Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

શનિવારે ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ : બોટાદમાં ભવ્ય લોકડાયરો

નથી જાણ્યુ અમારે પંથ શી આફત ખડી છે : ખબર છે આટલી કે માતની હાકલ પડી છે... : વિર શહિદ જવાનોને સ્વરાંજલી અર્પણ કરાશે : અભેસિંહ રાઠોડ, લલીતાબેન ઘોડાદ્રા, રાધાબેન વ્યાસ, હરીસિંહ સોલંકી, પંકજ ભટ્ટ રમઝટ બોલાવશે

રાજકોટ તા. ૫ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૭૨મી પુણ્યતિથિ — ૯ માર્ચ ૨૦૧૯ ને શનિવાર — રાત્રે ૯ કલાકે — એમની કર્મ-નિર્વાણભૂમિ બોટાદ (જૂનું માર્કેટ યાર્ડ, પાળિયાદ રોડ) ખાતે 'કસુંબીનો રંગ' લોકડાયરાનું ભવ્ય આયોજન ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા થયું છે. નવી પેઢી આપણાં સાહિત્ય-સંગીત-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ રાષ્ટ્રભાવના-દેશપ્રેમ જાગૃત થાય તે આશયથી છેલ્લા નવ વર્ષથી સતત આયોજિત થઈ રહેલ આ પ્રેરક કાર્યક્ર્મમાં માતૃભૂમિની રક્ષા કાજે પ્રાણની આહૂતિ આપનાર વીર શહીદ જવાનોને 'સ્વરાંજલિ'અર્પણ થશે. સુરક્ષા સેતુ સોસાયટી – બોટાદ જિલ્લા પોલીસ, બોટાદ નગરપાલિકા, બોટાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, બોટાદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિ.નો પણ આ કાર્યક્ર્મ માટે સહયોગ પ્રાપ્ત થયો છે.

ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, લલિતાબેન ઘોડાદ્રા અને રાધાબેન વ્યાસ ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવશે. લોકસાહિત્યકાર-હાસ્યકાર હરિસિંહ સોલંકી ઝવેરચંદ મેઘાણીનાં જીવન-કવન વિશે રસપ્રદ વાતો કહેશે. જાણીતા સંગીતકાર અને ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીના ચેરમેન પંકજ ભટ્ટનું સૂરીલું સંગીત-નિયોજન છે. કસુંબીનો રંગ, મોર બની થનગાટ કરે, કોઈનો લાડકવાયો, શિવાજીનું હાલરડું, ચારણ-કન્યા, ભેટ્યે ઝૂલે છે તલવાર, ઓતરાદા વાયરા ઊઠો ઊઠો, આષાઢી સાંજનાં અંબર ગાજે  જેવી ઝવેરચંદ મેઘાણીની અમર રચનાઓ રજૂ થશે. ચાંદો ઊગ્યો ચોકમાં,  જોડે રહેજો રાજ, દાદા હો દીકરી, મહેંદી તે વાવી, સવા બશેરનું મારું દાતરડું, સોના વાટકડી રે,  કાન તારી મોરલી, આભમાં ઝીણી ઝબૂકે વીજળી, આવી રૂડી અંજવાળી રાત, માડી હું બાર બાર વરસે આવિયો, ના છડિયાં હથિયાર જેવાં સદાબહાર લોકગીતો પણ તેમના સંગ્રહ 'રઢિયાળી રાત 'માંથી રજૂ થશે. જે હજી છાપખાનામાં હતી ત્યારે ઝવેરચંદ મેઘાણી આ દુનિયા છોડી ગયા હતા તેવી તેમની અંતિમ કૃતિ 'સોરઠી સંતવાણી'માંથી ગંગા સતી,  જેસલ-તોરલની પ્રાચીન અમરવાણી આ પ્રસંગે ખાસ આસ્વાદ-રૂપે રજૂ થશે.આ સ્વરાંજલિ કાર્યક્ર્મને માણવા સહુ રસિકજનોને પિનાકી મેઘાણી (મો. ૯૮૨૫૦૨૧૨૭૯)નું ભાવભર્યું જાહેર નિમંત્રણ છે. વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓ આ કાર્યક્ર્મને ઘર બેઠા નિહાળી શકે તે માટે તેનું ઈન્ટરનેટ પર જીવંત પ્રસારણ (વેબકાસ્ટ) www.eevents.tv/meghani પર થશે.બોટાદ તથા રાણપુર ખાતે સ્થાપિત મેઘાણી-પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ થશે. 

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું નિધન ૯ માર્ચ ૧૯૪૭ના રોજ બોટાદ ખાતે સાળંગપુર રોડ પર રેલવે-ફાટક પાસે આવેલા તેમના નિવાસસ્થાને થયેલું. આ નિવાસસ્થાન તેમણે ૧૯૩૩માં બંધાવેલું. શરૂઆતનાં થોડાં વરસ ટાવર રોડ પર સરકારી હાઈસ્કૂલની સામે આવેલી 'તળસી મિસ્ત્રીના તાજિયા' તરીકે ત્યારે ઓળખાતી જાજરમાન ઇમારતના પહેલા મજલા પરના નાના એક ભાગમાં રહેલા.

બોટાદ સાથે તેમના જીવનની અનેક મહત્ત્વની ઘટનાઓ ને સ્મૃતિઓ સંકળાયેલી છે. અનેક તેમનાં લોકપ્રિય પુસ્તકો અહીં લખાયાં.

રાણપુર-સ્થિત સાપ્તાહિક અખબાર 'ફૂલછાબ'ના તંત્રી તરીકે કામગીરી બજાવતા ઝવેરચંદ મેઘાણી રહેઠાણ બોટાદ અને કાર્યસ્થળ રાણપુર વચ્ચે ટ્રેન દ્વારા આવ-જા કરતા. સવારે ૬ વાગ્યાના અરસામાં નીકળતી, અને ત્યારે 'ફાસ્ટ'તરીકે ઓળખાતી, ગાડી પકડવા વહેલા ઊઠે. પત્ની-બાળકોની ઊંઘમાં ખલેલ ન પડે તેનો સતત ખ્યાલ રાખતાં પોતે પહેલાં પરવારી જઈને જાતે ચા મૂકે. ચા પીને નીકળતાં અગાઉનું છેલ્લું કામ હોય માથે ફેંટો બાંધવાનું. કયારેક મોડું થઈ ગયું હોય તો ફેંટાના છેલ્લા આંટા લેતા લેતા જ ઘરની બહાર આવે અને ઘરની પડખેથી પસાર થતા રેલ-પાટાને અડીને સમાંતર ચાલતી સાંકડી કેડી પકડી લઈને ઉતાવળે સ્ટેશન ભણી ગતિ કરે.  એ જ 'ફાસ્ટ'ના વળતા ફેરામાં રાતે પાછા ફરે. કલાકોને હિસાબે મોડી પડવા માટે નામચીન  હતી .

આ ટ્રેન;  એટલે બીજા બે-ત્રણ ઉતારુઓ સાથે સહિયારી ઘોડાગાડીમાં બેસીને થાકયાપાકયા ઘેર પહોંચે ત્યારે દસ વાગી ચૂકયા હોય. તોય, 'બાપુજી'ની વાટ જોતાં ઝોલે ચડીને અંતે નીંદરમાં સરી ચૂકેલાં બાળકોને માથે હેતભર્યો હાથ ફેરવવાનું એ પ્રેમાળ પિતા ન ચૂકે.

લોકસાહિત્યના સંશોધન અર્થે પોતે કરેલ પરિભ્રમણ દરમિયાન લોકમુખેથી સાંભળીને ટાંચણપોથીમાં ટપકાવી રાખેલાં ૧૦૪ પ્રાચીન ભજનોનાં સંગ્રહ 'સોરઠી સંતવાણી'નું લેખન-કાર્ય પૂર્ણ થયું ને ૫૦ પાનાંના પ્રવેશકનાં પ્રૂફ તપાસવા માટે છાપખાનામાંથી આવ્યાં. તેમના અવસાન પહેલાના છેલ્લા થોડા મહિનાઓ દરમિયાન એમનું ચિત્ત સંતોની ભજનવાણી ભણી વધુ ને વધુ ઢળતું ગયેલું. કહે છે કે છેલ્લે પોતે નવાં કાવ્યો લખતા નહોતા, કારણ કે આ ભજનવાણીમાં જ એમની લાગણીઓના પડઘા એ સાંભળતા હતા. વર્ષો પૂર્વેની ટાંચણપોથીઓમાં પડેલી અપાર સામગ્રીમાંથી આ પુસ્તકના બીજા ત્રણ-ચાર સંગ્રહો તૈયાર કરી દેવાની પણ એમની ઈચ્છા હતી. 'લોકવાણીનો અંતિમ પરિપાક ભજનવાણી છે' તેમ ઝવેરચંદ મેઘાણી લાગણીભેર કહેતા. સાંજે બોટાદ ખાતે પ્રાથમિક શાળાના શિક્ષકોના સંઘના સમારંભમાં ઉદ્બોધન કર્યું. આ એમનું છેલ્લું જાહેર પ્રવચન !

૯ માર્ચેની સવારથી જ ઝવેરચંદ મેઘાણીને હ્રદયમાં ભારે દર્દ ઊપડ્યું. મોડી રાતે આવેલ હ્રદયરોગનો અસહ્ય હુમલો જીવલેણ નીવડ્યો ને ૫૦ વર્ષની વયે આ ફાની દુનિયા છોડી ગયા.    ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે ભાવભીની અંજલિ અર્પી હતી : 'ઝવેરચંદ મેઘાણી ભારતની સ્વતંત્રતાના યુધ્ધના સૈનિકોમાંના એક અગ્રગણ્ય સૈનિક હતા. એમની વાણીમાં વીરતા ભરેલી હતી. ગુજરાતી સાહિત્યમાં એમણે નોંધપાત્ર ભાગ ભજવ્યો હતો. એ સાહિત્ય એમને અમર કરી રહેશે. એમના અચાનક ચાલી જવાથી ગુજરાતને ભારે ખોટ પડી છે. તે સહેજે પુરાય તેમ નથી. માત્ર સંતોષની વાત એટલી જ છે કે જે સ્વતંત્રતાને માટે એ જિંદગીભર લડ્યા હતા તે અચૂક આવી રહેલી જાણીને ગયા.'      ઝવેરચંદ મેઘાણીના અવસાન પછી પરિવારની વિકટ આર્થિક પરિસ્થિતિને લીધે, દુર્ભાગ્યવશ, એમનું ઐતિહાસિક નિવાસસ્થાન વેચાઈ ગયું હતું. હાલ અન્યની ખાનગી માલિકીનું અને બંધ હાલતમાં છે. ઝવેરચંદ મેઘાણી જયાં જીવનનો છેલ્લો દશકો રહ્યા અને અંતિમ શ્વાસ લીધા તેવું આજે પણ અડીખમ ઊભેલું આ ઐતિહાસિક નિવાસસ્થાન ગુજરાત સરકાર દ્વારા ભવ્ય સ્મારક તરીકે વિકાસ પામે તેવી લોકલાગણી છે. (૨૧.૨૮)

સંકલન : પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

મોબાઈલ : ૯૮૨૫૦ ૨૧૨૭૯

 

(3:50 pm IST)
  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 2 સીટ ઉપરથી લોકસભા ચૂંટણી લડશે તેવી ચર્ચા : અમેઠીમાં 3 ટર્મથી ચૂંટાઈ આવતા રાહુલ ગાંધી માટે બીજી સીટ દક્ષિણ ભારતમાંથી પસંદ થાય તેવી શક્યતા : મહારાષ્ટ્ર અથવા મધ્યપ્રદેશની સલામત ગણાતી સીટની પણ પસંદગી થઇ શકે તેવું જાણકારોનું મંતવ્ય access_time 8:14 pm IST

  • રાફેલ મામલો :સુપ્રીમ કોર્ટે કહ્યું પહેલા કેન્દ્ર સરકારની આપત્તિઓ પર નિર્ણય લેવાશે :પીઠે કહ્યું કે કેન્દ્ર દ્વારા ઉઠાવેલ પ્રારંભિક વાંધા પર ફેંસલોઃ કર્યા બાદ મામલાના તથ્યો પર વિચારણા કરાશે access_time 1:30 am IST

  • અમૃતસરના કેટલાક વિસ્તારોમાં મધરાત્રે મોટા ધડાકાઃ ગભરાટઃ અમૃતસરમાં ગઇ મોડી રાત્રે દોઢ વાગે કેટલાક વિસ્તારોમાં ધડાકાઓના મોટા અવાજોથી ઘરોની દિવાલો ધ્રુજી ઉઠી હતી. લોકો ભારે ગભરાઇ ગયેલ અને ભારત-પાકિસ્તાન જંગ છેડાયાની ચર્ચા થવા લાગેલ. જો કે પોલીસ આવા વિસ્ફોટોનો ઇન્કાર કરી રહેલ છે અને કોઇ આવા રિપોર્ટ નોંધાયા ન હોવાનું કહેે છે. પરંતુ લોકોમાં ભારે ભય છે. પોલીસે લોકોને નહી ગભરાવા અને અફવાથી બચવા કહયું છે. સોશ્યલ મીડીયા ઉપર અનેક લોકોએ ધડાકા અંગે લખ્યું છે. access_time 11:27 am IST