Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

સરકારી મહેમાન

જાહેર સાહસો, ટ્રસ્ટ અને સંસ્થાઓએ સરપ્લસ નાણાં સરકારમાં ફરજીયાત જમા કરવા પડશે

ચૂંટણીમાં ભાજપને ઉમેદવાર ઉભા રાખવાની જરૂર નથી, કેમ કે કોંગ્રેસ જ આપી દેતી હોય છે : દિલ્હીમાં અતનુ ચક્રવર્તી અને ગુજરાતમાં અગ્રવાલનો બજેટ ઘડતરમાં સૌથી મોટો હિસ્સો છે : કોંગ્રેસના મજબૂત ઉમેદવારો માટે "આયે દિન બહાર કે" : ભાજપની નજર 12 બેઠકો ઉપર છે

ગુજરાતના જાહેર સાહસો તેમને બજેટમાં મળેલી સરકારી જોગવાઇ કે ગ્રાન્ટના નાણાં વાપરશે નહીં તો તે રૂપિયા સીધા સરકારમાં જમા થઇ જશે. રાજ્યના નાણા વિભાગે તમામ બોર્ડ અને  કોર્પોરેશનને એવો આદેશ કર્યો છે કે સરકારે જે હેતુ માટે નાણા ફાળવ્યા હોય અને તે એક વર્ષ સુધી વપરાશે નહીં તો તેને ફરજીયાત સરકારની એકત્રિત નીધિ એટલે કે કોન્સોલિડેટેડ ફેડમાં જમા કરવા પડશે. સરકારના ધ્યાન પર આવ્યું છે કે કેટલાક નિગમ તેમના સરપ્લસ નાણાં બેન્કો કે ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસીઝ (જીએસએફએસ)માં મૂકી રાખીને વ્યાજની રકમ મેળવે છે. નાણા વિભાગે આ સરપ્લસ નાણાંનો સમયસર ઉપયોગ કરવા અથવા તો તેને પાછા આપવા કહેવાયું છે. વણ વપરાયેલા નાણાં બેન્કો કે સરકારી નાણાકીય સંસ્થામાં મૂકી રાખવા એ હવે ગેરસિસ્ત ગણાશે. નાણા વિભાગે માત્ર જાહેર સાહસો માટે જ નહીં, પરંતુ સરકારી સંસ્થા, સોસાયટી, ટ્રસ્ટ અને મિશનને પણ આ પ્રકારના આદેશ આપ્યા છે. જો કોઇપણ બોર્ડ કે નિગમ અથવા સંસ્થાએ તેમના સરપ્લસ નાણાં જીએસએફએસ કે બેન્કમાં મૂકેલા હશે તો તે નાણાં ઉપરાંત તેના પેટે મળેલું વ્યાજ પણ સરકારમાં જમા કરાવવું પડશે. ઉલ્લેખનીય છે કે રાજ્યના નાણા વિભાગે અગાઉ એવો આદેશ કર્યો હતો કે સરકારી સાહસોએ તેમના સરપ્લસ નાણાં જાહેર અને ખાનગી ક્ષેત્રની બેન્કોમાં મૂકવાની જગ્યાએ સરકારની ફિનાન્સ સંસ્થામાં મૂકવાના રહેશે પરંતુ આ આદેશનું પાલન ન થતાં વિભાગે બીજો આદેશ કરવો પડ્યો છે અને હવે તમામ બાકી નાણાં સરકાર હસ્તક કરી લેવાશે.

ભાજપને ઉમેદવાર ઉભા રાખવાની જ જરૂર નથી...

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી થાય ત્યારે હવે ભાજપને ઉમેદવાર ઉભા રાખવાની જરૂર નથી, કેમ કે પાર્ટીને તૈયાર ચૂંટાયેલા ઉમેદવારો મળી જાય છે. આપણે ગુજરાતમાં કોઇ ધારાસભ્ય બીજી પાર્ટીમાં જોડાય તેને બળવાખોર કહેતા હતા પરંતુ હવે બળવાખોર શબ્દ વાપરવામાં આવતો નથી. છેલ્લે 1995માં શંકરસિંહ વાઘેલાએ ભાજપ સાથે છેડો ફાડ્યો હતો તેને બળવો કહેવાયો હતો. ભાજપના બળવાખોરો શંકરસિંહ સાથે જોડાયા એવાં ઉપનામ મળતા હતા. હવે કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જોડાયા છે એવું કહેવાય છે. સૌમ્ય ભાષામાં એવું પણ કહેવાય છે કે-- કોંગ્રેસના ધારાસભ્યએ ભાજપની વિચારધારાનો સ્વિકાર કર્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં ભલે બન્ને પાર્ટીના ઉમેદવારો એક બીજાની સામે માથાં ફુટે તેવા ચૂંટણી પ્રવચનો આપતા હોય, ભાજપના નેતાઓ ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસને ભ્રષ્ટાચારી ભલે કહેતા હોય પરંતુ કોંગ્રેસનો ઉમેદવાર જીત્યા પછી ભાજપને તે સારો અને પવિત્ર લાગે છે. આજે વાલિયા માંથી વાલ્મિકી બનતા નેતાઓને આપણે જોઇ રહ્યાં છીએ. ગુજરાતમાં 1995 પછી કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા સાંસદોની સંખ્યા 12 અને ધારાસભ્યોની સંખ્યા 65 થવા જાય છે. છેલ્લે કુંવરજી બાવળિયા કોંગ્રેસને ત્યાગીને કેબિનેટ મિનિસ્ટર બની ગયા. હવે ડો. આશાબહેન પટેલ ઊંઝાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જવા તૈયાર થયાં છે. રાહુલ ગાંધી હવે તેમને ખરાબ લાગે છે. કોંગ્રેસ પાર્ટી હવે ગંદી લાગે છે. વાહ, આનું નામ જ રાજકારણ, અને આ સ્થિતિ ને જ રાજનીતિ કહેવાય છે.

ગુજરાતના વોટ ઓન એકાઉન્ટમાં રાહત હોઇ શકે છે...

ગુજરાતના નાણામંત્રી નિતીન પટેલ 18મી ફેબ્રુઆરી થી શરૂ થતાં વિધાનસભા સત્રમાં વર્ષ 2019-20નું વચગાળાનું બજેટ રજૂ કરવાના છે. આ બજેટ માત્ર ચાર મહિનાના ખર્ચ માટેનું છે જેની રકમ 65000 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. રાજ્યમાં જ્યારે લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે વચગાળાનું બજેટ રજૂ કરવાનું થતું હોય છે. આ અગાઉ 2014માં લોકસભાની ચૂંટણી આવી હતી ત્યારે નાણામંત્રી નિતીન પટેલ હતા. તેમણે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું જેનું કદ 40000 કરોડ રૂપિયા રાખવામાં આવ્યું હતું. પાંચ વર્ષ પછી આ કદમાં 25 હજાર કરોડનો વધારો થવાનો છે. રાજ્ય સરકાર 1લી એપ્રિલ થી 31મી જુલાઇ સુધીના ચાર મહિના માટે વોટ ઓન એકાઉન્ટ લઇ રહી છે જેમાં કેટલીક મહત્વની જાહેરાતો થવાની સંભાવના છે, કેમ કે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કેન્દ્ર સરકારે તેના વચગાળાના બજેટમાં જેવી જાહેરાતો કરી છે તેવી જાહેરાતો ગુજરાત સરકાર પણ કરી શકે છે.રાજ્યની સાડા છ કરોડની જનતાને રાહત મળે તેવા કેટલાક પ્રયાસોઆ વચગાળાના બજેટમાં હશે તો નવાઇ પામવા જેવું નહીં હોય. ઉલ્લેખનીય છે કે સરકાર રાજ્યમાં જંત્રીના દરોમાં વધારો કરવા માગે છે પરંતુ લોકસભાની ચૂંટણી આવતી હોવાથી આ વધારો જૂન સુધીમાં અમલમાં આવી શકે છે. જંત્રીના દરમાં વધારો થતાં રિયલ એસ્ટેટ માર્કેટમાં મિલકત ખરીદનાર વર્ગને જંગી ભાવવધારો સહન કરવો પડશે.

ગુજરાત સરકારનું વચગાળાનું બજેટ કોણે બનાવ્યું છે...

ગુજરાતના બજેટના ઘડવૈયા દર વર્ષે બદલાય છે. આ વખતે વચગાળાના બજેટની સંપૂર્ણ જવાબદારી નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલની છે. આ વખતે અગ્રવાલની સાથે જીએસટી કમિશનર પી.ડી.વાધેલા, ઇકોનોમી અફેર્સના સેક્રેટરી સંજીવ કુમાર, એક્સપેન્ડિચર સેક્રેટરી મિલીંદ તોરવણે, ઇન્સ્ટીટ્યુશનલ ફિનાન્સ ડાયરેક્ટર અભિષેક કુમાર સિંહા, ટેક્સના જોઇન્ટ સેક્રેટરી સીજે મેકવાન અને બજેટના જોઇન્ટ સેક્રેટરી એસ છાકછુક નો સમાવેશ થાય છે. એ ઉપરાંત બજેટમાં સપોર્ટીંગ રોલ ઇકોનોમી-કોઓર્ડિનેશનના ડેપ્યુટી સેક્ટેરી જે.બી.પટેલ અને વિભાગના યુએસ તેમજ ડીએસનો પણ હોય છે. વિભાગોના બજેટમાં સરકારના 22 જેટલા સિનિયર આઇએએસ ઓફિસરો તરફથી પણ જોગવાઇ અને નવી યોજનાઓ દાખલ થતી હોય છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાણામંત્રી નિતીન પટેલ આખરી ઓપ અપાયેલા બજેટને સુધારા વધારા સાથે મંજૂર કરતા હોય છે. રાજ્યના બજેટમાં 35 જેટલા મહત્વના ઓફિસરોનું બહુ મોટું યોગદાન હોય છે. એસીએસ ફાયનાન્સના હાથ નીચે રાજ્યનો નાણા વિભાગ એક્સપેન્ડિચર સેક્રેટરી, ઇકોનોમિક અફેર્સ સેક્રેટરી અને કમિશનર એન્ડ સેક્રેટરી (બ્યુરો ઓફ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસ) એમ કુલ ત્રણ ભાગમાં વહેંચાયેલો છે, જેમાં 19 ઓફિસરોનો સમાવેશ થાય છે.

ભાજપ માટે નબળી બેઠક હોય ત્યાં કોંગ્રેસને જોખમ...

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકોનો ટારગેટ બનાવનારા ભાજપને નબળી બેઠકોની ચિંતા થઇ છે. આ બેઠકોમાં પાર્ટીના આગેવાનો કે સંનિષ્ઠ કાર્યકરો ઉમેદવાર બની શકે તેવા નથી પરંતુ કોંગ્રેસના આયાતી ધારાસભ્યો ઉત્તમ ઉમેદવાર બને છે. કોંગ્રેસના પાંચ થી સાત ધારાસભ્યો ભાજપના બેસ્ટલિસ્ટમાં છે. કોંગ્રેસને તોડીને લોકસભાની ચૂંટણી જીતવી છે. ભાજપને અફસોસ હતો કે વિધાનસભાની ચૂંટણીમાં 99નો આંકડો ખરાબ લાગે છે. શરમ આવે છે, કારણ કે ભાજપને છેલ્લી ચાર ચૂંટણીમાં 113 થી 127 બેઠકો મળેલી છે. આટલા માટે જ કોંગ્રેસના મજબૂત કોળી ધારાસભ્ય કુંવરજી બાવળિયાને ભાજપમાં લાવવામાં આવ્યા અને બે કલાકમાં જ કેબિનેટ મંત્રી બનાવી દેવામાં આવ્યા હતા. ડો. આશાબહેન પટેલને પણ રાજીનામું અપાવ્યું છે અને ભાજપનો તેમનો હોદ્દો ફિક્સ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ભાજપ માટે 12 બેઠકો નબળી છે અને આ બેઠકો જ્યાં આવેલી છે તે ગીર સોમનાથ, અરવલ્લી, અમરેલી, મોરબી, જૂનાગઢ, આણંદ, તાપી, નર્મદા, ડાંગ, સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર, જામનગર, છોટા ઉદેપુર અને બનાસકાંઠા જિલ્લાની છે. ભાજપ તેની અંદરના નહીં પણ કોંગ્રેસના મજબૂત ધારાસભ્યોને શોધી રહી છે. એટલે કે ભૂતકાળની ચૂંટણી જેમની સામે લડ્યા હતા તેમના માટે ચૂંટણી પ્રચાર કરવાના દિવસો ભાજપમાં આવી ગયા છે.

શંકરસિંહ વાઘેલાનો પ્લાન શું છે તે ખબર પડતી નથી...

ગુજરાતના સિનિયર નેતા શંકરસિંહ વાઘેલા શું કરે છે તેની ખબર લોકોને મોડી પડે છે. તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે પણ લોકો જે રસ્તે તેમની વાટ જોતાં હોય તે રસ્તે શંકરસિંહ કદી આવ્યા નથી. તેઓ અલગ જ માર્ગ પરથી આવ્યા છે. 1995માં પહેલા બળવા પછી શંકરસિંહ વાઘેલાએ જાહેરમાં કહ્યું હતું કે મારે મુખ્યમંત્રી બનવું નથી. 1996માં બીજા બળવામાં પણ તેમણે કહ્યું કે મારે મુખ્યમંત્રી થવું નથી, પરંતુ સંજોગોએ મને મુખ્યમંત્રી બનાવ્યો હતો તેવું તેમણે તે સમયે કહ્યું હતું. આમ છતાં તેમની શક્તિઓને ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને પાર્ટીઓ પહેચાને છે. બાપુ પહેલાં સંઘના સેવક હતા. તેમાંથી તેઓ ભાજપમાં આવ્યા હતા. પછી તેમણે સત્તા માટે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો અને હવે લોકસભાની ચૂંટણી પહેલાં તેઓ એનસીપીમાં તેઓ જોડાયા છે. 1996-97માં તેમણે નવી પાર્ટી રાજપા પણ બનાવી હતી. શંકરસિંહે રાજપાની રચના કરી ત્યારે તેમણે ચુવાનોને એકત્ર કરીને શક્તિદળની રચના કરી હતી, પરંતુ સત્તા ગયા પછી શક્તિદળ વિખેરી નાંખ્યું હતું પરંતુ કોંગ્રેસમાં તેઓ પ્રદેશ પ્રમુખ હતા ત્યારે તેમણે આ જ શક્તિદળને જીવિત કરવાનો પ્રયાસ કર્યો હતો પણ તેઓ ફાવ્યા નહીં અને પ્રદેશ પ્રમુખપદ છોડવું પડ્યું હતું. હવે એનસીપીમાં જઇને તેમણે શક્તિદળની રચના કરી છે. આ શક્તિદળમાં તેઓ રાજ્યના ચુવાનોને નિયુક્તિ આપે છે. તેમનું આ યુવા સંગઠન કહેવાય છે, જોઇએ લોકસભામાં તે કેવું કામ આપે છે.

કેન્દ્રમાં અતનુ ચક્રવર્તી બજેટની ટીમનો હિસ્સો છે...

ભારત સરકારના બજેટમાં આર્થિક બાબતોના સચિવ, ખર્ચ સચિવ,નાણા સચિવ, મુખ્ય આર્થિક સલાહકાર, સીબીઇસી, સીબીડીટીના ચેરમેન, નાણામંત્રી, ડીઆઇપીએએમ સેક્રેટરી અને નાણાકીય સેવાઓના સચિવ મુખ્ય હોય છે. બજેટ માટે ટોપ બ્યુરોક્રેટ્સની નવી ટીમ છે. કેન્દ્રના બજેટની ટીમમાં સૌથી અનુભવી હાથ નાણા સચિવ અજય નારાયણ ઝા નો છે, તેઓ ખર્ચ વિભાગનો હવાલો સંભાળે છે. બીજાક્રમે સુભાષ ચંદ્ર ગર્ગ આવે છે કે જેઓ વોશિંગ્ટનમાં વર્લ્ડ બેન્કના એક્ઝિક્યુટિવ ડીરેક્ટર રહી ચૂક્યાં છે. તેમની ટીમમાં ક્રિશ્નમૂર્તિ સુબ્રમણ્યમ, ચીફ ઇકોનોમિક એડવાઇઝર, દિનેશચંન્દ્ર શર્મા, એડિશનલ ડીરેક્ટર જનરલ, સંજીવ સન્યાલ, પ્રિન્સિપલ ઇકોનોમિક એડવાઇઝરનો સમાવેશ થાય છે. બીજા એક ઓફિસર અજય ભૂષણ પાંડે કેન્દ્ર અને રાજ્ય સરકારમાં 34 વર્ષથી સેવાઓ આપે છે. કેન્દ્રની આવકની દેખરેખ રાખે છે અને અને યુનિયન બજેટને આકાર આપવામાં તેઓ નિર્ણાયક છે. તેઓ  જીએસટીએન ના અધ્યક્ષ તરીકે પણ સ્થાન ધરાવે છે. બીજી તરફ ઝારખંડ કેડરના 1984ની બેચના આઇએએસ રાજીવકુમાર 21 રાજ્ય સંચાલિત બેંકોની જવાબદારી સંભાળે છે. ગુજરાત કેડરના આઇએએસ અધિકારી અતનુ ચક્રવર્તી ડિસઇન્વેસ્ટમેન્ટના નિર્ણાયક લક્ષ્યને પહોંચી વળવાની કામગીરી કરે છે. બજેટના ઘડતરમાં તેમનો મહત્વનો રોલ છે. યુનિયન બજેટમાં વરિષ્ઠ અધિકારી સુશીલ ચંદ્રાની ભૂમિકા પણ નિર્ણાયક છે કારણ કે ડાયરેક્ટ ટેક્સ અને વાર્ષિક ફાઇનાન્સ બિલનો સૌથી મોટો ભાગ બજેટમાં રહેતો હોય છે. વરિષ્ઠ અમલદાર પ્રણવ કુમાર દાસ કેન્દ્ર સરકારમાં પરોક્ષ કરવેરાની દેખરેખ રાખે છે. સ્થાનિક ઉત્પાદન અને વૈશ્વિક વેપારને લગતી બાબતોને પ્રોત્સાહન આપવા પર નીતિનું ધ્યાન કેન્દ્રિત કરે છે. બજેટમાં તેમનું કામ કસ્ટમ્સ ડ્યુટી સંબંધિત હોય છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:46 am IST)