Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

બોટાદમાં ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ ઉજવાઇ : શહિદ જવાનોને સ્વરાંજલી

ખ્યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, લલિતાબેન ઘોડાદ્રા, રાધાબેન વ્યાસ, હરિસિંહ સોલંકી અને પંકજ ભટ્ટની રમઝટ : જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી સહિત અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ : વિશ્વભરમાં પાંચ લાખથી વધુ ભાવિકોએ આ કાર્યક્રમને ઇન્ટરનેટ પર માણ્યો : બોટાદ અને રાણપુર સ્થિત મેઘાણી પ્રતિમાને પોલીસ - પરિવાર દ્વારા પુષ્પાંજલિ : ગુજરાત રાજ્ય સંગીત નાટ

રાજકોટ તા. ૧૧ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૭૨મી પુણ્યતિથિ નિમિત્ત્।ે એમની કર્મ-નિર્વાણભૂમિ બોટાદ ખાતે સતત નવમા વર્ષે મેઘાણી-ગીતો ગુંજયાં. માતૃભૂમિની રક્ષા કાજે પ્રાણની આહૂતિ આપનાર વીર શહીદ જવાનોને 'સ્વરાંજલિ' અર્પણ થઈ. નવી પેઢી આપણાં સાહિત્ય-સંગીત-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ રાષ્ટ્રભાવના-દેશપ્રેમ જાગૃત થાય તે આશયથી ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક આયોજન કરાયું હતું.

બોટાદ જિલ્લાના સંનિષ્ઠ અને સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, નાયબ પોલીસ અધિક્ષક ચેતન મુંધવા, બોટાદ તાલુકા ખરીદ વેચાણ સંઘ ચેરમેન મનહરભાઈ માતરીયા, બોટાદ એપીએમસી ચેરમેન ડી. એમ. પટેલ અને વાઈસ-ચેરમેન જોરૂભાઈ ધાધલ, રાણપુર એપીએમસી ચેરમેન નરેન્દ્રભાઈ દવે, બોટાદ નગરપાલિકા ચીફ ઓફિસર પાંચાભાઈ માળી, એલસીબી પીઆઈ એચ. આર. ગોસ્વામી, અગ્રણીઓ સુરેશભાઈ ગોધાણી, હરેશભાઈ ધાધલ, જીગ્નેશભાઈ બોળીયા, કિશોરભાઈ પાટીવાળા, કાળુભાઈ પટેલ, કનુભાઈ ધાધલ, ફાલ્ગુનભાઈ ઉપાધ્યાય, રાણપુર ગ્રામ પંચાયત સરપંચ અબ્બાસભાઈ ખલાણી, ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર)ના ચેરમેન ગોવિંદસંગભાઈ ડાભી, રાણપુર સાર્વજનિક એજયુકેશન સોસાયટીના પ્રમુખ મુકુન્દભાઈ વઢવાણા, કાઠી સમાજ અગ્રણી સામતભાઈ જેબલીયા, સાળંગપુરથી બાબભાઈ ખાચર, સુરેન્દ્રનગરથી એચ. કે. દવે, હર્ષાબા જાડેજા અને ભરતસિંહ ચુડાસમા સહિત મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ અને સાહિત્ય-પ્રેમીઓઓ ઉપસ્થિત રહ્યાં હતાં. યુવા પેઢીની વિશેષ ઉપસ્થિતિ રહી. વિશ્વભરમાં પાંચ લાખથી વધુ ભાવિકોએ આ કાર્યક્ર્મને ઈન્ટરનેટ પર જીવંત માણ્યો હતો.                   

ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, લલિતાબેન ઘોડાદ્રા અને રાધાબેન વ્યાસે ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવી હતી. લોકસાહિત્યકાર-હાસ્યકાર હરિસિંહ સોલંકીએ, પોતાની આગવી શૈલીમાં, ઝવેરચંદ મેઘાણીનાં જીવન-કવન વિશે રસપ્રદ વાતો કરી હતી. જાણીતા સંગીતકાર અને ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીના ચેરમેન પંકજ ભટ્ટનું સૂરીલું સંગીત-નિયોજન હતું. દુહા-છંદની રમઝટ બોલાવીને અભેસિંહ રાઠોડે કાર્યક્ર્મનો શુભારંભ કર્યો. વિશ્વ મહિલા દિનના અવસરે અભેસિંહભાઈએ લોકપ્રિય કાવ્ય ચારણ-કન્યા રજૂ કરીને નારીશકિતની વંદના કરી. મોર બની થનગાટ કરે, શિવાજીનું હાલરડું, કોઈનો લાડકવાયો, સૂના સમદરની પાળે, ભેટ્યે ઝૂલે છે તલવાર, દરિયો ડોલે રે માઝમ રાતનો જેવાં અમર મેઘાણી-ગીતોની રજૂઆત કરીને અભેસિંહભાઈએ સહુને ડોલાવી દીધા. જે હજી છાપખાનામાં હતી ત્યારે ઝવેરચંદ મેઘાણી આ દુનિયા છોડી ગયા હતા તેવી તેમની અંતિમ કૃતિ 'સોરઠી સંતવાણી'માંથી લલિતાબેન ઘોડાદ્રાએ વીજળીને ચમકારે (ગંગાસતી) અને ગોકુલ ગામનો ગારુડી (મીરાં)ની હ્રદયસ્પર્શી રજૂઆત કરી. 'રઢિયાળી રાત'માંથી અભેસિંહભાઈ અને લલિતાબેને ચાંદો ઊગ્યો ચોકમાં, આભમાં ઝીણી ઝબૂકે વીજળી, ઊભી ઊભી ઊગમણે દરબાર, કુંજલડી, સૈયર મોરી, રૂખડ બાવા તું હળવો હળવો હાલ્ય જો તથા રાધાબેન વ્યાસે સવા બશેરનું મારું દાતરડું, કાન તારી મોરલી જેવાં સદાબહાર લોકગીતો રજૂ કર્યાં. આજે પણ લોકમુખે રમતું ઝવેરચંદ મેઘાણી રચિત સદાબહાર લોકપ્રિય ગીત કસુંબીનો રંગ સહુ કલાકારોએ રજૂ કરીને કાર્યક્ર્મને વિરામ આપ્યો. વાદ્ય-વૃંદ હિતેષ પરમાર (તબલા), ગૌતમ પરમાર (ઢોલક), હેમુ પરમાર (બેન્જો), જગદીશ વાઘેલા (મંજીરા)એ બખુબી સાથ આપ્યો હતો.        

પ્રાધ્યાપક રહી ચૂકેલા બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ ઉપસ્થિત સહુ સાથે રસપ્રદ જ્ઞાન-ગોષ્ઠિ કરી હતી. પોલીસ-લાઈન અને પોલીસ-પરિવારમાં જન્મેલા ઝવેરચંદ મેઘાણીનું 'લાઈન-બોય'તરીકે ગુજરાત પોલીસ સવિશેષ ગૌરવ અનુભવે છે. વિશ્વભરમાં વસતાં દરેક ગુજરાતી ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન-કવનમાંથી પ્રેરિત થાય છે. સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ તેમ જ આઝાદીની લડતમાં તેમનું અનન્ય અને મહામૂલું પ્રદાન કયારેય વિસરાશે નહીં તેવી ભાવાંજલિ આપી હતી. સાહિત્ય-ક્ષેત્રે જે અનન્ય પ્રદાન કવિવર રવીન્દ્રનાથ ટાગોરનું છે તેવું જ ભગીરથ કાર્ય ઝવેરચંદ મેઘાણીએ કર્યું હતું તેમ પણ જણાવ્યું હતું. બોટાદ પંથકની લાગણી નિહાળીને પિનાકી મેઘાણી ભાવુક થઈ ગયા હતા અને સહુનો હ્રદયથી આભાર માન્યો હતો. લોકલાગણીને માન આપીને, 'સિંધુડો'નો ૮૯મો પ્રાગટ્ય દિન તથા 'ધોલેરા સત્યાગ્રહ'ની ૮૯મી જયંતી અવસરે, આગામી ૬ એપ્રિલનાં રોજ કર્મભૂમિ રાણપુર ખાતે સ્વરાંજલિ કાર્યક્રમનું આયોજન કરાશે તેમ પણ પિનાકી મેઘાણીએ જણાવ્યું હતું.

ગુજરાતના સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઝવેરચંદ મેઘાણીને ૭૨મી પુણ્યતિથિ અવસરે ભાવાંજલિ અર્પણ કરી હતી તથા 'કસુંબીનો રંગ' કાર્યક્ર્મ માટે શુભેચ્છા પાઠવતો લાગણીસભર પત્ર પિનાકી મેઘાણીને લખ્યો હતો. મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી લખે છે ૅં 'જેમની વાણીમાં દેશપ્રેમ અને કલમમાંથી શૌર્યરસ ટપકતો હતો એવા દેશદાઝની જીવંત મશાલરૂપ અને લોકસાહિત્યના મર્મી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી આપણી ભૂમિનું હીર હતા. એમના શબ્દે-શબ્દે કસુંબીનો રંગ ઘોળાતો હતો. યુવા પેઢી માટે રાષ્ટ્રના પ્રહરી એવા સૈનિકોના બલિદાનની ગાથા અને શૂરાતનની કથા જાણવી એટલી જ જરૂરી છે. મેઘાણી-ગીતોનાં પ્રત્યેક શબ્દ અને કડી આપણા યુવા વર્ગ માટે રાષ્ટ્ર પર ન્યોછાવર થવાનું જોમ પેદા કરનારાં બને તથા આ કાર્યક્ર્મ રાષ્ટ્રીય શાયરની રાષ્ટ્રનિષ્ઠાને સો સો સલામું કરનારો બની રહે એવી અખંડ કામના સાથે અપૂર્વ શ્રધ્ધાંજલિ.'

બોટાદ તથા રાણપુર ખાતે સ્થાપિત મેઘાણી-પ્રતિમાને પોલીસ-પરિવાર દ્વારા પુષ્પાંજલિ અર્પણ થઈ. પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, લોકગાયક અભેસિંહ રાઠોડ સહિત વિવિધ ક્ષેત્રોનાં અગ્રણીઓ તથા પોલીસ-પરિવાર ઉપસ્થિત રહ્યાં હતાં.      

ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી (અધ્યક્ષ પંકજ ભટ્ટ, સભ્ય સચિવ જે. એમ. ભટ્ટ), સુરક્ષા સેતુ સોસાયટી - બોટાદ જિલ્લા પોલીસ (પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા), બોટાદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિ. (ચેરમેન મનહર માતરીયા), બોટાદ નગરપાલિકા (પ્રમુખ મહાસુખ દલવાડી, ચીફ આઙ્ખફિસર પાંચાભાઈ માળી), બોટાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (ચેરમેન ડી. એમ. પટેલ), ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ – રાણપુર (ચેરમેન ગોવિંદસંગ ડાભી)નો સહયોગ પ્રાપ્ત થયો હતો. બોટાદ પાસે આવેલ સરવા ગામના મૂળ વતની અને ભરૂચને પોતાની કર્મભૂમિ બનાવનાર મેઘાણી-ગીતોના મેધાવી લોકગાયક અભેસિંહ રાઠોડનો સતત લાગણીભર્યો સહયોગ રહ્યો છે. સાઉન્ડ સીસ્ટમ તથા સ્ટેજ, બેઠક, લાઈટીંગ, વગેરેની વ્યવસ્થા અશોક સાઉન્ડ – જે. કે. પટલે કરી હતી. સાહિત્ય-પ્રેમી ઉદ્ઘોષક કિશન મહેતાએ રીક્ષા દ્વારા નગરમાં કાર્યક્ર્મનો લાગણીથી પ્રચાર-પ્રસાર કર્યો હતો. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિને જીવંત રાખવા અને એમનાં જીવન, કાર્ય અને સાહિત્યના પ્રચાર-પ્રસારની વિવિધલક્ષી પ્રવૃત્ત્િ।ઓને વેગ આપવા તથા નવી પેઢીમાં દેશભકિતની ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન થાય તે પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન સવિશેષ પ્રયત્નશીલ અને કાર્યરત છે.

સંકલન : પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

મોબાઈલ : ૯૮૨૫૦ ૨૧૨૭૯

(11:25 am IST)
  • જમ્મુ કાશ્મીરના પૂંછ સેક્ટરમાં એલઓસી નજીક બ્લાસ્ટ ;એક આર્મી જવાન ઘાયલ access_time 1:22 am IST

  • મમતા બેનર્જીએ કહ્યું ભગવા પહેરેલ ગુંડાઓએ જે હિંસા કરી એ બાબરી મસ્જિદ તોડી પાડવા જેવી હતી :અમિતભાઇ શાહના રોડ શો દરમિયાન હિંસા બાદ ચૂંટણી આયોગે કરેલ કાર્યવાહી અંગે મમતાએ કહ્યું કે ભાજપના ઈશારે ચૂંટણી આયોગે નિર્ણંય કર્યો :આ નિર્ણંય ચૂંટણી અયોગનો નહીં પરંતુ મોદી અને શાહે લીધો ;ચૂંટણી અયોગનો નિર્ણંય ગેરબંધારણીય છે access_time 1:23 am IST

  • તૈયાર થઇ ગયેલ મકાનો ઉપર ઉંચી માત્રાનો જીએસટી વસુલવામાં આવશેઃ સીબીઆઇની જાહેરાત access_time 4:28 pm IST