Gujarati News

Gujarati News

News of Monday, 25th February 2019

વૃક્ષો પ્રકૃતીની સમૃધ્ધિ વધારે પંખીઓનો એ આશરો

બાગાયત પાકોનો થઇ રહેલો વધારો

આપણી સંસ્કૃતિમાં વૃક્ષોની પુજા કરવામાં આવે છે. વૃક્ષોને જીવતા જાગતા દેવ સમાન પણ ગણવામાં આવે છે અને એટલે જ વિશિષ્ટ તિથીઓ પર આવતા પર્વમાં અમુક ખાસ વૃક્ષ કે છોડની પુજા કરવામાં આવે છે.

જેમ કે સોમવારે અમાસ હોય તો તે દિને પીપળાની પુજા કરવામાં આવે છે. જપ તેમજ બીજી પુજન સામગ્રી અર્પણ કરતા કરતા ૧૦૮ વાર તેની પરીક્રમા કરાય છે.

ભગવાન શ્રી કૃષ્ણે કહયું છે કે 'અશ્વત્થ સર્વ વૃક્ષાણામ' એટલે કે બધા વૃક્ષોમાં પીપળો હું છું આમ પીપળામાં અનેક દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે.

 આવી જ રીતે વડ પણ પુજનીય ગણાય છે. ભગવાન બુધ્ધને બુધ્ધત્વની પ્રાપ્તી આ વૃક્ષ નીચે થઇ હતી. તેથી તેને બોધી વૃક્ષ પણ કહે છે અને વડના ઝાડ નીચે જ સાવીત્રીએ સત્યવાનને યમરાજના પાશમાંથી મુકત કરાવ્યો હતો.

આથી વટ સાવીત્રી વ્રતમાં સુહાગણો વડની પુજા કરે છે અને પોતાના પતિના દીર્ઘ આયુષ્ય તથા સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરે છે.

ભોળાનાથ મહાદેવજી પણ મોટા ભાગે  વડના ઝાડની નીચે જ સમાધી લગાવે છે આથી વડને મહાદેવજી શિવનું પ્રતિક માનવામાં આવે છે.

પરાશર મુનિએ 'વરમુલે તપોવાસા' કહીને વટવૃક્ષની પવિત્રતાને અભિવ્યકત કરી છે. તેમના મત અનુસાર સમગ્ર સૃષ્ટિમાં ફકત વડ વૃક્ષમાં જ બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશનો વાસ હોવાનું મનાય છે.

આ ઉપરાંત તુલસી, બીલી, આમળા, અશોક આંબો, ખાખરો, સમડો, કેળ, લીમડો વગેરે વૃક્ષોને પણ પવિત્ર મનાય છે.

 જે રીતે ગ્રહો તથા મંત્ર હોય છે એ જ રીતે એમના સંબધી વૃક્ષો પણ હોય છે.

એમ કહેવાય છે કે સુર્ય-બીલી, ચંદ્ર-ખાખરો, મંગળ-ખેર, બુધ-અંધેડો, ગુરૂ-પીપળો, શુક્ર-ઉમરડો, શનિ-સમડો, મદાર, રાહુ-દુર્વા, ચંદન, કેતુ-દર્ભ, અશ્વગંગા સંબંધીત વૃક્ષો છે.

વૃક્ષો પ્રકૃતિની સમૃધ્ધી વધારે છે. પંખીઓનો એ આશરો છે. માનવજાત માટે અતિ ઉપયોગી છે.

સમગ્ર સૃષ્ટિની ઉત્પતી થઇ ત્યારથી જ આ વૃક્ષો જળચર, પશુ, પક્ષીઓ અને માનવજાતની અવિરત સેવા કરતા આવ્યા છે.

વિશાળ વડ કે પીપળો, ચોવીસેય કલાક સો ટકા ઓકસીજન આપે છે તો વટ સાવીત્રી નિમિતે મહીલાઓને પીપળો માનીતો થઇ પડે છે.

ઉનાળામાં ચૈત્ર માસમાં લીમડાના તાજા ફુલો મહોરનો રસ પીવામાં આવે તો આખુયે વર્ષ તાવ આવે નહી એટલો એ અસરકારક મનાય છે.

આંબાવાડી, ચીકુવાડી, નાળીયેરી, સફરજન, બોરવાડી, લીંબુવાડી, જાયફળ, કેળા, દાડમ જેવી ફળફળાદીની વાડીઓથી અનેક કિસાનો સમૃધ્ધ થયા છે. બાગાયત પાકોની માંગ પણ વધતી રહી છે અને એને આનુસંગીક સુવિધાઓ પણ વધી રહી છે. આપણા રાજયમાં જુદી જુદી જગ્યાએ પ્રોસેસીંગ યુનીટો શરૂ થયા છે. એવી જ રીતે કોલ્ડ સ્ટોરેજ કાર્યરત થયા છે.

એક અંદાજ મુજબ રાજયમાં બાગાયત પાકોનું ઉત્પાદન વર્ષે ૮૦ થી ૯૦ લાખ ટન જેટલું થાય છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(3:54 pm IST)