલ્સમાં ગયા વર્ષના પ્રમાણમાં આ વખતે ૩૦ થી ૩પ ટકા જેટલું ડીસ્કાઉન્ટ ચાલી રહ્યાનું જાણવા મળે છે. ગોવા માટે આવવા-જવાની ટીકીટ હોટલ પેકેજમાં ઇન્કલુડ નથી થતી. હાલમાં અમદાવાદ-ગોવા રીટર્ન ટીકીટ ૭ થી ૧ર હજાર આસપાસ મળી રહી છે. ગોવા મોટેભાગે ત્રણ રાત્રીના કપલ પેકેજ ચાલી રહ્યા છે. થ્રી સ્ટારથી ફાઇવ સ્ટાર એમ હોટલની કેટેગરી પ્રમાણે એક રાત્રીના ૭ થી ર૦ હજાર રૂપિયાના પેકેજ ગોવા ખાતે ચાલી રહ્યાનું ટ્રાવેલ માર્કેટમાંથી જાણવા મળે છે.

ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ડેસ્ટીનેશન્સ ઉપર પણ દિવાળીની રજાઓ  દરમ્યાન પ્રવાસીઓનો ઘસારો રહેશે. સમગ્ર વિશ્વમાં ગૌરવરૂપ ગણાતા સ્ટેચ્યુ ઓફ યુનિટી (કેવડીયા) ખાતે જવા માટે લોકો રીતસર દોટ મૂકી રહ્યા છે. તો સાથે - સાથે સાસણગીર, જુનાગઢ, દ્વારકા તથા સોમનાથ તરફ પણ ઘણો ટ્રાફીક જોવાશે. જુનાગઢમાં તાજેતરમાં જ એશિયાના સૌથી મોટા ટેમ્પલ રોપ-વેનું ડીજીટલી ઉદઘાટન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની હાજરીમાં થયું છે. આ રોપ-વે પણ આકર્ષનું કેન્દ્ર બન્યો છે.

ઉપરાંત સાસણગીર માટે પણ અત્યારથી બુકીંગ શરૂ થઇ ગયું હોવાનું જાણવા મળે છે. ત્યાંની હોટલ-રીસોર્ટ વિગેરે ફુલ થવા માંડયા છે. હોટલ તથા રીસોર્ટની કેટેગરી પ્રમાણે રેઇટ જોવા મળી રહ્યા છે.  બે રાત્રીના ૬ થી ૧પ હજાર રૂપિયના પેકેજ મળી રહ્યા છે.  સાસણ ખાતેના સાવજ-ફર્ન સહિતના હોટલ - રીસોર્ટ હાલમાં પેક થઇ ગયાનું ટ્રાવેલ એજન્ટસ કહી રહ્યા છે.

દ્વારકામાં તાજેતરમાં અમેરિકન ચેઇનમાં સામેલ ફાઇવસ્ટાર રીસોર્ટ - હોટલ 'હેવથોન બાય વિન્ધમ' પણ બનેલ છે. ફુલ ફેસેલિટીઝ તથા લકઝૂરીયસ એમીનીટીઝ સાથેનો આ રીસોર્ટ ૧૪ થી ૧૬ નવેમ્બર, ર૦ર૦ દરમ્યાન ફુલી ઓકયુપાઇડ હોવાનું જાણવા મળે છે.

ગુજરાતના કચ્છમાં જવા માટે પણ ઘણાં લોકો આતુર છે. કચ્છમાં રણોત્સવ ઉપરાંત માંડવી બીચ, ભુજ, ગાંધીધામ વિગેરે જગ્યાએ હોટલ, ટેન્ટ વિગેરેમાં રહેવાનો લ્હાવો લઇ શકાય છે. બે દિવસના ૧ર હજાર આસપાસ પેકેજ સંભળાઇ રહ્યા છે. ગાંધીધામ ખાતે તો હોલી-ડે વિલેજ, રેડીસન જેવી પ્રોપર્ટી પણ આવી ગઇ છે. મહારાષ્ટ્રમાં (લોનાવાલા-ખંડાલા-મહાબળેશ્વર) પણ ધીમે - ધીમે નિયંત્રણો હટી રહ્યા છે.

અબ્રોડ ડેસ્ટીનેશન્સમાં આ વખતે દિવાળી દરમ્યાન દુબઇ જઇ શકાય છે. પરંતુ ત્યાં લોકલ નિયંત્રણને કારણે લોકો ઓછુ પ્રીફર કરે છે. ઇન્ડીયામાં કોરોના ટેસ્ટ કરીને ગયા હોય છતાં પણ દુબઇમાં ફરજીયાત કોરોના ટેસ્ટ કરાતો હોવાનું જાણવા મળે છે. ત્યાં પોઝીટીવ આવતા ફરજીયાત કવોરન્ટાઇન થવુ પડે છે, જેથી ઉલમાંથી ચુલમાં પડવા જેવી સ્થિતિથી લોકો ડરે છે.

ભારતમાં હિમાચલ પ્રદેશ (સિમલા-મનાલી), ઉતરાંચલ (હરીદ્વાર, મસુરી, દહેરાદુધન), કેરાલા (મુન્નાર, ઠેકડી, કુમારા કોમ) વિગેરે રાજયો પણ સહેલાણીઓ માટે ખુલ્યા છે. પરંતુ ત્યાં પ્રવાસના દિવસો વધુ થતા હોવાથી કે પછી ફલાઇટ સહીતના ટ્રાન્સપોર્ટેશનના સાધનોની અનિયમીતતા વિચારીને લોકો હજુ ત્યંા જવાનું ઓછુ પસંદ કરે છે. આંદામાન નિકોબારનું પોર્ટબ્લેર પણ ખૂલ્યું  છે પરંતુ ત્યાં જઇને કયાંક ફસાઇ જવાનો ડર લોકોને સતાવી રહયો  છે. નૈનિતાલ બાજુની પણ લોકો ઇન્કવાયરી કરે છે.આ તમામ જગ્યાના હોટલની કેટેગરી પ્રમાણેના પેકેજીસ તો બજારમાં મળી જ રહયા છે. કેરાલાના છ દિવસના બુકીંગ શરૂ થયા છે.

આ વખતે COVID 19 પરિસ્થિતિને અનુરૂપ બે થી ત્રણ રાત્રીના તથા નજીકમાં આવેલ ફરવાના સ્થળો માટે બુકીંગ ઇન્કવાયરી શરૂ થયા હોવાનું જાણવા મળે છે. ઉપરાંત લોકો માસ ટ્રાન્સપોર્ટેશનને બદલે પોતાના પ્રાઇવેટ વ્હીલકમાં સેલ્ફ ડ્રાઇવીંગથી જવાનું પણ પ્રીફરેબલ ગણી રહયા છે. દિવાળી દરમ્યાન ફરવા જવા માટે સહેલાણીઓની ઇન્કવાયરી તથા બુકીંગને કારણે ટ્રાવેલ માર્કેટમાં પણ જીવમાં જીવ આવ્યો હોવાનું દેખાઇ રહયું છે.

જો કે ગયા વર્ષની સરખામણીમાં  આ વર્ષે ૬૦ થી ૭૦ ટકા જેટલો બિઝનેસ હોવાનું સૂત્રો કહી રહ્યા છે.

હવે ફરી પાછા બધા લોકો કોઇપણ જાતના ભય વગર હસતા હસતા કુટુંબીજનો અને ગૃપ-સર્કલ સાથે મોજથી ફરવા નીકળી પડે અને પોતાની ટુરની યાદગાર પળો મોબાઇલ, ફોટા, લેપટોપ, ટી.વી., ઇન્ટરનેટના સંગાથે સાથે બેસીને વાગોળતા રહે તે માટે સહેલાણીઓની આંખો તરસી ગઇ છે.

જલ્દીથી કોરોના ઉપર જીત મળે એવી આશા સાથે સૌને દિવાળી તથા નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ- જયશ્રીકૃષ્ણ.

(અહી લેખમાં આપેલ હોટલ કે ટ્રાવેલ પેકેજીસના રેઇટસ કે ટીકીટના ભાવોમાં સંજોગોવસાત ફેરફાર આવી શકે છે.)

'સ્ટેચ્યુ ઓફ યુનિટી'એ ચાર ચાંદ લગાવી દીધાઃ સી-પ્લેને સોનામાં સુગંધ ભેળવી

ભારતની એકતા અને અખંડિતતાનું પ્રતિક અને વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'એ પ્રવાસન ક્ષેત્રે ચાર ચાંદ લગાવી દીધા છે. અખંડ ભારતના ઘડવૈયા, લોહપુરૂષ અને ગુજરાતના પનોતા પુત્ર સ્વ. સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું ર૦૧૮ માં લોકાર્પણ થયા પછી અત્યાર સુધીમાં ૪પ લાખથી વધુ લોકો તેની મુલાકાત લઇ ચુકયા છે. દુનિયાની આઠમી અજાયબી ગણાતી આ પ્રતિમા વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વરદ્ હસ્તે સાબરમતી રીવરફ્રન્ટથી 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' સુધીની સી-પ્લેન સર્વિસના થયેલા ઉદ્દઘાટને પણ સોનામાં સુગંધ ભેળવી છે. સી-પ્લેન દ્વારા ગુજરાતની ભૌગોલિક સુંદરતા તથા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના અદ્દભુત એરીયલ વ્યુને માણી શકાશે. સમગ્ર કેવડીયા વિસ્તાર ખાતે પ્રવાસી ઉદ્યોગને વેગ આપતા ૧૭ જેટલા વિવિધ પ્રોજેકટસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

સલામતી માટે COVID 19 ગાઇડલાઇન્સ SOP નું પાલન કરવું અતિ આવશ્યક

પ્રવાસન ક્ષેત્રે હોટલ- રીસોર્ટ વિગેરે માટે સરકાર દ્વારા જાહેર કરાયેલ COVID 19 ગાઇડલાઇન્સ સ્ટાન્ડર્ડ ઓપરેટીવ પ્રોસીજર (SOP) નું પાલન કરવું અતિ આવશ્યક છે. હોટલ-રીસોર્ટમાં આવનાર ગેસ્ટસ-સહેલાણીઓ તથા હોટલ-રીસોર્ટના સ્ટાફની સલામતી માટે પણ SOP જરૂરી જણાય છે. SOP મુજબ કોઇપણ પ્રોપર્ટીમાં ૬૦ ટકા જેટલા રૂમ્સ જ ઓકયુપાઇડ કરવા, ગેસ્ટસના આવવાના આગલા દિવસથી રૂમ ખાલી રાખવા, સોશ્યલ ડીસ્ટન્સીંગ, માસ્ક પહેરવા, ટેમ્પરેચર ચેક કરવું, સેનિટાઇઝેશન વિગેરે બાબતોનો સમાવેશ થાય છે. જો કે હોટલ-રીસોર્ટ માલિકોને ઘણા વખત પછી ટ્રાફીક મળતા કેટલે અંશે SOPને અનુસરવામાં  આવે છે તે જોવાનું રહેશે.

-: આલેખન :-

ડૅા. પરાગ દેવાણી

મો. ૯૮૨૪૪ ૫૧૫૪૧

(11:48 am IST)