Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

દુઃખથી મુકત કઇ રીતે થવાય ?

ઓશોઃ દુઃખ તમને વળગ્યું નથી. તમે દુઃખને વળગ્યા છો. દુઃખ કંઇ એવી બેડી નથી જે બીજા કોઇએ તમારા હાથ પર બાંધી હોય. દુઃખ તો એવું આભૂષણ છે જે તમે શોખથી પહેરો છે.

આ સૌથી પહેલી વાત તમે બરાબર સમજી લો.

સામાન્ય રીતે તમે એમ જ કહો છો- દુઃખથી છુટકારો કેમ થાય...જાણે કે દુઃખે તમને બાંધી રાખ્યા હોય; જાણે કે કોઇ બીજાએ તમારા પર દુઃખ લાદયું હોય નહિ તેમ નથી.

તમે દુઃખને પકડી રાખ્યું છે. તમે દુઃખને છોડતા જ નથી. દુઃખ તમારા મનને ભર્યું રાખે છે.- જાણે તમારી પાસે કંઇક છે. જો તમારૃં દુઃખ નષ્ટ થવા લાગે તો તમે ખુબ ગભરાઓ છો. ખુબ ડરો છો. ગભરાટ એટલા માટે થાય છે કે દુઃખને કારણે જીવનમાં એક વ્યસ્તતા રહે છે. કંઇક કરતા હો તેવું લાગે છે. કંઇ બનતું હોય તેવું લાગે છે. અને વળી દુઃખને કારણે અહંકાર પણ ટકી રહે છે.

એક વાત ધ્યાન રાખજો-જો અહંકારને ટકાવી રાખવો હોય તો તે દુઃખમાં જ શકય છે. દુઃખ તો અહંકાર માટે ખાતર સમાન છે.

સુખી માણસનો અહંકાર વિલીન થઇ જાય છે. સુખ સંભવે જ નહી જો અહંકાર વિલીન ન થાય તો જયાં સુધી 'હુંપણા'ની અકકડતા રહે. ત્યાં સુધી દુઃખ.

તમે પણ અનુભવ્યું હશે-તમેજયારે પ્રફુલ્લિત હો છો ત્યારે અહંકાર હોતો નથી. અને તમે જયારે ઉદાસ હો છો ત્યારે અહંકાર પ્રબળ હોય છે. તમે જયારે આનંદિત હો છો ત્યારે તમે તમારી જાતને ભુલી જાઓ છો. હાસ્યમાં અહંકાર વિલીન થાય છે અને રૂદનમાં સઘન થાય છે. આ વાતને જીવનમાં તપાસજો, નિરીક્ષણ કરજો.

તમે જયારે પ્રફુલ્લિત હો છો. હાસ્યથી સભર હો છો ત્યારે તે ક્ષણે તમે અહંરૂપે રહી ન શકો કારણ કે અહંરૂપે રહેવા માટે એક પ્રકારનું તાણ જરૂરી છે. અને હાસ્યમાં તાણ કેવું? માટે જ તો હું કહું છું કે સંન્યાસી તો હસતો, નાચતો, પ્રફુલ્લિત હોવો જોઇએ. તો જ તે નિરંકારી રહી શકે.

તમારી પાસે જો દસ હજાર હોય તો તમે કહો છો કે લાખ થઇ જશે તો બસ હું નિશ્ચિત થઇ જઇશ. તમે આ રીતે શું કરી રહ્યા છો તેની ખબર છે? તમારી પાસે જે દસ હજાર છે તેનું સુખ પણ તમે નથી ભોગવતા અને જે નેવું હજાર નથી તેનું દુઃખ ઉભું કરી રહ્યા છો. તમે કહો છો કે બસ એક લાખ થઇ જાય.

હવે આ અભાવનું દુઃખ હકિકતમાં નથી પરંતુ તે છે માત્ર તમારી કલ્પનામાં, કામનામાં, વાસનામાં બસ હવે તમે એ દોડમાં ઉતરી પડયા કે કઇ રીતે લાખ થાય...એક દિવસ લાખ પણ થઇ જશે પરંતુ તે દિવસે તમે કહેશો કે હવે તો દસ લાખ વગર નહિ ચાલે...મોંઘવારી વધી ગઇ છે. અને જીવન બદલાઇ ગયું છું... પરંતુ આ વાત કયાં અટકશે ? જેવા દસ લાખ થશે કે કરોડની વાસના જાગશે.

બસ, આ રીતે દુઃખ ઉભું કરતા જશો અને દુઃખ મોટું થતું જશે. ફેલાતું જશે. અને પછી એક દિવસ તમે દુઃખથી ઘેરાઇ જશો. આ સ્થિતિ માટે બીજું કોઇ જવાબદાર નથી. તમે પોતે જ તમારી વાસનાના પડછાયાની જેમ દુઃખ ઉભું કયુંર્ છે.

જો દુઃખથી મુકત થવું હોય તો તેના માટે સીધો કોઇ ઉપાય નથી. તે માટે વાસનાઓને સમજો...અને વાસનાઓને ન ફેલાવો.

સુખનો ઉપાય છે-જેછે તેમાં આનંદ લો. જે નથી તેની ચિંતા ન કરો. દુઃખનો ઉપાય છે-જે છે તેની પરવા ન કરો. જે નથી તેની ચિંતા કરો.દુઃખનો અર્થ છે-અભાવ પર દૃષ્ટિ રાખો, જે છે તેને ભૂલો.

સુખનું સુત્ર છે-જે તમારી પાસે છે. તે માટે પરમાત્માનો આભાર માનો. જે છે તે પર્યાપ્ત છે. તમારી પાસે જે છે તેને જોવાનું શરૂ કરો. તમારી પસો ખૂબ જ છે. કયારેક બેસીને વિચારજો તો ખરા કે તમારૃં જીવન જ કેટલું મુલ્યવાન છે ? તમે તેને કોઇ પણ કિંમતે વેચવા તૈયાર નહિ થાઓ. છતાં એ વાત એટલી જ સાચી છે કે આ જીવન માટેતમે કયારેય પરમાત્માનો આભાર નથી માન્યો.

તમે જરા મનન તો કરો કે તમારી પાસે કેટલું બધું છે....તમે ચકિત થઇ જશો. આ આંખ, કાન, નાક.... પરમાત્માએ તમેન એટલું બધું આપ્યું છે કે તમે ગમે તેટલો આભાર માનો તો તે ઓછો જ પડશે. અને વળી આ બધું તમને અકારણ મળ્યું છે. તમે તેને પ્રયત્નથી મેળવ્યું નથી. આ જીવન તો તમને પરમાત્માએ ભેટ સ્વરૂપે આપ્યું છે અને તમે આ ભેટ માટે કયારેય પરમાત્માનો અનુગ્રહ નથી માન્યો.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:47 am IST)