Gujarati News

Gujarati News

News of Saturday, 12th August 2017


શ્રાવણ - શ્રધ્ધાબિંદુ

શિતળા સાતમ-ટાઢી સાતમ

... અને ડોશીમાએ શિતળાનુ રૂપ ધારણ કરી દર્શન દીધા...!

શ્રાણવ વદ સાતમને દિવસે બહેનો શિતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે પ્રાર્થના કરે છે. વહેલા જાગે છે. સ્વચ્છ સુઘડ થઇ દિ' આખો ટાઢુ ખાય છે. ચૂલા લીપી ગુંપી તેમા આંબો રોપી અગ્નિ મુદલ સળગાવતા નથી શિતળા સાતમ એટલે ટાઢી સાતમ.

આગલે દિ' રાંધણ છઠ્ઠ હતી દેરાણી જેઠાણીએ મધરાત સુધી પુરી શાક થેપલા, પાક, પકવાન, મેવા મીઠાઇ વગેરે જાત જાતની વાનગીઓ રાંધી ખાધી પછી જેઠાણી તો થાકયા પાકયા પોતાને ઘેર જઇ સુઇ ગયા દેરાણી રૂપા ચુલો સળગતો મુકી સુઇ ગઇ.

કહે છે કે, રાત્રે સુમસામ શાંતિમા શિતળા માતા ફરવા નીકળ્યા રૂપાને ઘેર આવીને ચુલામાં આળોટવા જતાં જ આખા ડીલે દાઝયા...શાપ આપ્યો...જેવી મને બાળી છે...એવું જ તારૂ પેટ (છોકરા છૈયા) બળજો...!

રૂપા સવારે જાગી જોયું તો ચુલો ભડભડ બળે, છોકરો પણ દાઝી જતા પથારીમાં મરેલો પડેલો આવી ઉપાધી જોતા તે સમજી ગઇ કે નકકી મને શિતળા માતાનો શાપ લાગ્યો છે ચાલ જાઉ માતાજી પાસે એમ કહીને મરેલો છોકરો ઉપાડીને ચાલી શિતળા માતા પાસે.

રસ્તે ચાલતા એક નાનકડી વાવ જોઇ વાવનું પાણી એવું કે પીધા ભેગુ જ માણસ મરી જાય આ વાવને વાચા થઇ બહેન બહેન ! તું શિતળા માતાને પુછજે કે મારા એવા તે શાં પાપ હશે, કે મારૂ પાણી પીતાજ માણસ કરી મરી જાય છે.

ભલે ! બહેનઃ એમ કહીને રૂપા તો આગળ ચાલી ત્યાં એક બળદ મળ્યો તેની ડોકે પથ્થર મોટો ડેરો  બાંધેલો ડેરો એવો વજનદાર કે હાલતા ચાલતા પગ સાથે ભટકાયા કરે ને પગ લોહી લોહાણ કરી નાખે.

આ બળદ સાથે વાતચીત થતા બળદે કહ્યું બહેન શિતળા માને મારા પાપનું નિવારણ પુછતા આવજો.

બહુ સારૂ કહી રૂપા તો જંગલમાં બોરડીના ઝાડ પાસે આવી રૂપાને જોતા જ બોરડી નીચે બેઠેલા એક ઘરડા માજી માથુ ખંજવાળતા બોલ્યા. બહેન કયાં ચાલ્યા ?

 મા શિતળાને મળવા

મારૂ માથું જોઇ દેેશો ?

હા મા એમાશું ? કહેતા કને રૂપાએ ડોશીનું માથુ એવું જોઇ દીધું કે માને તો હળવુ ફુલ માથુ  થતા ઉંઘ આવી ગઇ.

અને આ શિર્વાદ દીધો મારૂ માથુ ઠાયૃં એવું તારૂ પેટ ઠરજો ! અને સાથેજ મરી ગયેલો એનો પુત્ર આ આશિર્વાદ મળતા જ સાજો સારો થઇ ગયો.

મા-દિકરો ભેટી પડયા ને ડોશીમાએ શિતળાનુ રૂપ ધરી દર્શન દીધા પછી પેલી વાવને અને બળદના દુઃખ પણ દુર કરાવ્યા...!!

શિતળા માતા સૌનું ભલુ કરો, સૌનુ કલ્યાણ કરો...

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:07 am IST)