Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

સરકારી મહેમાન

ગુજરાત ફર્સ્ટના સરકારી દાવા નિષ્ફળ જાય છે; સ્ટાર્ટઅપમાં પણ બીજા રાજ્યો આગળ નિકળ્યા

નવા સચિવાલયમાં સ્વિગી અને જોમેટો નહીં, બાકીની ઓફિસમાં કર્મચારીઓને ઓનલાઇન ફુડના જલસા : ફુલોની ખેતીમાં 2002 સુધી શૂન્ય ઉત્પાદન—મોદીના શાસન પછી ફુલ ઉત્પાદનના આંકડા વધતા ગયા છે : ઇન્દિરા ગાંધીનો કટોકટી કાળ: કોંગ્રેસ ભૂલવા માગે છે પરંતુ ભાજપના નેતાઓ બ્લેક-ડે ને જીવંત રાખે છે

ગુજરાત ફર્સ્ટએવા શબ્દો આપણને 2002 થી 2014ના વર્ષો દરમ્યાન જોવા મળ્યા હતા જ્યારે મોદીએ ગુજરાતનો વિકાસ પંચશક્તિના માધ્યમથી કર્યો હતો. તેમણે 13 વર્ષના શાસનમાં જન, જળ, ઉર્જા, રક્ષા અને જ્ઞાન શક્તિની તર્જ પર કામ કર્યું છે. એ ઉપરાંત તેમણે ઔદ્યોગિક વિકાસની સાથે સોલાર પાવર, મેડીકલ, પેટ્રોકેમ, ટુરિઝમ, કૃષિ, રોજગાર જેવા સેક્ટરોમાં પણ રાજ્યને દેશમાં નંબર વન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. હવે અચાનક ગુજરાતને શું થયું છે કે આપણે એક પછી એક ક્ષેત્રમાં પહેલો નંબર ગુમાવી રહ્યાં છીએ. નવ-નવ વાયબ્રન્ટ સમિટ પછી પણ આપણે ઔદ્યોગિક વિકાસમાં બીજા રાજ્યો કરતાં પાછળ છીએ. આપણે સોલારનું સ્થાન ગુમાવ્યું છે. પાડોશી રાજ્ય રાજસ્થાન આપણાંથી આગળ નિકળી ચૂક્યું છે. ઔદ્યોગિક વિકાસમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી, આંધ્રપ્રદેશ સહિતના રાજ્યો આપણને આગળ આવવા દેતા નથી. કૃષિ સેક્ટરમાં પણ બીજા રાજ્યો ક્રાન્તિ કરી રહ્યાં છે. આપણી પાસે અમૂલ બ્રાન્ડ હોવા છતાં દૂધના ઉત્પાદનમાં પણ આપણે પાછા પડ્યા છીએ. હવે દેશમાં પહેલી પોલિસી બનાવ્યા છતાં સ્ટાર્ટઅપ મિશનમાં આપણે છઠ્ઠો નંબર લાવ્યા છીએ. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશન દ્વારા જે રેન્ક આપવામાં આવ્યા છે તેમાં દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં શરૂ થયેલા 14565 સ્ટાર્ટઅપ પ્રોજેક્ટો પૈકી મહારાષ્ટ્ર 2787 સાથે પ્રથમક્રમે છે. બીજાક્રમે 2107 સાથે કર્ણાટકા, 1949 સાથે ત્રીજાસ્થાને દિલ્હી, 1201 સાથે ચોથાક્રમે ઉત્તરપ્રદેશ અને 765 સાથે હરિયાણા પાંચમાક્રમે છે. અહેવાલના સમયગાળા દરમ્યાન ગુજરાતમાં માત્ર 764 સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ શરૂ થયા છે. સરકારી દાવાને નિષ્ફળ જતાં અટકાવી ગુજરાત સરકારે બીજા રાજ્યો સાથે તંદુરસ્ત સ્પર્ધા કરવાનો સમય આવી ગયો છે.

ગુજરાતનું આરોગ્ય મહેકમ કથળી રહ્યું છે...

ગુજરાતમાં 9153 પેટા આરોગ્ય કેન્દ્રો, 1474 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને 363 સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં ગામડાના ગરીબ દર્દીઓની સારવાર થાય છે પરંતુ આરોગ્ય વિભાગ પાસે કેન્દ્રોને નિભાવવા માટેનો પુરતો સ્ટાફ નથી. આરોગ્યના આંકડા ચોંકાવનારા સામે આવ્યા છે. તમામ કેન્દ્રોમાં 10627 મહિલા આરોગ્ય વર્કરની જરૂરિયાત છે પરંતુ હાલની સ્થિતિએ માત્ર 8340 વર્કર છે. એવી રીતે પુરૂષ આરોગ્ય વર્કરની 9153 જગ્યાઓ સામે 7755 નિયુક્ત થયેલા છે. બન્ને મળીને કુલ 4685 જગ્યાઓ ખાલી છે. રાજ્યના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં 1865 ડોક્ટરોની ભરતી કરવા માટે મંજૂરી આપવામાં આવેલી છે છતાં 544 ડોક્ટરોની ઘટ છે. એટલે કે 30 ટકા ડોક્ટરો ઓછા છે, જ્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં 363 સર્જનની સામે માત્ર 31 ની ભરતી થયેલી છે, એટલે કે 91.46 સર્જનની ઘટ છે. આશ્ચર્યની બાબત એવી છે કે મહિલા પ્રસૂતિ માટે ડોક્ટરોની જરૂરિયાત 363 છે પરંતુ 315 જગ્યાઓ ખાલી છે. રાજ્યમાં અડધી વસતી મહિલાઓની હોવા છતાં સ્ત્રી પ્રસૂતિ અને મહિલા રોગના નિષ્ણાંતો સરકારને મળતા નથી. બીજી તરફ પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં 4391 નર્સીંગ સ્ટાફની જગ્યા મંજૂર થયેલી છે છતાં 1231ની ભરતી થઇ નથી. રાજ્યના 100 કેન્દ્રો એવા છે કે જ્યાં ડોક્ટર નથી. સરકારના કેન્દ્રોમાં રેડિયોગ્રાફર, ફાર્માસિસ્ટ, લેબટેકનિશિયન, હેલ્થ વર્કર અને નર્સની સંખ્યામાં છેલ્લા એક વર્ષમાં ઘટાડો થયો છે, એટલે કે સરકારી નોકરી છોડીને સ્ટાફ ખાનગી જગ્યાએ સિફ્ટ થયો છે.

ગુજરાતના ખેડૂતોને આજે પણ કપાસ પ્રિય છે...

ચોમસાસા આગમન પછી ગુજરાતમાં ખરીફ પાકના વાવેતરની શરૂઆત થઇ ચૂકી છે પરંતુ અત્યાર સુધીમાં રાજ્યમાં માત્ર 2.44 ટકા વિસ્તારમાં વાવણી થઇ છે. રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષનો નોર્મલ વાવેતર વિસ્તાર 84.76 હેક્ટર છે જે પૈકી આ સમયગાળામાં ગયા વર્ષે 2.25 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું પરંતુ આ વર્ષે 2.07 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. કૃષિ વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે વાવણી કરવાના સમયગાળામાં રાજ્યમાં ઘાન્ય પાકોમાં 13.59 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થાય છે જેમાં ડાંગર, બાજરી, જુવાર અને  મકાઇનો સમાવેશ થાય છે. કઠોળ પાકો જેવાં કે તુવેર, મગ, મઠ અને અડદમાં 5.79 લાખ હેક્ટર વિસ્તાર સમાવવામાં આવે છે. રાજ્યના ખેડૂતો તેલીબિયાં પાકો જેવાં કે મગફળી, તલ, દિવેલા અને સોયાબીનમાં 23.83 લાખ હેક્ટરમાં વાવેતર કરતા હોય છે. એ ઉપરાંત અન્ય પાકો જેવાં કે કપાસ, તમાકુ, ગુવાર, શાકભાજી અને ઘાસચારો વાવવામાં 41.60 લાખ હેક્ટર જમીન વાપરતા હોય છે. રાજ્યની જમીનમાં ખેડૂતો સૌથી વધુ 25.86 લાખ હેક્ટર જમીન કપાસ માટે અને 15.70 લાખ હેક્ટર જમીન મગફળી માટે વાપરતા હોય છે. આજે પણ ખેડૂતો કપાસના પાકને રોકડિયો પાક માની રહ્યાં છે.

ઇમરજન્સીકોંગ્રેસ ભૂલવા માગે છે, ભાજપ કદી નહીં...

ભારતના ઇતિહાસમાં 21 મહિના સુધીનો લાંબો સમય એવો હતો કે જ્યારે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની સલાહ પ્રમાણે રાષ્ટ્પતિ ફખરૂદ્દીન અલી અહમદે ભારતીય સંવિધાનની ધારા 352 અંતર્ગત કટોકટી કાળ (ઇમરજન્સી) ની ઘોષણા કરી હતી. જો કે તેના પરિણામ ઇન્દિરા ગાંધીએ 1977માં ભોગવવા પડ્યા હતા. 25 જૂન 1975ની મધરાતે લદાયેલી ઇમરજન્સી 21 માર્ચ 1977 સુધી ચાલી હતી. લાલબહાદુર શાસ્ત્રીના મોત પછી વડાપ્રધાન બનેલા ઇન્દિરા ગાંધીને ન્યાયપાલિકા સાથે અથડામણો થઇ હતી. ઇન્દિરાને પહેલો ઝટકો ત્યારે લાગ્યો કે જ્યારે, 27મી ફેબ્રુઆરી 1967ના રોજ સુપ્રીમ કોર્ટનો ફેસલો હતો કે સંસદમાં બે તૃતિયાંસ બહુમતિ સાથે કોઇ સંવિધાન સંશોધન દ્વારા મૂળભૂત અધિકારીઓની જોગવાઇને ખતમ કરી શકાય નહીં. જો કે આ ચૂકાદા પછી 1971માં આવેલી લોકસભાની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીએ કોંગ્રેસને મોટી જીત અપાવી હતી, પરંતુ ઇન્દિરાની જીત સામે તેમના પ્રતિદ્વંધી રાજનારાયણે રાયબરેલી લોકસભા સીટ પર આરોપ લગાવ્યો હતો કે ઇન્દિરાએ ચૂંટણી જીતવા માટે ખોટી રીતનો ઉપયોગ કર્યો હતો. આ કેસની સુનાવણીમાં ઇન્દિરા ગાંધીની ચૂંટણી રદ કરવામાં આવતાં ઇન્દિરા ગાંધીને વડાપ્રધાન પદ પર ટકી રહેવા સામે મુશ્કેલી વધી હતી. ઇન્દિરા ગાંધી તો રાજીનામું આપવા તૈયાર થયા હતા પરંતુ સંજય ગાંધીએ તેમને રોક્યા હતા. 25 જૂન 1975-- એ  આઝાદ ભારતના ઇતિહાસમાં કાળા દિવસ તરીકે ઓળખાય છે. આ દિવસો કોંગ્રેસના નેતાઓ ભૂલવા માગે છે પરંતુ ભાજપના નેતાઓ વારંવાર 25મી જૂનને યાદ કરીને દેશની નવી પેઢીને આ કાળા દિવસોની યાદ અપાવતા રહ્યાં છે.

રાજ્યમાં 2002 સુધી ફુલોનું ઉત્પાદન શૂન્ય...

ગુજરાતમાં ખેડૂતો સામાન્ય રીતે ફુલોની ખેતી કરતાં ગભરાઇ રહ્યાં છે, કારણ કે તેમનું ઉત્પાદન બગડી જવાની સંભાવના વધારે હોય છે પરંતુ જ્યારથી કટ ફ્લાવર અને લાંબા સમય સુધી સંગ્રહી શકાય તેવા ફુલોની ખેતીનું ચલણ વધ્યું છે ત્યારથી ખેડતોએ ફુલોની ખેતીમાં પગરણ માંડ્યા છે. રાજ્યમાં 2002ના વર્ષ સુધી ખેડૂતોને ફુલોની ખેતીની પદ્ધતિ, તેની ઉપજ અને બજાર અંગે કોઇ ખ્યાલ ન હતો. કેટલાક ખેડૂતો પૂજા માટેના ફુલોનું ઉત્પાદન કરતાં હતા પરંતુ રાજ્યની એવરેજમાં તેની ગણતરી થઇ શકતી ન હતી. કૃષિ તજજ્ઞોએ ખેડૂતોને ફુલોની ખેતી કરવા માટે પ્રેરણા આપતાં ખેડૂતો હવે ધીમે ધીમે ફુલોનું ઉત્પાદન કરતા થયા છે. રાજ્યના બાગાયતી વિભાગના આંકડા પ્રમાણે 2003ના અંતે રાજ્યમાં 4920 હેક્ટરમાં 29.04 મેટ્રીક ટન ફુલોનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું, જે ગુજરાતના કૃષિ ઇતિહાસમાં પહેલીવાર જોવા મળ્યું છે. આ વર્ષ પછી ફુલોના ઉત્પાદનમાં વધારો થતો ગયો છે. ખેડૂતોને ફુલપાકના દામ મળતાં આજે રાજ્યમાં ફુલોના ઉત્પાદનનો વિસ્તાર વધીને 20380 હેક્ટર થયો છે અને 193000 મેટ્રીક ટન ફુલોનું ઉત્પાદન નોંધાયું છે. રાજ્યમાં સામાન્ય રીતે ફુલોનું ઉત્પાદન નવસારી, વડોદરા, સુરત, અમદાવાદ, આણંદ, ભરૂચ, વલસાડ, કચ્છ, ખેડા દાહોદ, છોટા ઉદેપુર અને ગાંધીનગર વિસ્તારમાં જોવા મળે છે. કૃષિ બાગાયત નિયામકના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 2022 સુધીમાં ફુલપાકોનો વાવેતર વિસ્તાર 50 હજાર હેક્ટર સુધી લઇ જવાનો સરકારનો લક્ષ્યાંક છે.

ઓનલાઇન ફુડ—સોરી, તમે નહીં મંગાવી શકો...

સચિવાલયમાં આવેલી સરકારી કચેરીઓમાં ઓનલાઇન ફુડની કંપનીઓ જેવી કે સ્વિગી અને જોમેટો માટે મુસિબત બની છે, કેમ કે આ બન્ને ફુડ પ્રોવાઇડરોના ડિલિવરી બોય પરેશાન થઇ ગયા છે. કોઇ કર્મચારી આ એપ્લિકેશનમાં ફુડનો ઓર્ડર આપ્યા પછી ઘણાં લાંબા સમય પછી આવતું હોવાથી ગરમ ભોજન ઠંડુ થઇ ચૂક્યું હોય છે. સચિવાલયના સલામતી રક્ષકો વચ્ચે ફયાયેલા ફુડની હાલત દયાજનક હોય છે. સ્વિગી અને જોમેટો પર નોંઘાયેલું ફુડ ડિલિવરી બોય સીધો ઓફિસમાં આવીને આપી જતો નથી તેથી કર્મચારીને ઓર્ડર આપ્યા પછી સચિવાલયના ગેઇટ સુધી આવવું પડે છે, અન્યથા તે ફુડ ફેંકી દેવું પડે છે. સચિવાલયમાં ગાંધીનગરની એકમાત્ર સ્વિટમાર્ટને જ પરમીશન આપવામાં આવેલી છે. તમામ બેઠકોમાં આ જ સ્વિટમાર્ટનો નાસ્તો આવે છે. બન્ને ઓનલાઇન ફુડના ડિલિવરી બોયને સચિવાલયમાં ફરવાનો અધિકાર નથી. સચિવાલયની કેન્ટીન અને મીનાબજારની ખાણીપીણીથી કંટાળેલા કર્મચારીઓને ચટપટું ખાવાનો શોખ જાગે છે પરંતુ તેઓ મહા મહેનતે ખાઇ શકે છે. તેમને ડિલિવરી લેવા માટે સચિવાલયના ઝાંપા સુધી જવું પડે છે, જો ન જાય તો સલામતી રક્ષકો ત્રણ જગ્યાએ ફુડ પેકીંગ ખોલીને બઘું સ્કેન કરતા હોય છે. જો કે આ નિયંત્રણો સલામતીના કારણોસર માત્ર નવા સચિવાલયમાં રાખવામાં આવેલા છે. જૂના સચિવાલયના કર્મચારીઓ બિન્દાસ સ્વિગી અને જોમેટોમાંથી ફુડ મંગાવી શકે છે. એ ઉપરાંત ઉદ્યોગ ભવન, ખેત ભવન કે બોર્ડ-કોર્પોરેશનની કચેરીમાં કોઇપણ કર્મચારી આસાનીથી આ ફુડ મંગાવી શકે છે

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

 

(8:31 am IST)