Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

સરકારી મહેમાન

ગુજરાતમાં શહેરોના ભણેલાં કરતાં ગામડાના અબોધ હોંશીયાર, કોરોના સંક્રમણને હંફાવે છે

એક ખેડૂતે ૧૫ વર્ષની મહેનત પછી એવો આંબો વાવ્યો છે કે જેની કેરી બારેમાસ ખાવા મળે છે : ૧૫.૭૫ કરોડ લોકો કોરોના સંક્રમિત : ભારત વિશ્વમાં બીજા ક્રમે, ગુજરાત સમગ્ર દેશમાં ૧૧માં ક્રમે : દર મહિને ગુજરાત સહિતના રાજયોમાં પ્રતિ ૧૦ વ્યકિતએ ચાર લોકો પોતાની નોકરી ગુમાવે છે

શહેરોમાં ફેલાયેલું કોરોના સંક્રમણ ગામડાઓમાં ફેલાશે ત્યારે દેશમાં હાહાકાર મચી જશે તેવી દહેશત સાચી પડી છે, ગામડાઓમાં કેસ વધવાનું કારણ શહેરીજનોનું વતનમાં સ્થળાંતર છે. શહેરોમાં વધતા કેસોથી ગભરાઇને પરિવારો ગામડાઓમાં જઇને વસ્યા છે અને તેમણે સ્વચ્છ અને નિર્મળ ગામડાઓમાં સંક્રમણ વધાર્યું છે. કહેવત છે કે ભણેલા વ્યકિત કરતાં અભણમાં ચતુરાઇ વધારે હોય છે... આજે શહેરો કરતાં ગામડાં કોરોના સંક્રમણ સામે વધારે સચેત બન્યાં છે. સૌથી વધારે બેદરકારી શહેરોમાં જોવા મળી રહી છે પરંતુ ગામડાઓમાં લોકો નિયમોનું કડક પાલન કરતા હોય છે. 'મારૃં કામ કોરોના મુકત ગામ' નામનું અભિયાન શરૂ થયું તે પહેલાં રાજયના ૧૦૦૦થી વધુ ગામોએ સાવચેતીના પગલાં લેવાનું શરૂ કર્યું હતું. આવું જ એક ગામ વડોદરાનું અંકોડિયા છે. પાંચ હજારની વસતીમાં માત્ર પાંચ વ્યકિત કોરોના પોઝિટીવ છે. આ ગામમાં સંક્રમણ રોકવા માટે ૨૮ સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા છે. માસ્ક વિના ફરે તે વ્યકિતને ૨૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. આ ગામમાં ૧૦ બેડનું કોવિડ સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું છે જેમાં સંક્રમિત વ્યકિતને બે ટાઇમ ભોજન અને નાસ્તો મળી રહે છે. આ ગામને એક એમ્બ્યુલન્સ દાનમાં મળી છે. ગામની સ્કૂલમાં જ કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યું છે જેમાં નર્સ અને આશા વર્કર દવાઓ સાથે મોજૂદ હોય છે. રાજયના આરોગ્ય વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારમાં લોકોને શુદ્ઘ અને તાજી હવા મળતાં ઓકિસજનનું પ્રમાણ વધારે હોય છે. આ કારણોસર રાજયના જંગલ વિસ્તાર અને આદિવાસી વિસ્તારોના ગામડાઓમાં કોરોના સંક્રમણનું પ્રમાણ નહીંવત છે.

એક એવો આંબો કે જે બારેય મહિના કેરી આપશે...

અત્યારે કેરીની મોસમ છે. સામાન્ય રીતે ૫૫ દિવસ સુધી કેરી ખાવા મળતી હોય છે. કોરોના સંક્રમણના સમયમાં લોકો કેરી શોધી રહ્યાં છે ત્યારે અચરજ પમાડે તેવું એક સંશોધન ધ્યાને આવ્યું છે. રાજસ્થાનના એક ખેડૂતે એવો આંબો વિકસાવ્યો છે કે જેની કેરી બારેય મહિના મળી શકે છે. આંબાની મોટાભાગની જાત વર્ષમાં એક જ વખત ફળ આપે છે પરંતુ આ સદાબહાર જાત બારેય મહિના કેરી આપે છે. રાજસ્થાનના કોટા જિલ્લાના ગિરધરપુરના ખેડૂત વૈજ્ઞાનિક શ્રીકિશન સુમન છેલ્લા ૧૫ વર્ષથી સંશોધનમાં કાર્યરત છે. તેમણે આ કલમને વલસાડ, નવસારી, વડોદરા, હિંમતનગર, સુરત અને અમદાવાદમાં કેટલાક ખેડૂતોને આપી છે. તેઓ કહે છે કે ગુલાબના એક છોડ પર સાત રંગના ગુલાબ જોયા ત્યારે એવો આંબો વિકસાવવાનો વિચાર આવ્યો હતો. આ કલમને ગરમી, ઠંડી કે મોસમની કોઇ અસર થતી નથી. શ્રીકિશન સુમને પહેલાં પોતાના ખેતરમાં દેશી કેરી વાવી હતી જે ત્રણ થી ચાર વખત પાકતી હતી. તેમણે આવી જાતને એકત્ર કરી પાંચ કલસ્ટર તૈયાર કરી વિકસાવી હતી. તેમને પરિણામ ૧૫ વર્ષ પછી મળ્યું છે. આ જાતને તેમણે સદાબહાર નામ આપ્યું છે. આ જાત આખું વર્ષ ફળ આપે છે.આખા દેશમાં તેમણે ૮૦૦૦ રોપા આપ્યાં છે. તેમની આ જાતને નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન દ્વારા માન્યતા પણ મળી છે.

ભારત વિશ્વમાં બીજા, ગુજરાત દેશમાં ૧૧મા સ્થાને

વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના કુલ ૧૫.૭૫ કરોડ સંક્રમિત થયા છે. કુલ મોતનો આંકડો ૩૨.૮૪ લાખ થાય છે, જો કે ૧૩.૫૦ કરોડ લોકો રિકવર થયા હોવાની વિગતો પ્રાપ્ત થયેલી છે. વિશ્વના દેશોમાં સૌથી વધુ કેસો હોય તેવા પાંચ દેશોમાં અમેરિકા (૩.૩૪ કરોડ), ભારત (૨.૧૮ કરોડ), બ્રાઝીલ (૧.૫૦ કરોડ), ફ્રાન્સ (૫૭.૪૭ લાખ) અને તુર્કી (૪૯.૯૮ લાખ)નો સમાવેશ થાય છે. કોરોના સંક્રમણથી થયેલા મૃત્યુમાં ૫.૯૧ લાખ સાથે અમેરિકા પહેલું છે જયારે ૨.૩૯ લાખ સાથે ભારત બીજાનંબરે આવે છે. ભારતના પાડોશી દેશ ભૂતાનમાં છેલ્લા સવા વર્ષમાં માત્ર ૧૧૯૦ કેસ થયાં છે અને માત્ર એક જ દર્દીનું મોત થયું છે. ભારતમાં કોરોનાના કારણે રિકવર થયેલા દર્દીઓની સંખ્યા ૯૯ ટકા છે જયારે માત્ર એક ટકા દર્દીઓ મૃત્યુ પામ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧.૯૦ કરોડ લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો છે. કુલ પાંચ લાખ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. એકિટવ કેસની સંખ્યા ૧.૪૬ લાખ જોવા મળી છે. રાજયમાં કુલ ૮૧૫૪ લોકોના મોત થયાં છે. કોરોના સંક્રમણના સૌથી વધુ ૫૦ લાખ જેટલા કેસો એકલા મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે. બીજાક્રમે ૧૮.૩૮ લાખ સાથે કર્ણાટક અને ૧૮.૨૪ લાખ સાથે કેરાલા ત્રીજાસ્થાને છે. દેશના રાજયોમાં ગુજરાતનો ક્રમ ૧૧જ્રાટ છે કે જયાં કુલ કેસોની સંખ્યા ૬.૫૮ લાખ જોવા મળી છે. ગુજરાતમાં સૌથી વધુ ટેસ્ટ અને સૌથી વધુ કેસ ગીચ વસતી ધરાવતા અમદાવાદમાં નોંધાયા છે. બીજોક્રમ સુરતનો આવે છે.

રાજાશાહીના પ્રતિકને પોલીસ વિભાગે ટકાવી રાખ્યા છે...

રાજાશાહીનું પ્રતિક ગણાતા અશ્વની સંખ્યા ધીમે ધીમે ઓછી થતી જાય છે પરંતુ ગૃહ વિભાગમાં અશ્વની માવજત કાબિલેદાદ જોવા મળી રહી છે. સરેરાશ ૨૫ થી ૩૦ વર્ષનું આયુષ્ય ધરાવતા અશ્વ પ્રતિ કલાક ૮૮ કિલોમીટરની ગતિથી દોડતા હોય છે. અશ્વના લગાવને ધ્યાને રાખીને ગૃહ વિભાગ દ્વારા અમદાવાદમાં અશ્વ કેમ્પ ખાતે અશ્વ તાલીમ શાળા ઉપરાંત હોર્સ રાઇડિંગ કલબ ફરીથી શરૂ કરવામાં આવી છે. આ પ્રકારની કલબ અને સ્કૂલ રાજયના ૧૩ જિલ્લામાં ચાલી રહી છે, જેમાં ત્રણ મહિનાનો બેઝિક અને ત્રણ મહિનાનો એડવાન્સ તાલીમ અને કોર્સ રાખવામાં આવ્યો છે. આ જગ્યાએ તાલીમ લઇને અશ્વપાલનની જવાબદારી અદા કરી શકાય છે. પોતાની કારકિર્દીનો મહત્ત્।મ સમય અશ્વ માટે ખર્ચનારા પોલીસ ઇન્સ્પેકટર એમએસ બારોટ કહે છે કે અશ્વ લાગણીશીલ હોય છે. રાજી પણ થાય છે અને નારાજ પણ થતા હોય છે. મને બાળપણથી ઘોડેસવારીનો શોખ હોવાથી મેં માઉન્ટેડ પોલીસમાં જોડાવા માટે અરજી કરી હતી. પોલીસ વિભાગના અશ્વદળમાં અત્યારે ૬૦૩ અશ્વ છે અને બીજા ૧૩૫ નવા ઉમેરવામાં આવશે. હોર્સ સ્પર્ધામાં ભાગ લઇને એમએસ બારોટે અત્યાર સુધીમાં નવ ગોલ્ડ, ચાર સિલ્વર અને છ બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. પોલીસના અશ્વના નામ પણ તેજીલા છે. શૂન્ય, વિજય, જયોતિ, અક્ષર, અક્ષત, માણકી, કરિશ્મા અને વિરાટ જેવા નામો અમદાવાદ હોર્સ રાઇડિંગ કલબમાં નોંધાયેલા છે. મહત્વનું છે કે ગુજરાતમાં હાલ અશ્વની સંખ્યા ૬.૨૦ લાખ થી ઘટીને ૩.૪૦ લાખ થઇ ગઇ છે. પશુપાલન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે રાજયમાં બ્રીડીંગના અભાવે અશ્વની સંખ્યામાં સાત વર્ષમાં ૪૫.૫૮ ટકાનો ઘટાડો થયો છે તેથી અમે કાઠીયાવાડી ઓલાદ માટે બ્રીડર એશોસિયેશનની સ્થાપના કરી છે.

પ્રતિમાસ ૧૦ પૈકી ચાર લોકો નોકરી ગુમાવી રહ્યાં છે

એક એવું ચોંકાવનારૃં સર્વેક્ષણ બહાર આવ્યું છે કે કેન્દ્રની નીતિઓના કારણે દેશમાં ઉદ્યોગપતિઓની સંપત્ત્િ।માં વધારો નોંધાયો છે. ભારતના એક ટકા સૌથી વધુ શ્રીમંત લોકો પાસે દેશની ઓછી આવક ધરાવતી ૭૦ ટકા વસતીની કુલ સંપત્ત્િ।થી ચારગણી કે તેથી વધુ સંપત્ત્િ। છે. વિકાસની અનેક વાતો વચ્ચે દેશની બહુધા સંપત્ત્િ। થોડાં લોકોના હાથમાં સરકી ગઇ છે. દેશમાં બેન્કીંગ સેકટરમાં કોઇ આંતરપ્રિનિયોર કે નવા ઔદ્યોગિક સાહસિકની શું હાલત થાય છે તેના પર એક ડોકયુમેન્ટરી બનાવવાની આવશ્યકતા છે. મહત્વની બાબત એવી છે કે દેશના અર્થતંત્રમાં જેનું ૬૦ ટકા જેટલું યોગદાન હતું એ લધુ ઉદ્યોગો હવે ખૂણામાં આવી ગયા છે. અહેવાલ પ્રમાણે ભારતની ૭૦ ટકા સંપત્ત્િ। એક ટકા અમીર લોકો પાસે છે. દેશ છેલ્લા સવા વર્ષથી કોરોના સંક્રમણનો ભોગ બની રહ્યો છે ત્યારે લોઅર મિડલ કલાસ ગરીબ અને અપર મિડલ કલાસ લોઅરમાં પ્રવેશી ચૂકયો છે જે દેશ માટે સૌથી મોટો ખતરો છે. દેશમાં ૭૫ ટકા એવા લોકો છે કે જેમની આર્થિક હાલત છેલ્લા બે વર્ષમાં કથળી છે. સૌનો સાથ સૌનો વિકાસના સૂત્ર સાથે શાસન કરી રહેલા શાસકોએ સામાન્ય જનતાને આપેલું આ સૌથી મોટું આશ્યર્ય છે. કોરોના સંક્રમણના કારણે પ્રતિ માસ ૧૦ પૈકી ચાર મિડલકલાસ મેન નોકરી અને તેની આવક ગુમાવી રહ્યો છે જેની સામે મહામારીના કારણે દેશની ફાર્મા કંપનીઓને ઘી-કેળાં થઇ રહ્યાં છે. અમીર પરિવારોનો એક નવો વર્ગ વધતો જોવા મળી રહ્યો છે, કારણ કે હાલ કોરોના સંક્રમણના વાવાઝોડામાં દવા અને મેડીકલ ફેસેલિટી સિવાય કોઇ બિઝનેસ ટકી શકયા નથી.

લોકડાઉનથી કોરોના નહીં, લોકો અટકી જતા હોય છે

કોરોના સંક્રમણની ચેઇનને તોડવા માટે લોકડાઉન એકમાત્ર ઉપાય છે તેવું તબીબી નિષ્ણાંતો અને બુદ્ઘિજીવી વર્ગ માને છે પરંતુ લોકડાઉન એ સમસ્યાનું સમાધાન નથી પરંતુ તેનાથી લોકોની હાલાકીમાં વધારો થાય છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી રાત્રી કરફયુનો અમલ શરૂ કરવામાં આવ્યો છે તેમ છતા કેસ અટકી રહ્યાં નથી. લોકોના ધંધા-રોજગાર ચોપટ બન્યાં છે. લોકડાઉન એ કોરોના અટકાવવાનો છેલ્લો ઉપાય નથી તેવું અગાઉ પણ સિદ્ઘ થઇ ચૂકયું છે. જયાં સુધી રાજકીય નેતાઓ અને જાહેર જનતામાં જાગૃતિ નહીં આવે ત્યાં સુધી કોરોના કેસ અટકી શકવાના નથી. કોરોનાની બીજી લહેર વધુ જોખમી બની છે ત્યારે દેશના સાત જેટલા રાજયોએ સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે પરંતુ ગુજરાત હજી લોકડાઉન કરવા માગતું નથી, કેમ કે અર્થતંત્ર અને લોકોને તેનાથી પારાવાર નુકશાન થાય છે. ગુજરાતમાં હાલ આંશિક લોકડાઉન ચાલી રહ્યું છે જેમાં ઉદ્યોગ-વ્યાપાર બંધ છે પરંતુ ૫૦ ટકાની સ્ટ્રેન્થ સાથે સરકારી અને પ્રાઇવેટ ઓફિસો ચાલી રહી છે. સામાન્ય વર્ગ માને છે કે લોકડાઉન કરવાથી કોરોના તો અટકવાનો નથી પરતુ લોકો જરૂર અટકી જશે. ગુજરાતના પાડોશી રાજય મધ્યપ્રદેશ અને રાજસ્થાને સંપૂર્ણ લોકડાઉન કર્યું છે પરંતુ જો ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આવી ભૂલ કરશે તો લાખો લોકો ફરીથી બેરોજગાર થવાની દહેશત છે.

-: આલેખન :-

ગૌતમ

પુરોહીત

gpurohit09@gmail.com

(9:47 am IST)