Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

પ્રકૃતિની પાઠશાળા

વધુ વૃક્ષો વાવી પ્રકૃતિને હરીભરી કરીએ

પ્રકૃતિ તો ખરેખર આપણી માતા સમાન છે. તે સૃષ્ટિના બધા પ્રાણીઓની ઉત્પત્તિ તથા પાલન પોષણનો બધો જ ભાર પોતે વહન કરે છે. પ્રકૃતિના દર્શન કરવાનો આનંદ અવર્ણનિય છે. પ્રકૃતિની મહાન કૃપાનું વર્ણન કરવુ મુશ્કેલ છે.

પ્રકૃતિ નિસ્વાર્થ ભાવે એક માતાની જેમ આપણુ પાલન પોષણ કરે છે. વ્યવહારિક જગતનું શિક્ષણ આપવામાં પ્રકૃતિ જેટલુ યોગદાન બીજા કોઈનું હોતુ નથી. તે આપણને નિરંતર શુધ્ધ પ્રાણવાયુ પુરો પાડે છે. તે ધરતીના તમામ જીવોનું પોષણ કરે છે.

તેણે ઉત્પન્ન કરેલા ફળફુલ, અન્ન, કંદમૂળ વગેરે તમામ જીવોની જરૂરીયાત પુરી પાડે છે.

પ્રકૃતિ વાતાવરણના ઝેરને શોષી લઈને આપણને શુધ્ધ હવા પુરી પાડે છે અને આથી જ આપણા શાસ્ત્રોમાં વૃક્ષોને ભગવાન શંકરની ઉપમા આપવામાં આવી છે. તે ભગવાન શંકરની જેમ જગતનુ કલ્યાણ કરે છે.

આજે વિશ્વમાં ઉદ્યોગો, મીલો, કારખાના, વાહનો, વસતિ વધી રહ્યા છે. આ બધાને કારણે દિન પ્રતિદિન પૃથ્વીનું તાપમાન વધતુ જાય છે. આજે વિકરાળ સ્વરૂપ ધારણ કરેલા ગ્લોબલ વોર્મિંગના પ્રશ્નનું જો નિરાકરણ કરવું હોય તો તેનો એક જ માર્ગ છે. સમગ્ર વિશ્વના લોકોએ શકય એટલા વધુને વધુ વૃક્ષો વાવીને પ્રકૃતિ માતાને હરીભરી બનાવવી પડશે.

જો આપણે પ્રકૃતિ માતાનું પોષણ કરીશું તો તે આપણુ ધ્યાન રાખશે જ કારણ કે સૃષ્ટિની દરેકે દરેક ચીજ આપણને કોઈને કોઈ શિક્ષણ આપતી જ રહે છે.

મંદ મંદ વાતો શિતળ પવન મનને પ્રસન્ન કરે છે નદી કે સરોવર કિનારે ઉગેલા વૃક્ષો અને હરીયાળા પર્વતો વગેરે કુદરતની રમણીયતામાં ઉમેરો કરે છે. આવી પ્રકૃતિની પાઠશાળામાં પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને જ્ઞાન પ્રાપ્ત કરીએ અને સમાજની સેવા કાજે આગળ વધીએ.

પરમ કૃપાળુ પરમાત્માએ બનાવેલ આ સૃષ્ટિ પ્રેમ વગર અધુરી છે. પ્રેમના કારણે જ આ પ્રકૃતિમાં જીવન શકય થયું. પ્રેમના કારણે જ પ્રકૃતિ આટલી સુંદર સમૃદ્ધ અને મોહક છે.

પ્રકૃતિમાં મનુષ્ય, પશુ-પક્ષી, વૃક્ષ વનસ્પતિ વગેરે બધાનો સમાવેશ થાય છે.

પ્રેમની અભિવ્યકિત માટે કોયલ મધુરા ટહુકા કરીને વાતાવરણને પ્રસન્ન કરી દે છે. કોયલના ટહુકા માનવીને પ્રસન્નતા પ્રદાન કરે છે.

માનવી પ્રકૃતિનો એક ભાગ છે. એમ છતાં તે પ્રકૃતિ કરતા વધારે ઉન્નત બનવા માટે અને પોતાને અભિવ્યકત કરવા માટે પ્રયત્નશીલ રહે છે. સૃષ્ટિના જીવજંતુઓનો સંસાર નિરાળો છે. તેઓ માનવીની જેમ અત્યંત બુદ્ધિશાળી તો નથી જ, પરંતુ પ્રકૃતિએ તેમને પણ આગવી સુઝ આપેલી છે. પ્રકૃતિની પાઠશાળામાં સાચુ શિક્ષણ પ્રાપ્ત  કરી  શકાય  છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:52 am IST)