Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

સરકારી મહેમાન

વાયબ્રન્ટ અને પ્રજાસત્તાક દિન પછી સરકાર ચૂંટણી મોડમાં: વહીવટી તંત્રમાં ફેરફારો કરશે

સરકારમાંથી દિલ્હી સ્થિત 20 IAS ઓફિસરો પૈકી કેટલાક પાછા પણ આવી શકે છે : ગાંધીનગર લોકસભા બેઠકનો રસપ્રદ ઇતિહાસ-- 'શંકર' એ 'કૃષ્ણ'ને ગિફ્ટ આપી : આવ ભાઇ હરખા આપણે બેઉ સરખાં-- ભાજપ અને કોંગ્રેસમાં ટિકીટ કાપ સરખો

ગુજરાતમાં ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ અને 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિન પછી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર કરી રહ્યાં છે. બે તબક્કે થનારા આ બદલાવમાં પહેલાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ જેવાં કે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પોલીસ વડાની બદલીઓ કરી શકે છે, જ્યારે બીજા તબક્કામાં સરકારા વિભાગો તેમમ જાહેર સાહસોમાં પણ મોટાપાયે ફેરફારો થવાની સંભાવના છે. મુખ્ય વિભાગો જેવાં કે મહેસૂલ, શહેરી વિકાસ, આરોગ્ય, શિક્ષણ, ગૃહ, કૃષિ, ઉદ્યોગ, શ્રમ, ઉર્જા અને પંચાયત જેવા વિભાગોમાં અધિકારીઓની બદલી થશે. સૂત્ર કહે છે કે જિલ્લાઓમાં 85થી વધુ અને વિભાગો તેમજ જાહેર સાહસોમાં 45 જેટલા અધિકારીઓની બદલીની સંભાવના છે. લોકભાની ચૂંટણીને ધ્યાને લઇ સરકારે તાજેતરમાં બઢતીની પ્રક્રિયા પૂરી કરી છે હવે બદલીની પ્રક્રિયા પણ પૂરી કરશે. ખાસ કરીને જે ઓફિસરને એક જ જગ્યાએ ત્રણ કે તેથી વધુ વર્ષ થયાં હશે તે ફરજીયાત બદલાશે. એ ઉપરાંત વિભાગોમાં જેમની પાસે વધારાના હવાલા છે તે પણ નિયુક્તિથી પાછા લઇ લેવામાં આવશે.

દિલ્હી દરબારના રત્નો પાછા આવી શકે છે...

ગુજરાતના 20 જેટલા ઓફિસરો ડેપ્યુટેશન પર દિલ્હી અથવા ગુજરાત બહાર છે તેમાં અનિલ મુકીમ ઓગષ્ટ 2020માં નિવૃત્ત થાય છે. અતનુ ચક્રવર્તી પણ એપ્રિલ 2020માં નિવૃત્ત થાય છે. ગિરીશચંન્દ્ર મુર્મુ નવેમ્બર 2019માં, ગુરૂપ્રસાદ મોહપાત્રા એપ્રિલ 2022માં, રાજકુમાર જાન્યુઆરી 2025માં, આર.પી.ગુપ્તા ડિસેમ્બર 2021માં, એલ. ચુંઆંગો માર્ચ 2022માં, એસ.અપર્ણા ઓક્ટોબર 2023માં, બી.બી. સ્વૈન સપ્ટેમ્બર 2023માં, એ.કે.શર્મા જુલાઇ 2022માં, અનિતા કરવલ નવેમ્બર 2022માં, કે.શ્રીનિવાસ જુલાઇ 2027માં, વી. થીરૂપુગ્ગાઝ ઓગષ્ટ 2021માં અને રાજીવ ટોપનો મે 2034માં વય નિવૃત્ત થાય છે. ગુજરાતના બીજા ઓફિસરો કે જેઓ ડેપ્યુટેશન પર ગુજરાત બહાર છે તેમાં આરતી કનવર. ડો. રાજેન્દ્ર કુમાર, ડો. રણજીત કુમાર સિંઘ, સંજય ભાવસાર અને હાર્દિક શાહ પાસે હજી નોકરીમાં ઘણો સમય છે. લોકસભાની ચૂંટણી પછી જો નરેન્દ્ર મોદી ફરીથી પ્રાઇમ મિનિસ્ટર બનશે તો ગુજરાતના આ 20 કાબેલ ઓફિસરો જ્યાં છે ત્યાં જ રહેશે અન્યથા તેમને ગુજરાત પરત આવવું પડશે.

ભાજપના વર્તમાન 10 સાંસદોને રિપીટ કરાશે...

લોકસભાની ચૂંટણીમાં ભાજપમાંથી વિજેતા થયેલા ઉમેદવારોમાં માત્ર 10 સંસદ સભ્યો સલામત છે. (1) કોણ રિપીટ થશે-- અમદાવાદ ઇસ્ટના પરેશ રાવલ, ભરૂચના મનસુખ વસાવા, દાહોદના જસવંત ભાભોર, જામનગરના પુનમ માડમ, ખેડાના દેવુસિંહ ચૌહાણ, નવસારીના સી.આર.પાટીલ, રાજકોટના મોહન કુંડારિયા, વલસાડના કે.સી.પટેલ અને બારડોલીના પ્રભુ વસાવાને પાર્ટી ફરીથી ટીકીટ આપી શકે છે. (2) કોનું પત્તુ કપાશે-- અમદાવાદ વેસ્ટના ડો. કિરીટ સોલંકી, અમરેલીના નારણ કાછડિયા, આણંદના દિલીપ પટેલ, બારડોલીના પ્રભુ વસાવા, બનાસકાંઠાના હરિભાઇ ચૌધરી, ભાવનગરના ભારતીબેન શિયાલ, છોટાઉદેપુરના રામસિંહ રાઠવા, ગાંધીનગરના લાલકૃષ્ણ અડવાણી, જૂનાગઢના રાજેશ ચુડાસમા, કચ્છના વિનોદ ચાવડા, મહેસાણાના જયશ્રીબેન પટેલ, પંચમહાલના પ્રભાતસિંહ ચૌહાણ, પાટણના લીલાધર વાઘેલા, પોરબંદરના વિઠ્ઠલ રાદડિયા, સુરતના દર્શના જરદોષ, સુરેન્દ્રનગરના દેવજી ફતેપરા અને વડોદરાના રંજનબહેન ભટ્ટને પાર્ટી ફરીથી ટીકીટ આપતાં વિચાર કરી શકે છે. આ બેઠક પરથી 2014માં નરેન્દ્ર મોદી ચૂંટાઇ આવ્યા હતા, તેમણે રાજીનામું આપી દેતાં વડોદરાની બેઠક પરથી રંજનબહેન ચૂંટાયા હતા.

કોંગ્રેસ ચૂંટણી હારેલા માત્ર 10 ને ટીકીટ આપશે...

કોંગ્રેસમાં 2014ની લોકસભાની ચૂંટણી મોદી વેવમાં હારી ગયેલા પરંતુ મજબૂત કહી શકાય તેવા 10 ઉમેદવારોને પાર્ટી રિપીટ કરી શકે છે. (1) કોણ રિપીટ થશે-- અમરેલીના વિરજી ઠુમ્મર, આણંદના ભરત સોલંકી, બનાસકાંઠાના જોઇતાભાઇ પટેલ, બારડોલીના ડો. તુષાર ચૌધરી, છોટાઉદેપુરના નારણ રાઠવા, જામનગરના વિક્રમ માડમ, જૂનાગઢના પુંજાભાઇ વંશ, ખેડાના દિનશા પટેલ, સુરેન્દ્રનગરના સોમાભાઇ પટેલ અને વલસાડમાં કિસન પટેલને પાર્ટી ફરીથી ટીકીટ આપી શકે છે. જ્યારે (2) કોનું પત્તુ કપાશે-- અમદાવાદ ઇસ્ટના હિંમતસિંહ પટેલ, અમદાવાદ વેસ્ટના ઇશ્વરભાઇ મકવાણા, ભરૂચના જ્યેશ પટેલ, ભાવનગરના પ્રવિણ રાઠોડ, દાહોદના પ્રભા તાવિયાડ, ગાંધીનગરના કિરીટ પટેલ, કચ્છના દિનેશ પટેલ, મહેસાણાના જીવાભાઇ પટેલ (કોંગ્રેસમાં નથી), નવસારીના મકસુદ મિરઝા, પોરબંદરના રામસિંહ પરમાર, પાટણના ભાવસિંહ રાઠોડ, રાજકોટના કુંવરજી બાવળિયા (કોંગ્રેસમાં નથી) , સાબરકાંઠાના શંકરસિંહ વાઘેલા (કોંગ્રેસ છોડી ચૂક્યાં છે), સુરતના નૈષધ દેસાઇ, વડોદરામાં મધુસુદન મિસ્ત્રી (રાજ્યસભામાં છે) ને રિપીટ કરવામાં આવશે નહીં. કોંગ્રેસે 2014માં પોરબંદરની બેઠકો એનસીપીના કાંધલ જાડેજાને આપી હતી પરંતુ આ વખતે પોરબંદરની બેઠક કોંગ્રેસ તેના માટે અનામત રાખી શકે છે.

ઇન્કમટેક્સની આવકમર્યાદા કોણ વધારશે...

સવર્ણો માટે આઠ લાખની આવક મર્યાદાને ધ્યાને રાખીને કેન્દ્રની મોદી સરકારે 10 ટકા અનામત આપી છે ત્યારે સૌશ્યલ મિડીયામાં એવો મેસેજ વાયરલ થયો હતો કે "જો કેન્દ્ર સરકાર વાર્ષિક આઠ લાખની આવક મેળવતા પરિવારને આર્થિક રીતે પછાત માની અનામતનો લાભ આપવા માગતી હોય તો સરકારે ઇન્કમટેક્સમાં મુક્તિની લિમીટ પણ અઢી લાખથી વધારીને આઠ લાખ કરી દેવી જોઇએ."-- દલીલ કર્તાઓની વાત પણ સાચી છે. જો સરકાર આઠ લાખની આવકને આર્થિક પછાતની ઉપમા આપી શકતી હોય તો પછી અઢી લાખ કરતાં વધુની આવક ધરાવતી વ્યક્તિને ઇન્કમટેક્સ કેમ ભરાવી રહી છે તે એક મોટો સવાલ છે. આમ પણ સરકારને જીએસટીની આવકમાં વધારો થયો હોવાથી ઇન્કમટેક્સની મર્યાદા આઠ લાખ કરી દેવી જોઇએ કે જેથી મધ્યમવર્ગના પરિવારોને રાહત મળી શકે. 2019માં લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે ભાજપ નહીં તો કોંગ્રેસે પણ આવો વાયદો કરવો જોઇએ, કે જેથી તેમના મતદાનની ટકાવારીમાં વધારો થઇ શકે.

ગાંધીનગરની બેઠક પહેલાં SC અનામત હતી...

ગાંધીનગરની લોકસભાની બેઠકો પહેલાં અનામત હતી તે ઘણાં ઓછાને ખ્યાલ હશે. આ બેઠકની પહેલી ચૂંટણી 1967માં થઇ હતી. તે સમયે શિડ્યુઅલ કાસ્ટ માટે આ બેઠક અનામત હતી. કોંગ્રેસના એસ.એમ. સોલંકી આ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. 1971માં આ બેઠક કોંગ્રેસે ગુમાવી દીધી હતી. એનસીઓના નરસિંહ મકવાણા વિજયી બન્યા હતા. આ બે વર્ષ પછી ગાંધીનગરની બેઠક જનરલમાં ફેરવાઇ હતી જેમાં 1977ની ચૂંટણીમાં ગાંધીનગરની બેઠક પરથી કોંગ્રેસના પુરૂષોત્તમ ગણેશ માવલંકર વિજયી બન્યા હતા. ગાંધીનગરની બેઠક પર કુલ 14 ચૂંટણી લડાયેલી છે પરંતુ છેલ્લી 9 ચૂંટણીથી ભાજપના ઉમેદવાર વિજેતા બની રહ્યાં છે. કોંગ્રેસના છેલ્લા ઉમેદવાર જી.આઇ. પટેલ 1984માં વિજેતા થયા હતા. 1989માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર શંકરસિંહ વાઘેલા ગાંધીનગરથી ચૂંટણી જીત્યા હતા. આ બેઠક તેમણે ભાજપના રાષ્ટ્રીય નેતા લાલકૃષ્ણ અડવાણી માટે ખાલી કરી આપી હતી. 1991માં આ બેઠક પરથી લાલકૃષ્ણ અડવાણી, 1996ના બાય ઇલેક્શનમાં વિજય પટેલ પછી અટલ બિહારી વાજપેયી ચૂંટણી જીત્યા હતા. વિજય પટેલે બાય ઇલેક્શનમાં ફિલ્મસ્ટાર કોંગ્રેસના ઉમેદવાર રાજેશ ખન્નાને ગાંધીનગરની બેઠક પરથી હરાવ્યા હતા. આ બેઠક 1989થી ભાજપનો ગઢ રહી છે. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી 1991 પછી 1998, 1999, 2004, 2009 અને 2014થી સતત વિજયી થતાં આવે છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(9:03 am IST)