Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

કાલે ઝવેરચંદ મેઘાણીની ૧૨૨મી જન્મજયંતિ : બાલ્યાવસ્થાની લીલાભૂમિ - રાજકોટ સાથેના સંભારણા

રાજકોટ તા. ૨૭ : મહાત્મા ગાંધી જેમને 'રાષ્ટ્રીય શાયર'ના ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજેલા તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યનાં સંશોધક, સ્વાતંત્ર્ય-સેનાની, પત્રકાર ઝવેરચંદ મેઘાણીની ૧૨૨મી જન્મજયંતી ૨૮ ઓગસ્ટના રોજ છે. આ અવસરે ઝવેરચંદ મેઘાણીના રાજકોટ સાથેનાં લાગણીસભર સંભારણાં અને સંસ્મરણો અત્રે પ્રસ્તુત છે.ઝવેરચંદ મેઘાણી રાજકોટને પોતાની 'બાલ્યાવસ્થાની લીલાભૂમિ' તરીકે ઓળખાવતા. જન્મમાં ચોટીલામાં, પણ સમજણા જીવનનું પ્રથમ પ્રભાત રાજકોટમાં પડ્યું. પોતાને રાજકોટ જવું જેટલું ગમતું તેટલું બીજે કોઈ ઠેકાણે જવું ગમતું નહિ તેવું પણ તેમણે નોંધ્યું છે.

બ્રિટિશ કાઠિયાવાડ એજન્સી પોલીસમાં ફોજદાર તરીકે ફરજ બજાવતા નીડર અને નેકદિલ પિતા કાળીદાસ દેવચંદ મેઘાણીની ૧૮૯૮માં રાજકોટ ખાતે બદલી થતાં, ઝવેરચંદ મેઘાણી ૨થી ૮ વર્ષની ઉંમર સુધી, હાલના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ પોલીસ-લાઈનના કવાર્ટરના બે ઓરડાના મકાનમાં રહ્યા. દશ માણસનું કુટુંબ પિતાના પંદર રૂપિયાના પગાર પર તે વખતે નભતું.સદરમાં આવેલ અને અત્યારે 'રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા' તરીકે ઓળખાતી ત્યારની તાલુકા શાળામાંથી ૧૯૦૧માં શાળા-શિક્ષણનો પ્રારંભ કર્યો હતો. તે વખતનું નોંધણી-પત્રક આજે પણ આ ઐતિહાસિક શાળામાં જતનપૂર્વક જળવાયેલું છે.

ઝવેરચંદ મેઘાણીની ચાર વર્ષની બાલ્યાવસ્થાનું એક પ્રિય સ્મરણ : તે વખતના નીડર, ન્યાયપ્રિય, નેકદિલ, ખુમારીવાળા અને શિસ્તના આગ્રહી એવા રાજકોટના ઉચ્ચ પોલીસ-અધિકારી સૂટર સાહેબ. ઘરની દિવાલ પર વરસો સુધી માતા ધોળીમાએ સૂટર સાહેબની તસ્વીર ટાંગી રાખી હતી. ઝવેરચંદ મેઘાણીએ પોતાની ખૂબ જાણીતી થયેલી નવલકથા 'સોરઠ, તારાં વહેતાં પાણી'માં દિલેરદિલ ગોરા પોલીસ-અધિકારીનું પાત્ર આલેખ્યું હતું તે આ સૂટર સાહેબ પરથી. પોલીસ-પરિવાર અને પોલીસ-બેડા સાથે ઝવેરચંદ મેઘાણીની અનેક સ્મૃતિઓ જોડાયેલી છે. તેઓ લાગણીભેર નોંધે છે : 'આ પોલીસ-બેડાની દુનિયા અનોખી છે. તમે એમાં ભ્રમણ કરી શકશો નહિ. એ માટે તો તમારે એ દુનિયામાં જ જન્મ ધરવો જોઈએ.'રાજકોટ સાથે ઝવેરચંદ મેઘાણીનાં બાળપણનાં અનેક સંસ્મરણો તથા સ્મૃતિઓ જોડાયેલ છે : યુરોપિયન જીમખાનાના મેદાન પર યુવરાજ લાખાજીરાજની ક્રિકેટ-રમત, શહેનશાહ એડવર્ડ સાતમાની તખ્તનશીની વખતે જયુબિલી બાગમાં પ્રગટેલી ભવ્ય દીપમાળા, મુંબઈથી આવેલા ગર્વનરની ઘોડાવાળી બગીની સવારી, કોનોટ હોલમાં ભરાતો ગર્વનરનો દબદબાભર્યો રાજદરબાર. ઝવેરચંદ મેઘાણીના નાના ભાઈ પોલીસ-લાઈનમાં કોઈ સિપાઈને ઘેર સત્યનારાયણની કથામાં શંખ ફૂંકાતાં ચમકીને મૃત્યુ પામેલા. તેમના પાટલે પડેલા મૃત-દેહ અને પાસે બળતા ઘીના દીવાનું દ્રશ્ય જીવનભર એમને તાર્દશ રહેલું.

૨૧-૨૨-૨૩ મે ૧૯૩૮ના રોજ રજપૂતપરા વિસ્તારમાં આવેલા લોહાણા બોર્ડિંગ હાઉસ ખાતે યોજાયેલ પાંચમા અખિલ હિંદ ચારણ સંમેલનમાં ઝવેરચંદ મેઘાણીએ દેશભરમાંથી એકત્રિત થયેલા વિદ્વાન ચારણોની મેદની સમક્ષ ખડા થઈને તેમને મંત્રમુગ્ધ કરતું સુંદર વકતવ્ય આપ્યું. એ પૂરું થતાં જ લીંબડીના રાજકવિ શંકરદાનજી દેથા મંચ પર જઈને ઝવેરચંદ મેઘાણીને પ્રેમથી ભેટી પડ્યા અને બોલ્યા : 'કળજગ નક્કી આવી પૂગ્યો છે, ભાઈઓ ! નહિતર, એક વાણિયો બોલે અને આપણે હજાર ચારણ મૂંગા મૂંગા એને સાંભળતા દોઢ-દોઢ કલાક લગી બેસી રહીએ — એવું બને ખરું ?' ત્યારે ઝવેરચંદ મેઘાણીએ વિનમ્રભાવે જવાબ વાળ્યો : 'હું તો ટપાલી માત્ર છું.'ગુજરાતી સાહિત્ય પરિષદનું ૧૬નું અધિવેશન ૧૮-૧૯-૨૦ ઓકટોબર ૧૯૪૬ના રોજ ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે યોજાયું હતું. અધિવેશનના કર્ણધાર તરીકે કનૈયાલાલ મુનશી અને પ્રમુખ તરીકે રામનારાયણ પાઠક હતા. ચારણ ભકતકવિ દુલા ભાયા કાગ પણ ઉપસ્થિત હતા. અધિવેશનના સાહિત્ય વિભાગના પ્રમુખ તરીકે ઝવેરચંદ મેઘાણી વરાયા. એ સ્થાનેથી અપાયેલા મનનીય પ્રવચનના સમાપનમાં સહુ સાહિત્યકારોને એમ કહી પ્રોત્સાહિત કર્યા કે : 'We are the music-makers : સમન્વય સાધનારા, સંવાદિત્વ નિપજાવનારા, માધુર્યના સર્જકો.'સદર સ્થિત ઐતિહાસિક 'રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા' જીવંત સ્મારક તરીકે વિકાસ પામે તેવી લોકલાગણી છે.

:: આલેખન ::

પિનાકી નાનકભાઇ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯

(3:40 pm IST)