Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ચોટીલામાં ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિની ઉજવણી : ભાવાંજલિ અર્પણ

રાજકોટ શહેરના સયુકત પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિક્ષક મનીન્દર પ્રતાપ સિંહ પવાર, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીની વિશેષ ઉપસ્થિતિઃ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કાર્યક્રમને ઉત્સાહભેર માણ્યો : 'મેઘાણી વંદના'માં ખ્યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, ધીરૂભાઈ સરવૈયા, પંકજ ભટ્ટ, રાધાબેન વ્યાસ, નીલેશ પંડ્યા અને ઋષભ આહીરે મેઘાણી-ગીતોની રમઝટ બોલા

રાજકોટ તા. ૨૯ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૨મી જન્મજયંતી એમની જન્મભૂમિ ચોટીલા ખાતે ત્રિવિધ ભાવાંજલિ કાર્યક્ર્મો યોજાયા.

સતત નવમા વર્ષે 'મેઘાણી વંદના' (કસુંબલ લોકડાયરા)નું ભવ્ય આયોજન થયું. નવી પેઢી આપણાં ગૌરવવંતા સાહિત્ય-લોકસાહિત્ય-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય એ આશયથી ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક આયોજન કરાયું હતું. 

મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કાર્યક્ર્મને ઉત્સાહભેર માણ્યો હતો. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, રાજકોટ શહેરના સયુકત પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી (આઈપીએસ), સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિક્ષક મનીન્દર પ્રતાપ સિંહ પવાર (આઈપીએસ), નાયબ પોલીસ અધિક્ષક (લીંબડી) પ્રદીપસિંહ જાડેજા, ચોટીલા પીઆઈ પી.ડી. પરમાર, પીએસઆઈ આઈ.કે. શેખ અને જે.જે. ચૌહાણ તથા પોલીસ-પરિવાર, મહંત પરિવારના જગદીશગીરી બાપુ, ચોટીલા એજયુકેશન એન્ડ ચેરીટી ટ્રસ્ટના કિરીટસિંહ રહેવર (મામા) અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અગ્રણીઓ ભૂપતભાઈ ખાચર, શૈલેષભાઈ ઉપાધ્યાય, હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદીપભાઈ ખાચર, ધીરૂભાઈ ડોબરીયા, સુરેન્દ્રનગર જિલ્લા ગ્રંથપાલ લલિતભાઈ મોઢ અને ચોટીલા મદદનીશ ગ્રંથપાલ વિમલભાઈ ગોસ્વામી, ૧૯૮૮-૮૯ના 'ભારત જોડો' અરૂણાચલથી ઓખા ૯૦૦૦ કિ.મી.ની ઐતિહાસિક સાયકલ યાત્રાનાં સાયકલ-વીરો રાજેશભાઈ ભાતેલીયા, વંદનાબેન ગોરસિયા-ધ્રુવ અને નયનાબેન પાઠક-જોષી, ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ગોવિંદસંગભાઈ ડાભી (રાણપુર), ઘરશાળાનાં તૃપ્તિબેન આચાર્ચ-શુકલ (સુરેન્દ્રનગર-વઢવાણ), શૈલેષભાઈ સાવલિયા (અમદાવાદ), જતીનભાઈ ઘીયા (અમદાવાદ), વાલજીભાઈ પિત્રોડા (રાજકોટ) સહિત વિવિધ ક્ષેત્રોનાં અગ્રણીઓ, મેઘાણી-ચાહકો, શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. વિશ્વભરમાં વસતાં ૭૮૦૦૦ જેટલાં ભાવિકોએ આ સ્વરાંજલિ કાર્યક્રમને ઈન્ટરનેટ પર પણ માણ્યો હતો. સહુ વિદ્યાર્થીઓને સુરક્ષા સેતુ સોસાયટી – સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા ક્રીમ-બિસ્કીટ અપાયાં હતાં.     

ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ, નીલેશ પંડ્યા અને ઋષભ આહીરે ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવી હતી. સુપ્રસિધ્ધ લોકકલાકાર-હાસ્યકાર ધીરૂભાઈ સરવૈયા, પોતાની આગવી શૈલીમાં, ઝવેરચંદ મેઘાણીનાં જીવન-કવન વિશે રસપ્રદ અને માહિતીસભર વાતો કરી હતી. જાણીતા સંગીતકાર પંકજ ભટ્ટનું સૂરીલું સંગીત નિયોજન હતું. કસુંબીનો રંગ, મોર બની થનગાટ કરે, શિવાજીનું હાલરડું, ચારણ-કન્યા, ભેટ્યે ઝૂલે છે તલવાર, વીરા મારા પંચ રે સિંધુ ને સમશાન જેવી ઝવેરચંદ મેઘાણીની અમર રચનાઓ રજૂ થઈ હતી. ચાર દાયકાથી વધુ શિક્ષણ-ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકગાયક અભેસિંહ રાઠોડે વિદ્યાર્થીઓને મેઘાણી-ગીતોનું સમૂહ-ગાન પણ કરાવ્યું હતું. વિદ્યાર્થીઓની લાગણીને માન આપીને અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ અને નીલેશ પંડ્યાએ ખાસ ઝવેરચંદ મેઘાણી સંપાધિત 'રઢિયાળી રાત'ના પ્રાચીન લોકગીતો પર રાસ-ગરબા રમાડ્યાં હતાં. વાદ્ય-વૃંદ હિતેષ પરમાર (તબલા), ગૌતમ પરમાર (ઢોલક), હેમુ પરમાર (બેન્જો) અને જગદીશ વાઘેલા (મંજીરા)એ બખુબી સાથ આપ્યો હતો. સાઉન્ડ સિસ્ટમ શ્રધ્ધા સાઉન્ડ – બહાદુરસિંહભાઈ (અમદાવાદ) તથા મંડપ કોન્ટ્રાકટર અન્નપૂર્ણા મંડપ સર્વીસ – અલ્પેશભાઈ ઠાકર (ચોટીલા) હતા,

ચોટીલા એજયુકેશન એન્ડ ચેરીટી ટ્રસ્ટનો પણ આ કાર્યક્રમ માટે લાગણીભર્યો સહયોગ પ્રાપ્ત થયો હતો. પિનાકી મેઘાણી અને કિરીટસિંહ રહેવર (મામા) સાથે મહિપતસિંહ વાઘેલા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, નવલસિંહ પરમાર, પ્રભુભાઈ રંગપરા,  જીતુભા ઝાલા, વિરમભાઈ દેહવાણીયા અને સાથીઓએ આ કાર્યક્ર્મ માટે લાગણીથી જહેમત ઉઠાવી હતી.

ઝવેરચંદ મેઘાણીનો જન્મ ૨૮ ઓગસ્ટ ૧૮૯૬ (શ્રાવણ વદ પાંચમ : નાગ પંચમી, વિક્ર્મ સંવત ૧૯૫૨)ના દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના એ વેળાના ગામને છેવાડે આવેલા અને અઘોરવાસ લેખાતા પોલીસ-બેડાના કવાર્ટરમાં થયેલો. બ્રિટિશ કાઠિયાવાડ એજન્સી પોલીસમાં ફોજદાર તરીકે ફરજ બજાવતા પિતા કાળીદાસ દેવચંદ મેઘાણી નીડર અને નેક પુરુષ હતા. આથી ગુજરાત પોલીસ એમનું 'લાઈન-બોય'તરીકે સવિશેષ ગૌરવ અનુભવે છે. પોલીસ-પરિવાર દ્વારા ઐતિહાસિક જન્મસ્થળે શ્રધ્ધા-સુમન અર્પણ થયા હતા. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, રાજકોટ શહેરના સયુકત પોલીસ કમિ'ર સિધ્ધાર્થ ખત્રી (આઈપીએસ), સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિક્ષક મનીન્દર પ્રતાપ સિંહ પવાર (આઈપીએસ), નાયબ પોલીસ અધિક્ષક (લીંબડી) પ્રદીપસિંહ જાડેજા, ચોટીલા પીઆઈ પી.ડી. પરમાર, પીએસઆઈ આઈ.કે. શેખ અને જે.જે. ચૌહાણ સહિત મોટી સંખ્યામાં પોલીસ-પરિવારની ઉપસ્થિતિ રહી હતી. મહંત પરિવાર વતી જગદીશગીરી બાપુ, શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ વતી શૈલેષભાઈ સાવલિયા, ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી વતી અધ્યક્ષ પંકજ ભટ્ટ અને ડીરેકટર અભેસિંહ રાઠોડ, ગ્રંથાલય ખાતા વતી સુરેન્દ્રનગર જિલ્લા ગ્રંથપાલ લલિતભાઈ મોઢ, ગાંધી મૂલ્યો-વિચારોને વરેલી ખાદી સંસ્થાઓ વતી ગોવિંદસંગભાઈ ડાભી, ઘરશાળા (વઢવાણ) વતી તૃપ્તિબેન આચાર્ય-શુકલ, જૈન સમાજ વતી જતીનભાઈ ધીયા, નેશનલ યુથ પ્રોજેકટ વતી રાજેશભાઈ ભાતેલીયા, ચોટીલા એજયુકેશન એન્ડ ચેરીટી ટ્રસ્ટ વતી કિરીટશિં રહેવર (મામા) દ્વારા પણ પુષ્પાંજલિ અર્પણ  થઈ હતી. પિનાકી મેઘાણી દ્વારા આલેખિત ઝવેરચંદ મેઘાણીનાં જીવન-કવનને નિરૂપતું માહિતીસભર પ્રદર્શન તથા 'મેઘાણી-સાહિત્ય'કોર્નરને પણ સહુએ રસપૂર્વક નિહાળ્યું હતું.   

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ।ઓ વિભાગના ગ્રંથાલય ખાતા દ્વારા ચોટીલા સરકારી તાલુકા પુસ્તકાલય તથા રાજકોટ સરકારી જિલ્લા પુસ્તકાલય ખાતે સમગ્ર 'મેઘાણી-સાહિત્ય'પુસ્તક પ્રદર્શનનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું જેની મોટી સંખ્યામાં સાહિત્ય-પ્રેમીઓએ મુલાકાત લીધી હતી.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિને જીવંત રાખવા અને એમનાં જીવન, કાર્ય અને સાહિત્યના પ્રચાર-પ્રસારની વિવિધલક્ષી પ્રવૃત્તિઓને વેગ આપવા તથા નવી પેઢીમાં દેશભકિતની ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન થાય તે પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન સવિશેષ પ્રયત્નશીલ અને કાર્યરત છે.

(3:45 pm IST)