Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2016

ન્યૂઝ, વ્યૂઝ , રિવ્યૂઝ

આતંક પર કાબુ મેળવવા વિશ્વભરનાં દેશોમાં આકરા પગલાં !

અંગોલામાં ૮૦ મસ્જીદોમાંથી ૭૮ બંધ કરી દેવાઈ, નમાઝ પઢવા પર પણ પ્રતિબંધ : ૯૮ ટકા મુસ્લિમ વસતી ધરાવતા ઉઝબેકિસ્તાનમાં ઈદની રજા રદ્દ, નમાઝ પર મનાઈ, અઢાર વર્ષથી નીચેની વ્યકિત મસ્જીદમાં જાય તો ૪૫૦૦૦ રૂપિયા દંડ : મોસ્કોમાં વીસ લાખની મુસ્લિમ વસ્તી વચ્ચે ૬ જ મસ્જીદ, નવી મસ્જીદની પરવાનગી કોઈ સંજોગોમાં મળતી નથી : ફ્રાન્સમાં બુરખા પર પ્રતિબંધ : અનેક ગેરકાનુની મસ્જીદો તોડી પડાઈ : શ્રીલંકાના બૌદ

નાઈજીરીયા એ આફ્રિકાનું સૌથી મોટું અર્થતંત્ર છે. ત્યાં બોકો હરામ નામનું એક આતંકવાદી સંગઠન સક્રિય છે. આ સંગઠને તેનું લક્ષ્ય સ્પષ્ટ જાહેર કર્યુ છે અને એ છે નાઈજીરીયામાં શરીઅત રાજયની સ્થાપના. આ સંગઠન કુખ્યાત અલ કાયદાનું બગલબચ્યુ છે. ઓસામા બિન લાદેન તેમની પ્રેરણામૂર્તિ છે. બોકો હરમ ૨૦૦૧ થી ૨૦૧૩ સુધીમાં દસ હજાર લોકોની હત્યા કરી ચૂકયુ છે. આ સંગઠન દસ - બાર વર્ષના બાળકોને આતંકવાદી બનાવવા માટે બદનામ છે. બોકો હરામ મુખ્યત્વે સ્કુલ, ચર્ચ, પોલીસ સ્ટેશન અને સરકારી કચેરીઓ પર હુમલા કરે છે. યુવાનો અને યુવતીઓના અપહરણ કરીને તેમને ઈસ્લામ અંગીકાર કરવા મજબૂર કરે છે. યુવતીઓના અપહરણ કરીને બોકો હરામના ત્રાસવાદીઓ તેમની સાથે પરાણે લગ્ન કરી લે છે અથવા તેમના પર સતત બળાત્કાર ગુજારતા રહે છે. નાઈજીરીયાની સેનાએ આવી અનેકાનેક યુવતીઓને બોકો હરામની કેદમાંથી મુકત કરી છે. જેમાંથી મોટાભાગની ગર્ભવતી છે. સંયુકત રાષ્ટ્ર પોપ્યુલેશન ફંડ અત્યારે આવી બધી યુવતીઓનો એચ. આઈ. વી. ટેસ્ટ કરી રહ્યુ છે. કારણ કે આમાની ઘણી યુવતીઓ એચ. આઈ. વી.નો શિકાર બની છે.

તા. ૨૯મે ૨૦૧૫ના દિવસે નાઈજીરીયાના રાષ્ટ્રપતિ બનેલા મોહમ્મદ બુહારી અગાઉ દેશના સેનાધ્યક્ષ કરી ચૂકયા છે. તેઓ બોકો હરામ પ્રત્યે એકદમ સખ્ત છે. અગાઉ  દેશના રાષ્ટ્રપતિ પદે જયારે ગુડલક જોનાથની હતા ત્યારે તેમની સરકાર બોકો હરામ પ્રત્યે કૂણી લાગણી ધરાવતા હતા. પરંતુ મોહમ્મદ બુહારીએ સત્તા સંભાળી કે તેમણે તરત જ રાષ્ટ્રજોગ પોતાનાં સંદેશમાં કહ્યું કે, ''બોકો હરામને હવે નાઈજીરીયાના નાગરીકોની સામૂહિક શકિતનો પરચો મળી જશે. લોકોની એકતા જ આતંકવાદનો ખાત્મો કરશે અને દેશમાં પુનઃ શાંતિ સ્થપાશે.

નાઈજીરીયાની સેનાએ બોકો હરામ સામેની કાર્યવાહી તેજ કરી દીધી છે. દેશની સરકારે બોકો હરામને મળતી નાણાકીય સહાય અને શસ્ત્રોની સપ્લાય ૫૨ વ્યૂહાત્મક રીતે ખાસ્સો અંકુશ મેળવી લીધો છે. બોકો હરામના શિર્ષ નેતૃત્વમાં તીરાડ પડાવવામાં પણ સરકારને સફળતા મળી છે. જો કે આજે પણ બોકો હરામનો આતંક યથાવત છે.

આફ્રિકાના અનેક દેશોમાં ઈસ્લામીક આતંકવાદે માઝા મૂકી છે. આફ્રિકન દેશ અંગોલામાં ઈસ્લામ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. અંગોલાની વસતી લગભગ બે કરોડની છે જેમાંથી એક લાખ મુસ્લીમો છે. અહીંના અનેક મુસ્લિમો આતંકવાદી પ્રવૃતિ સાથે સંકળાયેલા હતા. અંગોલાની સરકારે દેશની કુલ ૮૦ મસ્જીદોમાંથી બે મસ્જીદ છોડીને બાકીની ૭૮ મસ્જીદો બંધ કરાવી દીધી છે. અહીં મુસિલમોને વીણી-વીણીને ગીરફતાર કરવામાં આવી રહ્યા છે.

અંગોલાના રાષ્ટ્રપતિ એડુઆર્ડો ડોસ સેન્ટોસનું કહેવું છે કે ઈસ્લામ તેમના દેશની સંસ્કૃતિને ખતમ કરી રહ્યો છે અને મુસ્લિમોમાં બહુ ઝડપભેર કટ્ટરતા વધી રહી છે, એ કારણે જ ઈસ્લામ પર પ્રતિબંધ મૂકવાનું અનિવાર્ય છે. બુરખાધારી મહિલાઓનો અહીં પોલીસ ઉધડો લઈ લે છે. અનેક મસ્જીદો તોડી નાખવામાં આવી છે. મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં સરકારે ઘોષણા કરી છે કે તેઓ સ્વયં મસ્જીદો તોડી નાંખે અન્યથા સરકાર તેને જમીનદોસ્ત કરી નાખશે અને એ વિસ્તારનાં મુસ્લિમો પર અત્યંત સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. અંગોલામાં નમાઝ પઢવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે.

ઉઝબેકિસ્તાનમાં પણ એવું જ બન્યુ છે. અહીં અઢાર વર્ષથી નીચેના વ્યકિતને નમાઝ પઢવા પર પ્રતિબંધ મુકાયો છે. આ વર્ષે ત્યાં ઈદ પર પણ નમાઝ પઢવા પર મનાઈ ફરમાવવામાં આવી હતી. ગૃહમંત્રાલયે પોલીસને આદેશ આપ્યો છે કે અઢાર વર્ષથી નીચેના કોઈ બાળકો મસ્જીદમાં મળી આવે તો તેવા બચ્ચાને ૭૫૦ ડોલર (લગભગ ૪૫ હજાર રૂપિયા)નો દંડ ફટકારવામાં આવે. આ રકમ અહીંના ગરીબ શ્રમિકનો ત્રણ વર્ષની કમાણી કરતા પણ વધુ છે. જો કે અંગોલા અને ઉઝબેકિસ્તાન વચ્ચેના કેઈસમાં બહુ મોટો તફાવત છે.

અંગોલામાં મુસ્લિમોની વસતી બહુ મામુલી છે જયારે ઉઝબેકિસ્તાન એક મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે. ઉઝબેકિસ્તાનની કુલ વસતીના ૯૮ ટકા લોકો મુસ્લિમ છે. આ વર્ષે ઉઝબેકિસ્તાનમાં ઈદની રજા પણ રદ કરવામાં આવી હતી. જેથી મુસ્લિમો ઈદ ના મનાવી શકે. ઈદના દિવસે તમામ ઓફીસો, શૈક્ષણિક સંસ્થાઓ વગેરે ખુલ્લી રાખવાનું ફરજીયાત કરવામાં આવ્યુ હતું. જેથી લોકો ઈદની નમાઝ અદા ન કરી શકે. એક સમયે સોવિયત રશીયાનો હિસ્સો રહી ચૂકેલા ઉઝબેકિસ્તાનમાં નમાઝ પઢવા પર તે સમયેે પણ પ્રતિબંધ હતો. મસ્જીદો બંધ કરી દેવામાં આવી હતી. સોવિયત સંઘમાંથી અલગ થયા પછી ઉઝબેકિસ્તાનમાં ઘણી છૂટછાટો મૂકવામાં આવી. પરંતુ ઉગ્રવાદ અને કટ્ટરતા વધ્યા પછી દેશમાં ફરી એક વખત જાતજાતના પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

રશિયામાં પણ ઈસ્લામનો ફેલાવો ન થાય તે માટે કેટલાક આકરા પગલા લેવામાં આવ્યા છે. રૂસની રાજધાની મોસ્કોમાં મુસ્લિમોની વસતી વીસ લાખ છે પરંતુ અહીં માત્ર છ મસ્જીદો છે. શહેરના મુસ્લિમોએ અનેક જગ્યાએ માથા પછાડ્યા પણ શહેરમાં નવી મસ્જીદ બાંધવાની પરવાનગી અહીં કોઈ સંજોગોમાં મળતી નથી. અહીંની સરકાર મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓ આપવા પણ તૈયાર નથી. મુસ્લિમોને અહીં ફલેટ કે પ્લોટ વગેરે જેવી મિલકતો ખરીદવામાં પણ ભારે મુશ્કેલી પડે છે. રૂસ સરકારે પોતાના દૂતાવાસોને સ્પષ્ટ જણાવી દીધુ છે કે મુસ્લિમોને વિઝા આપવામાં બિલકુલ ઉદારતા દર્શાવવામાં ન આવે.

ઓસ્ટ્રેલિયામાં ઈસ્લામિક કટ્ટરવાદ અવારનવાર માથુ ઉંચકે છે. પરંતુ અહીંના શાસકોએ મુસ્લિમોને અનેક વખત સખ્ત-આકરો સંદેશ આપ્યો છે. અહીંના સ્થાનિકો કટ્ટરતાથી તંગ આવી ચૂકયા છે. ઓસ્ટ્રેલિયામાં રહીને શરીઅત કાનુન, હલાલ માંસ અને ઈસ્લામીક જીવનશૈલીની માંગ કરનાર મુસ્લિમોને દેશ છોડીને જતા રહેવાનું સ્પષ્ટ કહી દેવામાં આવ્યુ છે.

આતંકના ખેલમાં આઈએસઆઈએસ અને અલ કાઈદા જેવા સંગઠનો જ સક્રિય હોય તેવું નથી. વિશ્વભરમાં ઈસ્લામીક ઉગ્રવાદ એટલો વિસ્તરી રહ્યો છે કે વિશ્વનાં અનેક દેશોએ તેની સામે કડક વલણ અપનાવવું પડ્યું છે. કેટલાક તો દેશો જ એવા છે જે આતંકવાદને સતત પ્રોત્સાહન આપે છે. ઈરાનની સરકાર લગાતાર કહી રહી છે કે ઈઝરાયલને વિશ્વના નકશામાંથી મીટાવી દેવો જોઇએ. આયાતોલ્લાહ ખોમૈનીના સમયથી જ વિશ્વના સભ્ય દેશો માટે ઈરાન સરદર્દ બની ચૂકયો છે. ઈરાન સમર્થિત ત્રાસવાદી સંગઠન હિઝબુલ્લાહ આખા મધ્ય એશીયામાં હાહાકાર મચાવી રહ્યુ છે. તો અલ્જીરીયામાં ૧૯૯૯માં બનેલું ત્રાસવાદી જૂથ 'સલફી' પણ અત્યાર સુધીમાં હજારો હત્યાઓ કરી ચૂકયુ છે. સલફી દ્વારા સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યુ છે કે જગતમાં માત્ર બે જ વર્ગનું અસ્તિત્વ છે. એક મુસલમાન અને બીજો, કાફીર. કાફીરોની નિયતિ છે કે યાતો એ મુસલમાન બની જાય અથવા મુસ્લિમના હાથે કત્લ થઇ જાય.

અમેરીકા બહુ લિબરલ દેશ છે. તેમ છતાં ૯-૧૧ની ઘટના પછી ત્યાં મુસ્લિમોને શંકાની દૃષ્ટિએ જોવામાં આવે છે. અમેરીકાના પ્રમુખપદની ચૂંટણી લડી રહેલા એક ઉમેદવારે તો અમેરીકામાં ઈસ્લામ પર પ્રતિબંધ મૂકવાની વાત પણ કહી છે. યુરોપમાં ઈસ્લામીક ઉગ્રવાદીઓનો ત્રાસ વધી રહ્યો છે. એકદમ શાંત ગણાતા દેશોમાં પણ આતંકી હુમલાઓનાં સમાચાર આજકાલ વારંવાર આવી રહ્યા છે.

ફ્રાન્સમાં ૭૫ લાખ મુસ્લિમો છે. ફ્રાન્સે ઈસ્લામને પૂરેપૂ રૂ સન્માન આપ્યુ હતું. તેમના રીતિ-રિવાજોનો આદર કર્યો હતો. પરંતુ ૨૦૦૫માં મુસ્લિમ યુવાનોએ આખા ફ્રાન્સમાં આગજની કરી. દસ દિવસ સુધી આ ખેલ ચાલ્યો અને ફ્રાન્સએ તે પછી ઈસ્લામીક ઉગ્રવાદ સામે પોતાનું વલણ આકરૂ કર્યુ. મેગેઝીન શર્લી એબ્દોના પત્રકારોની હત્યા અને પેરીસ પર આતંકવાદી હુમલા પછી સ્થાનિક લોકોમાં મુસ્લિમો પ્રત્યે અણગમો જોવા મળે છે. ફ્રાન્સની સરકારે બુરખા પર પ્રતિબંધ મૂકયો છે. દેશમાં અનેક ગેરકાનુની મસ્જીદોને ધ્વસ્ત કરી નાખવામાં આવી છે. ફ્રાન્સના સોશિયલ મીડીયા પર ઈસ્લામ પર બહુ મોટા પાયે ગુસ્સો ઠાલવવામાં આવે છે.

ફ્રાન્સના પડોશી જર્મનીમાં ૨૦૦૦માં ટ્રાન્સબર્ગમાં પાંચ અફઘાની શખ્સોને આતંકવાદી હુમલાની યોજના બનાવતા પકડી લેવાયા હતા. એ પછીના વર્ષોમાં રૂસ્કોલોન, ટ્યુસબર્ગ, બર્લીન જેવા શહેરોમાં ત્રાસવાદીઓનાં અનેક સ્લીપર સેલ પકડાયા છે. અહીં હજારો શંકાસ્પદ મુસ્લિમો પર દેશની પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ ચાંપતી નજર રાખી રહી છે. ડેન્માર્ક જેવા શાંત - સુંદર - સમૃદ્ધ દેશમાં પણ ઈસ્લામીક આતંકવાદ પંજો પ્રસરાવી ચૂકયો છે. ૫૫-૬૦ લાખની વસતી ધરાવતા આ દેશમાં બે લાખ અપ્રવાસી મુસ્લિમો છે. પરતુ આ મુસ્લિમો હજુ પોતાની ચોક્કસ માનસિકતાના કારણે સ્થાનિક લોકો સાથે હળીમળીને રહેતા નથી. ત્યાંના સરકારી આંકડાઓ કહે છે કે લૂંટફાટ, બળાત્કાર અને ખૂન જેવા ગુનાઓમાં પણ આ અપ્રવાસી બે લાખ લોકોનો બહુ મોટો ફાળો છે.

બ્રિટન એક એવો દેશ છે જયાં અભિવ્યકિતની સંપૂર્ણ આઝાદી છે. અહીં કુખ્યાત મૌલાના અબુ હમઝા, અબ્દુલ્લા અલ ફૈઝલ જેવા લોકો હજારો લોકોની જાહેરસભાઓમાં ખુલ્લેઆમ ઝેર ઓકતા હોય છે. બ્રિટનના મુસ્લિમ વિસ્તારોમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરનાં બે સળગતા ટાવર્સ અને એ કૃત્યને પાર પાડનાર આતંકીઓની મોટી - મોટી તસ્વીરો સરેઆમ પ્રસરાવવામાં આવે છે. યુરોપના દેશો તો હવે લંડનને લંડનિસ્તાન કહે છે. નોંધપાત્ર વાત એ છે કે બ્રિટનમાં મુસ્લિમોને ચિક્કાર સવલતો અપાઈ હોવા છતાં આઈ. એસ. આઈ. એસ.માં ભરતી થનાર યુવકોમાં બ્રિટનના યુવાનોની સંખ્યા બહુ મોટી છે.

આપણા પડોશી દેશ શ્રીલંકામાં બૌદ્ધ ભિક્ષુઓએ મુસ્લિમો વિરૂદ્ધ 'બોડુ બાલા સેના' નામનું સંગઠન બનાવ્યુ છે. આ સંગઠનનું મુખ્ય કાર્યાલય બુદ્ધિસ્ટ કલ્ચરલ સેન્ટર ખાતે આવેલુ છે. સંસ્થાનું ઉદ્દઘાટન શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિન્દ્રા રાજપક્ષોએ કર્યુ હતું. 'બોડુ બાલા સેના'નાં લાખો મેમ્બર્સ છે. તેઓ માને છે કે ઈસ્લામ તરફથી શ્રીલંકાને મોટો ખતરો છે. સોશિયલ મીડીયા પર પણ આ સંસ્થાની સારી એવી પહોંચ છે. અહીં તેઓ મુસ્લિમોના રીતિરિવાજોને અને મસ્જીદોને નિશાન બનાવી રહ્યા છે.

મ્યાનમારમાં હમણા નવેમ્બર માસમાં યોજાયેલી ચૂંટણીઓમાં મુસ્લિમોને ભાગ લેવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. ચૂંટણીઓમાં એકસો કરતા વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા  હતા. જે તમામ રદ્દ કરી દેવામાં આવ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે આમાંથી ૮૮ ઉમેદવારોએ અગાઉની ચૂંટણીઓમાં ભાગ લીધો હતો. જેમાંથી પાંચ ઉમેદવારો જીતીને સાંસદ પણ બન્યા હતા. આ વખતની ચૂંટણીમાં વિરોધ પક્ષના આંગ સાંગ સૂકી પણ એવી જાહેરાત કરી ચૂકયા હતા કે તેમનો પક્ષ કોઈ જ મુસ્લિમ ઉમેદવારને ટીકીટ નહીં આપે. અહીંના બૌદ્ધ નેતા યુ વીર અથો તથા બૌદ્ધ ભિક્ષુ અશીન વિરાથુ સતત જનતાને સમજાવી રહ્યા છે કે જો તેઓ હજુ નહીં જાગે તો તેમનું અસ્તિત્વ ખતમ થઈ જશે. લાખો લોકો તેમનાં ભકતો, સમર્થકો છે. જનતાની ધીરજ ખૂટી ગઈ છે. લોકો એટલી હદ સુધી ભડકી ગયા છે કે દુનિયામાં સૌથી શાંતિપ્રિય મનાતા બૌદ્ધ ભિક્ષુઓએ પણ હથિયાર ઉઠાવી લીધા છે.

આપણા બેઉ પડોશીઓ બાંગ્લાદેશ અને પાકિસ્તાનની હાલત કેવી છે એ આપણને ખ્યાલ જ છે. વર્ષ ૨૦૦૦ પછી બાંગ્લાદેશમાં બોમ્બ વિસ્ફોટોના સમાચારો સતત આવી રહ્યા છે. બાંગ્લાદેશના અંતિમવાદી મુસ્લિમ સંગઠનોએ ત્યાંના હિન્દુઓની હાલત કફોડી કરી છે. પ્રસિદ્ધ બ્લોગર અવિજીત રાય, તેમના પુસ્તકના પ્રકાશક દીપનની હત્યા કરી નાખવામાં આવી છે. શિયા મસ્જીદો પર અવિરત હુમલાઓ થઈ રહ્યા છે. આતંકી સંગઠન જમાતુલ મુજાહીદ્દીને કુલ ૨૫ હજાર આતંકીઓ તૈયાર કર્યા છે. બાંગ્લાદેશમાં આ ઉપરાંત પણ  અર્ધો ડઝન જેટલા આતંકવાદી જૂથો સક્રિય છે.

પાકિસ્તાનની હાલત તો આખી દુનિયા જાણે છે. આતંકવાદની સૌથી મોટી ફેકટરી. વિશ્વભરની આતંકવાદી ઘટનાઓના તાર કયાંક ને કયાંક પાકિસ્તાન સાથે જોડાયેલા જ નીકળે છે. અહીંની સરકાર, સેના, નેતાઓ અને ન્યાયતંત્ર... બધા જ આતંકની તરફેણમાં છે. સ્થાનિક હિન્દુઓ, ખ્રિસ્તીઓ, શિયા મુસલમાનો અને અહેમદીયાઓ પર કાળ ભમી રહ્યો છે.

અન્ય એક પડોશી ચીનમાં પણ ઈસ્લામીક કટ્ટરવાદે માથુ ઉંચકયુ છે. પરંતુ સામ્યવાદી શાસકોએ લોખંડી નિર્ણયો થકી તેના પર અંકુશ મેળવ્યો છે. મુસ્લિમ બહુમતી ધરાવતા અહીંના શિનજીયાંગ પ્રાંતના મુસ્લિમો આ પ્રાંતને મુસ્લિમ રાષ્ટ્ર બનાવવા લડત કરી રહયા છે. આ લોકો એક જ બાળકને જન્મ આપવાનાં ચીનનાં કાયદાને પણ પડકારી રહ્યા છે. જે અહીંયા તુર્ક મુળનાં ઉઇંગર મુસ્લિમો પાકિસ્તાનનાં કબાઈલી ઇલાકાઓમાં જઈને આતંકની ટ્રેઇનીંગ મેળવીને પાછા ફરે છે.

ચીનમાં જેહાદી માનસિકતા અને ઈસ્લામીક કટ્ટરવાદ નિરંતર વધી રહ્યા છે. જેના કારણે બૌદ્ધો અને મુસ્લિમો વચ્ચે સંઘર્ષની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યુ છે. સ્થિતિ વધુ બગડે નહીં તે માટે ચીને મુસલમાનોને દાઢી રાખવા પર, બુરખા પર અને રોઝા રાખવા પર પણ પ્રતિબંધ આણી દીધો છે. ચીનમાં હલાલ માંસની દુકાન પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. પચ્ચીસ વર્ષથી નીચેના યુવાનોને મસ્જીદમાં જવાની મનાઈ છે. ચીન સરકારે મુસ્લિમ નામોનું લીસ્ટ જાહેર કર્યુ છે. જે નામો ભવિષ્યમાં કોઈ ચીની મુસ્લિમ લોકો પોતાનાં બાળકોમાં નહીં રાખી શકે.

વિશ્વભરના અનેક દેશોમાં ઈસ્લામીક ઉગ્રવાદે પોતાનો પગદંડો જમાવ્યો છે. પરંતુ આપણે ઉપર વાત કરી તેમ અનેકાનેક દેશોએ આતંકવાદ નાથવા માટે શ્રેણીબદ્ધ કડક પગલા ઉઠાવ્યા છે. સવાલ એ છે કે આપણે આ સમસ્યા અંગે શું કરી રહ્યા છીએ? આપણા ગૃહમંત્રી હાફીઝ સઈદને હાફીઝજી કહીને સંબોધે છે, દિગ્વિજયસિંહ ઓસામાજી કહે છે. અફઝલને ફાંસીએ ચડાવ્યો તો વિદ્યાર્થીઓ સૂત્રોચ્ચાર કરે છે. આતંકીઓને ખુલ્લેઆમ સમર્થન મળે છે. આ બધી કૂપ્રવૃતિઓ ભારતને આજે પણ નડી રહી છે અને આવતીકાલે પણ વધુ કનડશે.(૩૭.૧૦)

 

(4:02 pm IST)