Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

સરકારી મહેમાન

મહાત્મા ગાંધી અને સરદાર સ્ટાર કલ્ચરમાં ફીટઃ ગાંધીનગર પછી કેવડિયામાં સ્ટાર હોટલ બનશે

કોર્પોરેટ કર્મયોગી : કેન્દ્રમાં બ્યુરોક્રેસીની ક્ષમતા વધારવા માટે એચઆર કન્સલ્ટન્સી ફર્મ રોકવા નિર્ણય : કરપ્ટ અને વિઝિલન્સ તપાસ ચાલતી હોય તેવા IAS અને IPS અધિકારીઓની ફાઇલ પર રેડ ટેગ લાગશે : બાબુઓની કાર્યશકિત વધારવા માટે કેન્દ્ર સરકાર એચઆર કન્સલ્ટન્સી એજન્સીનો પ્રયોગ શરૂ કરશે

ગુજરાતના જે મહાનુભાવો આખી જીંદગી જાહોજલાલી અને ઐશ્વર્યથી દૂર રહ્યાં છે તે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલના વિશ્વખ્યાત બન્ને સ્મારક એવા મહાત્મા મંદિર અને સ્ટેટ્યુ ઓફ યુનિટી પાસે રાજય સરકાર ફાઇવસ્ટાર હોટલનું નિર્માણ કરી રહી છે. જો કે આ બન્ને હોટલમાં નોન-વેજ અને શરાબ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર પાસે આધુનિક રેલવે સ્ટેશન પર ફાઇવસ્ટાર હોટલનું નિર્માણકાર્ય પૂર્ણ થયું છે ત્યારે કેવડિયા સ્થિત સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સરદાર સરોવર નર્મદા નિગમ ડિઝાઇન, બિલ્ડ, ફાયનાન્સ, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર એટલે કે ડીબીએફઓટી બેસીઝ પર થ્રી સ્ટાર અને ફોર સ્ટાર હોટલનું નિર્માણ કરી રહ્યું છે. આ બન્ને હોટલ માટે બે થી ત્રણ એકર જમીન એલોટેડ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં આ બન્ને સ્થળ એવાં છે કે એક સ્થળે આંતરરાષ્ટ્રીય વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ અને બિઝનેસ કોન્ફરન્સ યોજાય છે જયારે બીજા સ્થળે પ્રતિદિન  ૧૫ હજાર થી વધુ પ્રવાસીઓ મુલાકાતે આવે છે. ગાંધીનગરની હોટલ લીલા ગ્રુપ બનાવી રહ્યું છે જયારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેની હોટલોના નિર્માણ માટે ૮મી જુલાઇએ પ્રિ એપ્લિકેશન કોન્ફરન્સ યોજવામાં આવી છે. ગુજરાતના આ બન્ને સ્થળો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ છે. એક હકીકત એ પણ છે કે અન્ય રાજયોની સરખામણીએ ગુજરાતમાં સ્ટાર હોટલનો સંખ્યા નહીંવત છે. રાજયમાં પ્રવાસીઓ માટે સ્ટાર હોટલોનું નિર્માણ થાય તે પણ ટુરિસ્ટ ને બુસ્ટઅપ કરવા માટે જરૂરી પગલું છે.

ભ્રષ્ટ ઓફિસરોની ફાઇલનુ હવે નવી

સિસ્ટમથી  ટ્રેકીંગ...

સેન્ટ્રલ વિઝિલન્સ કમિશન (સીવીસી)ના એક આદેશ પ્રમાણે કેન્દ્ર સરકારના મંત્રાલયો, ગુજરાત સહિતના રાજયો, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એક નવી સિસ્ટમનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. સીવીસીના આદેશ પછી કેન્દ્ર સરકારે રાજયોના ચીફ સેક્રેટરીને આપેલા નિર્દેશ પ્રમાણે સિવિલ સેવાના કોઇ અધિકારીઓ સામે તપાસ થતી ગોય તો તેમાં ત્વરીત ગતિએ આગળ વધવું પડશે. આ માટે સીવીસીએ કેટલાક નિયમોમાં બદલાવ કર્યો છે. અખિલ ભારતીય સેવાના અધિકારીઓ કે જેમાં આઇએએસ, આઇપીએસ અને બીજી સેવાના અધિકારીઓ શામેલ છે, જે પૈકી કોઇ અધિકારીની તપાસ ફાઇલ એવી રીતે શોધવામાં આવશે કે જેવી ફાઇલ સંસદસત્રમાં લોકસભા તેમજ રાજયસભાના સવાલો સબંધિત ફાઇલ આપવામાં આવે છે. બાબુઓ સામેની સીવીસી તપાસ અને દંડથી જોડાયેલી ફાઇલો જયારે રાષ્ટ્રપતિભવન અને યુપીએસસી પાસે જશે ત્યારે તેના પર લાલ સ્ટીકર લગાડવાનું રહેશે. આ સાથે ફાઇલના કવર પેજ પર વિઝિલન્સ કેસ લખવાનું રહેશે. ફાઇલ ખોલનારી વ્યકિત કે ઓફિસરને તરત જ ખબર પડી જશે કે આ ફાઇલમાં વિઝિલન્સ કમિશનની સલાહ પણ શામેલ છે. આમ કરવાથી આરોપી બાબુઓ પર કાર્યવાહી કરવામાં ઝડપ અને સરળતા આવશે. સામાન્ય રીતે સીવીસીની તપાસવાળી ફાઇલો સુસ્ત રહેતી હોય છે જેનો ફાયદો આરોપી અધિકારીઓ ઉઠાવે છે. પરિણામ સ્વરૂપ આ ફાઇલ રાષ્ટ્રપતિભવન કે યુપીએસસી પાસે જતા પહેલાં ગાયબ થઇ જતી હોય છે. હવે કેન્દ્રના તમામ મંત્રાલયો અને રાજય સરકારના વહીવટી તંત્રમાં રેડ સ્ટીકર લાગેલું હોવાથી આક્ષેપિત અધિકારી સામે તપાસ અને દંડની જોગવાઇમાં ઝડપ અને સરળતા આવી જશે. સીવીસીનો આવો એક પત્ર ગુજરાતના ચીફ સેક્રેટરીને પણ મોકલવામાં આવ્યો છે અને ગુજરાત સરકારના વિભાગોમાં પણ આ પ્રકારના રેડ સ્ટીકર લગાવવાના આદેશ આપવામાં આવ્યા છે.

સ્ટેટ બ્યુરોક્રેસી પર રાજકીય લોબી હાવી બની રહી છે

ભારતના કેટલાક રાજયોમાં સ્ટેટ બ્યુરોક્રેસી પર રાજકીય લોબી હાવી બની રહી છે. બિહાર સરકારમાં બાબુ અને ચૂંટાયેલા પ્રતિનિધિના ટકરાવ પછી સરકારે એવો ફતવો બહાર પાડ્યો છે કે સંસદસભ્ય કે ધારાસભ્ય ચેમ્બરમાં દાખલ થાય ત્યારે તે અધિકારીએ તેમના સન્માનમાં ખુરશીમાંથી ઉભા થઇને આવકાર આપવો પડશે. અધિકારીઓ માટે બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇન પ્રમાણે પ્રજાના પ્રતિનિધિ માટે વાહન વ્યવસ્થા કરવી પડશે. એટલું જ નહીં, તેમની આગતા-સ્વાગતા માટે અધિકારીએ તૈયાર રહેવું પડશે. આ પ્રતિનિધિ જે ભાષામાં જાણકારી માગે તે ભાષામાં તેમને જાણકારી આપવાની રહેશે. એવી જ રીતે રાજસ્થાન, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તેમજ ઉત્ત્।રપ્રદેશ જેવા રાજયોમાં પ્રજાના પ્રતિનિધિઓ અને બાબુઓ વચ્ચે તકરાર ઉભી થાય છે. ગુજરાતમાં એક સમયે મધ્ય ગુજરાતના ત્રણ ધારાસભ્યોએ બાબુઓ સામે મોરચો ખોલ્યો હતો. બન્ને વચ્ચેનો આ ટકરાવ નિવારવા માટે સરકારના સામાન્ય વહીવટ વિભાગે સંસદસભ્યો અને ધારાસભ્યોના માન-સન્માન માટે વિભાગોના વડાને કડક આદેશો આપવાની ફરજ પડી હતી. રાજનીતિની સાથે વહીવટી તંત્ર પણ બદલાઇ રહ્યું છે. સત્ત્।ાધારી પાર્ટીને વહાલા થવાની હોડમાં ગુજરાતની બ્યુરોક્રેસી પણ રાજકીય નેતાઓને નતમસ્તક બની છે. કેટલાક એવા ઓફિસરો છે કે જેઓ સરકારને અનુરૂપ બનીને મનગમતા પોસ્ટીંગ મેળવી રહ્યાં છે. નિષ્પક્ષ અને ખુદ્દારીથી ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓની સંખ્યા હવે નગણ્ય બની ચૂકી છે, કેમ કે મોટાભાગના ઓફિસરોને રાજયના મુખ્યમંત્રી કે કેબિનેટ મંત્રીના ખોફનો ભોગ બનવું પસંદ પડતું નથી. હાલના સંજોગોમાં દેશના ઘણાં રાજયોમાં સ્ટેટ બ્યુરોક્રેસી પર રાજકીય લોબી હાવી બની રહી છે, જે ભ્રષ્ટાચારને ઉત્તેજન આપીને જે તે રાજયના વહીવટી તંત્રની ઘોર ખોદે તેવી દહેશત છે.

એવા IAS ઓફિસર જેમના દિલમાં હજી ગુજરાત છે

ગુજરાત કેડરના આઇએએસ ઓફિસર ડો. જયંતિ રવિના જીવન અનુભવ આધારિત પુસ્તક સિલ્વર ટ્રી-લાઇફનું વિમોચન ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતે કર્યું છે. તેઓ તામિલનાડુમાં છે પરંતુ ગુજરાતને સદાય યાદ કરી રહ્યાં છે. જાણીને નવાઇ લાગશે કે તેમનો પરિવાર સંગીતમય છે. જયંતિ રવિના પુત્ર અદિત રવિ વાંસળીવાદક છે અને તેમના પુત્રી કૃપા રવિ ભરતનાટ્યમ નૃત્યાંગના  સાથે સિંગર પણ છે. હાલ તેઓ તામિલનાડુના એરોવિલ ફાઇન્ડેશનના સેક્રેટરી તરીકે ફરજ બજાવી રહ્યાં છે. જયંતિ રવિ એક એવા ઓફિસર છે કે જેમના દિલમાં ગુજરાત વસેલું છે. મૂળ ચેન્નાઇના વતની જયંતિ રવિ ૧૧ ભાષાના જાણકાર છે. તેઓ ગુજરાતી ભજન પણ સહજતાથી ગાઇ શકે છે. તેમણે  ગાયેલા આજ મારા મંદિરિયામાં મ્હાલે શ્રીનાથજી... અને શંભુ શરણે પડી... એ ભજન લોકપ્રિય બન્યાં છે. તેમણે સંસ્કૃત સહિત અનેક ભાષામાં ઘણાં પુસ્તકો લખ્યાં છે. જયંતિ રવિના માતા રાજલક્ષ્મી શ્રીનિવાસન પણ સિંગર છે. જયંતિ રવિએ ફિજીકસમાં માસ્ટર ડીગ્રી મદ્રાસ યુનિવર્સિટીમાંથી અને પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટરની ડીગ્રી હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી મેળવી છે. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિકસમાંથી તેમણે લીડરશીપ પ્રોગ્રામ કર્યો છે. તેઓ ઇ-ગવર્નન્સમાં પીએચડી થયાં છે. ન્યૂકિલયર સાયન્ટીસ તરીકે દિલ્હીમાં કામ કરતા હતા ત્યારે અન્ય વિદ્યાર્થીઓને જોઇને તેમણે આઇએએસ માટેની તૈયારી શરૂ કરી હતી. પ્રથમ પ્રયત્ને તેમણે યુપીએસસી કિલયર કરી હતી. તેમને ટ્રેકીંગ, હોર્સરાઇડીંગ, સાયકલીંગ, મ્યુઝિક, યોગા, ટિચીંગ અને રાઇટીંગનો શોખ છે. જયંતિ રવિ માને છે કે સાચું શિક્ષણ શબ્દને વાંચવાથી નહીં સંસારને વાંચવાથી પ્રાપ્ત થાય છે. તેઓ ગુજરાતથી દૂર છે પરંતુ તેમના દિલમાં હજી પણ ગુજરાત વસે છે. બદલી થયા પછી તેમણે આરોગ્ય વિભાગના કર્મચારીઓ માટે ગુજરાતીમાં લખેલા ચાર પાનાના પત્રમાં  તેમનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ દેખાઇ આવે છે.

બાબુઓની કાર્યશકિત વધારવા માટે કન્સલ્ટન્સી કંપની

કેન્દ્ર સરકારના વિભાગોમાં ફરજ બજાવતા આઇએએસ ઓફિસરોની કામ કરવાની ક્ષમતા વધારવા માટે સરકારે એચઆર કન્સલ્ટન્સી સંસ્થાને રોકવાનો નિર્ણય લીધો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાત પછી દિલ્હીમાં મિશન કર્મયોગી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે પ્રથમ સાત જેટલા વિભાગો જેવાં કે નાણાં, આઇટી, ગ્રામીણ વિકાસ, ડીઓપીટી, આરોગ્ય, વન-પર્યાવરણ અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં કન્સલ્ટન્સી સંસ્થા આઇએએસ ઓફિસરોને ટ્રેનીંગ આપશે અને તેમની કામ કરવાની શકિતમાં વધારો કરવાના પ્રયાસ કરશે. આ સંસ્થા કેન્દ્ર માટે ફ્રેમવર્ક ઓફ રોલ્સ એકિટવિટીઝ એન્ડ કેપેસિટીઝ વિકસિત કરશે જે ભવિષ્યમાં સિવિલ સેવાઓને ઉચિત દિશા આપશે. સરકારનો દાવો છે કે ભારતમાં કેટલાક પડકારો સાથે નવી ડિજીટલ અને આઇટી કાર્યબળ માટે નવો ઢાંચો તૈયાર કરવાની જરૂર છે તેથી તેની પૂર્તતા કરવા માટે એચઆર કન્સલ્ટન્સી રોકવામાં આવી રહી છે. અત્યારે માત્ર સાત મંત્રાલયમાં શરૂ કરવામાં આવનાર પ્રયોગ કેન્દ્રના તમામ મંત્રાલયમાં તેમજ રાજયોની બ્યુરોક્રેસીમાં શરૂ થાય તો નવાઇ પામવા જેવું નથી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાજય સરકારમાં મિશન કર્મયોગી અભિયાન શરૂ કર્યું હતું, જેના ભાગરૂપે સરકારમાં ચિંતન બેઠકો અને નિષ્ણાંતોના સેમિનાર થતાં હતા જેમાં બાબુઓને શિક્ષણ આપવામાં આવતું હતું. હવે કેન્દ્ર સરકારમાં આવા પ્રયોગ શરૂ કરવામાં આવ્યા છે, જો કે આ કાર્યક્રમો માટે ગુજરાતના નિવૃત્ત્। સનદી અધિકારી હસમુખ અઢિયાને કામ સોંપવામાં આવ્યું નથી પરંતુ ખાનગી કન્સલ્ટન્સી રોકવામાં આવનાર છે.

આઇએએસનું કામ આઇપીએસ ઓફિસર પણ કરી શકે

શું એક આઇએએસ અધિકારીનું કામ આઇપીએસ કરી શકે છે તેવા સવાલનો જવાબ હરિયાણામાં હા છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે એક પ્રયોગ એવો કર્યો છે કે તેમણે આઇએએસ કેડરના પદ પર આઇપીએસની નિયુકિત કરી છે. એક આઇપીએસ અધિકારી અમિતાભ ધિલ્લોનને હરિયાણા પરિવહન આયુકતના પદે નિયુકત કર્યા છે. આ પહેલાં સરકારે પરિવહન વિભાગના અગ્રસચિવ તરીકે આઇપીએસ શત્રુજીત કપૂરને નિયુકત કર્યા હતા. ગુજરાતમાં પણ આવું શકય છે, માત્ર પોલિટીકલ વ્હિલપાવર જરૂરી છે. નરેન્દ્ર મોદીએ ભૂતકાળમાં ભારતીય વન સેવા એટલે કે આઇએફએસ કેડરના ઓફિસરોને સરકારના વિભાગો અને બોર્ડ-નિગમમાં નિયુકત કર્યાના દાખલા છે. આ કેડરના ઓફિસર એનએસ યાદવને ગુજરાત સરકારે વોટરશેડ મેનેજમેન્ટ એજન્સીમાં નિયુકત કર્યાનો દાખલો મોજૂદ છે. સરકારની વીજ કંપનીઓમાં પણ આઇએફએસ ઓફિસરોને નિમણૂક આપવામાં આવેલી છે. એવી જ રીતે એક સમયે ટુરિઝમ કોર્પોરેશનમાં આઇએફએસ અધિકારીની મેનેજીંગ ડિરેકટર પદે નિયુકિત કરવામાં આવી હતી. બીજા એક આઇએફએસ ઓફિસર સંજીવ ત્યાગીને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડમાં મૂકવામાં આવ્યા હતા.

ગુજરાતના પોલીસ વિભાગમાં મોટા ફેરબદલના સંકેત

ગુજરાત સરકારના સચિવાલય તેમજ જિલ્લાના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો પછી હવે પોલીસ વિભાગમાં મોટાપાયે ફેરબદલના સંકેત પ્રાપ્ત થયાં છે. બદલીઓના આ ત્રીજા રાઉન્ડમાં મહાનગરોના પોલીસ કમિશનર, પોલીસ ભવનના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ સેલના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ જિલ્લા પોલીસના વડાઓની સામૂહિક બદલીઓ થવાની સંભાવના છે. રાજયના ગૃહ વિભાગમાં કોન્સ્ટેબલ થી પીએસઆઇ, પીઆઇ થી ડીવાયએસપી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી માટેની યાદી તૈયાર થઇ રહી છે. ગુજરાત સરકારે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બદલીની તૈયાર કરેલી યાદીમાં કેન્દ્રીય ગૃહમંત્રીનું માર્ગદર્શન લેવામાં આવ્યું છે અને હવે જૂનના અંત સુધીમાં કે જુલાઇમાં પોલીસ વિભાગમાં ફેરફારો આવી રહ્યાં છે. કોન્સ્ટેબલ થી પીઆઇ સુધીની ૫૦૦થી વધારે બદલીઓ થવાની છે જયારે ઉચ્ચ પોલીસ અધિકારીઓમાં ૭૦થી વધુ બદલીઓ તોળાઇ રહી છે. આ બદલીઓમાં સુરત, રાજકોટ, અમદાવાદ, વડોદરા, જામનગર અને ભાવનગરના પોલીસ કમિશનરનો પણ સમાવેશ થાય છે. રાજયના ૩૩ જિલ્લાના પોલીસ વડાની પણ બદલીની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ બદલીની યાદીમાં ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ પંકજકુમારની સલાહ અને માર્ગદર્શન લેવામાં આવ્યા છે. સૂત્રો કહે છે કે ગુજરાતમાં રથયાત્રા યોજાશે કે નહીં તેનો નિર્ણય હજી સુધી લેવાયો નથી પરંતુ અષાઢી બીજ પછી પોલીસ વિભાગમાં આ ફેબદલ નિશ્ચિત બન્યો છે.

-: આલેખન :-

ગૌતમ

પુરોહીત

gpurohit09@gmail.com

(10:18 am IST)