Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

પુરૂષોતમ -સ્તવન

કર્મ, જ્ઞાન, ભકિતયોગમાં નિષ્ઠા

પ્રભુ સ્મરણથી મન શુદ્ધ થાય છે

પરમ કૃપાળુ પરમાત્માએ લોકોના પરમ કલ્યાણ કાજે વેદ દ્વારા ત્રણ યોગ માર્ગ બતાવેલા છે.

 

તે છે, કર્મયોગ, જ્ઞાનયોગ અને ભકિતયોગ.

સંસાર સાગર પાર કરવા માટે આના સિવાય બીજો કોઈ ઉપાય નથી.

કર્મયોગ એટલે નિષ્કામ કર્મ,

જ્ઞાનયોગ એટલે કે સોહમ્ - અભેદ ભાવ ભકિત યોગ, દાસોડહમ્ શરણાગતિ ભાવ, કર્મો કરતાં કરતાં કંટાળો આવે, ઘણીવાર કર્મના પાસા અવળા પડે એટલે ત્રાસી જઈને ઉદાસ થઈને કર્મો છોડી દે, તેને માટે જ્ઞાનયોગ છે, પણ જરા પણ કંટાળ્યા ન હો, ને કર્મ કરવાની હોંશ હોય તમન્ના હોય તેણે નિષ્કામપણે કર્મો કરવા જેવા કે, યજ્ઞ, તપ, દાન, પ્રભુભકિત, જપ, સેવા, કર્મથી કંટાળ્યા ન હો, તેમજ કર્મ કરવાની આસકિત પણ હોય નહી, તેને માટે ભકિતયોગ સિદ્ધિ દેનાર છે.

પરંતુ પુરો વૈરાગ્ય ન આવે ત્યાં સુધી કર્મો તજવા નહીં, તેમ શાસ્ત્ર કહે છે.

માનવી પોતાના ધર્મનું ચૂસ્તપણે પાલન કરતા નિષ્કામ કર્મો દ્વારા જે પરમ કૃપાળુ પરમાત્માની ભકિત કરે છે, તે જો તે સિવાય બીજું કોઈ કરે નહી તો તે નરકની ગતિ પામતો નથી.

આ મૃત્યુલોકમાં માનવ કેવળ પોતાના ધર્મપરાયણ રહે, બીજુ કાંઈ અનિષ્ટ કાર્ય કરે નહીં, ને શુદ્ધ રહે, તો સ્પષ્ટ જ્ઞાન અને સેવાભકિતને પામે છે.

અન્ય જીવો તેમજ સ્વર્ગના દેવો પણ આ લોકને ઈચ્છે છે કારણ કે મનખા દેહમાં જ જ્ઞાન તથા ભકિત સધાય છે.

આ માનવ દેહ નાશવંત છે છતા પણ આ દેહથી માણસ પોતાનો ખરો સ્વાર્થ સાધી શકે છે માટે સાવચેત થઈને માનવીએ મુઆ પહેલા મોક્ષ માટે શ્રમ કરવો જોઈએ. માનવીનું રાત દિવસ આયુષ્ય ઘટતુ જાય છે તે જાણી ભયથી થરથરી સર્વ પ્રકારના સંગો ત્યજી પરમ કૃપાળુ પરમાત્માનું જ્ઞાન પામીને કોઈપણ પ્રકારની આશા અપેક્ષા વગરનો બને તો તે આ આત્માને શાંતિ આપે છે એમ શ્રીમદ્દ ભાગવતમાં કહેવાયુ છે.

આ મહામુલા માનવ જીવનમાં સંસારરૂપી સમુદ્ર પાર કરવા આત્મામાં જ પોતાના ચિત્તને સ્થિર કરવું.

જેને કર્મોથી કંટાળીને ગુરૂનો બોધ લીધો હોય, તે બોધનું સતત રટણ કરીને મનની દુષ્ટતા શમાવવી અને એટલે મન શુદ્ધ થાય છે.

આ ચિત્ત કાં તો સદાચારયુકત નિયમ, યોગ માર્ગને અપનાવીને કે બ્રહ્મજ્ઞાન પામવાથી કે પરમ કૃપાળુ પ્રભુનુ સ્મરણ કરવાથી જ શુદ્ધ થાય છે, માટે પોતાની યોગ્યતા મુજબ કર્મ, જ્ઞાન કે ભકિતયોગમાં નિષ્ઠા રાખીને તે અનુસાર જીવનમાં વર્તન કરવુ ગુણવાન બને છે.

પરમ કૃપાળુ પરમાત્મા  સૌનુ ભલુ કરો...

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:02 am IST)