Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

સરકારી મહેમાન

લોકસભામાં કોંગ્રેસના નેતાઓ તેમની 'ભૂલ' રિપીટ કરશે તો પરિવર્તન નહીં પુનરાવર્તન

વાયબ્રન્ટના સુપર હિરો- રાજગોપાલન અને મહેશ્વર શાહુનું સ્થાન ડો. JN સિંઘ અને MK દાસને મળ્યું છે : પેટ્રોલ, ડીઝલ અને સીએનજીને હવે છોડો, ગુજરાતમાં એક નવા ફ્યુઅલ અંગે પોલિસી આવી રહી છે : એક બેઠક પછી બીજી બેઠક વચ્ચે માત્ર લંચનો સમય: વાયબ્રન્ટના ચાર દિવસમાં 42 કલાક કામ થશે

ગુજરાતનો રાજકીય ઇતિહાસ છે કે નરેન્દ્ર મોદીનું કદ જો મોટું થયું હોય તો તેમને મળેલી નેગેટીવ પબ્લિસિટી છે. મોદીને પોઝિટીવ સેન્સમાં કોંગ્રેસના નેતાઓએ ક્યારેય જોયા જ નથી. મોદીને ગાળો આપવાથી ચૂંટણી જીતી જવાય છે તેવું નહીં પણ ચૂંટણી હારી જવાય છે તેવો પ્રચાર કોંગ્રેસે હવે શરૂ કરવો જોઇએ, કેમ કે ગુજરાતની છેલ્લી પાંચ ચૂંટણીના પરિણામો બતાવે છે કે કોંગ્રેસ કેટલા પાણીમાં છે. પંજાબ અને ગોવાની ચૂંટણીમાં કારમી હાર પછી દિલ્હીના મુખ્યમંત્રીને બ્રહ્મજ્ઞાન થયું હતું કે-- "મોદીને ગાળો દેવાથી ચૂંટણી જીતી શકાતી નથી". તેમણે તેમની સ્ટેટજી બદલીને મોદીનું નામ લેવાનું બંધ કર્યા પછી દિલ્હીની પેટાચૂંટણીમાં તેમની પાર્ટીનો કેન્ડિડેટ જીતી ગયો હતો. મોદી વિરૂદ્ધ જાહેરમાં પ્રવચન નહીં કરવાનો કેજરીવાલનો કિમિયો સફળ રહ્યો હતો. હવે કોંગ્રેસના નેતાઓ કેજરીવાલની ફોર્મ્યુલા પ્રમાણે કામ કરશે તો આ વખતે કોંગ્રેસને લોકસભામાં દસ થી બાર બેઠકો મળી શકે છે. કોંગ્રેસ જો માત્ર મોદીને ગાળો આપવાની જૂની પરંપરા ચાલુ રાખશે તો તે 2019ની ચૂંટણીમાં 2014નું પુનરાવર્તન કરશે તેવું લાગે છે. ગુજરાતમાં મોદીને ગાળો આપવાથી કોંગ્રેસને હંમેશા નુકશાન જ થયું છે છતાં પ્રદેશના નેતાઓની આંખ ખૂલતી નથી. કોંગ્રેસે મોદીને 2002, 2007, 2012 અને 2017ની વિધાનસભા તેમજ 2014ની લોકસભાની ચૂંટણીમાં ગાળો આપવાનું સતત ચાલુ રાખતાં કોંગ્રેસ સાફ થઇ ગઇ છે. લોકો માટે પાર્ટી શું વિચારે છે. પાર્ટીનો ભાવિ પ્લાન શું છે. કોંગ્રેસ લોકો માટે શું કરવા માગે છે તેની પાર્ટીમાં કોઇ પ્રસિદ્ધિ કરતું નથી તેથી કોંગ્રેસ હારે છે. નવા વર્ષમાં કોંગ્રેસના પ્રદેશ નેતાઓને કેજરીવાલ જેવી સદબુદ્ધિ મળે તેવી પ્રાર્થના પાર્ટીના કાર્યકરો કરી રહ્યાં છે.

વાયબ્રન્ટમાં ચાર દિવસના ભરચક કાર્યક્રમો...

વાયબ્રન્ટ સમિટ પૂર્વે 17મીએ સાયન્સ, ટેકનોલોજી, એન્જીનિયરીંગ, મેથેમેટીક્સ -સ્ટીમ-અંગે રાઉન્ડ ટેબલ બેઠક, ટેકનોલોજી અને સ્પેસ અંગે એક્ઝિબિશન, સાયન્સ એન્ડ ટેકની કોન્ફરન્સ અને ગ્લોબલ ટ્રેડ શો નું ઉદધાટન થશે. 18મી જાન્યુઆરી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વાયબ્રન્ટ સમિટનું ઉદધાટન થવાનું છે. પહેલા દિવસે બીટુબી અને બીટુજી બેઠકો, મેક ઇન ઇન્ડિયા સેમિનાર, પોર્ટલેડ ડેવલપમેન્ટ અને ગિફ્ટ સમિટ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ડેન્માર્ક, જાપાન, ઉઝબેકિસ્તાન, નેધરલેન્ડ, થાઇલેન્ડ, કઝીચ રિપબ્લિક, યુએઇ, સાઉથ કોરિયા અને માલ્ટાના કન્ટ્રી અને ઝારખંડ તેમજ મહારાષ્ટ્રનો સ્ટેટ સેમિનાર થશે. આ દિવસે યુએસ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ પણ મળવાની છે. 19મી જાન્યુઆરીએ આફ્રિકન ડેની ઉજવણી થશે. એ સાથે ઇન્ટરનેશનલ ચેમ્બર્સની ગ્લોબલ કોન્કલેવ તેમજ ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ ફોરમનું આયોજન કરવામાં આવ્યું છે. જર્મની અને ગુજરાત પાર્ટનર્સના ગ્રોથ અંગે મિટ થશે. તૈવાન ઇન્ટરનલ ટ્રેડ ડેવલપમેન્ટ કાઉન્સિલ મળશે. ફ્રાન્સ, પોલેન્ડ, સાઉથ આફ્રિકા, મોરોક્કો, કેનેડા, ઓમાન, સિંગાપુર, રશિયા અને નોર્વે નો કન્ટ્રી ઉપરાંત હિમાચલ પ્રદેશ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, પંજાબનો સ્ટેટ સેમિનાર થશે. ગુજરાત સ્પ્રિન્ટ 2022ની બ્લુ પ્રિન્ટ આ દિવસે રજૂ થશે. બીટુબી અને બીટુજી બેઠકો યોજાશે. ટ્રેડ એન્ડ એક્સપોર્ટ અંગે સેમિનાર થશે. મેડિકલ અને ફાર્મા સર્વિસ, મોબિલિટી લેડ અર્બન ડેવલપમેન્ટ, એમએસએમઇ કન્વેન્શન તેમજ યુરોપિયન માર્કેટ એન્ડ ઇનોવેશન અંગે સમિટ થશે. 20મી જાન્યુઆરીએ અંતિમ દિવસે ગ્લોબલ ફ્રન્ટીયર અંગે ઇન્ડિયન ટેલેન્ટ પૂલનો એક ખાસ કાર્યક્રમ યોજાશે. એ ઉપરાંત રેન્યુએબલ એનર્જી, સસ્ટેનેબલ ટેકનોલોજી ડ્રીવન એગ્રીકલ્ચર, ટેક્સટાઇલ, ઇન્ટરનેશનલ ચેમ્બર્સનો ગ્લોબલ કોન્કલેવ યોજાશે. ત્રીજા દિવસે પણ બીટુબી અને બીટુજી બેઠકો થશે અને હરિયાણાનો સ્ટેટ સેમિનાર પછી સાંજના સમયે વેલેડિક્ટરી ફંકશન થશે. અત્યાર સુધીમાં 17530 ડેલિગેટ્સનું રજીસ્ટ્રેશન થયું છે. 82 બિઝનેસ પ્રતિનિધિમંડળોની નોંધણી થઇ છે અને 26051 કંપનીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ ચાર દિવસમાં 48 કલાક કામ થશે તેવું લાગી રહ્યું છે.

સરકારે આરોગ્યનું બજેટ વધારવું પડશે...

ગુજરાતમાં આરોગ્ય સેવાઓ માટે રૂપિયાની ફાળવણીમાં કુલ બજેટના પાંચ કે છ ટકા નહીં ચાલે પરંતુ 2020 સુધીમાં કુલ બજેટના આઠ ટકા રકમ આરોગ્ય સેવાઓ પાછળ ફાળવવી પડશે. આમ થવાનું કારણ રાષ્ટ્રીય આરોગ્ય નીતિ છે. આ નીતિમાં દેશના તમામ રાજ્યોને કહેવામાં આવ્યું છે કે આરોગ્ય સેવાઓ પાછળ બજેટના આઠ ટકા ફાળવવા પડશે. ગયા બજેટમાં ગુજરાત સરકારે આરોગ્ય સેવાઓ પાછળ 9000 કરોડનો ખર્ચ કરવાનું આયોજન કર્યું હતું પરંતુ હવે તેમાં વધારો કરવો પડશે. એટલે કે ગુજરાત સરકારનું કુલ બજેટ બે લાખ કરોડ હશે તો રાજ્યએ આરોગ્ય સેવાઓ પાછળ 16000 કરોડ રૂપિયા ખર્ચવા પડશે. માત્ર ગુજરાત જ નહીં દેશના અન્ય રાજ્યોને આરોગ્ય બજેટ વધારવા માટે આ નીતિ પ્રોત્સાહિત કરે છે. કેન્દ્રની સરકારની સૂચનાઓનું પાલન દરેક રાજ્ય સરકારોએ કરવાનું હોય છે તેથી આશા રાખીએ કે ગુજરાતમાં આરોગ્ય સેવાઓ પાછળના બજેટમાં રૂપિયાની ફાળવણી વધે.

કુંવરજી હવે સરકારમાં મહત્વનો ચહેરો છે...

જસદણની પેટા ચૂંટણીમાં 20000ની જંગી લીડથી જીતેલા કુંવરજી બાવળિયા હવે ગુજરાત સરકારમાં મહત્વનો ચહેરો છે. કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરતાં હોવાથી પાર્ટીના હાઇકમાન્ડે તેમને લોકસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય કક્ષાએ મહત્વ આપવાનું નક્કી કર્યું છે. ભાજપમાં કોળી સમાજ એટલે પરસોત્તમ સોલંકી અને તમના ભાઇ હીરાભાઇ સોલંકી. આ બન્ને ચહેરા એવા છે કે ભાજપમાં તેમનો પડ્યો બોલ ઝિલાય છે પરંતુ હવે એવું રહ્યું નથી. ભાજપમાં કોંગ્રેસના કુંવરજી આવી ગયા છે એટલે આ બન્ને ભાઇનું વર્ચસ્વ ઓછું થવાના ચાન્સિસ છે. પરસોત્તમ સોલંકીની જીદ સામે ભાજપ ઘણીવાર ઝૂકી ગયું છે પરંતુ હવે ભાજપમાં કોળી સમાજના વારસદાર તૈયાર થઇ ચૂક્યાં છે. પાર્ટી બદલીને ભાજપમાં આવેલા કુંવરજી માટે એવું કહેવાય છે કે તેઓ રાષ્ટ્રીય કોળી સમાજમાં પ્રભુત્વ ધરાવે છે તેથી તેમનો ઉપયોગ લોકસભાની ચૂંટણીમાં કરવામાં આવશે. તેઓ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બની જાય તો નવાઇ પામવા જેવું નથી. કુંવરજીની કોંગ્રેસમાંથી એક્ઝિટ એ કોંગ્રેસને જ ભારે પડી છે.

વાયબ્રન્ટ સમિટ પછી મોટાપાયે બદલીઓ...

ગુજરાત સરકારમાં સિનિયર નેતાઓની અછત સર્જાઇ રહી છે. વધુ એક ઓફિસર રાજગોપાલ આ મહિનાના અંતે નિવૃત્ત થઇ રહ્યાં છે. તેમના સ્થાને કોને મૂકવા તેની ચર્ચા વાયબ્રન્ટ સમિટ પછી થાય તેમ લાગી રહ્યું છે, કેમ કે અત્યારે સરકાર વાયબ્રન્ટ મોડમાં આવી છે અને વાયબ્રન્ટ પહેલાં સિનિયર ઓફિસરોની બદલીઓ થાય તેવી કોઇ શક્યતા નથી. નર્મદા નિગમના સીએમડી એસ.એસ.રાઠોડની એક્ઝિટ પછી તેનો વધારાનો હવાલો ડો. રાજકુમાર ગુપ્તાને આપવામાં આવ્યો છે. એ ઉપરાંત રાજ્યમાં ઉદ્યોગ વિભાગના એસીએની જગ્યા ખાલી છે જેનો હવાલો એમ.કે.દાસ પાસે છે. હવે રાજગોપાલની નિવૃત્તિ પછી ઉર્જા વિભાગનું સ્થાન ખાલી પડશે. આ સ્થાન માટે હાલ તો જીયુવીએનએલના એમડી પંકજ જોષીનું નામ ઉપસી આવ્યું છે પરંતુ સરકારે હજી આ સ્થાન માટે કોની નિયુક્તિ કરવી તેની ચર્ચા મુખ્યમંત્રીએ બાકી રાખી છે. ગુજરાતના 20થી વધુ સિનિયર આઇએએસ ઓફિસરોને વાયબ્રન્ટ પછી નવું પોસ્ટીંગ મળી શકે છે.

વાહનનું ફ્યુઅલ બદલો, નવી પોલિસી આવે છે...

ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજીથી ચાલતા વાહનોનું ફ્યુઅલ બદલવાનો સમય આવી ગયો છે, કેમ કે ગુજરાત સરકાર ઇલેક્ટિક વાહન એટલે કે ઇવી અંગે નવી પોલિસી સાથે મેદાનમાં ઉતરી રહી છે. આ પોલિસીમાં ઉર્જાની સાથે શહેરી વિકાસ અને ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટ સીધી રીતે સંકળાયેલા છે. ત્રણ ઓફિસરો નક્કી કરે ત્યારે પોલિસી જાહેર થવાની સંભાવના છે. સૂત્રો કહે છે કે વાયબ્રન્ટ સમિટમાં ઇવી પોલિસી મૂકવાની હોવાથી આ ત્રણ વિભાગોમાં ધમાધમ ચાલે છે. 18મી જાન્યુઆરી એ વાયબ્રન્ટ સમિટ શરૂ થાય તે પહેલાં ઇવી પોલિસી જાહેર કરવાનો સરકારનો ઇરાદો છે જેમાં ખાસ કરીને ફ્યુઅલ કન્વર્ઝન અને ફ્લુઅલ પોઇન્ટ્સનો સમાવેશ કરવામાં આવશે. ઇવી વાહનો માટે વાયબ્રન્ટ સમિટમાં ખાસ મૂડીરોકાણ માટે જોગવાઇ કરવામાં આવી છે. દેશ અને વિદેશની ઇવી કાર તેમજ અન્ય વાહનોને આ સમિટમાં પ્રોત્સાહન આપવામાં આવશે તેવું કહી શકાય છે. સમિટના પ્રદર્શન કક્ષમાં ફ્લાઇંગ કાર, સી-પ્લેનની સાથે ઇવી વાહનોનું પણ પ્રદર્શન થવાનું છે. ઇવી પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર થવામાં છે અને તેની ટૂંકમાં જાહેરાત કરાશે.

ગુજરાતની વાયબ્રન્ટ સમિટના ઘડવૈયા...

ગુજરાત સરકારમાં એક સમય હતો જ્યારે વાયબ્રન્ટ સમિટમાં રાજગોપાલન અને મહેશ્વર શાહુનો દબદબો હતો. આ બન્ને ઓફિસરોએ નરેન્દ્ર મોદીના શાસનમાં સફળતા પૂર્વક વાયબ્રન્ટ સમિટ પૂર્ણ કર્યા હતા. આજે આ બન્ને ઓફિસરોનું સ્થાન રાજ્યના ચીફ સેક્રેટરી ડો. જે.એન.સિંઘ, મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે. કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અગ્રસચિવ એમ.કે.દાસ અને મુખ્યમંત્રીના સેક્રેટરી અશ્વિની કુમારે લીધું છે. તેમની વાયબ્રન્ટ ટીમમાં ઉદ્યોગ કમિશનર મમતા વર્મા, ઇન્ડેક્ષ્ટ-બી ના એમડી રાજકુમાર બેનિવાલ જોડાયા છે. એ ઉપરાંત એડિશનલ ચીફ સેક્રેટરીમાં મહેસૂલ વિભાગના પંકજ કુમાર, કૃષિ વિભાગના સંજયપ્રસાદ, વન અને પર્યાવરણના ડો. રાજીવકુમાર ગુપ્તા, આરોગ્ય વિભાગના પુનમચંદ પરમાર, ઉર્જા અને પેટ્રોકેમિકલના રાજગોપાલ અને શહેરી વિકાસના મુકેશ પુરી તેમજ પ્રિન્સિપલ સેક્રેટરી જેવાં કે આરોગ્ય વિભાગના ડો. જ્યંતિ રવિ, બંદર વિભાગના સુનયતા તોમર અને પ્રવાસન વિભાગના એસ.જે.હૈદર પર મોટો ભાર છે. એ ઉપરાંત સાયન્સ ટેક ના સચિવ ધનંજય દ્વિવેદી, જીએમડીસીના એમડી અરૂણ સોલંકી, જીઆઇડીસીના એમડી ડી. થારા અને જીએમબીના સીઇઓ મુકેશકુમારનો રોલ મહત્વનો રહેશે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

 

 

(8:45 am IST)
  • જયંતી ભાનુશાળી હત્યાકેસમાં છબીલ પટેલના દસ દિવસના રિમાન્ડ મંજૂર : વિનોદ ગાલા દ્વારા ભૂજ ::જેન્તી ભાનુશાળી હત્યા કેસ પ્રકરણમાં પોલીસે કોર્ટમાં રજુ કરતા ભચાઉ કોર્ટે છબીલ પટેલ ના 10 દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા છે હત્યા પ્રકરણમાં 25 માર્ચ સુધી છબીલ પટેલ ના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે access_time 4:41 pm IST

  • ગીર સોમનાથમાં યુવાન ઉપર સિંહનો હુમલો : કોડીનારના હઠમડીયા ગામે યુવાન ઉપર સિંહે હુમલો કરી કમ્મર અને છાતીના ભાગે ઈજા પહોંચાડી access_time 6:10 pm IST

  • કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિએ લોકસભા ચૂંટણીની ત્રીજી યાદી પ્રસિદ્ધ કરી access_time 1:27 am IST