Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

સરકારી મહેમાન

મિશન લોકસભા 2019: ભાજપે જોખમી એવી 14 બેઠકો ઉપર ચૂંટણી તૈયારી શરૂ કરી દીધી

GNFCની નવ જેટલી નીમ પ્રોડક્ટ્સને ગરવી ગુર્જરી એમ્પોરિયમ પણ વેચશે : કલ્પસર, મેટ્રોરેલ, ગિફ્ટ, ધોલેરા જેવા ડ્રીમ પ્રોજેક્ટ્સને રૂપાણી હાથ પર લેશે : 135.40 કરોડ આ આંકડો રૂપિયામાં નથી પણ આપણી ભારતની વસતીનો છે

ગુજરાત વિધાનસભામાં નબળા દેખાવ બાદ ભાજપે લોકસભાની 26 બેઠકોમાં આવતી પાર્ટીની નબળી એવી વિધાનસભાની 85 બેઠકો પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. પાર્ટીના ઇન્ટરનલ સર્વે પ્રમાણે 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ આઠ થી દસ બેઠકો ગુમાવે છે ત્યારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરકારના વિભાગોને એવી સૂચના આપી છે કે એનડીએના શાસનમાં છેલ્લા ચાર વર્ષમાં કેન્દ્ર સાથેના ગુજરાતના કેટલા પ્રશ્નો ઉકેલ્યા છે અને કેટલા પડતર રહ્યાં છે તેની યાદી બનાવો. પાર્ટીના સૂત્રો પ્રમાણે ભાજપ માટે ગુજરાતની પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, જૂનાગઢ, અમરેલી, ભરૂચ, જામનગર, આણંદ લોકસભા બેઠક જોખમી બની છે. ભાજપ માટે કચ્છ, બનાસકાંઠા, અમદાવાદ ઇસ્ટ અને વેસ્ટ, વડોદરા, ગાંધીનગર, ભાવનગર, ખેડા, બારડોલી, સુરત, નવસારી અને વલસાડ બેઠક પર કોઇ જોખમ નથી. એટલે કે ભાજપને જોખમ છે એવી 14 બેઠકો પર એડી ચોટીનું જોર ભાજપ લગાવે તેમ મનાય છે.

ગુજરાતની બ્યુરોક્રેસીમાં કોણ સુપર પાવર બનશે...

ગુજરાતના વહીવટી તંત્રમાં સુપરપાવર કોણ છે તેની સચિવાલયમાં ચર્ચા શરૂ થઇ છે. હાલના ચીફ સેક્રેટરી ડો. જે.એન.સિંઘ પછીનું સ્થાન કોનું હશે તેના પર બધો મદાર છે. સિંઘ 2019ના મે મહિનામાં વયનિવૃત્ત થઇ રહ્યાં છે. તેમની નિવૃત્તિ પછી એવું હતું કે અનિલ મુકીમને રાજ્યના ચીફ સેક્રેટરી બનાવવામાં આવશે પરંતુ તેમણે ડેપ્યુટેશન પર દિલ્હી જવાનું પસંદ કર્યું છે તેથી તેમના ચાન્સ હવે રહ્યાં નથી, કારણ કે તેમની વય નિવૃત્તિ નવી દિલ્હીમાં જ પૂર્ણ થશે. મુકીમ ઓગષ્ટ 2020માં નિવૃત્ત થઇ રહ્યાં છે. બીજી તરફ સુજીત ગુલાટી હાલ ઉર્જા વિભાગના અધિક મુખ્ય સચિવનો હવાલો ધરાવે છે. બદલીઓના ચક્કરમાં તેમનું નામ પણ યાદીમાં આવી ગયું છે. મુકીમના ખાલી પડેલા સ્થાન પર અરવિંદ અગ્રવાલને હાલ તો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે પરંતુ તેમની બદલી કાયમીરીતે નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે થઇ શકે છે. તેઓ હાલ ફોરેસ્ટ એન્ડ એનવાયર્નમેન્ટ ડિપાર્ટમેન્ટમાં છે. એક બાબત નક્કી છે કે સરકાર જેને નાણા વિભાગનો હવાલો આપશે તે રાજ્યના મુખ્યસચિવ બની શકે છે. આ પોસ્ટ માટે સુજીત ગુલાટી અને અરવિંદ અગ્રવાલનો ક્રમ આવે છે. જો તેમને કાયમી ચાર્જ આપી દેવામાં આવે તો સંભવ છે કે અરવિંદ અગ્રવાલ નવા ચીફ સેક્રેટરી બની શકે, કારણ કે સુજીત ગુલાટી નવેમ્બર 2019ના રોજ નિવૃત્ત થઇ રહ્યાં છે, એટલે કે સરકાર પાંચ છ મહિના માટે કોઇને ચીફ સેક્રેટરી બનાવે નહીં, તેથી અગ્રવાલના ચાન્સ વધી જાય છે. જો કે હજી જે.એન.સિંઘનો કાર્યકાળ 2019ના મે મહિના સુધી છે અને તે સમયમાં લોકસભાની ચૂંટણી આવવાની છે તેથી સિંઘને એક્સટેન્શન પણ મળી શકે છે.

નીમ પ્રોડક્ટ્સ હવે ગરવી ગુર્જરીમાં પણ મળશે...

ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ- જીએનએફસી અને ગુજરાત સ્ટેટ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્રટ ડેવલપમેન્ટ કોર્પોરેશન વચ્ચે એક સમજૂતી કરાર થયો છે અને તે મુજબ હવે જીએનએફસીની નીમ પ્રોડક્ટ્સનું વેચાણ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટના સ્ટોર્સમાં પણ થશે. કંપનીના એમડી એ.કે.ઝા એ કહ્યું હતું કે સરકારના એક સાહસની નવ જેટલી પ્રોડક્ટ્સ અમે અમારા સાહસમાં વેચીને કોર્પોરેશનને મદદ કરી રહ્યાં છીએ. ગુજરાતમાં અમારી ગરવી ગુર્જરીના 21 એમ્પોરિયમ આવેલા છે ત્યાં આ નીમ પ્રોડક્ટ્સનું અમે વેચાણ કરવાના છીએ. અમારા એમ્પોરિયમ અમદાવાદ, આણંદ, બેગલુરૂ, વડોદરા, ભૂજ, ભરૂચ, ભાવનગર, દિલ્હી, ગાંધીનગર, હૈદરાબાદ, કોલકત્તા, રાજકોટ, સુરેન્દ્રનગર અને સુરત આવેલા છે. કંપનીએ નીમ હેન્ડવોશ, નીમ શેમ્પુ, નીમ ફેસવોશ, નીમ હેરઓઇલ, નીમ શોપ, નીમ ઓઇલ-પર્સનલ કેર, નીમ કેક અને નીમ પેસ્ટ્રીસાઇડ જેવા બનાવટો બજારમાં મૂકી છે. આ તમામ ચીજવસ્તુઓ કુદરતી વનસ્પતિમાંથી બની છે તેથી તેની કોઇ સાઇડ ઇફેક્ટ્સ પણ થવાની નથી. લીમડાના બીજના સંગ્રહ માટે તેના સપ્લાય ચેઇન નેટવર્કમાં ગ્રામીણ મહિલાઓને જોડી છે. આ પ્રોજેક્ટ રાજ્યના 22 જિલ્લાના ગુજરાતના 4000 ગામોમાં સક્રિય છે. છેલ્લા બે વર્ષમાં 2.25 કરોડ મહિલાઓને 25 કરોડ રૂપિયાની આવક થઇ છે જ્યારે 75000 લોકોને આડકતરી રોજગારીનો ફાયદો થયો છે.

મોદીના ડ્રીમ પ્રોજેક્ટ્સને આગળ વધારાશે...

ગુજરાત વિધાનસભાના સત્રના અંતિમ દિવસો છે ત્યારે સરકારે વહીવટી તંત્રને નવો ઓપ આપવાનું શરૂ કર્યું છે. વિભાગોમાં ફેરફારો સાથે મોદી સરકારના જૂના પ્રોજેક્ટો કે જે છેલ્લા ત્રણ વર્ષથી અટકેલા છે તેનો રિવ્યુ કરવાનો શરૂ કરવામાં આવી રહ્યો છે.

ખાસ કરીને કલ્પસર યોજનાના વધતા ખર્ચને લઇને ચિંતા સેવવામાં આવી રહી છે. આ યોજના જો નિર્ધારિત સમયમાં શરૂ થઇ હોત તો આજે આ યોજનાનો ખર્ચ 56000 કરોડ થયો હોત પરંતુ હવે આ યોજનાનું કામ જો 2019માં શરૂ કરવામાં આવે તો તેનો કુલ ખર્ચ એક લાખ કરોડ રૂપિયાને પણ ઓળંગી જાય તેવી સંભાવના છે. આ યોજનામાં પહેલાં ટાઇડલ વીજ પ્રોજેક્ટ શરૂ કરવાનો હતો પરંતુ તેનો ખર્ચ 20000 કરોડ કરતાં વધી જતાં તેને પડતો મૂકીને 30 કિલોમીટરનો જે બ્રીજ બનાવવાનો છે તેના પર સોલાર એનર્જીના પ્રોજેક્ટ શરૂ કરવાનું સરકારનું આયોજન છે. આ યોજનામાં સરકાર પીપીપી મોડમાં પણ જઇ શકે છે. મોદી સરકારનો બીજો પ્રોજેક્ટ ગિફ્ટ અને ધોલેરા સિટી છે અને આ બન્ને સિટી માટે કેન્દ્ર સરકાર ખુદ સક્રિય છે. મોદી તેમના ભાષણોમાં ધોલેરા અને ગિફ્ટ સિટીનો ઉલ્લેખ કરી રહ્યાં છે ત્યારે કેન્દ્ર સરકાર ગુજરાતને આ બન્ને પ્રોજેક્ટમાં ફરજ પાડશ તેમ લાગી રહ્યું છે.

ગાંધીનગરમાં મહાત્મા મંદિરનો પ્રોજેક્ટ પૂર્ણતાને આરે છે પરંતુ ફાઇવસ્ટાર હોટલ બનાવવાની છે તેમાં પણ કેન્દ્રીય રેલ્વે મંત્રાલય હિસ્સો લઇ રહ્યું છે. ગાંધીનગરમાં પંચામૃત ભવન કે જે આનંદીબહેન પટેલની સરકારમાં પડતું મૂકવામાં આવ્યું હતું તેને હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણી ફરીથી શરૂ કરવાના મૂડમાં છે. મોદીનું ખ્વાબ હતું કે મહાત્મા મંદિરથી પ્રેરણા લઇને સચિવાલયમાં પુરૂષાર્થ કરવાનો છે અને તેનું પરિણામ એટલે કે પંચામૃત ભવન છે. ગાંધીનગરના સાબરમતીના કિનારે મહાત્મા મંદિર અને સચિવાલયની લાઇનમાં બનાવવાનું થાય છે. એવી જ રીતે અમદાવાદમાં મેટ્રોરેલની યોજનાનો પ્રોજેક્ટ પણ મોદીનો છે. આ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થાય તે માટે રૂપાણી સરકાર મેટ્રો રેલના કામકાજમાં ઝડપ વધારે તેવી સંભાવના છે.

માર્ચ 2018માં આપણે 135.40 કરોડ થઇ ગયા...

વસતી વધારામાં વિશ્વમાં સૌથી ઉંચુ સ્થાન ચીન પછી ભારતનું આવે છે. યુએનના છેલ્લા આંકડા પ્રમાણે માર્ચ 2018 સુધીમાં ભારતની વસતી વધીને 135.40 કરોડ થઇ છે. ભારતની વસતી 2017માં 1339 મિલિયન જોવામાં આવી હતી. આ વસતી 1907માં માત્ર 289 મિલિયન હતી. યુનાઇટેડ નેશનના રિપોર્ટ પ્રમાણે ભારતની વસતી સતત વધતી જાય છે. વસતી વધારામાં ભારત એ ચીન પછી બીજો સૌથી મોટો દેશ છે. રિપોર્ટ પ્રમાણે ચીનની વસતી 1907માં 416 મિલિયન હતી તે 2017માં વધીને 1409 મિલિયન થઇ છે. આ બન્ને રાષ્ટ્રો વસતી વધારામાં સ્પર્ધા કરતા હોય તેમ લાગી રહ્યું છે, જ્યારે જગત જમાદાર છે તેવા અમેરિકાની વસતી 1907માં 87 મિલિયન હતી તે 2017માં વધઈને 324 મિલિયન થઇ છે. એવી જ રીતે રશિયાની વસતી 1907માં 151 મિલિયન હતી તે વધીને 143 મિલિયન થઇ છે. બીજા શબ્દોમાં કહીએ તો ભારતની વસતી સવા સો કરોડ કરતાં વધીને 133 કરોડ થઇ છે. વિશ્વનો બીજો સૌથી મોટો ભરચક દેશ બન્યો છે. વર્લ્ડોમીટરના રિપોર્ટ પ્રમાણે 23મી માર્ચ 2018માં ભારતની વસતી 134.99 કરોડ થઇ છે. આ આંકડો યુનાઇટેડ નેશનનો છે. વિશ્વની કુલ વસતીમાં ભારતનો હિસ્સો 17.74 ટકાનો છે. વિશ્વમાં ભારતનો બીજો નંબર આવે છે. ભારતમાં ગામડાં ભાંગતા ગયા છે અને નવા શહેરોનું નિર્માણ થતું જાય છે. યુએનના રિપોર્ટ પ્રમાણે 33.2 ટકા એટલે કે 44.99 કરોડ લોકો શહેરોમાં વસી રહ્યાં છે. 2010માં ભારતની વસતી 123.09 કરોડ નોંધવામાં આવેલી છે. બે વર્ષની સરખામણી કરીએ તો 2017માં ભારતની વસતી 133.91 કરોડ હતી જે 2018માં માર્ચ મહિના સુધીમાં 135.40 કરોડ થઇ છે.

ગુજરાતના જાહેર સાહસો સ્માર્ટ બની રહ્યાં છે...

ગુજરાતના જાહેર સાહસો કે જેઓ બજારમાં હિસ્સો ધરાવે છે અને તેમની પ્રોડક્ટ્સ વેચવા મૂકે છે તેઓ માટે દાખલારૂપ કામ જીએનએફસીના મેનેજીંગ ડિરેક્ટર ડો. રાજીવ ગુપ્તાએ કર્યું છે. તેમણે લીમડાના વૃક્ષના પાંદડા, લિંબોળી અને અન્ય પાર્ટ્સનો ઉપયોગ કરીને નવ જેટલી નીમ પ્રોડક્ટ્સ બજારમાં મૂકીને ઇતિહાસ સર્જ્યો છે. આ પહેલાં જીએસએફસીમાં ડો. એસ.કે.નંદાએ આવો પ્રયોગ કર્યો હતો. નંદાએ કિચન ગાર્ડનિંગની એક કીટ બનાવીને બજારમાં મૂકી હતી જે મહિલાઓમાં પોપ્યુલર બની હતી. આ કીટમાં શાકભાજીના બીજ, ખાતર, દવા અને કેવી રીતે શાકભાજી વાવવા તેની સમજ આપતી પુસ્તિકા પણ હતી. જીએનએફસીની પ્રોડક્ટ્સને ગુજરાત હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ્સ કોર્પોરેશનને સ્વિકારીને ગરવી ગુર્જરીના એમ્પોરિયમમાં મૂકવાનો કરાર કર્યો છે. ગુજરાતમાં આ સ્થિતિ એક ઉત્તમ સ્પર્ધાત્મક વાતાવરણ પૂરૂં પાડી રહી છે. વર્ષો પહેલાં ગુજરાત વન વિકાસ નિગમની જંગલ પેદાશોને પણ બજારમાં મૂકવામાં આવી હતી. આજે તે નિગમ ધૂમ કમાણીનું સાધન બની ગયું છે. સૌથી મહત્વની બાબત એવી છે કે સરકારી જાહેર સાહસો જે કોઇ બિઝનેસ કરે છે તે નહીં નફો, નહીં નુકશાનના કન્સેપ્ટ આધારિત હોય છે તેથી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતા પરિબળો જેવાં કે ગ્રામીણ મહિલાઓ અને યુવાનોને મોટી રોજગારી મળે છે.

4.50 લાખ પેન્શનરો, ખર્ચ 11327 કરોડ...

ગુજરાતમાં કર્મચારીઓને પેન્શન અને અન્ય લાભો માટે સરકાર 11327.30 કરોડનો ખર્ચ કરશે. સરકારે 2005થી પેન્શન યોજના બંધ કરી હોવા છતાં છેલ્લા ચાર વર્ષમાં પેન્શન બિલમાં 102 ટકાનો વિક્રમી વધારો થયો છે. ગુજરાતમાં હાલની સ્થિતિએ સરકારી ખાતાઓમાં કર્મચારીઓની સંખ્યા 185575 છે. સરકારી સહાયિત સંસ્થાઓમાં કર્મચારીઓની સંખ્યા 277370  છે. આમ કુલ 462945 કર્મચારીઓની સંખ્યા છે જેમને આગામી વર્ષે 29759 કરોડનો પગાર ચૂકવશે. બીજી તરફ પેન્શનરો પણ વધતાં જાય છે. સરકારી ખાતાઓમાં પેન્શનરોની સંખ્યા 450509 છે જેમને 14990 કરોડનું પેન્શન ચૂકવવામાં આવશે. વાર્ષિક માથાદીઠ પેન્શન અને અન્ય લાભોનું ખર્ચ 3.33 લાખ થવા જાય છે.  આગામી વર્ષ માટે સરકાર વયનિવૃત્તિ અને ભથ્થાં પાછળ 5732 કરોડનો ખર્ચ કરશે. પેન્શનની રૂપાંતરિત કિંમત 1750 કરોડ થાય છે. ગ્રેજ્યુઇટી પાછળ સરકાર 1887 કરોડ અને કુટુંબ પેન્શન પાછળ 1250 કરોડનો ખર્ચ કરશે. એ ઉપરાંત હાઇકોર્ટ ન્યાયાધીશોને પેન્શન ખર્ચ પેટે 8 કરોડ, ભવિષ્ય નિધિમાં ફાળો 0.10 કરોડ, નક્કી કરેલી મૂલ્ય વર્ધિત પેન્શન યોજનામાં 705 કરોડ તેમજ નક્કી કરેલી મૂલ્ય વર્ધિત પેન્શન યોજના માટેના વહીવટી ખર્ચ પેટે 3.20 કરોડ ખર્ચ કરશે. આ તમામ હેડમાં આગામી વર્ષે સરકારના 11327.30 કરોડ ખર્ચાશે. જો કે આ ખર્ચ 2014-15માં 5601.98 કરોડનો હતો તે સીધો વધીને 2017-18માં 10311.20 કરોડ થયો છે. ચાર વર્ષમાં કુલ 102.20 ટકાનો વધારો દર્શાવે છે.

અલ્ટ્રા મેગા પાવર પ્રોજેક્ટ્સ ક્યાં ખોવાઇ ગયા...

કેન્દ્ર સરકાર દ્વારા અલ્ટ્રા મેગા પાવર પ્રોજેક્ટ્સને શરૂ કરવા માટે સફળતા મળી રહી નથી. યુપીએ સરકારે દેશમાં ચાર અલ્ટ્રા મેગા પાવર પ્રોજેક્ટ-UMPP લગાવવાની યોજના બનાવી હતી પરંતુ તેને આગળ વધારીને એનડીએ સરકારે આ યોજનાનો આંકડો નવનો કરી દીધો હતો પરંતુ હકીકતમાં ચાર વર્ષના અંતે માત્ર બે જ અલ્ટ્રા મેગા પાવર પ્રોજેક્ટ શરૂ થઇ શક્યા છે. જે ચાલુ થયા છે તે બે અલ્ટ્રા મેગા પ્રોજેક્ટની જનરેશન કેપેસિટી 8000 મેગાવોટ છે જ્યારે બાકીના સાત UMPP અલગ અલગ સ્ટેજ પર અટકેલા છે જે સરકાર માટે સૌથી મોટો પડકાર બની ગયા છે. કેન્દ્રની યુપીએ સરકારના સમયમાં ચાર યૂએમપીપી પર કામ શરૂ થયું હતું તે ચાર સાસન, મુંન્દ્રા, કૃષ્ણાપટ્ટનમ અને ઝારખંડને તો પાવર ડેવલપર્સ તો સોંપી દીધા છે પરંતુ આ ચાર પૈકી સાસન અને મુંન્દ્રામાં કમિશન થઇ શક્યા છે. મુંન્દ્રામાં યૂએમપીપી 23 એપ્રિલ 2007માં ટાટા પાવર કંપનીને સોંપવામાં આવ્યો છે જ્યારે સાસનમાં 7મી ઓગષ્ટ 2007ના રોજ રિલાયન્સ પાવરને સોંપાયો છે. આ બન્નેમાં પાવર જનરેશન થઇ રહ્યું છે પરંતુ ટેરીફ અંગે વિવાદ સર્જાતાં કંપનીઓએ કામ બંધ કરી દીધું છે. એનડીએ સરકારે બાકીના પાંચ પ્રોજેક્ટ વિવિધ જિલ્લાઓમાં ઉભા કરવાનું નક્કી કર્યું છે પરંતુ વિવિધ કારણોસર કામ અટકેલાં છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(9:37 am IST)