Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

સરકારી મહેમાન

CM કો ગુસ્સા ક્યું: 'હું બોલું તે GR', 'હું કહું તેમ થવું જોઇએ', હોદ્દો છોડી દો, બીજા લાઇનમાં છે'

હાર્દિક પટેલને છોડનારા યુવા આંદોલનકારીઓને ખરેખર લોટરી જ લાગી ગઇ છે : વિભાગની નબળી કામગીરીમાં ઓફિસર જવાબદાર તો કેબિનેટના સભ્ય કેમ નહીં : લગ્નભંગ થાય તો એ વેદના કેવી હોય, બીજા લગ્નના રૂપિયા પણ બચ્યાં ન હોય

ગુજરાતમાં 16 મુખ્યમંત્રી આવી ગયા છે પરંતુ સૌથી વધુ ગુસ્સાવાળા મુખ્યમંત્રી કોણ-- તો, જેમણે ગુજરાતમાં 13 વર્ષ સુધી શાસન કર્યું છે તે નરેન્દ્ર મોદીનો ગુસ્સો કેબિનેટના સભ્યોએ જોયો છે. મુખ્યમંત્રીનું ધાર્યુ ન થાય તો કેબિનેટના મંત્રી સહિત વિભાગના ઓફિસરોને ઠપકો મળતો હતો. મોદીથી આખું સચિવાલય ડરતું હતું. તેઓ જ્યાં સુધી સચિવાલયમાં બેઠા હોય ત્યાં સુધી કોઇ અધિકારીની હિંમત ન હતી કે ઉભા થઇને ઘરે જાય. તેમની સચિવાલયમાં ધાક હતી. મંત્રીને પણ તેઓ કહેતા-- 'રહેવા દો, ના થાય તો બીજા લાઇનમાં છે.' એ પછી ચીમનભાઇ પટેલનું શાસન ધાકવાળું હતું. તેઓ વિપક્ષના સભ્યને પણ ધમકાવી નાંખતા હતા. એક વખતે તેમણે વિભાગના અધિકારીને કામ સોંપ્યું હતું પરંતુ અધિકારીએ જીઆરનું બહાનું બતાવી કહ્યું કે સરકારના નિયમ પ્રમાણે કામ થાય તેમ નથી ત્યારે ચીમનભાઇ પટેલનો પિત્તો ગયો અને અધિકારીને કહ્યું કે, 'આ ચીમન પટેલ કહે તે જીઆર. હું જે બોલું છું તે જીઆર છે. કામ ન કરવું હોય તો ઘરે બેસવું પડશે...' પછી કોઇની મજાલ છે કે મુખ્યમંત્રીને નિયમ બતાવે... તેમના પછી શંકરસિંહ વાઘેલાનો વારો આવે છે. તેઓ ગુસ્સાવાળા હતા. મંત્રીઓ અને અધિકારીઓને ખખડાવી નાંખતા હતા. તેમણે એક કામમાં ઓફિસરને સીધું કહ્યું હતું કે-- 'મારી સરકારમાં હું જે કહું તે થવું જોઇએ.' આ ત્રણ મુખ્યમંત્રી બીજા મુખ્યમંત્રીઓ કરતાં અલગ તરી આવ્યા હતા. આ ત્રણેય પાસે વહીવટીતંત્ર પર પક્કડ હતી.  આ ત્રણેયમાં અલગ અલગ પટેલ, ક્ષત્રિય અને ઓબીસી જ્ઞાતિનું પ્રભુત્વ છે. એ સિવાય માધવસિંહ સોલંકી અને અમરસિંહ ચૌધરીની પણ સરકારમાં પક્કડ હતી પરંતુ તેઓ મૃદુતાથી સમજાવતા હતા. ભાગ્યેજ તેઓ કોઇ ઓફિસર કે મંત્રી પર ગરમ થયા હશે...

હાર્દિકને છોડનારા હવે સચિવાલયમાં ફરે છે...

ગુજરાતમાં જે આનંદીબહેન પટેલ ન કરી શક્યા તે કામ રૂપાણી સરકારે કર્યું છે. પાટીદાર અનામત આંદોલનને શાંત કરવામાં અથવા તો તેને તોડી પાડવામાં રૂપાણી સરકાર આક્રમક રહી છે તેવું સચિવાલયમાં ચર્ચાઇ રહ્યું છે. આનંદીબહેન પટેલના શાસનમાં બે વર્ષ સુધી અનામત આંદોલન સળગતું રહ્યું હતું અને તેનાથી સરકાર પરેશાન અને બેચેન હતી, પરંતુ રૂપાણી સરકારમાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે પાટીદારોનો ઇસ્યુ હાથ પર લેતાં હાર્દિક પટેલ એકલો પડી ગયો છે પરંતુ ભાજપની સરકાર માટે નવી મુસિબત ઉભી થઇ છે. હાર્દિકના મૂળ સાથીદારો ભાજપમાં તો જોડાઇ ગયા છે પરંતુ તેમના આંટાફેરા ગાંધીનગરમાં વધી ગયા છે. સચિવાલયના વિભાગો અને મંત્રીઓની ચેમ્બરમાં પાટીદાર યુવા આગેવાનો કોઇને કોઇ કામ લઇને આવતા થયાં છે. આ યુવા નેતાઓના માથે પહેલાં કોઇ પાર્ટીનું લેબલ ન હતું પરંતુ હવે ભાજપના સિમ્બોલ તેઓ 'કંઇપણ' કરી શકે છે. આ નેતાઓને ભાજપમાં લેવાથી પાર્ટી કે સરકારને ફાયદો થયો છે કે નુકશાન તે આગળના ભવિષ્યમાં ખબર પડશે. હાલ તો નિતીન પટેલ આંદોલન તોડી નાંખ્યું છે તે મુદ્દા પર નિરાંતનો શ્વાસ લઇ રહ્યાં છે.

ઓફિસરોનું પરફોર્મન્સ, તો મંત્રીનું કેમ નહીં...

સચિવાલયમાં વિભાગના અધિકારીઓનું પરફોર્મન્સ જોવામાં આવે છે પરંતુ કેબિનેટના સભ્યોનું પરફોર્મન્સ જોવામાં આવતું નથી. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કેબિનેટના સભ્યોનો હિસાબ લેવાની વ્યવસ્થા કરી હતી પરંતુ વિજય રૂપાણીની સરકારમાં કેબિનેટના સભ્યોને શાંતિ છે કારણ કે તેમના વિભાગના કામનો કોઇ હિસાબ લેવાતો નથી. જે કોઇ મંત્રી તેના વિભાગના હિસાબમાં ઉણો ઉતરે તો તેને ઠપકો મળતો હતો પરંતુ આ સરકારમાં એવું કંઇ નથી. વિભાગના મંત્રીઓ તેમની રીતે કામ કરતા જાય છે. સભ્યો પાસેથી હિસાબ લેવાની સિસ્ટમ લાગુ કરવામાં આવી નથી. રૂપાણી સરકારે સરકારના કેબિનેટ સભ્યોનો હિસાબ લેવો જોઇએ, કેમ કે મોદી સરકારમાં ઓફિસરોની સાથે મંત્રીઓનો પણ હિસાબ માગવામાં આવતો હતો. અત્યારે મુખ્યમંત્રી સમક્ષ જે પ્રેઝન્ટેશન થાય છે તેમાં વિભાગના ઓફિસરને જવાબદાર માનવામાં આવે છે. એક સનદી અધિકારીએ કહ્યું હતું કે સરકાર અમારા કામનો હિસાબ માગે છે તો કેબિનેટનો કેમ માગતી નથી. સરકારમાં શું નવું કરવું છે તેનું ફિડબેક મંત્રીઓ પાસેથી મળતું નથી, એ ઇનિશિયેટીવ તો ઓફિસરે જાતે જ લેવું પડે છે. જવાબ સરળ છે-- ચીફ મિનિસ્ટર લો પ્રોફાઇલ અને ખૂજ જ સરળ વ્યક્તિત્વ ધરાવે છે.

રજનીશ રાય-- ગુજરાત આવી રહ્યાં છે...

ગુજરાત કેડરના એક આઇપીએસ અધિકારી રજનીશ રાય ગુજરાતમાં પાછા આવી રહ્યાં છે. 1992ની બેચના આ અધિકારી 2014થી સેન્ટ્રલ ડેપ્યુટેશન પર ફરજ બજાવે છે. તેમના વાઇફ વત્સલા વાસુદેવાએ પણ બે વર્ષની રજાઓ પછી ગુજરાત સરકારની નોકરી જોઇન્ટ કરી છે. તેઓ આંધ્રપ્રદેશના ચિત્તુરમાં સીઆરપીએફ ટ્રેઇનિંગમાં આઇજીપી છે. રજનીશરાય એક એવા પોલીસ અધિકારી છે કે જેમણે ગુજરાતના નકલી એનકાઉન્ટરના કેસોમાં ઘણાં પોલીસ અધિકારીઓની પૂછપરછ કરી હોવાથી સરકારના અળખામણા બની ગયા હતા. તેમની વારંવાર બદલીઓ થઇ છે. હવે તેમના વાઇફ ગુજરાત સરકારમાં પાછા આવ્યા છે ત્યારે તેમને પતિ-પત્નિને એક જગ્યાએ રાખવાના નિયમ પ્રમાણે ગુજરાતમાં પોસ્ટીંગ મળી શકે છે. તેમના વાઇફ અને ગુજરાત કેડરના આઇએએસ ઓફિસર વસ્તલા વાસુદેવાને સરકારે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પાવર કંપની-- વડોદરામાં મેનેજીંગ ડિરેક્ટરના પદે નિયુક્ત કર્યા છે. પત્નિની નોકરી ગુજરાતમાં હોવાથી રજનીશ રાયની ગુજરાતમાં પાછા ફરવાની શક્યતાઓ પ્રબળ બનતી જાય છે.

શહેરોમાં દબાણલીલા-- પરિસ્થિતિ જૈસે થે...

ગુજરાતી કહેવત છે કે આરંભે શૂરા.. હાઇકોર્ટના આદેશ પછી અમદાવાદ સહિતના રાજ્યભરમાં શહેરોમાં પાર્કિંગ ખુલ્લા કરી, ટ્રાફિક નિયમન માટે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. એક સપ્તાહ સુધી ઝુંબેશ મસ્તરીતે ચાલી પરંતુ હવે ફરી પાછી એની એ જ હાલતનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે પરંતુ અન્ય શહેરોમાં આ ઝૂંબેશ સમાપ્ત થઇ છે. બઘું પૂર્વવત થયું છે. જ્યાં સુધી કઠોર દંડ નહીં હોય ત્યાં સુધી લોકો સુધરવાના નથી. ગાંધીનગરમાં પણ મ્યુનિસિપલ કમિશનર દ્વારા દબાણ ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી પરંતુ વહાલા-દવલાંની નીતિ પ્રમાણે ભાજપના નેતાઓના ગેરકાયદે દબાણોને પોલીસે ટચ પણ કર્યા નથી. સેક્ટર-21માં ટ્રાફિક નિયમન જળવાઇ રહ્યું છે પરંતુ સેક્ટર-11 અને કુડાસણની ખાઉધરા ગલીમાં ફરી પાછી સ્થિતિ યથાવત થઇ છે. માર્ગો પર બેરોકટોક વાહનો પાર્કિંગ થાય છે. ફુટપાથ પર ખાણી-પીણીની લારીઓ ગોઠવાઇ ગઇ છે. ટ્રાફિક નિયમનના ચિંધરા ઉડી રહ્યાં છે, કારણ એવું છે કે શહેરનો પ્રત્યેક વાહનચાલક તેની જાતને વીવીઆઇપી માને છે. પોલીસને પણ ધમકાવે છે. આ શહેરમાં પોલીસ નવું કંઇ કરવા જાય તો કોઇ ગાંઠતું નથી, કારણ કે આ પાટનગર છે. પોલીસે પણ હારી, થાકી અને નિરાશ થઇને ઝૂંબેશ પડતી મૂકી છે.

પાડોશી રાજ્યો વધુ પારદર્શક બન્યા છે...

ગુજરાતના પાડોશી રાજ્યોમાં ફાઇલ નિકાલની સિસ્ટમ એટલી ઝડપી છે કે અરજદારોને ધક્કા ખાવા પડતા નથી. ઉદ્યોગ વિભાગની ફાઇલને સાત દિવસ કરતાં વધુ સમય સુધી મુકી રાખવામાં આવતી નથી કે તે ફાઇલ પર પેન્ડીંગ લખવામાં આવતું નથી. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને હવે રાજસ્થાન ટોચક્રમે છે. ગોવામાં પણ સરકાર રિયલ સેન્સમાં ગતિશીલ બની છે. ગુજરાતમાં પ્રગતિશીલ સરકાર એવું નામ આપવામાં આવ્યું છે. સરકારી બાબુઓ કામમાં ઝડપ કરે છે પરંતુ જિલ્લાકક્ષાએથી નેગેટીવ નોટીંગ આવે છે ત્યારે ફાઇલને ફરીથી ચક્કર લગાવવા પડે છે અને અરજદાર તેમજ સરકારનો સમય બરબાદ થાય છે. એક ઓફિસર બે વિભાગોના ચાર્જમાં હોય તેવા સંજોગોમાં બન્ને વિભાગોના કામો પર માઠી અસર થાય છે. એવામાં જો ઓફિસરની બદલી થાય તો અરજદારને એકડો ઘૂંટવો પડે છે. કહેવાય છે કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ માત્ર સાત દિવસમાં જ ઔદ્યોગિક એકમની ફાઇલ વિવિધ મંજૂરીઓ સાથે ક્લિયર કરી દેતા હોય છે. હવે તો છત્તીસગઢ અને ઉત્તરપ્રદેશની સરકાર સામેલ થઇ છે. ફાસ્ટટ્રેક સિસ્ટમ કોને કહેવાય તે ગુજરાતના અરજદારો જાણતા નથી પરંતુ પાડોશી રાજ્યોના અરજદારો જાણી ગયા છે.

બેટા દેવું કરીને બીજા લગ્ન ન થાય...

પુત્રની શાદી કરનારા એક પિતાની વ્યથા સાંભળવા જેવી છે. દિકરાની ધામધૂમથી શાદી કરી નાંખી અને 10 લાખનો ખર્ચ કર્યો. સામેપક્ષે પણ 10 લાખનો ખર્ચ થયો. શાદીના છ મહિના પછી નોકરી કરતા નવયુગલ વચ્ચે તકરાર થવા લાગી. ‘મારે તારી સાથે રહેવું નથી’… એમ કહીને કન્યા ઘર છોડી બઘાં દાગીના લઇને નિકળી ગઇ, પછી ડાયવોર્સની નોટીસ મોકલી… ખુલ્લા દિલના પિતાએ તેના દિકરાની સહી કરાવી આપી અને બન્ને છૂટા થઇ ગચા. હવે સવાલ એ આવે છે કે દિકરાના બીજા લગ્ન માટે પિતા પાસે 10 લાખ રૂપિયા નથી. તેણે દિકરાને સમજાવ્યો, કે ‘બેટા, દેવું કરીને બીજા લગ્ન પોસાય તેમ નથી તેથી સાદાઇથી લગ્ન કરો તો સારૂં..’ દિકરો સમજું હતો, કહે- ‘પાપા, ચિંતા ન કરશો. હું સાદાઇથી લગ્ન કરીશ.’ પિતાની આંખમાં આસું આવી ગયા. આ પિતાએ અન્ય મા-બાપ માટે ચોંકાવનારી પરંતુ વર્તમાન સમાજમાં આવશ્યક એવી એક સલાહ આપી છે—“દિકરા કે દિકરીની શાદી સાદાઇથી કરો, ચાલ્લાનો મોહ ન રાખો, લગ્નજીવન એક વર્ષ ટકે તે પછી જેટલી ધામધૂમથી રિસપ્શન કરવું હોય એટલું કરો. હા, જેટલો ખર્ચ કરવા માગો તે બન્ને યુગલના નામે બેન્કમાં ફિક્સ કરી દો” આ પિતાની હૈયાવેદના આજના સમાજને સ્પર્શી જાય તેવી છે. આ પરિવારની સચ્ચાઇનો રણકો છે...

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:57 am IST)