Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

કૃષ્ણનું રૂપ અને મોટી આંખો જોઇને નારદ મુનિએ કહ્યું, તમારૃં આ રૂપ લોકોને બતાવો

અમદાવાદની રથયાત્રા ૧૪૩ વર્ષથી નિકળે છે, જે જગન્નાથપુરી પછીની બીજી સૌથી જૂની રથયાત્રા છે : અમદાવાદની યાત્રાની લંબાઇ ૧૪ કિલોમીટર છે પરંતુ ગાંધીનગરની યાત્રાની લંબાઇ ૩૧ કિલોમીટર છે : માત્ર ભારતમાં જ નહીં વિદેશોમાં પણ રથયાત્રાનું મહત્વ, પુરાણોમાં પણ અદ્દભૂત રથયાત્રાનો ઉલ્લેખ છે

ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક મહત્વનો તહેવાર એટલે રથયાત્રા. ભારતમાં ગુજરાતી પંચાગ પ્રમાણે અષાઢ સુદ બીજના દિવસે આ તહેવાર મનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથનું મૂળ મંદિર ઓરિસ્સાના જગન્નાથ પુરીમાં આવેલું છે. સમગ્ર દેશમાં પુરી અને અમદાવાદની રથયાત્રા મશહૂર હોય છે. પ્રતિદિન ભકતો દર્શન કરવા ભગવાન પાસે જાય છે પરંતુ આ દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને ભકતો પાસે જાય છે. કોરોના મહામારીમાં ગયા વર્ષે રથયાત્રા નિકળી શકી ન હતી પરંતુ આ વર્ષે કેસ ઘટતાં સરકારે કેટલાક પ્રતિબંધોને આધિન રથયાત્રા યોજવાની મંજૂરી આપી છે. રથયાત્રા હવે તો ગુજરાતના અન્ય શહેરોમાં પણ યોજાય છે. રથયાત્રા અંગે અનેક લોકવાયકા છે. કેટલાક લોકો માને છે કે કૃષ્ણની બહેન સુભદ્રા તેના પિયર આવે છે ત્યારે ભાઇઓ સાથે નગરમાં ભ્રમણ કરવાની ઇચ્છા વ્યકત કરે છે. બીજી એક માન્યતા અનુસાર ગુંડીચા મંદિર સ્થિત દેવી કૃષ્ણની માસી છે જે ત્રણેય ભાઇ-બહેનને ઘરે આવવાનું આમંત્રણ આપે છે અને તેઓ ૧૦ દિવસ રોકાય છે. ત્રીજી માન્યતામાં રાજા કંસ રથ મોકલીને કૃષ્ણને બોલાવે છે ત્યારે તેઓ ત્રણેય રથમાં બેસીને મથુરા જાય છે. કેટલાકનું માનવું છે કે કંસનો વધ કરીને કૃષ્ણ મથુરાની જનતાને દર્શન આપવા ભાઇ અને બહેન સાથે રથમાં નિકળે છે.

  • ભગવાન કૃષ્ણ સંકોચાઇ ગયા, આખ મોટી થઇ

એવી પણ વાયકા છે કે ભગવાન કૃષ્ણ તેમના ભાઇ બલરામ સાથે દ્વારકા બહાર ગયા હતા ત્યારે કૃષ્ણ ભગવાનની ૧૬૧૦૮ રાણીઓએ બલરામની માતા રોહિણીને પૂછ્યું કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છીએ છતાં કૃષ્ણ આખો દિવસ રાધાનું નામ કેમ લેતા હોય છે, ત્યારે રોહિણી માતા બોલ્યા કે, જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં ન પ્રવેશે તો હું તમને કહું. રાણીઓએ વિચાર કરીને સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઉભા રાખ્યા અને કહ્યું કે કોઇને અંદર પ્રવેશ કરવા દેતા નહીં. પછી રોહિણી માતાએ કથા શરૂ કરી હતી. સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયું કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઉભા છે. એ બન્ને રાજમહેલમાં પ્રવેશવા ગયા ત્યારે સુભદ્રાએ તેમને રોકયા. આ સમયે તેઓ બન્ને પણ દરવાજા પાસે કાન રાખીને કથા સાંભળવા લાગ્યા હતા. અચાનક ભકિતભાવના કારણે ત્રણેયના હાથ અને પગ સંકોચાઇ જવા લાગ્યા,આંખો મોટી થવા લાગી ત્યારે કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા ત્યારે તેમણે જોયું કે કૃષ્ણના હાથ-પગ સંકોચાઇ ગયા હતા અને આંખો મોટી થઇ હતી. નારદ મુનિએ કૃષ્ણને કહ્યું કે તમારૃં આ રૂપ જગતને બતાવો. આ સાંભળી કૃષ્ણએ આ રૂપ ત્રેતાયુગમાં જગતને બતાવવાનું વચન આપ્યું હતું. આ કથાએ રથયાત્રાને જન્મ આપ્યો.

  • પુરીની રથયાત્રામાં અદ્દભૂત શણગાર હોય છે

જગન્નાથ એટલે કે કૃષ્ણ, સુભદ્રા અને બલરામની મૂર્તિઓનું મંદિરમાં આખું વર્ષ પૂજન કરવામાં આવે છે પરંતુ વર્ષમાં એકવાર અષાઢી બીજના દિવસે ત્રણેય મૂર્તિઓને મોટા રથમાં પધરાવી નગરચર્યા કરાવવામાં આવે છે. રથયાત્રા કાષ્ટના મોટા પૈડાંવાળા બનાવવામાં આવે છે. દર વર્ષે આ પૈડાં બનાવવામાં આવે છે. આ રથને ભકતો દ્વારા ખેંચવામાં આવે છે.પુરીના જગન્નાથનો રથ ૪૫ ફુટ ઉંચો અને ૩૫ ફુટના ચોરસ ઘેરાવો ધરાવે છે જેને બનાવતાં બે મહિનાનો સમય લાગે છે. પુરીના ચિત્રકારો તેમજ કલાકારો આ રથના વિશાળ પૈડાંઓ કાષ્ટમાંથી કોતરેલા રથ અને ઘોડાઓ પર ફુલપાંખડીઓ અને અન્ય આકૃત્તિ ચિતરે છે અને સુંદર રીતે શણગારે છે. રથના સિંહાસનની પિઠીકા પર પણ ઉલટા કમળફુલોની આકૃત્ત્િ।ઓ ચિતરવામાં આવે છે. આ રથયાત્રાને ગુંડીયા યાત્રા પણ કહેવામાં આવે છે. ભગવાનના રથના ૧૬, બલરામના રથના ૧૪ અને સુભદ્રાના રથના ૧૨ પૈડાં હોય છે.

  • સમ્રાટ કે ભકત વચ્ચે કોઇ ભેદભાવ હોતો નથી

રથયાત્રા સાથે સંકળાયેલી ખાસ નોંધપાત્ર વિધિ 'છેરા પહેરા'ની છે. જેમાં તહેવાર દરમિયાન, ગજપતિ રાજા સફાઈ કામદારનો પહેરવેશ સજી અને મૂર્તિઓ તથા રથની આસપાસની જગ્યા પાણી વડે ધોવાની વિધિ કરે છે. તે ઉપરાંત રથયાત્રાનાં આગમન પૂર્વે રાજા, અત્યંત ભકિતભાવથી, સોનાનાં હાથાવાળા સાવરણાથી રથયાત્રાનો માર્ગ વાળે છે તેમજ તે પર સુખડકાષ્ટનું સુગંધી જળ અને પાવડર છાંટે છે. રિવાજ પ્રમાણે, ગજપતિ રાજા એ કલિંગ સામ્રાજયનો સર્વોચ્ચ હોદ્દેદાર અને મહાનુભાવ વ્યકિત ગણાય છે, તે પણ જગન્નાથજીની સેવામાં નાનામાં નાનું કામ પણ કરે છે અને એ દ્વારા આશય એવો સંદેશ આપવાનો હોય છે કે ભગવાન જગન્નાથ સમક્ષ મહાશકિતશાળી સમ્રાટ કે સામાન્ય ભકત વચ્ચે કોઈ ભેદ હોતો નથી.

  • બે દિવસ સુધી ચેર પહરની વિધિ હોય છે...

ચેરપહરની વિધિ બે દિવસ સુધી કરવામાં આવે છે. જયારે મૂર્તિઓને મૌસીમાં મંદિર લઇ જવાય ત્યારે અને જયારે મૂર્તિને ફરી શ્રીમંદિર લાવવામાં આવે ત્યારે એમ કુલ બે દિવસ સુધી ચેર પહરની વિધિ કરવામાં આવે છે. અન્ય એક વિધિમાં મૂર્તિઓને મંદિરથી રથ પર પધરાવવાની હોય છે જેને પહાંદી વિજય કહેવાય છે. રથયાત્રાના તહેવારમાં, મૂર્તિઓને જગન્નાથ મંદિરેથી રથમાં ગુંડિચા મંદિરે લઈ જવાય છે. જયાં તે નવ દિવસ સુધી રહે છે. તે પછી, મૂર્તિઓ ફરી રથ પર બિરાજીને શ્રીમંદિરે પધારે છે એને 'બહુડા યાત્રા' કહે છે. આ પરત વેળાની યાત્રામાં ત્રણે રથ મૌસીમાં મંદિરે વિરામ લે છે અને ત્યાં ભાવિકો 'પોડા પીઠા' (જે બહુધા ગરીબ લોકોના મુખ્ય ખોરાક સમો એક પ્રકારનો રોટલો હોય છે)નો પ્રસાદ લે છે.

  • પુરાણોમાં પણ રથયાત્રાનું વર્ણન આવે છે...

જગન્નાથની આ રથયાત્રા છેક પુરાણ કાલિન હોવાનું જણાય છે. બ્રહ્મ પુરાણ, પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં આ રથયાત્રાનું આબેહુબ વર્ણન જોવા મળે છે. કપિલ સંહિતામાં પણ રથયાત્રાનો ઉલ્લેખ મળે છે. મુઘલ કાળ દરમિયાન પણ, જયપુર, રાજસ્થાનના રાજા રામસિંહે પણ ૧૮મી સદીમાં પુરી ખાતે યોજાતી જગન્નાથજીની રથયાત્રાનું વર્ણન કરેલું છે. ઓડિશામાં, મયુરભંજ અને પર્લાખેમુંડીના રાજાઓ પણ પુરીની જેમ જ રથયાત્રાનું આયોજન કરતા હતા.

  • પશ્ચિમી જગત પણ રથયાત્રાથી અજાણ નથી

ઈ.સ. ૧૧૫૦ની આસપાસ ગંગા સામ્રાજયનાં રાજકર્તાઓ મહાન મંદિરોની પૂર્ણતા સમયે રથયાત્રાનું આયોજન કરતા હતા. હિન્દુઓનાં કેટલાંક તહેવારોમાંનો આ એક એવો તહેવાર છે જેનાથી પશ્ચિમી જગત બહુ પહેલેથી જાણકારી ધરાવતું હતું. અર્થાત, આ તહેવાર ખુબ જ જૂના કાળથી વિશ્વના અન્ય લોકોમાં પણ જાણીતો બનેલો છે. પોર્ડેનોનનાં ફરિયાર ઓડોરિક નામનાં પ્રવાસીએ ઈ.સ.૧૩૧૬-૧૩૧૮ દરમિયાન ભારતની મુલાકાત લીધી હતી, માર્કો પોલો પછી આશરે ૨૦ વર્ષે તેણે ૧૩૨૧માં લખેલી પોતાની યાત્રા નોંધમાં વર્ણવ્યું છે કે, લોકો પોતાનાં પૂજયને (મૂર્તિઓને) રથમાં પધરાવતા પછી રાજા, રાણી અને બધાં લોકો તેમને 'ચર્ચ' (મંદિર)માંથી ગાતાં વગાડતા લઈ જતા હતા.

  • અમદાવાદની રથયાત્રા ૧૪૩ વર્ષથી યોજાય છે

અમદાવાદમાં અષાઢી બીજના દિવસે રથયાત્રાનું આયોજન થાય છે. આ શહેરમાં ૧૪૩ વર્ષથી રથયાત્રા યોજાય છે. જમાલપુરમાં આવેલાં ૪૦૦ વર્ષ જૂના જગન્નાથ મંદિરમાંથી સવારે રથયાત્રાનો પ્રારંભ થાય છે અને ૧૪ કિલોમીટરનું અંતર કાપી મંદિરમાં પરત આવે છે. આ રથયાત્રાના એક પખવાડીયા પહેલાં, એટલે કે જેઠ માસની પૂનમના દિવસે જગન્નાથનો સ્નાન ઉત્સવ (જલયાત્રા) યોજાય છે. આ પ્રસંગે મંદિરમાં રહેલી મૂર્તિઓને સરઘસ સ્વરૂપે સાબરમતી નદીના કિનારે પવિત્ર સ્નાન માટે લઈ જવાય છે. આ યાત્રામાં ૧૮ થી ૨૦ હાથીઓ સાથે હજારો ભકતો, માથે પીતળનાં પાણી ભરેલા ઘડા લઈને જોડાય છે. સ્નાન પછી મૂર્તિઓને સરસપુરના રણછોડજી મંદિરે લઈ જવાય છે અને ત્યાં વિરામ પછી જગન્નાથ મંદિરે પરત લાવી હજારો શ્રદ્ઘાળુઓની હાજરીમાં મહાઅભિષેક કરવામાં આવે છે.

  • પુરી પછીની સૌથી જૂની અમદાવાદની યાત્રા છે...

અમદાવાદની રથયાત્રા પુરીની રથયાત્રા પછીની દ્વિતિય ક્રમની સૌથી મોટી અને સૌથી જૂની રથયાત્રા ગણવામાં આવે છે. ૧૮૭૮થી નિકળતી આ યાત્રા ૧૪ કિલોમીટર લાંબી હોય છે. છેલ્લા દોઢ વર્ષથી રથયાત્રાને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. ગયા વર્ષે રથયાત્રા યોજાઇ ન હતી પરંતુ આ વર્ષે કેસ ઓછાં થતાં રથયાત્રા નિકળશે પરંતુ કડક નિયંત્રણો લાગુ કરી દેવામાં આવ્યા છે. વડોદરાના ઇસ્કોનમાં યોજાતી રથયાત્રા બીજા નંબરે આવે છે. એવી જ રીતે સુરતમાં પણ ઇસ્કોન મંદિરથી રથયાત્રા નિકળે છે જયારે ગાંધીનગરમાં ૧૯૮૫થી નિકળતી રથયાત્રાની લંબાઇ ૩૧ કિલોમીટરની છે તે સૌથી લાંબી કહેવાય છે. હવે તો ઓરિસ્સાના વતની એવા અમદાવાદમાં વસતા પરિવારોએ અડાલજ પાસે બનાવેલા જગન્નાથ મંદિરમાંથી પણ રથયાત્રા નિકળે છે.

  • ભારતની બહાર પણ રથયાત્રા યોજાય છે...

ભારતની બહાર પણ અનેક દેશોમાં વર્ષોથી રથયાત્રાનું આયોજન થાય છે જેનો શ્રેય ઇસ્કોનનાં સંસ્થાપક આચાર્ય એસી ભકિતવેદાંત સ્વામી પ્રભુપાદને જાય છે. અમેરિકાનાં લોસ એન્જેલિસ, ન્યુ યોર્ક, સાન ડિયેગો, સાન ફ્રાંસિસ્કો વગેરે શહેરો ઉપરાંત ઇંગ્લેંડનાં લંડન, બર્મિંગહામ, કોવેન્ટ્રી, બ્રાઇટન, વગેરે શહેરો તથા પેરિસ, ટોરેન્ટો, બુડાપેસ્ટ વગેરે અનેક શહેરોમાં ઇસ્કોન દ્વારા જુન-જુલાઇ મહિનામાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ રથયાત્રા પાશ્ચાત્ય દેશોની પ્રણાલીને અનુસરતા તથા ત્યાંના કાયદાઓનું પાલન કરતા મોટેભાગે શનિ-રવિવારે યોજવામાં આવે છે. એવી જ રીતે બાંગ્લાદેશમાં પણ રથયાત્રા યોજવામાં આવે છે. બંગાળી ભાષામાં રથને રોથ કહેવાય છે તેથી બાંગ્લાદેશમાં ધમરોઇ જગન્નાથ રોથ કહેવાય છે. આ સ્થળે મૂળ ઐતિહાસિક રથ હતો તે પાકિસ્તાનના સૈન્ય દ્વારા ૧૯૭૧માં બાળી નાંખવામાં આવ્યો હતો ત્યારપછી ભારતની સહાયથી નવા રથનું નિર્માણ કરવામાં આવેલું છે.

-: આલેખન :-

ગૌતમ પુરોહીત

gpurohit09@gmail.com

(11:05 am IST)