Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

‘જલસો' : મ્‍યુઝીકલ ગુજરાતી એપમાં ગુજરાતીપણાનો અનુભવ : વિસરાતી ગુજરાતી ભાષાને વાચા મળી છે!

૬૫૦ આલ્‍બમ આપતો પહેલો ગુજરાતી ‘મોબાઇલ રેડિયો', ગુજરાતી કલાકારોના કંઠે ગવાયેલી રચનાઓ સાથે નવોદિતને પ્રોત્‍સાહન, સંગીત સાથે સાહિત્‍યનો મેળ

અમદાવાદ- આપણી માતૃભાષા એ વાંચવા લખવાથી અંદર ઉતરે છે પણ એથી વિશેષ સાંભળવાથી સમજણના અને વિચારોના મૂળ સુધી પહોંચે છે અને એ રીતે એ તમારી માતૃભાષા બની રહે છે. આપણી માતૃભાષાના સંગીત અને સાહિત્‍યને સમાવતી એક અનોખી એપ્‍લીકેશન જલસો' શરૂ કરવામાં આવી ગુજરાતી ભાષાને કેન્‍દ્રમાં રાખીને ગુજરાતીમાં જ બધો content પીરસતી આ પ્રકારની આ એક માત્ર અને ઉત્તમ એપ છે. બોલીવૂડનાં ગીતો ને એક જગ્‍યાએથી સંભળાવતી તો ઘણી એપ માર્કેટમાં ઉપલબ્‍ધ છે પરંતુ આપણી ભાષામાં અને આપણી ભાષાના જ સંગીતને એક જ જગ્‍યાએથી વહેતા મૂકતી આ કદાચ ભારતની એકમાત્ર regional-પ્રાંતીય music એપ છે.

જલસો એ રીતે ગુજરાતી સંગીત અને સાહિત્‍યને સમર્પિત પહેલી ગુજરાતીળીતશભ એપ છે. આ એપ માં લગભગ વીસ હજારથી વધુ ગુજરાતી ગીતો સમાવવામાં આવ્‍યા છે. ગરબા,લોક સંગીત,ભજન, સુગમસંગીત આ એપમાં લોકપ્રિય કલાકારોનાં અવાજમાં સચવાયું છે. ફિલ્‍મ સંગીતની શ્રેણીમાંતો અહિ જૂની ફિલ્‍મોના લગભગ ૬૫૦થી વધુ આલ્‍બમ જોવા મળે છે. ગુજરાતી ફિલ્‍મોના એ સુવર્ણ દૌરનાં આશરે ૧૦,૦૦૦થી વધુ ગીતો આ એપમાં સાંભળવા મળશે, તો નવી ફિલ્‍મો પણ અહિ લોકપ્રિય અંદાજમાં જોવા મળે છે.

દર શુક્રવારે એપ ઉપરથી થતું ગુજરાતી સંગીતનું જીવંત પ્રસારણ - Live Jamming. સંપૂર્ણ નિષ્ઠા અને સુઘડ આયોજન દ્વારા છેલ્લા એક વર્ષથી નિયમિત આ કાર્યક્રમ રજૂ કરવામાં આવે છે જેમાં ગુજરાતી સંગીતના લોકપ્રિય કલાકારો શ્રોતાઓની પસંદના ગુજરાતી ગીતો પ્રસ્‍તુત કરે છે.

આ કાર્યક્રમમાં શહેરના કલાકારો જેવાકે હેમંત ચૌહાણ, ફરીદા મીર, ગાર્ગી વોરા, દેવ ભટ્ટ, ગાથા પોટા, પણ ખૂબ દિલથી તેમના કાર્યક્રમો પ્રસ્‍તુત કરી ચૂક્‍યા છે. એપની એક ઔર વિશેષતા છે અને તે છે તેમાં સમાવાયેલું સાહિત્‍ય. માત્ર ગુજરાતી સંગીત જ નહિ, અહિ ગુજરાતી સાહિત્‍યની પણ કદર જોવા મળે છે. વાચિકમ' જેવા શીર્ષક હેઠળ આ એપ્‍લીકેશનમાં આપણી ભાષાની શ્રેષ્ઠ વાર્તાઓનું નાટ્‍યાત્‍મક પઠન કરવામાં આવ્‍યું છે જે અત્‍યંત રસપ્રદ છે.

વાર્તાને સાંભળી શકાય,તેને માણી શકાય અને એ રીતે તેને બહોળા પ્રમાણમાં સાહિત્‍ય રસિકો સુધી દુનિયાના કોઈ પણ ખૂણે પહોંચાડી શકાય, એ અર્થે સાહિત્‍યનાં ક્ષેત્રનું પણ આ ઉત્તમ કામ થયું કહેવાય.આજકાલ સોશ્‍યલ નેટવર્સિંગ પર ચાલતા microfiction-ટચૂકડી વાર્તાના ફોર્મેટને પણ આ એપમાં સ્‍થાન છે.

ગુજરાતી બાળસાહિત્‍યના લોકપ્રિય લેખકો જેવા કે ગીજુભાઈ બધેકા, યશવંત મહેતા, રમણલાલ સોની, શ્રદ્ધા ત્રિવેદીની જાણીતી વાર્તાઓ આ એપનાં ઝગમગ' સેક્‍શનમાં સુંદર રીતે સાંભળવા મળે છે. નાના બાળકોને ભણાવવામાં આવતી કવિતાઓ, જોડકણાં અહિયાં નાના બાળકોના અવાજમાં જ છે જે સાંભળીને આપણને આપણા બાળપણના દિવસો યાદ આવી જશે. ટેકનીકલી પણ આ એપ પરવડે એવી છે. મોબાઈલમાં બહુ જ ઓછી જગ્‍યા રોકે છે અને ડેટા પણ બહુ વાપરતી નથી.

આસાનીથી મોબાઈલમાં રહી શકે એવી તાકેદારી બનાવનારાઓએ લીધી છે તે તેનું જમા પાસું છે. આ એપ આપણું ગુજરાતીપણું છે અને આપણું ગુજરાતી હોવાનું ગૌરવ વધારે છે. આ એપ iPhone અને android બંને ફોનમાં આસાનીથી download કરી શકો છો. App Store અથવા Play Store પરથી download કરો યા તો Get.jalsomusic.com. લિંક ઉપરથી પણ આ એપ મેળવી શકાય.

-: આલેખન :-

ગૌતમ  પુરોહીત

gpurohit09@gmail.com

(11:46 am IST)