Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

સરકારી મહેમાન

માર્ચ 2020 સુધી કર્મચારીના પગારનો ખર્ચ 30604 કરોડ થશે અને પેન્શન પાછળ 17179 કરોડ વપરાશે

ગુજરાતમાં 65 આઇએએસ અધિકારીઓની ઘટ છે, 21 ઓફિસરો તો ડેપ્યુટેશન પર ફરજ બજાવી રહ્યાં છે : સરકારની ચિંતા પેપર પર ઘટી, માત્ર 4.64 લાખ બેકાર રહ્યાં, રોજગાર વિનિમય કચેરીના ભ્રામક આંકડા: 50 ટકા કપાસની ઘટ સાથે રાજ્યની કૃષિ ઉપજમાં ઘટાડો, અનાજ અને તેલિબિયાંના પાકોને માઠી અસર

ગુજરાત સરકારમાં સાતમા પગાર પંચના અમલ પછી નાણા વિભાગ ઉપર પગાર અને પેન્શન તેમજ જાહેર દેવાના વ્યાજની ચૂકવણીના ખર્ચમાં વિક્રમી વધારો થયો છે. ગયા વર્ષે સરકારે તેના અધિકારીઓ તેમજ કર્મચારીઓના પગાર પાછળ 28,186 કરોડ અને પેન્શન પાછળ 13,979 કરોડનો ખર્ચ કર્યો હતો પરંતુ માર્ચ 2020 સુધીના ચાલુ વર્ષમાં અધિકારીઓ અને કર્મચારીઓના પગાર પેટે 30,604 કરોડ અને પેન્શન પેટે 17,179 કરોડનો ખર્ચ થવાનો અંદાજ રાખવામાં આવ્યો છે. રાજ્યમાં એક વર્ષમાં પગાર ખર્ચમાં 11.83 ટકા અને પેન્શન ખર્ચમાં 17.07 ટકાનો વધારો થયો છે. બીજી તરફ જાહેર દેવાના વ્યાજપેટે સરકારે ગયા વર્ષે 17,146 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા જે વધીને ચાલુ વર્ષે 18,124 કરોડ થવાની સંભાવના છે. એક વર્ષમાં જાહેર દેવાના વ્યાજની ચૂકવણીમાં 9.71 ટકાનો વધારો થવાની સંભાવના છે. આશ્ચર્ય એ બાબતનું છે કે 2004-05માં કર્મચારીઓના પગાર પાછળ સરકાર માત્ર 6393 કરોડ અને પેન્શન પાછળ 1892 કરોડનો ખર્ચ કરતી હતી. ત્યારપછીના પાંચ વર્ષોમાં પગાર અને પેન્શન ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો ન હતો પરંતુ કર્મચારીઓને જ્યારથી છઠ્ઠું અને સાતમું પગાર પંચ આપવામાં આવ્યું છે ત્યારથી કર્મચારીઓના પગાર અને તેની સાથે પેન્શન ખર્ચ વધતું ગયું છે. સાથે સાથે જાહેર દેવું પણ રોકેટ ગતિએ વધતું ગયું છે. 2004-05માં જાહેર દેવા પેટેનું વ્યાજ માત્ર 5436 કરોડ હતું જે આજે ત્રણ ગણું થઇ ચૂક્યું છે.

વર્ગ-1ના 680 અને 65 IAS ઓફિસરોની જગ્યા ખાલી...

ગુજરાત વહીવટી સેવામાં વર્ગ-1ના અધિકારીઓની ઘટ વર્તાઇ રહી છે. રાજ્ય સરકારમાં વર્ગ-1માં ચાર સ્કેલ રાખવામાં આવ્યા છે, જે પૈકી જૂનિયર સ્કેલમાં 435 પૈકી 60 જગ્યાઓ ખાલી છે. સિનિયર સ્કેલની 174 પૈકી 13, સિલેક્શન સ્કેલની 57 પૈકી 40 અને અપેક્ષ સ્કેલની 14 પૈકી 12 જગ્યાઓ ખાલી છે. ખાલી પડેલી જગ્યાઓના કારણે વહીવટી તંત્ર પર અસર થાય છે અને એક અધિકારીને બેવડા ચાર્જ આપવાથી બન્ને વિભાગોમાં વિલંબિત કામગીરી થતી જોવા મળે છે. રાજ્ય સરકારે ખાલી પડેલી જગ્યાઓમાં છેલ્લે 2016માં 38 ઉમેદવારોને નિમણૂકો આપી છે તેમ છતાં હજી વર્ગ-1ની કુલ ખાલી પડેલી 680 જગ્યાઓ પૈકી 644 જગ્યાઓએ નિયુક્તિ કરવામાં આવી નથી. બીજી તરફ રાજ્યમાં ભારતીય સનદી સેવાના અધિકારીઓની મંજૂર થયેલી 313 જગ્યાઓ પૈકી 65 જગ્યાઓ ખાલી પડી છે. હાલ 21 આઇએએસ ઓફિસરો ડેપ્યુટેશન પર ગયેલા છે પરિણામે ઘણાં ઓફિસરોને વધારાના હવાલા સંભાળવા પડે છે. રાજ્યમાં ઉદ્યોગ વિભાગનો વધારાનો હવાલો મુખ્યમંત્રીના અગ્રસચિવ એમકે દાસ સંભાળી રહ્યાં છે જ્યારે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર ગૃહ વિભાગનો વધારાનો હવાલો સંભાળી રહ્યાં છે.

ગુજરાતમાં કૃષિ ઉત્પાદનમાં ચોંકાવનારો ઘટાડો...

ગુજરાતમાં ગયા વર્ષે થયેલા ઓછા વરસાદના કારણે ખેતી પર માઠી અસર થઇ છે. કૃષિ ઉત્પાદનમાં રાજ્યને ભારે નુકશાન થયું છે. રાજ્યના ખેડૂતો રોકડિયા પાક તરફ વળ્યા હોવાથી કપાસના પાકમાં સૌથી વધુ 50 ટકાનો ઘટાડો થયો છે. બીજાક્રમે તેલિબિયાં પાકોમાં 45 ટકા અને અનાજમાં 20 ટકાનો ઘટાડો નોંધાયો છે. રાજ્યના આર્થિક સમીક્ષાના એક રિપોર્ટના કૃષિ સેક્ટરમાં આ ચોંકાવનારો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 2018ના ચોમાસામાં સરેરાશ 76.73 ટકા વરસાદ થયો છે પરિણામે કપાસનું ઉત્પાદન જે ગયા વર્ષે 170 કિલોગ્રામની એક ગાંસડી લેખે કુલ 101.13 લાખ ગાંસડીનું ઉત્પાદન હતું તે ઘટીને આ વર્ષે 50.53 લાખ ગાંસડી થયું છે. તેલિબિયાંનું ઉત્પાદન 61.43 લાખ મેટ્રીક ટનથી ઘટીને 35.10 લાખ મેટ્રીક ટન થયું છે જ્યારે અનાજનું ઉત્પાદન ગયા વર્ષે 76.61 લાખ મેટ્રીક ટન હતું તે ઘટીને ચાલુ વર્ષે 66.91 લાખ મેટ્રીક ટન થયું છે. રાજ્યમાં ખેડૂતો આ ઉપરાંત બાગાયતી પાકોમાં પણ આગળ વધ્યાં છે. ફળોનું ઉત્પાદન 90.04 લાખ ટન કર્યું છે જ્યારે શાકભાજીનું ઉત્પાદન 132.34 લાખ ટન, મસાલા પાકોનું ઉત્પાદન 10.03 લાખ ટન તેમજ ફુલોનું ઉત્પાદન 1.93 લાખ ટન થયું છે. જો કે રાજ્યમાં દૂધનું ઉત્પાદન 135.69 લાખ ટન થી વધીને 144.92 લાખ ટન થયું છે.

ગાંધીના ગુજરાતમાં ખાદી ફોર ફેશન બની...

મહાત્મા ગાંધીના ગુજરાતમાં ખાદી ફોર ફેશન બની છે. મોદીએ ખાદીના કરેલા બ્રાડીંગની સીધી અસર ગુજરાત ઉપર થઇ છે. મોદીએ સૂત્ર આપ્યું છે કે ખાદી ફોર નેશન.. ગુજરાતનું સૂત્ર ખાદી ફોર ફેશન છે...

ખાદી અને ગ્રામોદ્યોગના આંકડા જોઇએ તો રાજ્યમાં ખાદી અને ગ્રામોદ્યોગમાં વેચાણનો આંકડો 1177.90 કરોડ રૂપિયા થયો છે જે પૈકી એકલા ખાદીના વેચાણનો આંકડો 85.55 કરોડ છે. ગયા વર્ષે 1133.69 કરોડનું વેચાણ થયું હતું જે પૈકી ખાદીના વેચાણનો આંકડો 46.14 કરોડ રૂપિયા હતો. ખાદીના વેચાણમાં એક વર્ષમાં 40 ટકાનો વધારો નોંધાયો છે. આ બન્ને ક્ષેત્રોમાં પાછલા વર્ષે 1.98 લાખ લોકોનો રોજગારી મળતી હતી પરંતુ ઉત્પાદન અને વેચાણના આંકડા વધતા ચાલુ વર્ષે 2.07 લાખ લોકોને રોજગારી મળે છે. 2017-18ના વર્ષમાં ખાદીમાં રોજગારીનો આંકડો માત્ર 6008નો હતો જે વધીને 2018-19માં 13599 થયો છે. રાજ્યમાં ખાદીનું ઉત્પાદન એક વર્ષમાં 52.46 લાખ થી વધીને 79.79 લાખ થયું છે જ્યારે ગ્રામોદ્યોગનું ઉત્પાદન 910 કરોડથી વધીને 913 કરોડ થયું છે. આજે ગુજરાતમાં તૈયાર થયેલા ખાદીના વસ્ત્રો દેશભરના માર્કેટમાં વેચાઇ રહ્યાં છે. એવી જ રીતે ગ્રામોદ્યોગની ચીજવસ્તુઓને પણ રાષ્ટ્રીય બજાર મળ્યું છે.

ગુજરાતની બેન્કોમાં 6.97 લાખ કરોડની થાપણો છે...

ગુજરાતમાં બેન્કો થાપણો અને ધિરાણના આંકડા વધતા જાય છે. જાણીને નવાઇ લાગશે કે રાજ્યમાં હાલની સ્થિતિએ બેન્કોની 9797 શાખાઓમાં કુલ 6,97,250 કરોડની થાપણો છે જેની સામે બેન્કોએ 5,39,392 કરોડનું ઘિરાણ કર્યું છે. એક વર્ષમાં બેન્ક શાખાઓની સંખ્યામાં 444નો વધારો થયો છે. થાપણોમાં 34,856 કરોડનો અને ધિરાણમાં 51,272 કરોડનો વધારો નોંધાયો છે. બેન્કોની સૌથી વધુ સંખ્યા ગ્રામીણ વિસ્તારમાં છે. મોટા શહેરોમાં તો બેન્કોની 2293 શાખાઓ આવેલી છે. બેન્કો સૌથી વધુ ધિરાણ પ્રાથમિકતાવાળા ક્ષેત્રોને ધિરાણ કરતી હોય છે. આ ધિરાણની રકમ 2.70 લાખ કરોડ છે, જેની સામે ખેતી ક્ષેત્રને ધિરાણનો આંકડો માત્ર 83157 કરોડ છે. નાના પાયાના ઉદ્યોગોને બેન્કોએ 1.27 લાખ કરોડનું ધિરાણ આપ્યું છે જ્યારે નબળા વર્ગોને માત્ર 45,120 કરોડનું ધિરાણ મળ્યું છે. ચોંકાવનારી વિગતો એવી સામે આવી છે કે કિસાન ક્રેડીટ કાર્ડની સંખ્યા ઘટી રહી છે. માર્ચ 2018માં 43941 કરોડના 27.30 લાખ કિસાન ક્રેડીટ કાર્ડ હતા જેની સામે માર્ચ 2019માં 46,839 કરોડના 27.08 લાખ થયા છે...

ગુજરાતમાં બેકારીના આંકડા ઘટતા જાય છે...

ગુજરાતની રોજગાર વિનિમયની કચેરીઓમાં બેરોજગારીના આંકડા સતત ઘટતા જાય છે. સરકારે એવો તો શું જાદુ કર્યો છે કે બેકારીના આંકડા તળીયે આવી રહ્યાં છે. હકીકતમાં શિક્ષિત યુવાનો કે યુવતિઓ રોજગારી વિનિમય કચેરીમાં તેમના નામની નોંધણી કરાવતા હોતા નથી. જેમને સરકારી નોકરી જોઇએ છે તેવા રોજગારવાંછુઓ તેમના નામ નોંધાવતા જોવા મળ્યા છે. 1995માં રાજ્યમાં બેકારોની સંખ્યા 9.12 લાખ હતી જે 2000ના વર્ષમાં વધીને 10.69 લાખ થઇ હતી. 2005માં રાજ્યમાં 8.55 લાખ, 2010માં 8.91 લાખ, 2015માં 6.77 લાખ, 2016માં 5.97 લાખ, 2017માં 5.37 લાખ અને 2018માં 4.64 લાખ બેકારો નોંધાયા છે. રાજ્યમાં છેલ્લી મોજણી પ્રમાણે શિક્ષિત બેકારોની સંખ્યા 440492 છે, જ્યારે અશિક્ષિત બેકારોની સંખ્યા 24058 છે. ખુશીના સમાચાર એ છે કે અશિક્ષિત બેકારોની સંખ્યા ઘટતી રહી છે. 1995માં અશિક્ષિત બેકારોની સંખ્યા 2.41 લાખ હતી જે 2005માં ઘટીને 1.12 લાખ થઇ હતી. રાજ્યમાં 1.20 લાખ એસએસસી પાસ અને 1.29 લાખ ઇન્ટર પાસ બેકારો છે જ્યારે 1.20 લાખ સ્નાતક બેકારો છે. સરકારી ચોપડા પ્રમાણે 16623 ઇજનેરો બેકાર છે. 23747 અનુસ્નાતક બેકાર છે.

ગુજરાતમાં ટેક્સપેયરની સંખ્યા 77.16 લાખ...

ગુજરાતમાં ઇન્કમટેક્સ પેયર્સની સંખ્યા વધીને 77,16,380 થઇ છે. પેનકાર્ડ અને આધાર કાર્ડની ઝૂંબેશના કારણે આ સંખ્યામાં વધારો થયો છે. 2015-16ના વર્ષના અંતે ટેક્સપેયર્સની સંખ્યા માત્ર 40,02,175 હતી જ્યારે 2017-18માં ટેક્સપેયર્સ 61,15,114 હતી. રાજ્યમાં આકારણીદારોની સંખ્યામાં સૌથી વધુ 69,51,813 વ્યક્તિગત છે. કંપનીમાં 88,516 છે, હિન્દુ અવિભક્ત કુટુંબોમાં 3,16,709 છે. પેઢીઓ 2,99,155 છે. ટ્રસ્ટો કે જેઓ ઇન્કમટેક્સ ભરે છે તેની સંખ્યા 15,115ની છે અને અન્યમાં 45,072ની સંખ્યા છે. રાજ્યના આવકવેરા વિભાગે વસૂલ કરેલા ઇન્કમટેક્સના આંકડા જોઇએ તો 2015-16માં ઇન્કમટેક્સનું એકત્રીકરણ 34873 કરોડ રૂપિયા થયું હતું જે 2017-18માં વધીને 48,800 થયું છે. ઇન્કમટેક્સને રાજ્યમાંથી કોર્પોરેટ ટેક્સ અને વ્યક્તિગત ટેક્સ મળે છે. 2018-19ના પ્રાપ્ત થયેલા આંકડા પ્રમાણે રાજ્યમાંથી કોર્પોરેટ ટેક્સ પેટે ઇન્કમટેક્સ વિભાગે 25,255 કરોડ ઉઘરાવી લીધા છે જ્યારે વ્યક્તિગત ટેક્સમાં વિભાગને 25100 કરોડ મળ્યા છે. બન્નેનો સરવાળો કરીએ તો કેન્દ્રના વિભાગે ગુજરાતમાંથી 50,355 કરોડ રૂપિયાનો ઇન્કમટેક્સ વસૂલ કર્યો છે.  આશ્ચર્યની બાબત એવી છે કે ગુજરાતમાં પેનકાર્ડ ધારકોની સંખ્યા વધીને 2,57,18,311 થઇ છે છતાં રિટર્ન ફાઇલ માત્ર 66 લાખ ટેક્સપેયર્સે ફાઇલ કર્યા છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

 

(8:29 am IST)