Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

સરકારી મહેમાન

MP બનવા પાર્ટીની ટિકીટ હોવી જરૂરી નથી દેશમાં 222 અપક્ષોએ પાર્લામેન્ટ ગજવી છે

મહિલા આરક્ષણ 33 ટકા અને 50 ટકા કહેવાય છે પરંતુ ચૂંટણીમાં કોઇ લાભ નહીં: રાજ્યની 26 પૈકી 12 બેઠકો એવી છે કે જ્યાં ભાજપને ચૂંટણી પ્રચારની જરૂર નથી: રાજનીતિમાં વૃદ્ધોને સલાહકાર બનાવી દો, સેકન્ડ કેડર આપમેળે બહાર આવી જશે

કોણ કહે છે કે લોકસભાની ચૂંટણી લડવા માટે પાર્ટીનો સહારો જોઇએ. એવા 222 ઉમેદવારો લોકસભાની ચૂંટણી વટથી લડ્યાં છે કે જેઓ ચૂંટાઇને પાર્લામેન્ટમાં ગયા છે. સમગ્ર દેશમાં ઉત્તર પ્રદેશ એવું રાજ્ય છે કે જેણે સૌથી વધુ 37 અપક્ષ સસંદસભ્યો આપ્યાં છે. લોકસભાની પ્રથમ ચૂંટણીમાં 37, બીજી ચૂંટણીમાં 42, ત્રીજી ચૂંટણીમાં 20, ચોથી ચૂંટણીમાં 35 અને પાંચમી ચૂંટણીમાં 14 સાંસદો અપક્ષ હતા. આ પછી અપક્ષ ઉમેદવારોની વિજયની રફતાર ઓછી થઇ હતી. 1977ની છઠ્ઠી લોકસભા અને 1980ની સાતમી લોકસભામાં 9 સાંસદો અપક્ષ હતા. 1984માં 5, 1989માં 12 અને 1991માં માત્ર એક જ અપક્ષ ઉમેદવાર પાર્લામેન્ટ સુધી પહોંચી શક્યો હતો. 1996માં અપક્ષોની સંખ્યા 9 થઇ હતી. 1998માં તે સંખ્યા ઘટીને 6 થઇ હતી જે સંખ્યા 1999માં પણ જોવા મળી હતી. 2004ની લોકસભામાં પાંચ અને 2009ની લોકસભામાં 9 અપક્ષો સાંસદ બન્યા હતા. છેલ્લે જ્યારે 2014માં લોકસભાની ચૂંટણી થઇ ત્યારે અપક્ષોની સંખ્યા ઘટીને માત્ર 3 થઇ છે. દેશમાં અત્યાર સુધીની લોકસભાની ચૂંટણીઓમાં 44962 અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે પરંતુ વિજેતા થયેલા 222 જેટલા અપક્ષોએ સંસદને ગજવી છે. હવે અપક્ષ ઉમેદવારો માત્ર વિધાનસભામાં સૌથી વધુ ચૂંટાય છે, લોકસભામાં અપક્ષોને સફળતા મળવાની સંખ્યા ઓછી થતી જાય છે, કારણ કે અત્યારે રાજકીય પાર્ટીઓની સંખ્યા વધી ગઇ હોવાથી કોઇને કોઇ પાર્ટી શક્તિશાળી ઉમેદવારને ટિકીટ આપી દેતો હોય છે.

ચૂંટણી વિના ભાજપ 12 બેઠકો જીતી જાય તેમ છે...

ગુજરાતમાં કોંગ્રેસની કમજોરી છે કે શહેરી વિસ્તારમાં તેના ઉમેદવારો ચૂંટણી જીતી શકતા નથી. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી હોય ત્યારે શહેરી વિસ્તારમાં કોંગ્રેસને ઉમેદવારો મળતા નથી. સ્થાનિક ચૂંટણીમાં તો ભાજપના અસંખ્ય ઉમેદવારો બિનહરીફ થતાં જોવા મળ્યા છે. છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસની વિજયશક્તિ મંદ પડી છે, કેમ કે કોંગ્રેસમાં મજબૂત ઉમેદવારો ટક્યાં નથી. વિધાનસભાની 50 અને લોકસભાની 12 બેઠકો એવી છે કે જ્યાં ભાજપ ચૂંટણી પ્રચાર ન કરે તો પણ તે બેઠકો આસાનીથી જીતી શકે છે. આ બઘી બેઠકો શહેરી વિસ્તારની છે. લોકસભા 2019માં ભાજપના 12 ઉમેદવારો એવા છે કે જ્યાં ચૂંટણી પ્રચારની આવશ્યકતા નથી. આ બેઠકોમાં ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, રાજકોટ, જામનગર, ભાવનગર, ખેડા, કચ્છ, વડોદરા, ભરૂચ, સુરત અને નવસારીનો સમાવેશ થાય છે. ગુજરાતમાં 14 બેઠકોમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ટક્કર જોવા મળે છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દાવો કરે છે કે અમને ગુજરાતમાં 26 બેઠકો મળશે, જ્યારે કોંગ્રેસના પ્રદેશ નેતાઓ જાહેરમાં એવું કહે છે કે પાર્ટીને 11 થી 13 બેઠકો મળશે. જો કે અંદરખાને આ નેતા કબૂલ કરે છે કે કોંગ્રેસને આ વખતે પાંચ થી સાત બેઠકો મળી શકે તેમ છે. પ્રત્યેક ચૂંટણીમાં આમ પણ કોંગ્રેસના નેતાઓ નીચું નિશાન રાખતી હોય છે જ્યારે ભાજપ ઉંચું નિશાન રાખે છે.

રાજનીતિમાં નિવૃત્તિ: કોંગ્રેસને ભાજપ શિખવે છે...

સરકારી કે પ્રાઇવેટ નોકરી હોય તેમાં નિવૃત્તિ વય ફિક્સ કરવામાં આવેલી છે પરંતુ બિઝનેસ કે પ્રોફેશનલ કામમાં તેવી કોઇ મર્યાદા રાખવામાં આવી નથી પરિણામે રાજનીતિમાં વધતી ઉંમરને અનુભવી કરીને બોલાવવામાં આવે છે પરંતુ સરવાળે તે સેકન્ડ કેડર માટે ઘાતક છે. કોંગ્રેસે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સચિન પાયલટ અને જ્યોતિરાદિત્ય સિંધિયાની જગ્યાએ અશોક ગહેલોત અને કમલનાથને મુખ્યમંત્રી પદે બેસાડ્યા ત્યારે આ બન્ને યુવા નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. સચિન પાયલટે તો નાયબ મુખ્યમંત્રીનું પદ લઇ લીધું પરંતુ સિંધિયાને મનાવી લેવામાં આવ્યા હતા. કોંગ્રેસમાં આજે પણ અહમદ પટેલ અને સોનિયા ગાંધી સક્રિય છે. જો કે ભાજપે તેની દિશા બદલી છે. ભાજપે 75 વર્ષ કે તેનાથી વધુ આયુના નેતાઓને સક્રિય રાજકારણમાંથી દૂર કર્યા છે. લાલકૃષ્ણ અડવાણી હોય કે મુરલી મનોહર જોષી-- ભાજપે નવી કેડર તૈયાર કરી છે. ભાજપમાં અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીનું સ્થાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે લીધું છે. આજે નહીં તો કાલે કોંગ્રેસને પણ આ દિશા પકડવી પડશે, કેમ કે વર્ષોથી ચૂંટણી લડતા ઉમેદવારો જગ્યા ખાલી નહીં કરતા હોવાથી યુવા નેતાઓને રાજનીતિમાં કોઇપણ જાતની ઓપર્ચ્યુનિટી મળતી નથી. યુવા સરકારની શરૂઆત દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે શરૂ કરી હતી હવે ભાજપમાં પણ યુવા નેતાગીરીનો ઉદય થઇ રહ્યો છે. લોકસભાની ચૂંટણીના પરિણામો જો કોંગ્રેસ માટે ખરાબ આવ્યા તો કોંગ્રેસના સંગઠનમાં પણ બેશક પરિવર્તન થઇ શકે છે. આમ પણ પરિવર્તન એ સંસારનો નિયમ છે. હા પાર્ટીમાં અતિ સિનિયર નેતાઓને અવણગીને આગળ વધવું જોઇએ નહીં પરંતુ તેમને સલાહકાર બનાવીને સક્રિય રાખી શકાય છે.

કોંગ્રેસમાં 2014ની ચૂંટણી હારેલા ઉમેદવારો દૂર...

કોંગ્રેસ માટે પ્લસ પોઇન્ટ એ છે કે તેણે 2014ની ચૂંટણી હારી ગયેલા મોટાભાગના ઉમેદવારોને દૂર કર્યા છે, માત્ર ચૂંટણી જીતી શકે તેવા ભરતસિંહ સોલંકી (આણંદ), તુષાર ચૌધરી (બારડોલી), પુંજા વંશ(જૂનાગઢ) અને સોમાભાઇ પટેલ (સુરેન્દ્રનગર) ને ફરીથી ટિકીટ આપી છે જે પૈકી બે ઉમેદવારો વર્તમાન ધારાસભ્ય છે. જો કે કોંગ્રેસમાં પાંચ લોકસભા બેઠકના ઉમેદવારો એવા છે કે જેઓ ચૂંટણીમાં વિજયી બની શકે તેમ નથી. ટિકીટ આપવામાં કોંગ્રેસે જીતનો ક્રાઇટેરિયા જોયો નથી, માત્ર કોઇના કહેવાથી ટિકીટ આપવામાં આવી છે. કોંગ્રેસે 12 બેઠકો ઉપર જીતવા માટે નહીં પણ ઇજ્જત બચાવવા માટે ઉમેદવારો ઉભા રાખ્યા છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપ કે કોંગ્રેસ એમ બન્ને પક્ષમાં કોઇ પૂર્વ મુખ્યમંત્રી ચૂંટણી લડતા નથી. ગુજરાતમાં હાલ જે પૂર્વ મુખ્યમંત્રી છે તેમાં કેશુભાઇ પટેલ, માધવસિંહ સોલંકી, દિલીપ પરીખ અને સુરેશ મહેતાએ રાજકીય સન્યાસ લીધો હોવાથી તેઓ ચૂંટણી પ્રચારમાં જોડાવાના નથી. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ મધ્યપ્રદેશમાં રાજ્યપાલ હોવાથી ચૂંટણી પ્રચાર કરી શકે નહીં, જ્યારે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાયા છે પરંતુ હજી તેમણે પણ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો નથી. પહેલા શંકરસિંહ વાઘેલાએ લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી પરંતુ પછીથી તેમણે કહ્યું કે-- હું લોકસભાની ચૂંટણી લડવાનો નથી. સૂત્રો કહે છે કે શંકરસિંહ વાઘેલાને સાબરકાંઠાની બેઠક જોઇતી હતી પરંતુ કોંગ્રેસે એનસીપી સાથે ગુજરાતમાં સમાધાન કર્યું નહીં હોવાથી કોઇ બેઠક એનસીપીને ફાળવી નથી.

ભારતની પ્રથમ લોકસભા શિક્ષિત હતી...

ભારતમાં પ્રથમ લોકસભાની ચૂંટણી 1952માં થઇ હતી. એ સમયે રાજનીતિમાં ઉમેદવારો અને પાર્ટીઓની મહેતન દેખાઇ આવતી હતી. પ્રતિસ્પર્ધી ઉમેદવારો કે પાર્ટી પર કાદવ ઉછાળવાની જગ્યાએ શાલિનતાથી ઉમેદવારો ચૂંટણી લડતા હતા. એ વખતે રાજકીય કાવાદાવા અને રાજકીય ગંદકીનો માહોલ ન હતો. દેશમાં કુલ વસતી 36 કરોડ હતી જે પૈકી માત્ર 17 કરોડ મતદારો હતા જે પૈકી 10 કરોડ લોકોએ મત આપ્યા હતા. દેશની પહેલી લોકસભામાં 35.6 ટકા વકીલ ઉમેદવારો સાંસદ બન્યા હતા. 22.4 ટકા સાંસદો ખેડૂત વર્ગમાંથી આવતા હતા. 12.0 ટકા વ્યાપારીઓ અને 3.7 ટકા સિવિલ સેવામાંથી આવતા સાંસદો હતા. 4.9 ટકા સાંસદોનો વ્યવસાય ડોક્ટરનો હતો. 9.9 ટકા શિક્ષકો ચૂંટાઇ આવ્યા હતા. પત્રકાર અને લેખકોની સંખ્યા 10.4 ટકા અને 11.0 ટકા રાજવીઓ સાંસદ હતા. પહેલી ચૂંટણીમાં મજૂર નેતાઓ, ઇજનેરો અને ધર્મગુરૂઓ પણ સાંસદ બન્યા હતા. 1951માં બે સભ્યોનો સંસદીય મતવિસ્તાર હતો. કુલ 53 રાજકીય પાર્ટીઓએ ચૂંટણી લડી હતી.

સંસદમાં મહિલા આરક્ષણ 12 ટકા હોય ખરૂં?...

દેશમાં 33 ટકા અને 50 ટકા મહિલા આરક્ષણની વાતો કરતી ભાજપ અને કોંગ્રેસ સહિતની પાર્ટીઓની કથની અને કરણીમાં બહુ મોટો ફેર છે. સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે મહિલા ઉમેદવારની સામે મહિલા ઉમેદવાર ઉતારવામાં આવે છે તેથી મહિલા સાંસદોની સંખ્યા વધતી નથી. બીજી મહત્વની બાબત એવી છે કે મહિલા આરક્ષણની વાતો કરીને પાર્ટીઓ મહિલા ઉમેદવારને નબળી ગણીને ચૂંટણીના મેદાનમાં ઉતારતી નથી. વિશ્વભરની પાર્લામેન્ટમાં મહિલાઓની સંખ્યાના થયેલા સર્વે પ્રમાણે ભારતનું સ્થાન છેલ્લે 103 નંબર ઉપર છે. આપણા પાડોશી દેશ નેપાળનું સ્થાન 35મું અને પાકિસ્તાનું સ્થાન 64મું છે. બાંગ્લાદેશમાં તો પ્રત્યેક પાંચ માંથી એક સાંસદ મહિલા હોય છે. 16મી ભારતીય સંસદના બન્ને સદનોમાં મહિલાઓની સંખ્યા 97 છે જે પૈકી 66 લોકસભામાં છે અને 31 રાજ્યસભામાં છે. નેપાળની સંસદમાં કુલ 176 બેઠકો છે જે પૈકી પ્રત્યેક ત્રીજી સીટ ઉપર મહિલા છે. દેશમાં જ્યારે પ્રથમ લોકસભાની ચૂંટણી થઇ હતી ત્યારે 1952માં 22 મહિલાઓ સંસદમાં પહોંચી શકી હતી. આજે છેલ્લી સંસદમાં મહિલાઓની સંખ્યા 66 છે જે અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ આંકડો છે અને 12 ટકા પ્રતિનિધિત્વ દર્શાવે છે. પહેલી અને બીજી લોકસભામાં મહિલા સાંસદની સંખ્યા એક સરખી 22 હતી. ત્રીજી સંસદમાં 31, ચોથી સંસદમાં 29, પાંચમી સંસદમાં 28 અને છઠ્ઠી સંસદમાં 19 હતી. એ ઉપરાંત સાતમી સંસદમાં આ સંખ્યા 28 હતી તે વધીને આઠમી સંસદમાં 43 થઇ હતી. નવમી સંસદમાં 29, દસમી સંસદમાં 39, 11મી સંસદમાં 40, બારમી સંસદમાં 43, તેરમી સંસદમાં 49, 14મી સંસદમાં 45 અને 15મી સંસદમાં 59 થઇ હતી. અત્યાર સુધીમાં કુલ 592 મહિલાઓ સાંસદ બની છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:41 am IST)
  • જમ્મુ કાશ્મીરના પૂંછ સેક્ટરમાં એલઓસી નજીક બ્લાસ્ટ ;એક આર્મી જવાન ઘાયલ access_time 1:22 am IST

  • પરીણામો પછીના વિજયોત્સવ માટે ભાજપે રોડ-શો કાઢવા તૈયારીઓ શરૂ કરી દીધી છે access_time 4:29 pm IST

  • મહેસાણાની દુધસાગર ડેરીના ૪૫ કર્મચારીઓની બદલીઃ ત્રણ દિવસથી હડતાલ ઉપર : કર્મચારીઓ મહેસાણા ન આવવા મકકમઃ ૩ દિવસથી મહેસાણાના કર્મીઓ હડતાલ ઉપર ડેરીએ કામ બંધ કરતા કર્મચારીઓની કરી બદલીઃ દુધસાગર ડેરીના કર્મચારી હડતાલ પરઃ હરીયાણાના માનેસર પ્લાન્ટના કર્મીઓ હડતાલ ઉપરઃ મહેસાણાના કર્મીને ઉપર પર પ્રાંતીયોએ માર્યો હતો માર access_time 3:21 pm IST