Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

સરકારી મહેમાન

સરકારી જોબમાં ગિફટ, રાજકારણ, પ્રલોભન અને સ્નેહીને નોકરીની ભલામણ પ્રતિબંધિત

નિયત રકમથી વધુની ખરીદી કરી હોય તો વિભાગને જાણ કરવી, ત્રાહિત પાસેથી નાણાં નિશેષ : મહિલા કર્મચારીની સતામણી ના કરો, સટ્ટો રમો નહીં, ઉછીનું આપો કે લો નહીં, દહેજ લેવું નહીં : રાજય સેવા વર્તણૂક નિયમો ૧૯૭૧માં વર્ગ-૧ થી વર્ગ-૪ સુધીના અધિકારી-કર્મચારી માટે આદેશ

ગુજરાત સરકારના અધિકારીઓ તેમજ કર્મચારીઓ માટે શિસ્તના કેટલાક નિયમો બનાવવામાં આવેલા છે પરંતુ હાલના સમયમાં તેનું પાલન થતું નથી. સરકારમાં જે નિયમ બનાવવામાં આવેલા છે તેનો સદાય ભંગ થતો જોવા મળતો હોય છે. રાજકારણમાં જોડાવું નહીં કે રાજનીતિ કરવી નહીં તેવી સ્પષ્ટ સૂચના હોવા છતાં સત્તાધારી પાર્ટીની સરકારનું ખાનગીમાં કામ થાય છે. મહિલા કર્મચારીની સતામણી કરવી નહીં તેવું લખેલું છે છતાં તે થાય છે. ફાઇલ અને કામગીરીની ગુપ્તતા જાળવવાના તો સોગંધ લેવામાં આવે છે છતાં કોર્પોરેટ પ્રતિનિધિઓ તેમજ જે લોકો રૂપિયા આપે છે તેમની સામે સરકારની ગુપ્ત બાબતોને ખોલી દેવામાં આવે છે. સરકારે આવા તમામ નિયમોનું કડકાઇથી પાલન કરવું જોઇએ.

વર્ગ-૧ થી વર્ગ-૪ના કર્મચારીને લાગુ પડતા નિયમો...

સરકારી નોકરીમાં જોડાયા પછી કેટલાક પાઠ ભણાવવામાં આવે છે અને સરકારી નોકરી માટે નિયમોના મોડ્યુલ્સ બહાર પાડવામાં આવ્યા છે છતાં તેને વાંચવાની તસદી કોઇ અધિકારી કે કર્મચારી લેતો નથી, પરિણામે આ નિયમો બુકલેટમાં બંધ પડી રહે છે. આ સમયમાં  જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીના ડેપ્યુટી રજીસ્ટ્રાર ડો. એકે જાડેજાએ ગુજરાત રાજય સેવા વર્તણૂક નિયમો ૧૯૭૧ની તમામ સરકારી અધિકારી તેમજ કર્મચારીઓને સમજ આપતી નોટ તૈયાર કરી છે જે સરકાર અને તમામ સરકારી નોકરની આંખ ખોલે તેવી છે. જો નિયમો પ્રમાણે વર્તન થાય તો સરકારી વિભાગોમાં અસલી કર્મયોગી જોવા મળી શકે છે. ગુજરાત સરકારના તમામ કર્મચારીઓ કે જેઓ વર્ગ-૧ થી વર્ગ-૪માં આવે છે તેમને આ નિયમો લાગુ પડે છે. આ નિયમો અખિલ ભારતીય સેવાના અધિકારીઓ જેવાં કે આઇએએસ, આઇપીએસ અને આઇએફએસ અધિકારીઓને લાગુ પડતા નથી, કેમ કે તેમના માટે ભારત સરકારે નિયમો બનાવ્યા છે. આ નિયમો પંચાયત સેવાના કર્મચારીઓને પણ લાગુ પડતા નથી. પંચાયતમાં સેવા નિયમો ૧૯૯૮ લાગુ પડે છે.

મહિલા કર્મચારીની જાતિય સતામણી થઇ શકે નહીં...

પ્રત્યેક કર્મચારી પ્રામાણિક રહેશે. ફરજ પ્રત્યે નિષ્ઠા દાખવશે. સરકારી કર્મચારીને છાજે નહીં તેવું વર્તન કરી શકશે નહીં. આ ત્રણ બાબતો વર્તણૂક નિયમોનો હાર્દ છે. પ્રત્યેક કર્મચારી પોતાની ફરજમાં આવતું કામ કરવા બંધાયેલો છે અને તેના માટે સરકાર તેને પગાર અને ભથ્થાં આપે છે. ત્રાહિત વ્યકિત પાસેથી તે રોકડ કે અન્ય વસ્તુના સ્વરૂપમાં કંઇ માગી શકે નહીં. કર્મચારીએ વારંવાર રજાઓ રાખીને ગેરહાજર રહેવું ન જોઇએ. પ્રત્યેકે તેમની સમયમર્યાદામાં કામ કરવાનું છે. તેમને મળેલી સત્તાનો ઉપયોગ સ્વવિવેક અનુસાર કરવાનો રહેશે. તેમણે કોઇ કામ વિલંબમાં નાંખવાનું નથી. કોઇપણ કર્મચારી મહિલાની જાતિય સતામણી કરી શકશે નહીં. કામના સ્થળે સહ કર્મચારી મહિલા હોય તો તેમની સાથે તેણે યોગ્ય વર્તણૂક કરવાની રહેશે. જાતીય સતામણી એટલે શારીરિક સ્પર્શ થઇ શકે નહીં, જાતીય સંમતિ માટે માગણી કરી શકાય નહીં, ઉત્તેજનાવાળી ચેષ્ટા કરવી જોઇએ નહીં, અશ્લિલ સાહિત્ય બતાવવું જોઇએ નહીં તેમજ શારીરિક, મૌખિક કે ઇશારાથી કરેલું અણછાજતું વર્તન પણ ગુનો બને છે.

વગનો ઉપયોગ ના થાય, રાજનીતિથી દૂર રહેવું પડે...

સરકારી સહાય મેળવતી અથવા જેની સાથે સરકારી કામકાજ રહેતું હોય તેવી ખાનગી સંસ્થામાં પોતાના સગાને નોકરીમાં રખાવવામાં પોતાના હોદ્દાનો ઉપયોગ કરવો નહીં. આવી કોઇ સંસ્થા કે કંપની કે પેઢીમાં પોતાના પુત્ર કે પરિવારના સભ્યને નોકરી મળે તો તે સ્વિકારતા પહેરતાં વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીની પૂર્વમંજૂરી મેળવવી પડશે. સરકારી કર્મચારીના કોઇ પરિવારજન ખાનગી સંસ્થા કે કંપનીમાં નોકરી કરતાં હોય તેવી કંપની સાથે કોઇપણ એગ્રીમેન્ટ કરી શકાશે નહીં. કોઇપણ સરકારી અધિકારી કે કર્મચારી ચૂંટણીમાં ઉમેદવારી કરી શકશે નહીં. કોઇપણ પક્ષનું ચિન્હ શરીર પર કે વાહન પર રાખી શકશે નહીં. રાજકીય પાર્ટીનો સભ્ય બની શકતો નથી. રાજકીય પક્ષને ફાળો આપી શકે નહીં કે તેના માટે ઉઘરાવી શકે નહીં. સરકારને ઉથલાવવાના કામમાં પરિવારનો કોઇ સભ્ય ભાગ લેતો હોય તો તેને અટકાવવો જોઇએ અથવા તો સરકારને જાણ કરવાની રહેશે. સલામતી જોખમાય તેવી હડતાલમાં તે જોડાઇ શકે નહીં. દેશના સાર્વભૌમત્વ કે એકતાને નુકશાન થાય તેવા કોઇપણ મંડળમાં જોડાઇ શકાય નહીં.

ભેટ પ્રતિબંધિત, મોંઘુ આતિથ્ય સ્વિકારી શકે નહીં...

સરકારની મંજૂરી વિના અખબાર કે સામયિકની માલિકી ધરાવી શકે નહીં કે ભાગીદાર બની શકે નહીં. મંજૂરી વિના પોતાના નામ કે ઉપનામથી કંઇ લખી શકાય નહીં. પુસ્તક પ્રગટ કરી શકાય નહીં. રેડિયો પ્રસારણમાં ભાગ લઇ શકે નહીં. જો કે સરકારની મંજૂરી વિના કર્મચારીનું સાહિત્ય સાહિત્યિક, કલા વિષયક કે વૈજ્ઞાનિક પ્રકારનું હોય તો પ્રગટ કરાવી શકશે. કોઇપણ સરકારી કર્મચારી સરકારની જાહેરમાં ટીકા કરી શકે નહીં. કોઇપણ ઉદ્દેશ માટે ફાળો માગી શકે નહીં કે સ્વિકારી શકે નહીં તેમજ આવી કામગીરીમાં પરોક્ષ રીતે મદદ પણ કરી શકાશે નહીં. જો સરકાર મારફતે કોઇ ફાળો શરૂ કરવામાં આવ્યો હોય અને જવાબદારી સોંપવામાં આવી હોય તો તે ફાળો લઇ શકશે. સરકારમાં કોઇ ભેટ કે સોગાદ મેળવી શકાતી નથી. બહારના મુલાકાતીઓ કે ઉદ્યોગજૂથના પ્રતિનિધિઓ જે તે અધિકારીને વાહન સુવિધા, મફત ભોજન, રહેઠાણ, ખર્ચાળ આતિથ્ય, રૂપિયા કે વસ્તુ આપે તેને ભેટ કહેવાય છે અને તે લઇ શકાય નહીં. કર્મચારી પોતાના સગા કે આમંત્રિત પાસેથી ભેટ સ્વિકારી શકે છે પરંતુ તેની મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેવી કે લગ્ન પ્રસંગે વર્ગ પ્રમાણે કર્મચારી કે અધિકારી ૧૦૦ થી ૭૦૦૦ રૂપિયા સુધીની ગિફટ સ્વિકારી શકે. જન્મદિન પ્રસંગે ૫૦૦ થી ૧૫૦૦ સુધીની ગિફટ મેળવી શકે પરંતુ તે રકમથી વધુની ગિફટ સ્વિકારવી હોય તો સરકારને જાણ કરવાની રહે છે.

દહેજની બાબતમાં સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવેલો છે

કોઇપણ અધિકારી દહેજ આપી શકે નહીં કે લઇ શકે નહીં. સીધી કે આડકતરી રીતે માંગણી પણ કરી શકે નહીં. દહેજ આપવામાં કે લેવામાં કોઇને મદદ પણ કરી શકાય નહીં. પોતાના માનમાં યોજવામાં આવેલા સત્કાર સમારંભમાં હાજરી આપી શકાય નહીં. અભિનંદન કે વિદાયનું પ્રમાણપત્ર સ્વિકારી શકે નહીં પરંતુ બિનખર્ચાળ સમારંભ હોય તો હાજરી આપી શકે. બદલી, બઢતી કે નિવૃત્ત્િ। વખતે યોજાયેલા ખાનગી સમારંભમાં હાજરી આપી શકાશે પરંતુ કર્મચારીઓનો ફાળો ઉઘરાવીને સમારંભ યોજી શકાય નહીં. કોઇપણ સરકારી નોકર પૂર્વ મંજૂરી વિના ધંધા કે વ્યાપારમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાઇ શકે નહીં. અન્ય કોઇ રોજગાર કે નોકરી લઇ શકે નહીં. પરિવારના સભ્યની માલિકીની એજન્સીનો પ્રચાર કરી શકે નહીં. પત્ની અથવા પરિવારની વ્યકિત દ્વારા શરૂ કરાયેલા બિઝનેસમાં નાણાં આપી શકે નહીં. સામાજીક કે સખાવતી પ્રકારનું માનદ કામ લઇ શકાય છે. સરકારી કર્મચારીઓના લાભ માટેની સહકારી મંડળી ઉભી કરવામાં અથવા વહીવટ કરવામાં ભાગ લઇ શકાય છે. પોતાની સરકારી ફરજ અદા કરવી વખતે કરેલા કાર્યો કે ચારિત્ર્ય અંગે જયારે ત્રાહિત વ્યકિત તરફથી બદનક્ષીભર્યા આરોપ મૂકવામાં આવે ત્યારે તે નિર્દોષ સિદ્ઘ કરવા માટે કોઇપણ સરકારી નોકર અદાલત કે અખબારનો આશરો લઇ શકે છે. પોતાની કચેરીની કોઇપણ મિલકત ખરીદવા અથવા હરાજીમાં ભાગ લઇ શકશે નહીં.

શેર-સટ્ટામાં રોકાણ નહીં, મિલકત લે-વેચમાં પાબંધી

શેર કે સટ્ટામાં રોકાણ હરગીજ કરી શકાય નહીં. કોઇને રોકાણ ઉછીના આપી શકાય નહીં કે લઇ શકાય નહીં. અંગત બાબતોની વ્યવસ્થા એવી રીતે કરવી જોઇએ કે જેથી દેવું કે નાદારી નિવારી શકાય. જો નાદાર જાહેર થાય તો ૫૦ ટકા પગાર કાપ, સંપૂર્ણ પગાર બંધ કે નોકરીમાંથી દૂર સુધીના પગલાં લઇ શકાય છે. કોઇપણ સરકારી નોકરને તેની સામે થયેલી ફોજદારી અથવા તો દિવાની કાર્યવાહીની સરકારને જાણ કરવાની રહે છે. પ્રત્યેક અધિકારી કે કર્મચારીએ નિયત સમયમાં સરકારને જંગમ, સ્થાવર કે કિમતી મિલકતોની તમામ માહિતી આપવાની રહે છે. આ માહિતી નોકરીમાં જોડાયા પછીના તબક્કાવાર વર્ષે આપવી પડતી હોય છે. મિલકત ગમે તે સ્વરૂપે ખરીદે અથવા તો વેચે ત્યારે સરકારને જાણ કરવી પડે છે. મિલકતની લે-વેચ અમુક રકમથી વધે તો સરકારને બે મહિનામાં જાણ કરવી પડે છે. વર્ગ પ્રમાણે ૧૦,૦૦૦ થી ૨૫૨૦૦ રૂપિયા સુધીની રકમ સરકારે ઠેરવી છે. આ રકમ કરતાં ઓછી રકમની લે-વેચ થઇ હોય તો જાણ કરવાની રહેતી નથી પરંતુ વધુ રકમની લે-વેચ થાય તો અવશ્ય સત્તાધિકારીને જાણ કરવી પડે છે.

બીજું લગ્ન કરી શકે નહીં, ત્રણ થી વધુ બાળકો નહીં

પોતાની નોકરીને લગતી કોઇપણ બાબત અંગે અથવા પોતાનું હિત પાર પાડવા માટે બિન સરકારી કે બહારની વ્યકિતની વગનો ઉપયોગ કરી શકાય નહીં. જેમ કે સંસદસભ્ય અથવા ધારાસભ્યનો સંપર્ક કરી શકે નહીં. કોઇપણ કોમી સંસ્થાનો સભ્ય બની શકે નહીં. ગ્રંથાલય, હોસ્પિટલ અને સ્કૂલ કે અન્ય પ્રવૃત્ત્િ। સાથે પોતાનું કે પરિવારના સભ્યનું નામ જોડી શકાતું નથી. મુસ્લિમ ધર્મ સિવાય પરણિત અધિકારી કે કર્મચારીએ એક લગ્ન કર્યું હોય તો બીજું લગ્ન કરી શકતો નથી. અપરણિત કર્મચારી અન્ય વ્યકિત કે જેનો પતિ કે પત્ની હયાત હોય તેવી વ્યકિત સાથે લગ્ન કરી શકતો નથી. દરેક સરકારી અધિકારી કે કર્મચારી તેમના બાળકોની સંખ્યા ત્રણ કરતાં વધુ રાખી શકે નહીં. સરકારી નોકર માટે નાનું કુટુંબ રાખવા અંગેનો નિયમ ૧૬મી ઓકટોબર ૧૯૭૬થી અમલમાં આવેલો છે.

-: આલેખન :-

ગૌતમ

પુરોહીત

gpurohit09@gmail.com

(10:51 am IST)