Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

સરકારી મહેમાન

એપ્રિલ બદલીની મોસમનો મહિનો: CM વિજય રૂપાણી વહીવટમાં ફેરબદલ કરવાના મૂડમાં છે

ન્યાય આપવો છે તો પબ્લિક ડીલીંગના વિભાગોમાં મોબાઇલ એપ્સ શરૂ કરો : રેવન્યુ, અર્બન, પંચાયત અને હોમ- CVCમાં સૌથી વધુ ફરિયાદો મળી છે : CM એ વાયબ્રન્ટ સમિટ 2019ની તૈયારી શરૂ કરી, હવે નવી ટીમ આવશે

ગુજરાતના વહીવટી તંત્રમાં બદલીઓની મોસમ આવી રહી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કલેક્ટરો, ડીડીઓ, વિભાગોના સિનિયર ઓફિસરો તેમજ મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરો સહિત જથ્થાબંધ ટ્રાન્સફરો આવી રહી છે. ખાસ કરીને જેમની પાસે વધારાના હવાલા છે તેમને મુક્ત કરવામાં આવશે. રાજ્યના ઉદ્યોગ અને નાણાં વિભાગમાં કાયમી પોસ્ટીંગ કરવાનું બાકી છે. જે વિભાગોમાં બદલી થવાની છે તેમાં નાણાં, ઉદ્યોગ, ઉર્જા, સામાન્ય વહીવટ વિભાગ, આરોગ્ય, સાયન્સ એન્ડ ટેકનોલોજી, ટુરિઝમ અને શ્રમ-રોજગારનો સમાવેશ થાય છે. આ વિભાગોના ઉચ્ચ આઇએએસ અધિકારીઓને બદલવામાં આવી શકે છે. સચિવાલયમાં ચર્ચાઇ રહ્યું છે કે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં મ્યુનિસિપલ કમિશનરો બદલાઇ શકે છે. 20થી વધુ જિલ્લા કલેક્ટરોની યાદી પણ બનાવવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આઇએએસની જેમ આઇપીએસ અને આઇએફએસ ઓફિસરોના હાલના પોસ્ટીંગમાં પણ ફેરફારો કરી શકે છે. જે ઓફિસરો ત્રણ કે તેથી વધુ વર્ષથી એક જ વિભાગમાં ફરજ બજાવતા હોય તેમની યાદી પણ બનાવવામાં આવી છે.

વન નેશન, વન ઇલેક્શન, કૌન માનેગા...

લોકસભાની ચૂંટણીમાં 2014માં જ્યારે ભાજપ તરફથી નરેન્દ્ર મોદીએ પ્રચાર શરૂ કર્યો હતો ત્યારે તેમણે એવો સંકેત આપ્યો હતો કે એક નેશન, એક ઇલેક્શન.. એટલે કે લોકસભાની સાથે તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી એકસાથે થાય તો ચૂંટણીનો ખર્ચ બચી શકે છે. જો દેશની તમામ પાર્ટીઓ સહમત થાય તો સરકાર આ ફેરફાર કરી શકે છે. ભારતના ચૂંટણી પંચમાં એવો પણ સુધારો કરવાની ભલામણ કરવામાં આવી છે કે કોઇ કારણોસર લોકસભા કે વિધાનસભાની બેઠક ખાલી પડે તો ચૂંટણીમાં બીજાક્રમે મત મેળવ્યા હોય તે ઉમેદવારને સંસદ કે ધારાસભ્ય બનાવી શકાય. દેશમાં વર્ષે સરેરાશ છ ચૂંટણી યોજાય છે જેના કારણે વહીવટી તંત્ર પડી ભાંગે છે. એક સર્વે પ્રમાણે 2009માં થયેલી લોકસભાની ચૂંટણીમાં 1115 કરોડ અને 2014ની ચૂંટણીમાં 3875 કરોડનો ખર્ચ થયો હતો. એક વિધાનસભાની ચૂંટણીમાં 500 કરોડનો ખર્ચ ગણીએ તો પણ 31 રાજ્યોમાં 15500 કરોડનો ખર્ચ થાય છે. આ સંજોગોમાં દેશમાં પહેલા તબક્કામાં નીતિ આયોગની ભલામણ પ્રમાણે લોકસભા અને 15 રાજ્યોની તેમજ બીજા તબક્કામાં બે વર્ષ પછી 16 રાજ્યોની ચૂંટણી એકસાથે કરી શકાય તેમ છે. મોદી સરકાર આ દિશામાં આગળ વધી રહી છે પરંતુ વિપક્ષોનો ટેકો મળે તેવી શક્યતા નહીંવત છે. જો આમ થાય તો દેશમાં ચૂંટણીના વર્ષોવર્ષ થતાં ખર્ચાને અટકાવી શકાય છે.

પ્રોપર્ટી રિટર્નમાં પારદર્શકતા હોવી જરૂરી છે...

ભારત સરકારની તમામ સર્વિસમાં એટલે કે આઇએએસ, આઇપીએસ, આઇપીએસ સહિતની કેડરમાં નિયમ પ્રમાણે પ્રોપર્ટીનું રિટર્ન ભરવું ફરજીયાત છે. જે ઓફિસરો રિટર્ન ફાઇન નહીં કરે તેમની સામે શિસ્તભંગના પગલાં પણ લેવામાં આવે છે. નવા સુધારા પ્રમાણે ઓફિસરોએ રિટર્ન ફાઇલ કરતી વખતે તેમની અને તેમના પરિવારના સભ્યોની મિલકતો જાહેર કરવાની રહેશે. દેશની જનતાની પ્રોપર્ટી ખુલ્લી કરી દેનારી સરકાર વહીવટી અધિકારીઓની પ્રોપર્ટી પણ સાર્વજનિક કરી શકે છે. પ્રોપર્ટી રિટર્ન ઓનલાઇન મૂકવામાં આવે છે કે જેથી લોકો તેમના સેવકોની મિલકતો જાણી શકે. ઓફિસરોને મુશ્કેલી એટલા માટે થઇ શકે તેમ છે કે તેમણે તેમની પત્નિ તેમજ પુખ્ત બાળકોની પ્રોપર્ટી પણ જાહેર કરવી પડશે. ભારત સરકારની નોકરી કરતા ઓફિસરોમાં ગુજરાતની સંખ્યા 500ની આસપાસ થાય છે. જો કે ગુજરાત સરકારના ઓફિસરોને પણ પ્રોપર્ટી જાહેર કરવાની હોય છે પરંતુ તેમની એફિડેવિટ ઓનલાઇન થતી નથી, ઓનલાઇન માત્ર ભારત સરકારની કેડરના અધિકારીઓની જ થાય છે.

ગુજરાત વાયબ્રન્ટ સમિટ 2019ની તૈયારી...

ગુજરાત સરકારમાં સૌથી વધુ બિઝી છે તેવા અધિકારીઓમાં મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે. કૈલાસનાથન, રાજ્યના ચીફ સેક્રેટરી જે.એન.સિંઘ અને મુખ્યમંત્રીના અગ્રસચિવ મનોજ કુમાર દાસ છે. કેમ કે તેમના માથે આખી સરકારની જવાબદારી છે. લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાત વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ 2019 યોજાવાની છે ત્યારે તેની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. મનોજ કુમાર દાસ ઉદ્યોગ વિભાગનો હવાલો ચાલુ રાખે કે તેમની જગ્યાએ બીજા કોઇ ઓફિસરને પોસ્ટીંગ આપવામાં આવે—તેમના માટે તો વાયબ્રન્ટની કામગીરીમાં કોઇ ફરક પડવાનો નથી. તેમના માથે ડબલ ડ્યુટી છે. છેલ્લી વાયબ્રન્ટ સમિટમાં હાલના ઇન્ડસ્ટ્રીઝ કમિશન મમતા વર્માએ કામ કર્યું છે પરંતુ 2019માં તેઓ ઉદ્યોગ વિભાગમાં રહીને કરી શકશે નહીં, કારણ કે તેમની ટ્રાન્સફર થઇ રહી છે. તેમની જેમ ઇન્ડેક્ષ્ટ-બીના એમડી રાજકુમાર બેનિવાલ પણ બદલાઇ શકે છે. તેમનું પોસ્ટીંગ સુરત, વડોદરા કે રાજકોટમાં થઇ શકે છે. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના એમડી ડી. થારા પણ ચેન્જ થાય તેવી સંભાવના છે. એટલે કે 2019 વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉદ્યોગની નવી ટીમ તૈયાર કરે તેમ મનાય છે.

પ્રભારી મંત્રી અને સચિવની જેમ પોલીસ કેમ નહીં...

ગુજરાતના વિકાસ માટે સરકારે પ્રભારી મંત્રી અને પ્રભારી સચિવની જગ્યા શરૂ કરી છે. આ સિસ્ટમમાં મંત્રી કે અધિકારીને જે જિલ્લાના પ્રભારી બનાવવામાં આવે છે તેમણે તેમના જિલ્લાનો પ્રવાસ કરીને સરકારને રિપોર્ટ આપવાનો હોય છે. રાજ્યના એક સિનિયર આઇપીએસ ઓફિસરે કહ્યું હતું કે મંત્રી અને આઇએએસ ઓફિસરોને પ્રભારી બનાવી શકાતા હોય તો આઇપીએસ ઓફિસરોને કેમ બનાવવામાં આવતા નથી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પ્રત્યેક જિલ્લા અને તાલુકાને પણ લાગુ પડતી હોય છે. ઘણાં એવા આઇપીએસ ઓફિસરો હોય છે કે જેમની પાસે પુરતું કામ નથી તેમને પ્રભારી આઇપીએસ તરીકે નિયુક્ત કરી શકાય છે. પ્રભારી એટલે ડિસ્ટ્રીક્ટ ઇન્ચાર્જ ઓફિસર. પોલીસ ઓફિસરો પણ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં જોડાતા હોય છે. પોલીસ ભવનના ઓફિસરોને પણ પ્રભારી બનાવી શકાય છે. જો કે ગુજરાતનો તાલુકા સરકારનો કન્સેપ્ટ ફેઇલ થયો છે. લોકો હવે તાલુકા કે જિલ્લાના કામો લઇને સીધા ગાંધીનગર આવી રહ્યાં છે, કારણ કે જિલ્લાસ્તરના વહીવટી તંત્રમાં કામો નહીં થતાં હોવાની ફરિયાદો વધી છે.

સરકાર વિભાગોની મોબાઇલ એપ્સ શરૂ કરે...

સરકારના વહીવટી તંત્રને શિથિલ થતું બચાવવા માટે પબ્લિક ડોમેઇનમાં રહેલા વિભાગોમાં જાહેર જનતા માટે મોબાઇલ એપ્લિકેશન શરૂ કરવાની આવશ્યકતા છે. આ મોબાઇલ એપ્લિકેશન ફરિયાદ લઇને તેનો નિવેડો લાવી શકે છે. રાજ્યના મંત્રીઓ કે ઓફિસરો તેમના મેઇલ એકાઉન્ટમાં કોઇ રિપ્લાય આપતા નથી ત્યારે આવી એપ્સ લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થાય તેમ છે. આ એપ્સમાં સરકારે જે તે વિભાગની માહિતી ફીડ કરીને લોકોની સમસ્યાઓનું નિરાકરણ કરવા ઓનલાઇન સિસ્ટમ શરૂ કરવી જોઇએ. રાજ્યના ગૃહ, શિક્ષણ, મહેસૂલ, શહેરી વિકાસ, પંચાયત, શ્રમ અને રોજગાર તેમજ ઉદ્યોગ વિભાગમાં એપ્સ શરૂ કરીને લોકોને ન્યાય આપવો જોઇએ. આમ થશે તો તે ગુજરાતનો પહેલો પ્રયોગ હશે. સરકારે વહીવટ સુધારવા તેમજ ભ્રષ્ટાચારને નિયંત્રણમાં લેવા માટે અરજદારોને ફાઇલ ટ્રેકિંગ સિસ્ટમનો સીધો લાભ આપવો જોઇએ. લોકો તેમની અરજીનો સમયસર નિકાલ થાય છે કે કેમ તે જોઇ શકે. ફાઇલ ક્યાં અટકી છે તે અરજદારને ખબર પડવી જોઇએ. ભાજપની સરકાર પારદર્શતાની વાતો કરે છે ત્યારે લોકોને ઝડપી ન્યાય મળે તે માટે સ્માર્ટફોનના સમયમાં લોકોને ત્વરીત ન્યાય મળી રહે તે જરૂરી છે. મહેસૂલ વિભાગમાં અધિક મુખ્ય સચિવ પંકજકુમારે તમામ જિલ્લા કલેક્ટરોને ટ્વિટર હેન્ડલ આપીને લોકોની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ કરવાનો પ્રયોગ કર્યો છે જે સરાહનિય છે. મહેસૂલ વિભાગમાં પણ આવી મોબાઇલ એપ્લિકેશન શરૂ થવી જોઇએ.

સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ પ્રામાણિક છે...

ગુજરાત વિઝીલન્સ કમિશનના રિપોર્ટમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે સરકારમાં સૌથી વધુ ફરિયાદો અથવા તો અરજીઓ મહેસૂલ વિભાગમાં આવે છે. એક વર્ષમાં આ વિભાગમાં ગેરરીતિની સૌથી વધુ 1268 ફરિયાદો વિઝીલન્સ કમિશનને મળી છે. ગુજરાત વિઝીલન્સ કમિશનના 53મા છેલ્લા અહેવાલમાં સરકારના વિવિધ વિભાગો અને બોર્ડ-કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આંકડા પ્રકાશિત કરવામાં આવ્યા છે. મહેસૂલ પછીનું સ્થાન શહેરી વિકાસ વિભાગનું આવે છે. આ વિભાગમાં 1252 ફરિયાદો એક વર્ષમાં મળી છે. ત્રીજાસ્થાને 1039 ફરિયાદો સાથે રાજ્યનો પંચાયત વિભાગ આવે છે. કમિશનને રાજ્યના 25 વિભાગોમાંની ફરિયાદો મળી છે. ચોથાક્રમે 1053 અરજીઓ સાથે ગૃહ વિભાગનો નંબર આવે છે. રાજ્યમાં એક વર્ષમાં 25 વિભાગોમાં 7744 ફરિયાદો થયેલી છે. જે વિભાગમાં ભ્રષ્ટાચારની ફરિયાદ થતી નથી તેમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ આવે છે. એક વર્ષમાં આ વિભાગમાં માત્ર એક જ ફરિયાદ થયેલી છે પરંતુ તેમાં તથ્ય નહીં હોવાથી દફતરે કરવામાં આવી છે. વર્ષ દરમ્યાન નોંધાયેલી ફરિયાદો પૈકી તથ્ય જણાતાં 18 ફરિયાદો પ્રાથમિક તપાસ માટે મોકલવામાં આવી છે. 428 કેસો હકીકતલક્ષી અહેવાલ માટે મોકલવામાં આવ્યા છે. 5106 કેસોમાં યોગ્ય કાર્યવાહી કરવા સરકારને જણાવવામાં આવ્યું છે. 146 અરજદાર પાસેથી વધુ વિગતો માંગવામાં આવી છે જ્યારે 2045 અરજીઓ કમિશને દફતર કરી છે કારણ કે તેમાં કોઇ તથ્ય જણાયું નથી.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(9:22 am IST)