Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

સરકારી મહેમાન

ગુજરાત કોંગ્રેસમાં પરિવર્તનનો પવન ફૂંકાશેઃ ત્રણ મહત્વની પોસ્ટ પર નવી નિયુકિત કરાશે

ગાંધીનગરમાં ફાઇવસ્ટાર હોટલ તો તૈયાર થઇ છે પરંતુ તેની ઓકયુપન્સી માટેના પ્રશ્નો ઉભા થઇ શકે છે : પેટ્રોલ-ડીઝલ અને ખાદ્યતેલમાં થયેલા તીવ્ર ભાવવધારા

સામે સત્ત્।ાધારી પાર્ટી તો ઠીક વિપક્ષ પણ ચૂપ : મફતમાં મળતી વેકિસનના ૧૦૦૦ રૂપિયા ખર્ચનારા ગુજરાતીઓ છે ત્યાં સુધી પ્રાઇવેટ હોસ્પિટલને જલસા

ગુજરાતમાં ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવનાર છે ત્યારે કોંગ્રેસના માળખામાં ધરમૂળથી પરિવર્તનના સંકેત મળ્યા છે. એક સાથે ત્રણ ટોચના પદ પર નવી નિયુકિત સાથે પ્રદેશ માળખામાં પરિવર્તન આવી રહ્યું છે. કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું અવસાન થતાં તેમની ખાલી પડેલી જગ્યાએ પાંચ નામો ચાલી રહ્યાં છે. આ ચાર નામોમાં બીકે હરિપ્રસાદ, મુકુલ વાસનિક, મોહન પ્રકાશ અને અવિનાશ પાંડેનો સમાવેશ થાય છે. અવિનાશ પાંડે રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી રહી ચૂકયાં છે પરંતુ રાજસ્થાનમાં અશોક ગેહલોત અને સચીન પાયલટ વચ્ચેની લડાઇમાં તેમને દૂર કરવામાં આવ્યા હતા. મુકુલ વાસનિક અત્યારે મધ્યપ્રદેશના પ્રભારી છે અને એઆઇસીસીના જનરલ સેક્રેટરી છે, જયારે બીકે હરિપ્રસાદ અને મોહન પ્રકાશ અગાઉ ગુજરાતના પ્રભારી રહી ચૂકયાં છે અને તેઓ બન્ને નિષ્ફળ ગયા છે, આમ છતાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોહન પ્રકાશના નામની ભલામણ કરી છે. આ સંજોગોમાં સ્પર્ધા મોહન પ્રકાશ અને અવિનાશ પાંડે વચ્ચે સર્જાઇ શકે છે. જૂન મહિનામાં આ નિયુકિત થાય તેવી સંભાવના છે. બીજી તરફ વિપક્ષના નેતા પરેશ ધાનાની અને પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાને પણ બદલવાના છે. આ બન્ને પોસ્ટ માટે પાર્ટીએ ત્રણ ત્રણ નામોની પેલન તૈયાર કરી છે. પ્રદેશ પ્રમુખ માટે શકિતસિંહ ગોહિલ, ભરત સોલંકી અને અર્જુન મોઢવાડિયાના નામની અટકળો છે જયારે વિપક્ષના નેતા તરીકે શૈલેશ પરમાર, વિરજી ઠુમ્મર અને પૂંજા વંશના નામો ચાલી રહ્યાં છે.પ્રદેશના તમામ ટોચના નેતાઓની સંમતિ લઇને આ બન્ને પોસ્ટ ભરવામાં આવે તેવું લાગી રહ્યું છે.

કોરોના વેકિસનેશન એક વ્યવસાય બની ચૂકયો છે

કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્ર અને રાજય સરકાર નિષ્ફળ ગઇ છે તેવા આરોપ મૂકવામાં આવી રહ્યાં છે ત્યારે શરૂ કરવામાં આવેલા વેકિસનેશન અંગે સવાલો ઉભા થયાં છે. કેન્દ્રએ પ્રત્યેક નાગરિકને વિનામૂલ્યે વેકિસન પુરી પાડવાનું નક્કી કર્યું છે, પરંતુ અમદાવાદમાં વેકિસનનો વેપાર શરૂ થઇ ચૂકયો છે. પહેલાં એપોલો પછી સેલ્બી જેવી પ્રાઇવેટ હોસ્પિટલ ૧૦૦૦ રૂપિયામાં વેકિસનનો ડોઝ આપી રહી છે. આ વેકિસન જયાં વિનામૂલ્યે મળે છે તેવા વેકિસનેશન સેન્ટરો પર વેકિસન ઉપલબ્ધ નથી એવું કહેવામાં આવે છે અને બીજી તરફ પ્રાઇવેટ હોસ્પિટલો લોકોને લૂંટી રહ્યાં છે. કરમની કઠણાઇ એવી છે કે સરકારે જ જગ્યા આપીને આવી વ્યવસ્થા શરૂ કરી છે. વેકિસન માટે ૧૮થી વધુની ઉંમરના લોકો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજીયાત બનાવ્યું છે પરંતુ તેમાં લોટરી સિસ્ટમ જેવું છે. સ્લોટ માટે નંબર લાગે તો ઠીક નહીં તો દિવસો સુધી રાહ જોવાની રહેશે. હોસ્પિટલોની સાથે સરકાર પણ લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહી છે. એક તરફ વેકિસન લેવા માટેનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે બીજીતરફ સેન્ટરો પર વેકિસન નથી. લોકો ડ્રાઇવ થ્રુ વેકિસન માટે કિલોમીટર લાંબી લાઇન લગાવી રહ્યાં છે. કોરોનામાં દર્દી માટે ખાનગી હોસ્પિટલોના ભાવ નિયંત્રિત નહીં કરાવી શકતી સરકારે ખાનગી હોસ્પિટલોને બિઝનેસ પ્લેટફોર્મ પૂરૃં પાડીને ગુજરાતીઓની સંવેદનાની ક્રુર મજાક કરી છે.

વાહ, ૨૧ કરોડનો પ્રોજેકટ ૫૧ કરોડનો બની ગયો

સરકારના વિભાગો કમાલ કરી રહ્યાં છે. લોકોના ટેકસના નાણાંનો દુરપયોગ અટકવાનું નામ લેતો નથી. એક એવો કિસ્સો સામે આવ્યો છે કે એક નાનકડા પ્રોજેકટમાં વિલંબ થતાં તેની કિંમત અઢી ગણી વધી ગઇ છે. ઉત્ત્।ર ગુજરાતના મહેસાણા શહેરમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે પાંચ વર્ષ પહેલાં ૨૧ કરોડ રૂપિયાના ખર્ચે એક પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ આ પ્રોજેકટ મેળવનાર મુંબઇની કંપનીએ કામગીરી શરૂ કરવામાં વિલંબ કર્યો હતો. એટલું જ નહીં, કામ છોડીને આ કંપની પલાયન થઇ ગઇ હતી તેથી મહેસાણાએ આ કંપનીનો પ્રોજેકટ રદ્દ કર્યો હતો. આ કંપનીને પ્રોજેકટના મહેનતા પેટે ૨૧ કરોડ રૂપિયા ચૂકવવાના થતાં હતા. હવે આ પ્રોજેકટ પૂર્ણ કરવાનું કામ દિલ્હીની એન્વાયરો ઇન્ફ્રા કંપનીને આપવામાં આવ્યું છે. આ કામ માટે કંપનીને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની ૫૧ કરોડ રૂપિયા ચૂકવી રહી છે. મહેસાણા નગરપાલિકાના ચીફ ઓફિસરે પણ કબૂલાત કરી છે કે આ પ્રોજેકટનો ખર્ચ ૫૧ કરોડ રૂપિયા થયો છે. સવાલ એ છે કે જયારે કોઇપણ પ્રોજેકટ માટે કંપની પસંદ કરવામાં આવે છે ત્યારે સરકાર એવા કયા નિયમો ટેન્ડરમાં મૂકે છે કે ટેન્ડર મેળવનાર કંપની કામ છોડીને જતી રહે છે છતાં તેની સામે પગલાં લઇ શકાતા નથી. લોકોની મહેનતની કમાણી જે ટેકસમાં જાય છે તેનો આ સદંતર દુરપયોગ છે.

પેટ્રોલ-ડીઝલ અને ખાદ્યતેલ હવે રાજકીય મુદ્દા નથી

રાજકીય નેતાઓ માટે પહેલાં પેટ્રોલ-ડીઝલ તેમજ ખાદ્યતેલોના ભાવવધારા એ અગત્યના મુદ્દા હતા પરંતુ હવે આ મુદ્દાથી નેતાઓએ પોતાની જાતને દૂર કરી હોય તેમ લાગે છે. મોંઘવારીમાં પિસાતો જતો મધ્યમવર્ગ અત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવવધારાથી ચિંતીત છે ત્યારે સરકાર બિન્દાસ છે. ગૌરવભેર કરી રહી છે કે પેટ્રોલિયમ પેદાશો પર લાદવામાં આવેલા વેરાથી સરકારની તિજોરી તરબતર થઇ છે. રાજયમાં ભાજપ જયારે વિપક્ષના સ્થાને હતું ત્યારે આ બન્ને મુદ્દે કોંગ્રેસની સરકારોને હંફાવી છે પરંતુ અત્યારે ભાજપ સત્તામાં છે ત્યારે તેના બઘાં નેતા ચૂપ થઇ ગયા છે. એવું કહેવાય છે કે આંદોલનકારી પાર્ટીના નેતાઓ સરકારમાં બેઠાં છે. બીજીતરફ કોંગ્રેસને ખરેખર વિરોધ કરતાં આવડતું નથી, કેમ કે પેટ્રોલ-ડીઝલ અને ખાદ્યતેલના ભવવધારા મુદ્દે કેન્દ્ર અને રાજય સરકારને ઘેરી શકાય છે છતાં વિપક્ષ પણ ચૂપ છે. મોંઘવારીનો માર લોકો સહન કરી રહ્યાં છે, પેટ્રોલ અને ડીઝલના ભાવ પ્રતિ લીટર ૧૦૦ રૂપિયા થવાની તૈયારી છે. સિંગતેલનો ડબ્બો ૩૦૦૦ની સપાટીએ પહોંચવાની તૈયારી છે. બજારમાં પ્રતિદિન પ્રત્યેક જીવન આવશ્યક ચીજવસ્તુ મોંઘી બની રહી છે. સરકારે એક વાત સમજવાની જરૂર છે કે જેટલી તીવ્ર ગતિએ મોંઘવારી વધે છે તેટલી તીવ્ર ગતિએ નોકરીયાત લોકોના પગાર વધતા નથી તેથી તેઓ તેમના પરિવારનું ગુજરાત બરાબર ચલાવી શકતા નથી. એક કર્મચારીએ કહ્યું હતું કે અમે હવે ઇલેકિટ્રક વાહનનો ઇન્તજાર કરી રહ્યાં છીએ, કેમ કે મોંઘા થયેલા પેટ્રોલ-ડીઝલના ભાવ અમને પોસાય તેવા રહ્યાં નથી.

ફાઇવસ્ટાર હોટલ ખૂલશે પણ મહેમાન કયાંથી આવશે?

ગાંધીનગરમાં રેલવે સ્ટેશન પર ઉભી કરવામાં આવેલી ફાઇવસ્ટાર હોટલ તૈયાર છે. રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ હોટલની કામગીરીનું અવલોકન કર્યું છે અને સૂચના આપી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરવા આવવાના હોવાથી આ હોટલનું કામ ઝડપથી પૂર્ણ કરો. અગાઉ મોદીનો કાર્યક્રમ એપ્રિલ મહિનામાં નિશ્ચિત થયો હતો પરંતુ કોરોના સંક્રમણની બીજી લહેરમાં તે મુલતવી રાખવામાં આવ્યો હતો હવે એવું કહેવાય છે કે સંક્રમણ ઘટશે તો જૂન મહિનામાં તેઓ ગાંધીનગર આવી શકે છે. સરકાર લોકો માટે હોટલનું ઓપનિંગ તો કરશે પરંતુ કોરોના સંક્રમણના સમયમાં મહેમાન કયાંથી આવશે તે મોટો પ્રશ્ન છે. વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ જયારે હશે ત્યારે આ ફાઇવસ્ટાર હોટલ ભરચક બની જશે પરંતુ ત્યારપછીના દિવસોમાં આ હોટલ માટે પ્રવાસી કે મહેમાન મળવા મુશ્કેલ છે. ગાંધીનગરમાં એક ફાઇવસ્ટાર હોટલ છે જેની ઓકયુપન્સી માત્ર ૨૫ થી ૩૫ ટકા છે. એવામાં સરકારે બનાવેલી આ ફાઇવસ્ટાર હોટલમાં ફુલ ઓકયુપન્સી થશે કે કેમ તેની રેલવે વિભાગને શંકા છે. આ હોટલનો સૌથી વધુ લાભ સરકારના વિભાગો તેમજ બોર્ડ-નિગમને મળી શકે તેમ છે, કારણ કે સરકારની બિઝનેસ ઉપરાંતની વિભાગીય બેઠકો આ હોટલમાં ગોઠવી શકાય છે. અત્યારે તે ફાઇવસ્ટાર હોટલ તૈયાર છે પરંતુ ફાઇવસ્ટાર પરિવારો ગાંધીનગરમાં વસતા નથી. સચિવાલયના કામ અર્થે બહારના કોઇ મુલાકાતીને રોકાવું હોય તો પહેલાં પ્રાઇવેટ હોટલ પસંદ કરતા હતા, હવે તેઓ મહાત્મા મંદિરની નજીકમાં ઉભી થયેલી હોટલ પસંદ કરશે તેવું લાગી રહ્યું છે.

સચિવાલયમાં કોરોના સંક્રમણનો ડર ઓછો થયો છે

સચિવાલયમાંથી હવે કોરોનાનો ડર ઓછો થયો છે. વેકિસનથી સજ્જ થયેલા કર્મચારીઓ ફરીથી કામે લાગ્યા છે. ડબલ માસ્ક પહેરીને ફરજ બજાવી રહેલા કર્મચારીઓ પહેલાની જેમ કેન્ટીનમાં નાસ્તો કરવા જાય છે. કર્મચારીઓ રિશેષમાં ચા ની લારી પર પણ જોવા મળી રહ્યાં છે. રાજયમાં કોરોના સંક્રમણના કેસો ઘટતાં રાજય વહીવટી તંત્રએ રાહતનો દમ લીધો છે. જો કે હજી આઇએએસ ઓફિસરો મુલાકાતીઓ માટે દ્વાર બંધ કરીને બેઠાં છે. વિભાગમાં કોઇ કામ લઇને આવેલા મુલાકાતીને ઝડપથી મુલાકાત મળતી નથી. ઓફિસના દરવાજે તમામ ઓફિસો સેનેટાઇઝરથી સજ્જ છે. શ્નમુલાકાતીઓ પર પ્રતિબંધ છેલૃ, શ્નમાસ્ક સિવાય પ્રવેશ કરવો નહીંલૃ, શ્નઅરજન્ટ કામ ન હોય તો મળવા માટે આવવું નહીંલૃ. એવા પોસ્ટર ચિપકાવી દેવામાં આવ્યા છે. સચિવાલયમાં મુલાકાતી ઉપરાંત સંસદસભ્યો અને ધારાસભ્યોની અવર-જવર પણ નિયંત્રિત જોવા મળી રહી છે. કોરોના સંક્રમણ થાય નહીં તે માટે વિભાગના વડાની ઓફિસના ટેબલ પર લગાવવામાં આવેલી પ્લાસ્ટીકની પારદર્શક આડશો દૂર થઇ નથી તેથી એવું કહી શકાય છે કે સચિવાલય કોરોનાની ત્રીજી લહેરની સંભાવના જોઇ રહ્યું છે. હજી વિભાગીય મિટીંગ કરવા પર નિયંત્રણ હોવાથી મોટાભાગના કામ મોબાઇલ ફોન અને સોશ્યલ મિડીયાના માધ્યમથી પૂરાં કરવામાં આવે છે. રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી વિકાસના પેન્ડીંગ કામો પર વધુ ધ્યાન આપી તેને ઝડપથી પૂર્ણ કરવાની સૂચના પણ આપી રહ્યાં છે.

-: આલેખન :-

ગૌતમ

પુરોહીત

gpurohit09@gmail.com

(10:06 am IST)