Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

સરકારી મહેમાન

ભારતના ટોપ ટેન નેતાઓમાં મોદી નંબર વન: બીજા ક્રમે અમિત શાહ અને ત્રીજા સ્થાને રાહુલ

'નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન': ગુજરાતી કહેવત કોંગ્રેસના લિડરોએ સમજવી પડે: પાપા, મેં છોકરો પસંદ કરી લીધો છે; મમ્મી, હું પ્રેમલગ્ન કરવાનો છું: આવા શબ્દો સંભળાય છે : ફેબ્રુઆરીમાં રાજ્યનું બજેટ રજૂ નહીં થાય પરંતુ ચાર મહિના માટે 33 ટકાનો હિસાબ કરી દેવાશે

ભારતના ટોપટેન પોલિટીશ્યનમાં નરેન્દ્ર મોદી ભારતના નંબરવન રાજકીય નેતા છે. 13 વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યાં છે અને હવે ભારતના વડાપ્રધાન પદ ઉપર પાંચ વર્ષનું શાસન તેઓ પૂર્ણ કરી રહ્યાં છે. બીજાક્રમે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ છે. દેશના 18 રાજ્યોમાં તેમણે પાર્ટીને સત્તા અપાવી છે. બ્યુરોક્રેસી માને છે કે-- પ્રિયંકા ગાંધી રાજકારણમાં નથી પરંતુ જો રાજકારણમાં આવે તો તેઓને ભારતના રાજકારણમાં ત્રીજું સ્થાન આપવું પડે-- પરંતુ હાલ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની ગણના દેશમાં ત્રીજાકદના નેતા તરીકે થાય છે. ચોથા નંબર ઉપર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મેદાન મારી જાય છે. પાંચમાક્રમે એનસીપીના સુપ્રિમો શરદ પવારને મૂકવામાં આવે છે, કેમ કે તેમના માથે મહાગઠબંધનની જવાબદારી છે. છઠ્ઠાક્રમે પશ્ચિમ બંગાળના મહિલા મુખ્યમંત્રી મમતા બેનરજી અને સાતમાક્રમે બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમાર છે. આઠમો ક્રમ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંન્દ્રાબાબુ નાયડુને જાય છે. નવમા અને દસમાક્રમે યુપીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીને સ્થાન મળ્યું છે. આ દસ એવાં નેતાઓ છે કે જેમણે રાષ્ટ્રીય ફલક પર કામ કર્યું છે...

પાપા, મેં છોકરી શોધી લીધી, ચિંતા કરશો નહીં...

ગુજરાતના મુખ્ય શહેરોમાં એક રસપ્રદ સર્વેક્ષણ થયું છે જે વર્તમાન સમયમાં આંખ ઉઘાડનારૂં છે. આ સર્વે ઓનલાઇન મેચમેકિંગ સર્વિસ તરફથી થયું છે. આ સર્વેમાં દર્શાવાયું છે કે યુવક કે યુવતિ તેમના જીવનસાથી જાતે શોધી લેતાં હોય છે, એટલે કે હાલના સમયમાં પ્રેમલગ્નનું પ્રમાણ વધી રહ્યું છે. એરેન્જ મેરેજની સિસ્ટમ હજી ગ્રામ્ય વિસ્તારમાં કાર્યરક છે પરંતુ શહેરી વિસ્તારમાં છોકરી કે છોકરો શોધવાની જવાબદારી મા-બાપની હોતી નથી. રાજ્યના પાંચ મુખ્ય શહેરોમાં 76 ટકા ગુજરાતી યુવક-યુવતિ એવાં છે કે તેઓ જાતે જ તેમનો લાઇફ પાર્ટનર શોધી લેતાં હોય છે. આ ગુજરાતી અન્ય રાજ્યોમાં વસતા હોય કે એબ્રોડ પરંતુ તેઓ લાઇફ પાર્ટનરની પસંદગી જાતે જ કરતા હોય છે. આ સર્વેક્ષણ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને જામનગરના યંગસ્ટર્સનું થયું છે. લવમેરેજમાં એનઆરઆઇમાં સોફ્ટવેર પ્રોફેશનલ્સ મુખ્ય છે, જ્યારે સામાન્યરીતે બિઝનેસ ઓનર, એન્ટરપ્રિનિયોર અને ખાનગી કંપનીમાં એક્ઝિક્યુટીવ પોસ્ટમાં પસંદગી કરવાનું વલણ વધારે જોવા મળે છે. હવે એવું રહ્યું નથી કે સરકારી નોકરી કરતાં યુવક કે યુવતિને સારૂં પાત્ર મળે, ખાનગી કંપનીમાં પણ હવે તો યોગ્ય જીવનસાથી પસંદ કરવાની વિપુલ તકો સર્જાયેલી છે. બન્ને વ્યક્તિ જો એક જ ફેકલ્ટીમાં અભ્યાસ કર્યો હોય તો બન્નેની પસંદગી સરળતાથી થઇ જાય છે. જેમ કે યુવક ડોક્ટર હોય તો યુવતિ પણ ડોક્ટર થયેલી હોય છે. શહેરોમાં ગ્રામ્ય વિસ્તાર જેવી રૂઢીચુસ્તતા જોવા મળતી નથી. ગુજરાતીઓમાં ઇન્ટરકાસ્ટ મેરેજને પણ વધારે બળ મળ્યું છે.

ગુજરાતના ઓફિસરો બીજા રાજ્યોમાં ડ્યુટી પર જશે...

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હોય છે ત્યારે અન્ય રાજ્યોના ઉચ્ચ અધિકારીઓને ગુજરાતની ચૂંટણી કામગીરી સોંપવામાં આવતી હોય છે હવે અન્ય રાજ્યોમાં ચૂંટણી છે ત્યારે ભારતના ચૂંટણી પંચે ગુજરાતના 29 સનદી અધિકારીઓને ચૂંટણીની ડ્યુટી સોંપી છે. દેશમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી હોવાથી પરંપરા પ્રમાણે ગુજરાતના ઓફિસરોને ફરજ સોંપવામાં આવી છે પરંતુ આ 29 પૈકી ચાર કે પાંચ અધિકારીઓએ ચૂંટણી કાર્યમાંથી છુટ્ટી માગી છે, જો કે આ તમામ અધિકારીઓ નવી દિલ્હીમાં ચૂંટણીની તાલીમ લીધી છે. ભારતના ચૂંટણી પંચે માત્ર આઇએએસ ઓફિસરોને જ નહીં, આઇપીએસ અને જીએએસ કેડરના ઓફિસરોને પણ તાલીમ માટે બોલાવ્યા હતા. પાંચ રાજ્યોની ચૂંટણીના કાર્યમાં ગુજરાતના પાંચ આઇપીએસ અધિકારીઓ અને 10 જેટલા ગુજરાત એડમિનિસ્ટ્રેટીવ સર્વિસના ઓફિસરો જવાના છે. દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે તે પૈકી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપની સરકાર છે, બાકીના બે રાજ્યોમાં બિન ભાજપ સરકાર છે. ભાજપ શાસિત ત્રણ રાજ્યો પૈકી બે રાજ્યોમાં કોંગ્રેસનું શાસન આવે અને એક રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસનો ચાન્સ ફિપ્ટી ફિલ્ટી છે તેવું તાજેતરના સર્વેમાં બહાર આવ્યું છે.

વહીવટી તંત્રમાં બદલાવ થાય તેવી સંભાવના...

દિવાળીના તહેવારો પછી ગુજરાતના વહીવટી તંત્રમાં નાનો બદલાવ થાય તેવી સંભાવના છે. રાજ્ય સરકારના પાંચ થી સાત સિનિયર અને જિલ્લાકક્ષાના કેટલાક ઓફિસરોની બદલી થઇ શકે છે. સરકાર કહે છે કે આ બદલી રૂટીન છે પરંતુ તેમાં કોઇને કોઇ ચોક્કસ કારણો રહેલાં છે. હાલના વેટ કમિશનર પી.ડી.વાઘેલા આગામી મહિનામાં નવી દિલ્હી જઇ રહ્યાં છે ત્યારે તેમની ખાલી પડેલી જગ્યાએ કોઇ નવા ઓફિસરને ડેપ્યુટ કરવાના થાય છે. એ ઉપરાંત સરકારના કેટલાક વિભાગો કે જેમાં નબળું પરફોર્મન્સ છે તેવા ઓફિસરોને બદલીના ઓર્ડર મળી શકે છે. બીજી તરફ પોલીસ વિભાગમાં પ્રમોશન પણ ડ્યુ છે. ડિપાર્ટમેન્ટ કમિટિ ફોર પ્રમોશન ઓફ સિનિયર ઓફિસર્સ દ્વારા જીડીપી અને એડીજીપીના પ્રમોશન કરવાના થાય છે. સંભવ છે કે નવેમ્બર મહિનામાં આ પ્રમોશન થશે. 1985 બેચના સુરતના પોલીસ કમિશનર સતીષ શર્મા, સ્પેશ્યલ ડિરેક્ટર, એન્ટી કરપ્શન બ્યુરોના કેશવકુમાર અને એડીજીપી, પોલીસ રિફોર્મ્સના વિનોદ મલ્લને ડીજીપીનું પ્રમોશન મળી શકે છે. એડીજીપીના પ્રમોશન પણ દિવાળી પછી થાય તેવી સંભાવના છે.

ગુજરાત બજેટના 33 ટકા રકમનું લેખાનુદાન લેશે...

ગુજરાત સરકારનું નવા વર્ષનું બજેટ ફેબ્રુઆરી 2019માં આ વખતે રજૂ નહીં થાય કેમ કે આ વર્ષે લોકસભાની ચૂંટણી થવાની છે. આ ચૂંટણી એપ્રિલ અને મે મહિનામાં થવાની હોવાથી સરકાર માટે ચૂંટણી તૈયારી કરવા માટે ત્રણ મહિનાની જરૂર રહેશે. જાન્યુઆરીના મધ્યમાં નવમી વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ થવાની છે. ફેબ્રુઆરીના મધ્યમાં 2019-20નું સામાન્ય અંદાજપત્ર રજૂ કરવાનું થાય છે પરંતુ ચૂંટણીની તૈયારી માટેનો સમય મળતો નહીં હોવાથી ગુજરાત સરકાર આગામી વર્ષનું ચાર મહિનાનું લેખાનુદાન લેશે તેવું માનવામાં આવે છે. રાજ્યના નાણા વિભાગના સૂત્રો કહી રહ્યાં છે કે દર વખતે જ્યારે લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે સંપૂર્ણ બજેટની જગ્યાએ લેખાનુદાન લેવામાં આવે છે. એટલે કે આગામી વર્ષે સામાન્ય બજેટ જુલાઇ 2019માં રજૂ કરાશે જેમાં ચાર મહિનાના લેખાનુદાન પછીના આઠ મહિના માટેનું બજેટ રજૂ કરવામાં આવશે. લેખાનુદાન એટલે કે સરકાર બજેટ રજૂ થવાના મહિનામાં આગામી વર્ષના પ્રથમ ચાર મહિના માટેના આવક અને ખર્ચના હિસાબો મેળવી લેતી હોય છે. જ્યારે જ્યારે લેખાનુદાનની રકમ લેવામાં આવી છે ત્યારે ત્યારે તેનું કદ સંભવિત બજેટના 33 ટકા જેટલું હોય છે. સરકાર આગામી વર્ષના ચાર મહિના એટલે કે એપ્રિલ થી જુલાઇ મહિના સુધીનું લેખાનુદાન લેશે.

કોંગ્રેસનું નીચું નિશાન તેને પરાજ્ય અપાવે છે...

કોંગ્રેસ માટે નિરાશાના દિવસો ફરી આવી શકે છે. આમ પણ કોંગ્રેસના યુવા નેતાઓની જીભ કહી રહી છે કે અમારી પાર્ટી હવે જીતવા માટે ઇલેકશન લડતી નથી. જો જીતવા માટે જ લડવાનું હોય તો પ્રદેશના નેતાઓએ ભાજપ સામે પસીનો પાડીને પણ બેઠકોમાં તનતોડ મહેનત કરવી પડે. અમારા નેતાઓ પરિવર્તન નહીં, પુનરાવર્તન કરવામાં ટેવાઇ ગયા છે. ગુજરાત ભાજપમાં હવે એવા કરિશ્માયુક્ત નેતા પણ રહ્યાં નથી કે લોકસભાની ચૂંટણીમાં તેમની પાર્ટીને 10 કે 12 બેઠકો અપાવી શકે. કોંગ્રેસમાં જે ઉમેદવાર ચૂંટણી જીતે છે તે તેમની શક્તિ મુજબ જીતતા હોય છે, કારણ કે ભાજપને ફાવટ છે કે કોંગ્રેસમાં તડાં પડાવીને સામ, દામ, દંડ અને ભેદથી કોંગ્રેસના ઉમેદવારને હરાવવો. કોંગ્રેસની બીજી નબળાઇ એવી છે કે તે ચૂંટણીમાં વિજેતા થવાનો ગોલ નીચો રાખે છે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો ગોલ 90 થી 95 બેઠકોનો હતો, પરિણામ આપણી સામે છે. 2014ની લોકસભામાં કોંગ્રેસનો ગોલ 8 બેઠકોનો હતો, પરિણામ એ આવ્યું કે ભાજપે તમામ બેઠકો જીતી લીધી. 2019માં કોંગ્રેસનો ગોલ આઠ થી દસ બેઠકોનો છે, જોઇએ હવે પરિણામ શું આવે છે. બીજી તરફ ભાજપના નેતાઓ ખાસ કરીને નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઉંચો ગોલ રાખે છે. ચૂંટણી સમયે તેઓ છેલ્લી ઘડી સુધી કહે છે કે અમને વિધાનસભામાં 182 પૈકી 150 બેઠકો મળશે. લોકસભામાં 26 માંથી 26 બેઠકો અમે જીતી જઇશું. ભાજપનો આ ગોલ સિદ્ધ થાય છે. ગુજરાતી કહેવત છે કે- નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન.. કોંગ્રેસને આ કહેવતની યાદ અપાવવાની જરૂર છે. જો ગોલ જ ન હોય તો કાર્યકરો નિષ્ક્રિય બની જતા હોય છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

 

 

(9:21 am IST)