Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

માતૃભાષા ગૌરવ દિન નિમિતે ૧૯૪૬માં ઝવેરચંદ મેઘાણીની ઉપસ્થિતિમાં સાહિત્ય પરિષદ અધિવેશન - અખિલ હિન્દ ચારણ સંમેલન યોજાયુ'તુ

ગુજરાતી સાહિત્ય પરિષદનું ૧૬મું અધિવેશન ૧૮-૧૯-૨૦ ઓકટોબર ૧૯૪૬ના રોજ રાજકોટ સ્થિત ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે યોજાયું હતું. અધિવેશનના કર્ણધાર તરીકે કનૈયાલાલ મુનશી અને પ્રમુખ તરીકે રામનારાયણ પાઠક હતા. ચારણ ભકતકવિ દુલા ભાયા કાગ પણ ઉપસ્થિત રહ્યા હતા. યજમાન તરીકે કોલેજના પ્રાચાર્ય ડો. રમણલાલ યાજ્ઞિક હતા. અધિવેશનના સાહિત્ય વિભાગના પ્રમુખ તરીકે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી વરાયા હતા. એ સ્થાનથી આપેલા મનનીય પ્રવચનના સમાપનમાં સહુ સાહિત્યકારોને એમ કહી પ્રોત્સાહિત કર્યા કે : 'We are the music-makers : સમન્વય સાધનારા, સંવાદિત્વ નિપજાવનારા, માધુર્યના સર્જકો.' ૨૧-૨૨-૨૩ મે ૧૯૩૮ના રોજ રાજકોટના રજપૂતપરા વિસ્તારમાં આવેલા લોહાણા બોર્ડિંગ હાઉસ ખાતે યોજાયેલ પાંચમા અખિલ હિંદ ચારણ સંમેલનમાં ઝવેરચંદ મેઘાણીએ દેશભરમાંથી એકત્રિત થયેલા વિદ્વાન ચારણો સમક્ષ ખડા થઈને તેમને મંત્રમુગ્ધ કરતું સુંદર વકતવ્ય આપ્યું. એ પૂરું થતાં જ લીંબડીના રાજકવિ શંકરદાનજી દેથા મેઘાણીને પ્રેમથી ભેટી પડ્યા અને બોલ્યા : 'કળજગ નક્કી આવી પૂગ્યો છે, ભાઈઓ !  નહિતર, એક વાણિયો બોલે અને આપણે હજાર ચારણ મૂંગા મૂંગા એને સાંભળતા દોઢ-દોઢ કલાક લગી બેસી રહીએ — એવું બને ખરું ?' ત્યારે ઝવેરચંદ મેઘાણીએ વિનમ્ર ભાવે જવાબ વાળ્યો : 'હું તો ટપાલી માત્ર છું.' રાજપુતાનાના રાજકવિ કેસરીસિંહજી સૌદાના અધ્યક્ષ-સ્થાને યોજાયેલ આ સંમેલનમાં ઠારણભાઈ મહેડુ (વળા-વલ્લભીપુર), મેઘાણંદજી લીલા (છત્રાવા) , માવદાનજી રત્નુ (જામનગર), શંકરદાનજી દેથા (લીંબડી), દુલા ભાયા કાગ (મજાદર), કાનજીભાઈ ગગુભાઈ લીલા (સનાળી), મેરૂભા ગઢવી (છત્રાવા), હરદાનભાઈ પિંગણશીભાઈ નરેલા (ભાવનગર), ખેતસિંહ મિસણ (મોઢેરા), પિંગણશીભાઈ પાયક (કચ્છ), પિંગણશીભાઈ ગઢવી (છત્રાવા) જેવા વિદ્વાન ચારણો ઉપસ્થિત રહ્યા હતા. રામદાનજી ટાપરિયા, પોલીસ અધિકારી છેલભાઈ દવે, પ્રાચાર્ય ટી. એન. દવેએ યજમાનની ભૂમિકા નિભાવી હતી.

સંકલન : પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

www.jhaverchandmeghani.com

મોબાઈલ : ૯૮૨૫૦ ૨૧૨૭૯

ઈ-મેઈલઃpinakimeghani@gmail.com

(4:09 pm IST)